અહીં આપેલો આ સિમ્બોલ તમે બરાબર ઓળખતા જ હશો – સ્માર્ટફોન, લેપટોપ, પીસીના સીપીયુ વગેરે બધામાં આપણને તેનો લગભગ રોજ ઉપયોગ કરીએ છીએ, પણ ‘પાવર’ બટનનો સિમ્બોલ આવો જ હોવા પાછળ એક ખાસ કારણ છે, એ તમે જાણો છો?

આ સિમ્બોલ ધ્યાનથી જુઓ – એ બાઇનરી સિસ્ટમના 1 અને 0 ના કોમ્બિનેશનથી બનેલો છે!
કમ્પ્યૂટિંગની દૃષ્ટિએ જોઈએ તો તમામ કમ્પ્યૂટિંગ સિસ્ટમ્સ અને ઓપરેશન્સનો આધાર બાઇનરી નંબર એટલે કે માત્ર 0 અને 1 એમ બે જ નંબરનો ઉપયોગ કરતી સિસ્ટમ પર છે. માત્ર આ બે અંકની મદદથી કમ્પ્યૂટરના સીપીયુમાં તમામ પ્રકારની ઇન્ફર્મશન સ્ટોર, એક્સેસ અને પ્રોસેસ કરી શકાય છે.
બાઇનરી સિસ્ટમમાં 1નો અર્થ છે ઓન – ચાલુ અને 0નો અર્થ છે ઓફ – બંધ.

૧૯૭૩માં ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન (IEC) નામની સંસ્થાએ આ સિમ્બોલ ડિઝાઇન કર્યો. જોકે ત્યારે તેનો ઉપયોગ પાવરની ‘સ્ટેન્ડબાય’ સ્થિતિ દર્શાવવા માટે થતો હતો. એટલા માટે જ ઓન અને ઓફ વચ્ચેની સ્થિતિ દર્શાવવા માટે 0 ને વચ્ચેથી કટ કરીને તેમાં 1 ઉમેરવામાં આવ્યો હતો.
જોકે આગળ જતાં, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનીયર્સ (IEE)ને લાગ્યું કે આ સિમ્બોલ ગૂંચવાડો ઊભો કરે તેવો છે – કોઈ ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કાં તો ઓન હોય, અથવા સદંતર ઓફ હોય, બંનેની વચ્ચે ન હોઈ શકે.
એટલા માટે જ પછી ‘સ્ટેન્ડબાય’ માટે ‘સ્લીપ’ શબ્દનો ઉપયોગ શરૂ થયો અને પહેલાં ‘સ્ટેન્ડબાય’ માટે ડિઝાઇન થયેલા સિમ્બોલને ‘પાવર’ ઓન-ઓફ કરવા માટે બટનના સિમ્બોલ તરીકે અપનાવી લેવામાં આવ્યો!
વધુ જાણોએન્જિનીયર્સ માટે કામની વેબસાઇટ્સઃ તમને ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક ટેક્નોલોજીમાં ફક્ત રસ હોય, તમે તેના વિદ્યાર્થી હો કે એ તમારા કામનાં ક્ષેત્રો હોય તો તમારે આ બંને સંસ્થાઓની વેબસાઇટ્સની પૂરતી ફુરસદે તપાસવા જેવી છે.
બાઇનરી સિસ્ટમ વિશે વધુ જાણો |
