
ઇન્ટરનેટે આપણું જીવન બદલી નાખ્યું એમાં બેમત નથી, પણ એમાં તમને કઈ વાત સૌથી ત્રાસદાયક લાગે છે? લગભગ તમારો જવાબ હશે કે પાસવર્ડ! જે વેબસાઇટ કે એપમાં આપણને રસ પડે, એમાં ઘૂસવા જઈએ તો તરત કહેવામાં આવે – એકાઉન્ટ બનાવો ને પાસવર્ડ પસંદ કરો! પાસવર્ડ પાછો એવો હોવો જોઈએ જેમાં કેપિટલ-સ્મોલ લેટર્સ હોય, ડિજિટ્સ, સ્પેશિયલ કેરેટગર્સ હોય… વત્તા એ પાછો યાદ પણ રહેવો જોઈએ!
સદનસીબે, હવે આપણે આ ઝંઝટ લાંબો સમય સહન કરવાની નથી.
ઇન્ટરનેટની આખી સાંકળમાં પાસવર્ડ સૌથી નબળી કડી છે. એ બહુ અટપટો રાખીએ તોય ચોરાઈ શકે અને ભૂલી પણ જવાય. પાસવર્ડથી લોગ-ઇનને સલામત બનાવવા, પાસવર્ડ ઉપરાંત ઓટીપી આપવાની પદ્ધતિ આવી, તેમાંય ઓટીપી ચોરાવાની શક્યતા! લાંબા સમયથી ટેક કંપનીઓ આ સમસ્યાનો ઉપાય શોધી રહી હતી, છેવટે હવે પાસકી સ્વરૂપે આ ઉપાય મળ્યો છે.
પાસવર્ડને સ્થાને ‘પાસકી’ (Passkey) આવી રહી છે. તમે વોટ્સએપના એન્ક્રિપ્શનમાં થોડા ઊંડા ઊતર્યા હશો તો જાણતા હશો કે આપણા મેસેજ ખાનગી રાખવા ‘પબ્લિક કી’ ને ‘પ્રાઇવેટ કી’ની આપલેની કરામત કરવામાં આવે છે. થોડા સમયથી આપણે ત્યાં બેંકિંગ કાર્ડના ટોકનાઇઝેશનનો મુદ્દો ગાજે છે એમાં પણ કંઈક અંશે આ જ વાત છે. તેમ, કેટલીક બેંકની એપમાં એમપિન ઉપરાંત, ફિંગરપ્રિન્ટથી લોગ-ઇન થવાની સગવડ મળી ગઈ છે.

લગભગ એ જ કન્સેપ્ટ હવે એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવાં મોટાં પ્લેટફોર્મ, તમામ એપ/સાઇટ ડેવલપર્સના સાથમાં આગળ વધારી રહ્યાં છે. પરિણામે પાસવર્ડ કે ટુ-સ્ટેપ-વેરિફિકેશનની ઝંઝટ જ નીકળી જશે. આપણે જુદી જુદી એપ/સાઇટમાં લોગ-ઇન કરતી વખતે તેની સિસ્ટમને ફક્ત પોતાની આંગળીની છાપ કે ચહેરો બતાવીને એટલું જ કહેવાનું રહેશે કે ‘‘હું, પેલો થોડા દિવસ પહેલાં પહેલી વાર ચહેરો કે અંગૂઠાની છાપ બતાવી ગયો, એ હું – હું જ છું!’’ પછી એપ/સાઇટ આપણને બીજું કંઈ પૂછશે નહીં ને આપણે એપ/સાઇટમાં લોગ-ઇન થઈ જશું!
ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ વગેરેએ ‘ફાઇડો એલાયન્સ’ નામે સાથે મળીને આ નવી વ્યવસ્થા વિક્સાવી છે.
પાસવર્ડ હોય જ નહીં તો તેને યાદ રાખવાની ઝંઝટ નહીં, ભૂલાઈ કે ચોરાઈ જવાનો ડર પણ નહીં!
આ નવા પ્રકારની પાસકી પાછળની એન્ક્રિપ્શન ટેક્નોલોજી પણ અટપટી હોવા છતાં, બહુ રસપ્રદ છે. પહેલાં, સરેરાશ યૂઝર તરીકે આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકીશું એની વાત માંડીએ, બને એટલી સરળ ભાષામાં!

