
હમ જહાં ખડે હોતે હૈં, લાઇન વહીં સે શુરુ હોતી હૈ…’’ અમિતાભ બચ્ચનનો આ ડાયલોગ કેટલાંય વર્ષો પછી પણ લોકોને યાદ હોવાનું કારણ શું? બચ્ચન સાહેબની દમદાર એક્ટિંગ તો ખરી જ, લાઇન સામેની આપણી અકળામણની પણ એમાં મોટી ભૂમિકા છે!
આપણા દેશની વસતી જ એટલી બધી છે કે બધી જગ્યાએ આપણે પોતાનો વારો આવે તેની રાહ જોતા લાઇનમાં ઊભા રહેવું પડે છે. વર્ષોથી આપણે લાઇનથી ટેવાયેલા, કંટાળેલા ને અકળાયેલા છીએ. પરંતુ કદાચ તમે પણ નોંધ્યું હશે, અગાઉની ઘણી લાઇન હવે ગાયબ થવા લાગી છે!
આપણે ઘણી જગ્યાએ લાઇનમાં ઊભા રહેવામાંથી હવે બચી શકીએ છીએ, કેમ કે એ કામ મોબાઇલમાં કરી શકાય છે. પરંતુ એરપોર્ટ પર હજી, ખાસ કરીને પિક અવર્સમાં પ્રવાસીઓની લાંબી લાઇન લાગે છે કેમ કે બધું કાગળિયાં આધારિત છે. હવે એરપોર્ટ પર આપણો ચહેરો જ આપણે માટે વિવિધ દરવાજા ખોલી આપે એવી પદ્ધતિનો પ્રારંભ થઈ ગયો છે.
અગાઉ આપણે રાતના દસ પછી સસ્તો ફોનકોલ કરવા એસટીડી બૂથ પર લાઇનમાં બાંકડે બેસતા, હવે એ વાત ભૂતકાળ બની ગઈ છે. અગાઉ આપણે ફિલ્મ, બસ, ટ્રેન, ટિકિટ વગેરેની ટિકિટ ખરીદવા લાઇનમાં ઊભા રહેતા, હવે એ કામ મોબાઇલ પર પતી જાય છે. અગાઉ બેન્કમાં કે એટીએમ બહાર પણ લાઇનમાં ઊભા રહેવું પડતું, હવે બેન્કનાં ઘણાં ખરાં કામ મોબાઇલમાં પતી જાય છે. હાઇવે પર ટોલપ્લાઝા પર રોકડમાં ટોલટેક્સ ચૂકવાતો હતો ત્યારે વાહનોની લાઇન જે ગતિએ આગળ વધતી અને હવે ફાસ્ટેગથી પેમેન્ટ થાય છે તેનાથી ફેર તો ચોક્કસ પડ્યો છે. ફાસ્ટેગની શરૂઆતમાં, એનો લાભ લેનારા લોકો એમની લાઇનમાં ફટાફટ આગળ વધી જતા અને આપણે પોતાના વારાની રાહ જોતા કારમાં બેસી રહેતા એ કદાચ તમને પણ યાદ હશે!
આમ ભારત ઘણી બધી રીતે ડિજિટલ બની રહ્યું છે એ તો સ્પષ્ટ છે. છતાં, આપણે આ સવલતોનો પૂરતો લાભ ન લઈએ કે જ્યાં આ સવલતો જ અધૂરી સાબિત થાય ત્યાં હજી લાઇન આપણે લમણે લખાયેલી રહી છે.
આવી એક બાબત હતી – અને હજી છે – એરપોર્ટ પરની લાઇન્સ. હમણાં લોન્ચ થયેલી ‘ડિજિયાત્રા’ સર્વિસથી આ લાઇન પણ ભૂતકાળ બને એવી આશા જાગી છે. આ સગવડ અત્યારે ફક્ત ત્રણ એરપોર્ટ પર મળી છે અને તેનો લાભ સમાજના બહુ મર્યાદિત વર્ગને જ છે, પણ દેશની ડિજિટલ યાત્રા કેવી આગળ વધી રહી છે એ સમજવા ડિજિયાત્રામાં રસ લેવા જેવો છે!

