
આ લેખનું શીર્ષક વાંચીને તમે કદાચ કહેશો કે ડેસ્કટોપ પબ્લિશિંગ સાથે મારે શી લેવાદેવા? એક સમયે આવો સવાલ થાય એ સાચું હતું. આપણે તો અખબારનાં પાનાં વાંચવાથી કામ, એ કેમ તૈયાર થાય છે તેની સાથે આપણે શી નિસબત? આપણે તો રોટલાથી કામ રાખીએ, ટપટપથી નહીં!
માઇક્રોસોફ્ટ કંપનીએ હમણાં એઆઇ આધારિત ‘ડિઝાઇનર’ નામે એક ફ્રી સોફ્ટવેર લોન્ચ કર્યું છે. માઇક્રોસોફ્ટનું આ પગલું, ડિઝાઇનિંગનું ફીલ્ડ કેવું ઝડપથી બદલાઈ રહ્યું છે તેનો સંકેત આપે છે. હવે પ્રોફેશનલ ડિઝાઇનર જ આર્ટવર્ક તૈયાર કરી શકે એવું બિલકુલ નથી, કોઈ પણ એ કામ કરી શકે, સ્માર્ટ ટૂલ્સથી!
પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે તો ફોન પર ઓર્ડર લઈને શાકભાજીની ડિલિવરી કરતા લોકો પણ ડિજિટલ માર્કેટિંગ કરતા થઈ ગયા છે અને સુંદર, આકર્ષક ઇમેજ કે વીડિયો એ કોઈ પણ પ્રકારે થતા ડિજિટલ માર્કેટિંગનાં સૌથી મોટાં હથિયાર છે! આવી ઇમેજિસ કઈ રીતે તૈયાર થાય છે અે આપણે કેવી રીતે તૈયાર કરી શકીએ તે જાણવું જરૂરી છે.

તમે કોઈ પણ પ્રકારના મીડિયા બિઝનેસમાં એક્ટિવ હો તો ડિઝાઇનિંગની દુનિયામાં શું ચાલી રહ્યું છે એ તમારે જાણવું જ જોઈએ, સાથોસાથ અન્ય કોઈ પણ પ્રકારના બિઝનેસમાં હો અને તેના પ્રમોશન માટે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા તો પણ ડિઝાઇનિંગ સોફ્ટવેર વિશે તમારે જાણવું જ રહ્યું.
ખાસ તો એટલા માટે કે એજન્સી કે ડિઝાઇનરનો ખર્ચ કરવા જેટલું બજેટ ન હોય, પણ થોડો સમય ફાળવી શકો તેમ હોય તો હવે તમે પણ થોડી ક્લિકના ઇશારે એટ્રેક્ટિવ ડિઝાઇન્સ તૈયાર કરી શકો છો.
નવા સમયનાં ઓનલાઇન ડિઝાઇનિંગ ટૂલ્સ સ્માર્ટ તો છે જ, તેની સાથોસાથ ઉપયોગ કરવામાં એકદમ સહેલાં પણ છે.
અત્યારે ડીટીપી પ્રોગ્રામ્સની વાત ઉખેળવાનું બીજું પણ એક કારણ છે. ઓફિસ પ્રોગ્રામ્સની મહારથી માઇક્રોસોફ્ટે હમણાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ‘ડિઝાઇનર’ નામના નવા ફ્રી સોફ્ટવેરની જાહેરાત કરી છે, એ આપણા સુધી પહોંચતાં થોડી વાર લાગશે, પણ ત્યાં સુધી કમ્પ્યૂટર આધારિત, પ્રિન્ટ ડિઝાઇનિંગની દુનિયામાં અત્યારે કેવા ફેરફાર થઈ રહ્યા છે એ જાણવા જેવું છે. કોમર્સ કે મેનેજમેન્ટના સ્ટુડન્ટ હો તો પણ, કેમ કે તમારે પોતે કે બીજા પાસેથી, આખરે આ સોફ્ટવેરનો જ લાભ લેવાનો થશે!
માઇક્રોસોફ્ટ નામ પડતાં આપણા મનમાં વર્ડ, એકસેલ અને પાવરપોઇન્ટ જેવા ઓફિસ પ્રોગ્રામ્સનો જ વિચાર આવે. યંગ જનરેશન હોય તો માઇક્રોસોફ્ટ ટીમ્સ કે પ્રોજેક્ટ જેવા પ્રોગ્રામ્સનો પણ વિચાર આવે. પરંતુ આમાં ક્યાંય ડિઝાઇનિંગ સોફ્ટવેરની કલ્પના પણ ન આવે.