આપણે જ્યારે કોઈ પણ ઓનલાઇન સર્વિસ કે એપમાં ખાતું ખોલાવીએ ત્યારે ભવિષ્યમાં દરેક વખતે આપણી ઓળખ સાબિત કરવા યૂઝરનેમ-પાસવર્ડ નક્કી કરવા પડે છે. પાસવર્ડનો હેતુ એક જ છે કે એ એપ/સાઇટને ખાતરી કરાવવી કે તેમાં એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ જ ફરી લોગ-ઇન કરી રહી છે.
મતલબ કે આપણે અને એપ/સાઇટની સિસ્ટમ વચ્ચે એક સિક્રેટ નક્કી થાય છે, જે આપણે દરેક વખતે કહેવું પડે. આ સિક્રેટ સાદું હોય તો ચોરાઈ શકે, અટપટું હોય તો ભુલાઈ શકે! પણ સિક્રેટ જોઈએ તો ખરું.

પાસવર્ડની વ્યવસ્થામાં મુશ્કેલી એ છે કે આપણે પોતે પાસવર્ડ યાદ રાખવો પડે છે. એ સાથે એપ/સાઇટના સર્વરમાં તેની કોપી થાય છે (જેથી ભવિષ્યમાં ફરી પાસવર્ડ લખીએ ત્યારે તેને પોતાની કોપી સાથે સરખાવી શકે).
આ સ્થિતિમાં ત્રણ રીતે પાસવર્ડમાં ગરબડ થઈ શકેઃ (૧) આપણે પોતે પાસવર્ડ ભૂલી જઇએ (૨) પેલી એપ/સાઇટ પ્લેઇન ટેકસ્ટ સ્વરૂપે પાસવર્ડ સાચવે ને ત્યાંથી તે ચોરાઈ જાય (ફેસબુક પણ આવી ભૂલ કરી ચૂકી છે) (૩) હેકર આપણને ભળતી સાઇટ પર લઇ જાય ને ત્યાંથી યૂઝરનેમ-પાસવર્ડ ચોરી જાય!

લોકો સહેલો પાસવર્ડ રાખે કે એક જ પાસવર્ડ એકથી વધુ એકાઉન્ટ માટે વાપરે તો વાત વણસે.
તેનો સામનો કરવા ટુ-ફેક્ટર વેરિફિકેશન (2FA) આવ્યું. ‘સાયબરસફર’માં આપણે સતત તેની ભલામણ કરી છે. તેમાં યૂઝરનેમ-પાસવર્ડ આપ્યા પછી પહેલેથી નક્કી કરેલી પદ્ધતિ મુજબ (જેમ કે સ્માર્ટફોનમાં એસએમએસ કે ઓથેન્ટિકેશન એપમાં) આપણને એક ઓટીપી મળે, તે આપ્યા પછી જ આપણે લોગ-ઇન થઈ શકીએ. આ પદ્ધતિ સારી છે, પણ સંપૂર્ણ સલામત નથી કેમ કે તેમાંય પાસવર્ડ ચોરાવાની તથા ઓટીપી સેરવાઈ જવાની શક્યતા છે.

આ તકલીફોનો સામનો કરવા હવે ‘પાસકી’ નામે એક નવી વ્યવસ્થા આવી રહી છે. પાસકીને સપોર્ટ કરતી એપ/સાઇટમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે સિસ્ટમ પૂછે કે પાસકીનો ઉપયોગ કરવો છે?
હા કહીએ તો સ્માર્ટફોનના ફિંગરપ્રિન્ટ, ફેસઆઇડી કે પીન એન્ટર કરવાનું કહેવામાં આવે, એટલું કરતાં એ એપ/સાઇટ માટે પાસકી જનરેટ થાય.
ફરી લોગ-ઇન વખતે એ એપ/સાઇટ આપણા ઈ-મેઇલથી આપણી પાસકી ‘સૂંઘી’ લે ને આપણે લોગ-ઇન થઈ જઇએ. આખી વાતમાં ક્યાંય પાસવર્ડ છે જ નહીં!