જો તમે ભારતમાં વારંવાર હવાઈ મુસાફરી કરતા હો તો તમે જાણતા હશો કે ઊડતા પ્લેનમાં આપણો જેટલો સમય વીતે તેના કરતાં વધુ સમય એરપોર્ટ પર વેડફાઈ જતો હોય છે! આપણે એરપોર્ટમાં પ્રવેશ કરીએ ત્યારે પોતાના કોઈ પણ આઇડેન્ટિટી પ્રૂફ અને પ્લેનની ટિકિટ કે બોર્ડિંગ પાસથી સલામતીની પ્રક્રિયા શરૂ થાય, જે આગળ જતાં વધુ ને વધુ સમય માગે.
ખાસ કરીને વહેલી સવારે કે મોડી સાંજની ફ્લાઇટ હોય તો પ્રવાસીઓની હજી વધુ ભીડ હોય. આપણી પોતાની સલામતી માટે એરપોર્ટ પર સલામતીની પ્રક્રિયા અત્યંત કડક હોવી અનિવાર્ય છે, પરંતુ એમાં જરૂર કરતાં વધુ સમય ખર્ચાય તે મોટા ભાગે બધા લોકોને અકળાવતી બાબત હોય છે. એક-બે મહિના પહેલાં દિલ્હી એરપોર્ટ પર એવી ધાંધલ સર્જાઈ હતી કે ખુદ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ ત્યાં રૂબરૂ જઈને તેની તરફ ધ્યાન આપવું પડ્યું.
ડિજયાત્રાનો પ્રારંભ
હવે ભારત સરકારે લોન્ચ કરેલી ‘ડિજિયાત્રા’ સર્વિસથી આ સ્થિતિ બદલાય તેવી શક્યતા છે. આ સર્વિસ ફેસ રેકગ્નિનેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે આપણા ચહેરા, આધાર નંબર તથા ફ્લાઇટના બોર્ડિંગ પાસને એકમેક સાથે લિંક કરે છે અને એરપોર્ટ પર દરેક તબક્કે, વિવિધ ડોક્યુમેન્ટનું ફિઝિકલ વેરિફિકેશન કરાવવા માટે લાંબી કતારમાં ઊભેલા લોકોથી આગળ નીકળી જવાની તક આપે છે!
ભારત દેશ મક્કમ ગતિએ, વિવિધ રીત ડિજિટલ બની રહ્યો છે, તેમાં દેશના અને સૌના સમય-સંસાધનની મોટી બચત છે.
ડિસેમ્બર, ૨૦૨૨થી દિલ્હી, બેંગલુરુ તથા વારાણસીના એરપોર્ટ પર ડિજિયાત્રાનો ઉપયોગ ફુલ સ્કેલમાં શરૂ થઈ ગયો છે. આપણે પોતાની ફ્લાઇટની તારીખ પહેલાં આ ડિજિયાત્રાની એપ ડાઉનલોડ કરીને તેને પોતાના આધાર નંબર સાથે લિંક કરવાની રહે છે. આ પછી આપણો ડિજિયાત્રા આઇડી જનરેટ થાય છે, ફ્લાઇટની ટિકિટ બુક કરાવતી વખતે આપણે આ નંબર આપી શકીએ છીએ. એ પછી, આપણા આ આઇડી સહિત, મુસાફરીની વિગતો એરલાઇન્સ તરફથી એરપોર્ટ ઓથોરિટીને મોકલવામાં આવે છે.
એરપોર્ટ પરની પ્રોસેસ
એરપોર્ટમાં પ્રવેશ કરતી વખતે આપણી પાસે પોતાની ટિકિટ અને બોર્ડિંગ પાસ જોઈશે. એરપોર્ટ પર પ્રવાસીએ એન્ટ્રી ગેટ પરના કિઓસ્ક પર પોતાનો ડિજિયાત્રી આઇડી વેલિડેટ કરવાનો રહેશે. આધારને કારણે આ વેરિફિકેશન સિક્યોરિટી પર્સનની મદદ વિના, ઓનલાઇન થઈ શકશે. એ સાથે આપણી પાસેની ડિજિટલ કે ફિઝિકલ ટિકિટ કે બોર્ડિંગ પાસને કિઓસ્ક પર સ્કેન કરવાનો રહેશે. એ સમયે આપણો ચહેરો સ્કેન થાય છે અને તેને સિસ્ટમમાંના ડેટા સાથે મેચ કરવામાં આવે છે.
