(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • યુટ્યૂબ પર આવે છે પેઇડ કોર્સ
  • વોટ્સએપ અન્ડુને પણ અન્ડુ કરવાની સગવડ!
  • પ્રતિબંધ દરમિયાન વોટ્સએપનો ઉપયોગ શક્ય બનશે
  • વોટ્સએપ સ્ટેટસને વાંધાજનક તરીકે રિપોર્ટ કરી શકાશે
  • ઇન્સ્ટાગ્રામે શોપિંગને બદલે કન્ટેન્ટ ક્રિએશન પર ફોક્સ કર્યું
  • ટ્વીટરને અન્ય સોશિયલ પ્લેટફોર્મના પ્રમોશન સામે વાંધો
  • ટ્વીટરની ડિઝાઇનમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો આવી રહ્યા છે

તમે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ટ્યુશન આપો છો? કે બીજા કોઈ પણ પ્રકારના કોચિંગ ક્લાસ ચલાવો છો, જેમાં તમે સ્ટુડન્ટને વિવિધ પ્રકારનું મટિરિયલ આપતા હો? તો તમને રસ પડે એવા એક સમાચાર છે.

યુટ્યૂબ આખી દુનિયાનું સૌથી મોટું એજ્યુકેશન પ્લેટફોર્મ ગણાય છે. તમે કોચ હો કે સ્ટુડન્ટ – તમારા રસની, અભ્યાસની કે કામની કોઈ પણ બાબત શીખવવા-શીખવા માટે યુટ્યૂબનો આશરો લેતા હશો તો તમે આ વાત સાથે પૂરેપૂરા સહમત થશો.

હવે યુટ્યૂબ પર ટ્યૂટોરિયલ અને અન્ય પ્રકારના એજ્યુકેશનલ કન્ટેન્ટ માટે ‘કોર્સિસ’ નામે એક નવું ફીચર આવી રહ્યું છે. આ ફીચરની ખાસિયત એ છે કે તેને પગલે યુટ્યૂબ માત્ર વીડિયોનું પ્લેટફોર્મ નહીં રહે, તેમાં બીજું કન્ટેન્ટ પણ ઉમેરી શકાશે.

કન્ટેન્ટ ડેવલપર ઇચ્છે તો પોતાના વીડિયો ટ્યૂટોરિયલને એક જ ટોપિક પરના મલ્ટિ-સેક્શન વીડિયોમાં વિભાજિત કરી શકશે અને તેની સાથોસાથ પોતાના કોર્સને પૂરક હોય તેવી સામગ્રી તરીકે પીડીએફ, ઇમેજિસ વગેરે પણ અપલોડ કરી શકશે!

કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાના કોર્સ સંપૂર્ણપણે મફત અથવા પેઇડ કોર્સ તરીકે ઓફર કરી શકશે.

મતલબ કે હવે ઓનલાઇન કોચિંગ ક્લાસીસને યુટ્યૂબ તરફથી નવેસરથી હરીફાઇ મળશે!

વોટ્સએપમાં અગાઉ આપણે કોઈને ભૂલથી મેસેજ મોકલી દઇએ તો એનો અફસોસ કર્યા સિવાય આપણી પાસે કોઈ છૂટકો નહોતો. એ પછી આવા, ભૂલથી સેન્ડ થયેલા મેસેજ ડિલીટ કરવાનું ફીચર મળ્યું. હવે આ વાત હજી એક ડગલું આગળ વધી છે.

હવે વોટ્સએપ આપણને ભૂલથી ડિલીટ કરેલા મેસેજ અન્ડુ કરવાની પણ તક આપેે છે! સામાન્ય રીતે આપણે કોઈ ખોટા ગ્રૂપ કે ખોટી વ્યક્તિને મેસેજ મોકલી દઇએ એ પછી તેને ડિલીટ કરવાની ઉતાવળમાં જો ‘ડિલીટ ફોર એવરીવન’ને બદલે ‘ડિલીટ ફોર મી’નો વિકલ્પ પસંદ કરીએ તો ભૂલથી મોકલાયેલો મેસેજ આપણે માટે મેસેજ ડિલીટ થઈ જાય, પરંતુ બાકીના લોકો જોઈ શકે! મેસેજ આપણે માટે ડિલીટ થઈ ચૂક્યો હોવાથી આપણે કંઈ કરી શકીએ નહીં. હવે આના ઉપાય તરીકે ડિલીટને અન્ડુ કરવા માટે વોટ્સએપ આપણને પાંચ સેકન્ડનો સમય આપે છે.