આપણે જાણ્યું તેમ 2FA પદ્ધતિ પાસવર્ડ અને ઓટીપી આધારિત છે. આ બંને બાબત ચોરાવાની શક્યતા ઊભી રહે છે. જ્યારે પાસકી વ્યવસ્થામાં પાસવર્ડ છે જ નહીં. આથી તે આપણે ભૂલી જઇએ કે હેકર ચોરી જાય એની કોઈ શક્યતા નથી.
ઉપરાંત પાસકી હંમેશાંં આપણા સ્માર્ટફોનમાં તથા ગૂગલ/એપલ જેવી સર્વિસમાં ક્લાઉડ એકાઉન્ટમાં એનક્રિપ્ટેડ સ્વરૂપમાં સચવાય છે. તેમાં કોઈ વાતની હેરફેર થતી નથી. આથી તેને કોઈ વચ્ચેથી આંતરી જાય તેવી પણ શક્યતા રહેતી નથી.

પાસકી મજા એ જ છે કે તેનો ઉપયોગ સહેલો છે!
એવી પૂરી શક્યતા છે કે તમે ઓનલાઇન એકાઉન્ટની સલામતી માટે 2FAનું મહત્ત્વ જાણતા જ હશો પરંતુ તેનો ઉપયોગ કરતા નહીં હો. કારણ કે તેને એક્ટિવેટ કરવાનું અને દર વખતે ઓટીપી મેળવવાનું કામ ઝંઝટભર્યું છે.
પાસકી આખી વાત એકદમ સહેલી બનાવી દે છે.
તેમાં પહેલી વાર ફિંગરપ્રિન્ટ, ફેસઆઇડી કે પિન લોકથી સ્માર્ટફોન અનલોક કરતાં પાસકી જનરેટ થાય છે અને પછી દર વખત જે તે એપ/સાઇટમાં ફક્ત આપણું ઈ-મેઇલ એડ્રેસ આપવાનું રહે છે.

ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ જેવી ટેક ઇન્ડસ્ટ્રીની સૌથી અગ્રગણ્ય કંપનીઓ સાથે મળીને ‘ફાઇડો એલાયન્સ’ તરીકે પાસકી વ્યવસ્થા આગળ ધપાવી રહી છે.
આ ત્રણેય કંપની પોતપોતાના પ્લેટફોર્મ માટે એપ કે વેબસાઇટ ડેવલપ કરતા ડેવલપર્સને પાસકી સિસ્ટમનો સપોર્ટ આપી રહી છે.
આથી નજીકના ભવિષ્યમાં આપણે આ ત્રણેય કંપનીના પ્લેટફોર્મ પર કોઈ પણ એપ/સાઇટમાં એકાઉન્ટ ખોલાવવાનો પ્રયાસ કરીશું ત્યારે તેમાં પાસવર્ડની જરૂર ન રહે, માત્ર ફટાફટ પાસકી જનરેટ થાય તેવી પૂરી શક્યતા છે.

એન્ડ્રોઇડ 9 કે પછીના વર્ઝનમાં ક્રોમ તથા નેટિવ એપ્સમાં, આઇઓએસ16 તથા ત્યાર પછીના વર્ઝનમાં સફારી તથા નેટિવ એપ્સમાં, મેક ઓએસ13 માં પાસકીનો સપોર્ટ મળવા લાગ્યો છે, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10/11માં ક્રોમ તથા એજ બ્રાઉઝરમાં પાસકીનો સપોર્ટ શરૂ થઈ ગયો છે.
એપલની પાસવર્ડ એપ તથા ગૂગલમાં પાસવર્ડ મેનેજરમાં પણ આપણી પાસકી એન્ક્રિપ્ટેડ સ્વરૂપે સ્ટોર કરવાનું શરૂ થઈ ગયું છે.
હવે વિવિધ એપ/સાઇટના ડેવલપર્સ તેનો લાભ લેવાનું શરૂ કરે એટલી વાર છે!