પહેલા કિઓસ્ક પરના સ્કેનિંગ દરમિયાન, આ બધી વિગતો, સિસ્ટમમાં પહેલેથી પહોંચી ગયેલી વિગતો સાથે મેચ થાય તો કિઓસ્ક પછીનો ગેટ ઓટોમેટિકલી ખુલી જાય છે અને આપણે એરપોર્ટમાં પ્રવેશી શકીએ છીએ. આ તબક્કાથી આગળ બધે જ કોઈ પ્રકારના પેપર કે ઇ-ડોક્યુમેન્ટ્સની જરૂર રહેતી નથી. આપણે ફક્ત ચહેરો બતાવવાનો રહે છે! આગળ જતાં, એરલાઇનના ચેકઇન ડેસ્ક પર લગેજ જમા કરાવી, સિક્યોરિટી પ્રોસેસ માટે આગળ વધવાનું રહે છે.
ડિજિયાત્રા એપનો ઉપયોગ અત્યારે ત્રણ એરપોર્ટ પર શરૂ થયો છે, ટૂંક સમયમાં તે સાત એરપોર્ટ પર પણ શરૂ થઈ જશે.
અહીં પણ ફેસ રેકગ્નિશન સિસ્ટમથી આપણી ઓળખ સાબિત થાય છે અને અન્ય પ્રવાસી કરતાં આપણને વહેલો પ્રવેશ મળે છે!
દેખીતું છે કે અહીં સિક્યોરિટીની તમામ પ્રક્રિયા આપણે પૂરી કરવી પડે છે, પરંતુ દરેક તબક્કે પેપર ડોક્યુમેન્ટ્સનું ચેકિંગ જરૂરી ન રહેવાથી સમય ખાસ્સો બચે છે.
ડિજિયાત્રા એપનો ઉપયોગ કરનારા મુસાફરોનો અનુભવ છે કે અત્યારે સુધી રોજિંદી રીતે સિક્યોરિટી પ્રક્રિયા પસાર કરવામાં બે કલાક જેટલો સમય લાગતો હોય તો ડિજિયાત્રા એપની મદદથી આ સમય ઘટીને એકાદ કલાક જેટલો થઈ જાય છે.
અલબત્ત હજી આ સિસ્ટમ પર સૌને પૂરો વિશ્વાસ ન હોવાથી લોકો ડિજિયાત્રા એપનો ઉપયોગ કરતા હોય તો પણ એરપોર્ટ પર પહેલાં જેટલો જ સમય લાગશે એમ માનીને એરપોર્ટ પર વહેલા પહોંચે છે.
ડેટાની સલામતીનું શું?
ડિજિયાત્રા એપનો ઉપયોગ કરવા માટે આપણે તેને પોતાનો આધાર નંબર તથા ફેસનો બાયોમેટ્રિક ડેટા આપવો પડે છે. પરંતુ આપણે આધાર વ્યવસ્થામાં પણ આ વિગતો આપી છે.
ઉપરાંત, ડેવલપર્સ એવી ધરપત આપે છે કે તેમાં આપણો ડેટા સલામત છે અને આપણી મુસાફરી પછી એમાં આપણો મોટા ભાગનો ડેટા ભૂંસી નાખવામાં આવે છે અને કોઈ સંવેદનશીલ વિગતો સ્ટોર્ડ રહેતી નથી.
ડિજિયાત્રા એપના ઉપયોગમાં લોકોને હજી કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે, પણ ભારત સરકારની અન્ય ડિજિટલ પહેલોની જેમ ડિજિયાત્રા એપ પણ આગળ જતાં વેગ પકડશે એવું લાગે છે.
આપણે ડિજિલોકર એપ ડાઉનલોડ કરી, તેમાં રજિસ્ટ્રેશન કરીને આપણો ડિજિયાત્રી આઇડી જનરેટ કરવાનો રહે છે તથા પોતાની પ્રાથમિક વિગતો સાથે એક સેલ્ફી આપવાની રહે છે, પછી એરપોર્ટ પર બધી પ્રોસેસ પેપરલેસ બની જાય છે.