આથી જો આપણે મેસેજ ‘ડિલીટ ફોર મી’ કરીએ અને તેના કન્ફર્મેશન તરીકે ‘મેસેજ ડિલીટેડ ફોર મી’ એવી સૂચના જોવા મળે તો તેની સાથોસાથ અન્ડુનું બટન પણ જોવા મળશે.


દુનિયાના જુદા જુદા ભાગોમાં ઇન્ટરનેટ અથવા કોઈ ચોક્કસ સર્વિસ પર લાંબા કે ટૂંકા ગાળા માટે પ્રતિબંધ મૂકવાની કોઈ નવાઈ નથી. આ સ્થિતિનો સામનો કરવા માટે મેટા કંપનીએ વોટ્સએપમાં એક નવું ફીચર ઉમેર્યું છે. જેને કારણે જે તે દેશમાં કે નિશ્ચિત પ્રદેશમાં વોટ્સએપ પર પ્રતિબંધ મૂકાય તો પણ લોકો પોતાની રીતે પ્રોક્સી સર્વર ઊભું કરીને વોટ્સએપ પર એકમેકનો સંપર્ક કરી શકશે. એ માટે કંપનીએ વોટ્સએપની સાઇટ પર વિગતવાર સ્ટેપ્સ પણ સમજાવ્યાં છે.

તાજેતરમાં ઇરાનમાં હિજાબવિરોધી આંદોલનનો ફેલાવો અટકાવવા માટે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ પછી આવા પ્રતિબંધોનો સામનો કરવા માટે કંપનીએ આ પગલું ભર્યું છે, અલબત્ત તે દુનિયાભરના તમામ લોકોને ઉપલબ્ધ રહેશે.

કંપની કહે છે કે પ્રોક્સી સર્વર પર વોટ્સએપ રન કર્યા પછી, તેની લિંક જે લોકો સાદી રીતે  વોટ્સએપ એક્સેસ કરી શકતા ન હોય, તેમની સાથે અન્ય રીતે શેર કર્યા પછી, એ લોકો પણ વોટ્સએપનો ઉપયોગ કરી શકશે.

વોટ્સએપમાં તમે બેફિકર થઈને રોજેરોજ જુદા જુદા સ્ટેટસ પોસ્ટ કરતા હો તો હવે થોડા સતર્ક થઈ જજો. વોટ્સએપમાં એવું ફીચર આવી રહ્યું છે જેના કારણે અન્ય યૂઝર્સ કોઈ યૂઝરના સ્ટેટસમાં કંઈ વાંધાજનક લાગે તો તેને રિપોર્ટ કરી શકશે. એ માટે આપણે સ્ટેટસ જોઈ રહ્યા હોઈએ ત્યારે તેને રિપોર્ટ કરવા માટેનું બટન ઉમેરાશે.

અત્યારે આપણે કોઈ અન્ય યૂઝરનું સ્ટેટસ જોઈ રહ્યા હોઈએ ત્યારે તે યૂઝરને મ્યૂટ, મેસેજ, વોઇસકોલ કે વીડિયો કોલ કરવાના વિકલ્પો મળે છે. એ ઉપરાંત તેની કોન્ટેક્ટ ડિટેઇલ જોવાનો પણ વિકલ્પ મળે છે.

હવે તેની સાથોસાથ વાંધાજનક લાગતા સ્ટેટસને રિપોર્ટ કરવાનો વિકલ્પ પણ ઉમેરાશે. જ્યારે કોઈ યૂઝર કોઈ સ્ટેટસને વાંધાજનક રિપોર્ટ કરે ત્યારે આ વિગતો વોટ્સએપ કંપનીની મોડરેશન ટીમને પહોંચશે અને તેઓ નક્કી કરશે કે વોટ્સએપની ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબ જે તે સ્ટેટસ ખરેખર વાંધાજનક છે કે નહીં.

જોકે મજા એ છે કે આ આખી પ્રક્રિયામાં મેસેજનું એન્ડ-ટુ- એન્ડ એનક્રિપ્શન તો જળવાશે જ!

