
હમણાં સમાચાર છે કે કેનેડાના એક દંપતિએ તેનાં બે બાળકોને ફોર્ટનાઇટ ગેમની લત લાગી એટલે વિશ્વવિખ્યાત એપિક ગેમ્સ સામે કેસ માંડ્યો છે. અદાલતે ત્રણ વર્ષ સુધી વિચાર કરી, આ કેસ વાહિયાત નહીં પણ અદાલતની કાર્યવાહી માટે યોગ્ય છે એવું ઠરાવ્યું છે!
તમારા પરિવારમાં કોઈને આ નવા સમયની બીમારી વળગી હોય તો સમયસર પગલાં લેજો!
કોરોનો પહેલાંનું સર્વેક્ષણ

ભારતીય ઉદ્યોગ જગતના કેટલાક દિગ્ગજો જેના સલાહકાર છે, એવા ‘લોકલસર્કલ્સ’ (localcircles.com) નામના એક અલગ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મે વર્ષ ૨૦૧૯માં ભારતીય પેરેન્ટ્સનો એક સર્વે કર્યો હતો.
કોરોના પહેલાંના એ સર્વેમાં
- ૭૩ ટકા પેરેન્ટ્સનો મત હતો કે તેમનાં બાળકો ૧૫ વર્ષની ઉંમર પહેલાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તેવું તેઓ ઇચ્છતાં નથી.
- જ્યારે ૫૯ ટકા લોકોએ કહ્યું હતું કે ૧૧ થી ૧૩ વર્ષનાં બાળકોને માબાપની સંમતિ હોય તો પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવાની મંજૂરી હોવી ન જોઇએ.
સર્વેના ત્રણ વર્ષ પછી હમણાં ફરીથી એ જ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો. બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે ભારતના ૨૮૭ જિલ્લાના ૬૫,૦૦૦ જેટલા લોકોના અભિપ્રાય મેળવવામાં આવ્યા. તેનાં પરિણામો પર એક નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે હવે સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે મમ્મી-પપ્પાની સંમતિ કે દેખરેખની વાત જ રહી નથી, બાળકો એમની રીતે ઘણાં આગળ વધી ગયાં છે.
તમારા ઘરમાં શું સ્થિતિ છે?
મોબાઇલનો ઉપયોગ હવે બેરોકટોક વધ્યો છે

આંકડા કંટાળાજનક લાગે તો પણ વાંચો – લોકલસર્કલ્સના હમણાંના સર્વેક્ષણનાં પરિણામો મુજબ,
- ૬૨ ટકા શહેરી પેરેન્ટ્સ કહે છે કે તેમનાં ૧૩થી ૧૭ વર્ષનાં બાળકો રોજના ત્રણ કલાક કે તેથી વધુ સમય ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયા, વીડિયો અને ગેમ્સ પાછળ ખર્ચે છે.
- ૪૯ ટકા શહેરી પેરેન્ટ્સે કહ્યું કે તેમનાં ૯થી ૧૩ વર્ષનાં બાળકો રોજના ત્રણ કલાક કે તેથી વધુ સમય ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયા, વીડિયો અને ગેમ્સ પાછળ ખર્ચે છે.
- ૭૧ ટકા પેરેન્ટ્સે કહ્યું કે તેમનાં ૧૩થી ૧૭ વર્ષનાં બાળકો સ્કૂલ સિવાયનો લગભગ આખો દિવસ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે છે. ૯થી ૧૩ વર્ષનાં બાળકો માટે આવો મત ૫૫ ટકા પેરેન્ટ્સે આપ્યો.
- ૪૪ ટકા પેરેન્ટ્સે કહ્યું કે તેમનાં ૧૩થી ૧૭ વર્ષનાં બાળકોને અને ૪૭ ટકા પેરેન્ટ્સે કહ્યું કે તેમનાં ૯થી ૧૩ વર્ષના બાળકોને ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયા, વીડિયો અને ગેમિંગની પૂરેપૂરી આદત લાગી ચૂકી છે.
ફરી એ જ પ્રશ્ન – તમારા ઘરમાં શું સ્થિતિ છે? જો તમારાં બાળકોના હાથમાં સતત ફોન રહેતો હોય તો એ એમાં શું કરે છે તે તમે જાણો છો?
બાળકોમાં સ્માર્ટફોનનો ઉપયોગ હવે હદ બહારનો વધી રહ્યો છે, તેની આડઅસરો તરફ ધ્યાન આપવું પડશે.
બાળકોમાં બેચેની, હતાશા વધ્યાં છે
આ સર્વેમાં પેરેન્ટ્સને એમ પણ પૂછવામાં આવ્યું કે તેમના મતે બાળકોમાં ઇન્ટરનેટનો ઉપયોગ સતત વધવાનું કારણ શું છે?

માબાપે ખુદ સ્વીકાર્યું કે કારણ એ છે કે
- તેમણે બાળકોને જરૂર કરતાં વહેલી ઉંમરે ડિજિટલ સાધનો આપી દીધાં કે આપવાં પડ્યાં.
- કોરોના દરમિયાન સ્કૂલ, ક્લાસિસ ઓનલાઇન થયા અને બાળકોના મિત્રવર્તુળમાંથી પણ ઇન્ટરનેટનો ઉપયોગ વધારવા માટે દબાણ થતું રહ્યું.
- માબાપે એમ પણ સ્વીકાર્યું કે તેમનો પોતાનો સોશિયલ મીડિયા, ગેમિંગ અને વીડિયોનો ઉપયોગ સતત વધ્યો છે જે બાળકોમાં પણ વિસ્તર્યો.
ભારત સહિત વિવિધ દેશોમાં હવે એવી સ્થિતિ છે કે હાલના સમયમાં બાળકો કે વયસ્કો સૌ કોઈ દિવસમાં લગભગ ૧૫૦ વાર પોતાનો ફોન અનલોક કરીને તેમાંની બાબતો તપાસતા રહે છે. ૧૮ વર્ષથી નાનાં બાળકોમાં ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગથી બેચેની અને હતાશાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. નિષ્ણાતોના મતે આડઅસરોથી બચવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ રોજના બે કલાકથી વધવો ન જોઇએ.
તમારો કે બાળકોનો વપરાશ ચોક્કસ કેટલા કલાકનો છે, તે તમે જાણો છો?