વિન્ડોઝ ૧૧, મેકઓએસ અને એન્ડ્રોઇડ માટે ક્રોમ બ્રાઉઝરના લેટેસ્ટ અને સ્ટેબલ વર્ઝનમાં હવે પાસકીને ફુલ સપોર્ટ મળી ગયો છે.
આનો અર્થ એ થયો કે જો તમે લેપટોપ કે સ્માર્ટફોનમાં કોઈ એવી વેબસાઇટ પર એકાઉન્ટ ક્રિએટ કરવાનો પ્રયાસ કરશો જે પાસકીને સપોર્ટ કરતી હોય, તો તેમાં હવે પાસવર્ડ આપવાની જરૂર નહીં રહે, આપણે પોતાની ફિંગરપ્રિન્ટ કે ફેસઆઇડીનો પાસકી તરીકે ઉપયોગ કરી શકશો, જેને આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી! લેપટોપમાં આવી સાઇટ પર લોગ-ઇન કરતી વખતે તેમાંના ક્યૂઆર કોડને પોતાના આઇફોન કે એન્ડ્રોઇડથી સ્કેન કરવાથી, એમાંની પાસકી આપણી ઓળખ સાબિત કરશે અને આપણે તેમાં સહેલાઈથી લોગ-ઇન થઈ જશું.
આનો અર્થ એ પણ થયો કે હવે આપણે ઘણી વધુ ઝડપથી પાસવર્ડલેસ બની શકીશું!
ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ વગેરે બધી મોટી ટેક કંપની પાસવર્ડને સ્થાને પાસકીનો ઉપયોગ કરવામાં ઘણી આગળ વધી ગઈ છે. તેમને પગલે, આવી કંપની માટે એપ ડેવલપ કરનારા ડેવલપર્સ પોતાની એપ કે સાઇટમાં પાસકીની સગવડ આપવા લાગ્યા છે.
આવી એપ/સાઇટમાં પાસકીનો ઉપયોગ કંઈક આવો રહેશે…
(1)

આપણે કોઈ પણ વેબસાઇટ કે એપની મુલાકાત લઈએ ત્યારે હાલમાં બને છે તેમ, તેમાં વધુ સગવડ મેળવવવા માટે આપણને એકાઉન્ટ ખોલાવવા સાઇન-અપ કરવાનું કહેવામાં આવશે. અત્યાર સુધી આ માટે આપણે ઈ-મેઇલ આપીને અથવા યૂઝરનેમ પસંદ કરી, તેના માટે એક પાસવર્ડ નક્કી કરતા આવ્યા છીએ.
(2)

પાસકીની નવી પદ્ધતિમાં આપણે લગભગ એ જ રીતે પોતાનું નવું એકાઉન્ટ ખોલાવવાનું છે – ફેર ફક્ત એટલો કે આ નવી રીતમાં આપણે માત્ર પોતાનું ઈ-મેઇલ એડ્રેસ કહેવાનું છે, કોઈ પાસવર્ડ નક્કી કરવાનો નથી. ઈ-મેઇલ એડ્રેસ આપતાં આપણને કહેવામાં આવશે કે આ ઈ-મેઇલ માટે કોઈ એકાઉન્ટ નથી, બનાવવું છે?
(3)

આપણે હા કહીશું એટલે સૂચવવામાં આવશે કે તમારા ડિવાઇસમાં પાસકી ઓથેન્ટિકેશનનો ઉપયોગ થઈ શકે છે. પાસકી તરીકે આપણે સ્માર્ટફોનમાં આપેલ ફિંગરપ્રિન્ટ કે ફેસઆઇડીનો ઉપયોગ કરવા સંમતિ આપીએ, તો ધરપત આપવામાં આવશે કે આ વિગતો જે તે ડિવાઇસમાં જ રહેશે, અન્ય કોઈ તેને જોઈ શકશે નહીં.
(4)

આગળ વધતાં, આપણને કહેવામાં આવશે કે તમારી પાસકી તમારા ગૂગલ પાસવર્ડ મેનેજર (અથવા એપલનાં સાધનોના કિસ્સામાં તેની કીચેઇન સર્વિસ)માં સલામત રીતે સ્ટોર થશે. આ રીતે આપણી ફિંગરપ્રિન્ટ, ફેસઆઇડી કે સ્ક્રીનલોક જ આપણો પાસવર્ડ બનશે.
આ વિગતો એવી છે, જેને આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી!
(5)