ડિજિટલ માર્કેટિંગના ફિલ્ડમાં ઇન્સ્ટાગ્રામે પોતાના એક આગવી પ્રેઝન્સ ઊભી કરી છે. ખાસ કરીને યંગ જનરેશનમાં ઇન્સ્ટાગ્રામ અત્યંત પોપ્યુલર થવાથી વિવિધ કંપનીઓને પોતાની પ્રોડક્ટ કે સર્વિસના પ્રમોશન માટે ઇન્સ્ટાગ્રામ બહુ ઉપયોગી થાય છે.

પરંતુ કંપની તરીકે ઇન્સ્ટાગ્રામ પોતે કઈ તરફ જવું એ બાબતે થોડા કન્ફ્યુઝનમાં હોય તેવું લાગે છે. થોડા સમયથી, ઇન્સ્ટાગ્રામ એપમાંથી શોપિંગ કરી શકાય એ માટે શોપ ટેબ ઉમેરાયું હતું. જેને કારણે વિવિધ કન્ટેન્ટ ક્રિએટર તેમની પોસ્ટ કે અન્ય કન્ટેન્ટમાં જે તે પ્રોડક્ટ ખરીદવા માટે શોપનું બટન ઉમેરી શકતા હતા.

હવે સમાચાર છે કે  ઇન્સ્ટાગ્રામ તેની એપ પર શોપિંગને પ્રમોટ કરવાને બદલે ફરીથી કન્ટેન્ટ ક્રિએશન પર વધુ ભાર મૂકશે. આ કારણે એપના હોમ મેનૂમાંથી શોપ ટેબ દૂર કરવામાં આવી રહ્યું છે. આવતા મહિના સુધીમાં તમામ યૂઝરની એપમાંથી શોપ ટેબ દૂર થઈ જાય તેવી શક્યતા છે. જોકે જે તે બિઝનેસના પ્રોફાઇલ પેજ પર શોપ બટન રહેશે અને ત્યાંથી લોકો ખરીદી માટે આગળ વધી શકશે.

ટ્વીટરનું સંચાલન અમેરિકાના માથાફરેલ ટેકનોક્રેટ ઇલોન મસ્કે પોતાના હાથમાં લીધું ત્યારથી અહીં સતત સખળડખળ ચાલી રહ્યું છે. હમણાં ઇલોન મસ્કે પોતે ટ્વીટરનું સીઇઓ પદ છોડી દેવું જોઇએ કે કેમ એ વિશે ટ્વીટર પર જ એક સર્વેક્ષણ ચલાવ્યું, જેમાં લોકોએ કહ્યું કે તેમણે પદ છોડી દેવું જોઇએ!

ઇલોન મસ્કે પોતાનું વચન પાળ્યું નથી!

દરમિયાન ટ્વીટર પર બીજી એક નવી વાત પણ વિવાદ જગાવી રહી છે. ટ્વીટરે જાહેર કર્યું છે કે તેના પ્લેટફોર્મ પર યૂઝર પોતાના ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા અન્ય પ્લેટફોર્મનું પ્રમોશન કરે તો તેને ટ્વીટરની પોલિસીનો ભંગ ગણવામાં આવશે. નવાઈની વાત એ છે કે ટ્વીટર પર પોતે યૂઝર્સને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા કન્ટેન્ટની લિંક્સ ટ્વીટર પર શેર કરવાની છૂટ આપે છે!

બીજી બધી બાબતોની જેમ ટ્વીટરના આ વલણનો પણ યૂઝર્સ જબરો વિરોધ કરી રહ્યા છે.

જો તમે ટ્વીટરનો લાંબા સમયથી ઉપયોગ કરતા હો તો ટ્વીટરમાં તમે વિવિધ ટ્વીટ્સને ઉપર-નીચે સ્ક્રોલ કરવાથી ટેવાયેલા હશો. હવે આ યૂઝર ઇન્ટરફેસમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. અન્ય કેટલીક સોશિયલ મીડિયા એપની જેમ ટ્વીટરમાં પણ આપણે વિવિધ ટ્વીટ્સને ડાબે કે જમણે પણ સ્વાઇપ કરી શકીશું.

ટ્વીટરના નવા સર્વેસર્વા ઇલોન મસ્કે હમણાં આ જાહેરાત કરી છે. તેમના કહેવા મુજબ ટ્વીટરની ડિઝાઇન અને યૂઝર ઇન્ટરફેસમાં બીજા પણ મોટા ફેરફાર આવી રહ્યા છે, જે ફેબ્રુઆરી મહિનાથી જ રોલઆઉટ થવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!