એ પછી, આપણે આપેલા ઈ-મેઇલ એડ્રેસ માટે એક સિક્રેટ પાસકી જનરેટ થશે. આ પાસકી ફક્ત એ એપ/સાઇટ માટે જ બનશે. તે આપણી ‘પ્રાઇવેટ કી’ બનશે. જેમાં એકાઉન્ટ ખોલાવી રહ્યા છીએ, એ એપ/સાઇટમાં આપણા ઈ-મેઇલની ‘પબ્લિક કી’ સ્ટોર થશે. ભવિષ્યમાં આ પબ્લિક કી અને પ્રાઇવેટ કી મેચ થશે ત્યારે આપણે લોગ-ઇન થઈ જશું – પાસવર્ડ વિના!
(6)

ધારો કે આપણા જે સ્માર્ટફોનમાં આપણી પાસકી સ્ટોર થઈ હોય તે ફોન ખોવાઈ જાય કે આપણે ફોન બદલીએ તો? એવા કિસ્સામાં તથા અન્ય ડિવાઇસમાં પણ આપણી સિક્રેટ પાસકીથી લોગ-ઇન થઈ શકાય એ માટે આપણે પોતાની સિક્રેટ કી ગૂગલ/એપલના એકાઉન્ટમાં, ક્લાઉડમાં સ્ટોર કરી શકીશું.
એ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે, કોઈ તેને જોઈ શકશે નહીં.
(7)

આ રીતે, કોઈ પણ એપ/સાઇટમાં નવું એકાઉન્ટ ખોલાવતી વખતે, જો એ એપ/સાઇટ પાસકીને સપોર્ટ કરતી હશે તો આપણે ફક્ત એક વાર, આટલું જ કરવાનું છે. આપણે પહેલી વાર ફિંગરપ્રિન્ટ, ફેસઆઇડી કે સ્માર્ટફોનનો પિન આપીશું એ સાથે આપણું એકાઉન્ટ ક્રિએટ થશે અને પબ્લિક તથા પ્રાઇવેટ કી પણ બની જશે અને પોતપોતાની જગ્યાએ સચવાઈ જશે.
(8)

આપણે ફરી ગમે ત્યારે એ એપ/સાઇટમાં લોગ-ઇન થવા જઈશું ત્યારે કોઈ પાસવર્ડ આપવાનો નથી, કેમ કે આપણે પાસવર્ડ બનાવ્યો જ નથી!
આપણે ફક્ત ઈ-મેઇલ એડ્રેસ આપીશું એટલે એપ/સાઇટની સિસ્ટમ તેની પબ્લિક કી સાથે, સ્માર્ટફોનમાંની પ્રાઇવેટ કીને મેચ કરી જોશે, બંને મેચ થવી જોઈએ. આપણે ક્યૂઆર કોડ સ્કેન કરી, અન્ય ડિવાઇસમાં પણ પાસકીનો ઉપયોગ કરી શકીશું.

બધી એપ/સાઇટ પર પાસકી આવતાં હજી વાર લાગશે, ત્યાં સુધી આપણા સૌની પાસવર્ડ વિશે એક જ ફરિયાદ છે- કેટલા પાસવર્ડ યાદ રાખવા? ફરિયાદ બિલકુલ સાચી, છે. પરંતુ ફરિયાદ કરીને અટકવું પોસાય નહીં. ઉપાય શોધવો રહ્યો. હાલની ડિજિટલ લાઇફમાં આપણાં જેટલાં ઓનલાઇન એકાઉન્ટ હોય તે બધાના પાસવર્ડ યાદ રહે તેમ ન હોય તો તેના કેટલાક સહેલા ઉપાય છે. જો આ ઉપાય કરીએ તો બેંકોના પાસવર્ડ સિવાય વધુમાં વધુ ચાર પાસવર્ડ યાદ રાખવાની જરૂર રહે, જેમ કે…
આપણા સ્માર્ટફોનનો પાસવર્ડ
આ પાસવર્ડ યાદ રાખ્યા વિના કોઈ છૂટકો નથી. તેનાથી ફોનમાંનો ડેટા સલામત રહેશે તેમ જ ગૂગલ/એપલની બધી સર્વિસમાં સહેલાઈથી એક્સેસ મળશે, તેમ જ અન્ય સર્વિસના પાસવર્ડ ભૂલાય તો ફોનમાં ઓટીપી મેળવીને કે ઈ-મેઇલમાં રીસેટ લિંક મેળવી શકાશે. મોબાઇલના પાસવર્ડનો રોજેરોજ ઉપયોગ કરવાનો હોવાથી તે સહેલાઈથી યાદ પણ રહી જાય. જો તમારા ફોનમાં ફિંગરપ્રિન્ટ લોકની સગવડ હોય તો આ કામ સહેલું બને. પછી પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહીં રહે!
તમારા વિન્ડોઝ લેપટોપ/પીસીનો પાસવર્ડ
આ પાસવર્ડ યાદ રાખવાનો સવાલ તો જ છે, જો તમારી પાસે વિન્ડોઝ પીસી કે લેપટોપ હોય. તેને આપણે માઇક્રોસોફ્ટ એકાઉન્ટના પાસવર્ડથી સિક્યોર કરી શકીએ છીએ. અહીં પણ જો તમારા લેપટોપમાં ફિંગરપ્રિન્ટની સગવડ હોય તો તેનો ઉપયોગ કરી શકાય. માઇક્રોસોફ્ટ એકાઉન્ટમાં હવે પાસવર્ડની કોઈ મગજમારી રહી નથી.
જીમેઇલ/એપલ એકાઉન્ટનો પાસવર્ડ
ઈ-મેઇલનો ઉપયોગ હવે ઘટવા લાગ્યો છે પરંતુ મહત્ત્વની તમામ બાબતો માટે આપણા કાયમી જીમેઇલ કે એપલ એકાઉન્ટનો પાસવર્ડ યાદ રાખવો જરૂરી છે. એન્ડ્રોઇડ ફોન કે આઇફોનનો ઉપયોગ કરતા હોઇએ તો તેમાં જીમેઇલ એટલે ગૂગલ અથવા એપલ એકાઉન્ટનો ઉપયોગ અનિવાર્ય છે. મુશ્કેલી એ છે કે આ બંને ડિવાઇસમાં આપણે ગૂગલ કે એપલ એકાઉન્ટથી વારંવાર લોગઇન કરવાની જરૂર હોતી નથી. એટલે જો પીસીનો ઉપયોગ ન કરતા હોઇએ તો આ બંને એકાઉન્ટના પાસવર્ડ લાંબા ગાળે ભૂલાઈ જવાની પૂરી શક્યતા છે. તેને ક્યાંક યોગ્ય રીતે લખીને સાચવી રાખવા અત્યંત જરૂરી છે.
પાસવર્ડ મેનેજર સર્વિસનો પાસવર્ડ
આગળ લખેલા ત્રણેય પાસવર્ડ આપણી ડિજિટલ લાઇફના સૌથી મહત્ત્વના પાસવર્ડ છે. અન્ય કોઈ પણ એકાઉન્ટ કે બેંક ખાતાના પાસવર્ડ ભૂલાઈ જાય તો તેને ઉપરની ત્રણેય સગવડોની મદદથી રીસેટ કરી શકાય.
એ ઉપરાંત જો સારી પાસવર્ડ મેનેજર સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ તો બાકીના તમામ એકાઉન્ટના પાસવર્ડ યાદ રાખવાની જરૂર રહેશે નહીં. તમે ઇચ્છો તો ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સ જેવા બ્રાઉઝરમાં જ સામેલ ફ્રી પાસવર્ડ મેનેજર સર્વિસનો ઉપયોગ કરી શકો.
આ બંને બ્રાઉઝરમાંની પાસવર્ડ સ્ટોર કરી રાખવાની સગવડ હવે ઘણી સ્માર્ટ અને સલામત બની છે. આપણા શિરે માત્ર તેને પૂરેપૂરી રીતે સિક્યોર્ડ રાખવાની જવાબદારી રહે છે. એ માટે ફરી, સ્માર્ટફોન અને પીસી/લેપટોપના પાસવર્ડ યાદ રાખવા જરૂરી બનશે.
એટલું યાદ રાખશો કે તમામ પ્રકારની સારી ઓનલાઇન સર્વિસિસ આપણા એકાઉન્ટને સિક્યોર કરવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનની સગવડ આપે છે તેનો અચૂકપણે લાભ લેવો જોઇએ.