માઇક્રોસોફ્ટે લાંબા સમય અગાઉ બ્રોશર, ન્યૂઝલેટર, એન્યુઅલ રિપોર્ટ વગેરે ડિઝાઇન કરવા માટે પબ્લિશર નામનો એક પ્રોગ્રામ આપ્યો હતો. જે ડિઝાઇન કાગળ પર પ્રિન્ટ કરવાની હોય તેમાં સીએમવાયકે, એમ ચાર કલરમાં કલર સેપરેશન જરૂરી હોય છે. માઇક્રોસોફ્ટના અન્ય કોઈ પ્રોગ્રામમાં આવી સગવડ નહોતી. એટલે વર્ડ પ્રોગ્રામમાં તમે ધારો તો ન્યૂઝલેટર કે લાંબો એન્યુઅલ રિપોર્ટ ડિઝાઇન તો કરી શકો પરંતુ તેને ઓફસેટ પ્રેસમાં પ્રિન્ટ કરવાની વાત આવે તો મુશ્કેલી થાય.
માત્ર પબ્લિશર પ્રોગ્રામમાં માઇક્રોસોફ્ટે આવી સગવડ આપી અને ડિઝાઇનિંગ જેમનો વિષય નથી એવા વર્કિંગ પ્રોફેશનલ પણ ફટાફટ પોતાનાં વિઝિટિંગ કાર્ડ, કંપની લીફલેટ કે એન્યુઅલ રિપોર્ટ ડિઝાઇન કરી શકે તેવી તેમાં સગવડો આપી. પરંતુ આ પ્રોગ્રામ ખાસ ક્લિક થયો નહીં.
હવે આજના જમાનાની વાત કરીએ. માઇક્રોસોફ્ટ કંપની ‘ડિઝાઇનર’ નામે એક નવો પ્રોગ્રામ લાવી રહી છે. આ પ્રોગ્રામમાં તમે ‘બેબી શાવર ઇન્વિટેશન’ કે ‘રેસ્ટોરાં પ્રમોશન સોશિયલ મીડિયા પોસ્ટ’ જેવું કંઈક સર્ચ કરો તો પ્રોગ્રામ ફટાફટ આપણને કામ લાગી શકે તેવી ઇમેજિસ સૂચવશે અને કોઈ ખાસ સ્કિલ વિના, તેની ડિઝાઇન તૈયાર કરવામાં પણ મદદ કરશે. આ પ્રોગ્રામ હજુ યુએસમાં લોન્ચ થઈ રહ્યો છે. પરંતુ આપણા સુધી પહોંચતાં બહુ વાર નહીં લાગે.
આ લેખમાં અન્ય જે કોઈ કંપની કે સોફ્ટવેરની વાત કરી છે એ બધા લગભગ દાયકાઓ જૂના છે. માત્ર કેનવા એવી સર્વિસ છે જે સોશિયલ મીડિયા ખાસ્સું પોપ્યુલર થયા પછી જન્મેલી કંપની છે. મૂળ ઓસ્ટ્રેલિયાની આ કંપનીની બીજી ખાસિયત એ છે કે તે પૂરેપૂરી ઇન્ટરનેટ આધારિત છે!

કેનવાના આગમન પહેલાં જે કોઈ ડેસ્કટોપ પબ્લિશિંગ કે ડિઝાઇનિંગ સોફ્ટવેર ઉપલબ્ધ હતા એ બધા લગભગ પેઇડ પ્રોગ્રામ છે અને તેનો ઉપયોગ કરવા ડિઝાઇનિંગ ઉપરાંત જે તે પ્રોગ્રામની ખાસ્સી સ્કિલ જરૂરી છે.
અત્યાર માર્કેટ વેલ્યુની રીતે દુનિયાનાં સૌથી ટોચનાં સ્ટાર્ટઅપ્સમાં સામેલ કેનવા કંપનીએ આખી ડિઝાઇનિંગ ગેમ બદલી નાખી. કેનવા પર કોઈ પણ વ્યક્તિ ફ્રી એકાઉન્ટ ખોલાવી વિઝિટિંગ કાર્ડ, ફ્લાયર, સોશિયલ મીડિયા પોસ્ટ, પ્રેઝન્ટેશન, વીડિયો વગેરે ડિઝાઇન કરી શકે છે. તમે ડિઝાઇનિંગ કે ડીટીપીની કોઈ સ્કિલ ન જાણતા હો તો પણ કેનવામાં કામ સહેલું છે.
કેનવા ડિઝાઇનિંગ પ્લેટફોર્મ તરીકે સંખ્યાબંધ રેડી-ટુ-યૂઝ ટેમ્પલેટ આપે છે. તેમજ અનેક ફોન્ટ, ડિઝાઇન એલિમેન્ટ્સ, સ્ટોક ઇમેજિસ, વીડિયો ફૂટેજ તથા ઓડિયો ફાઇલ્સ પણ આપે છે. તેમાં રેઝ્યૂમ, પ્રેઝન્ટેશન અને ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાનાં ફીચર પણ ઉમેરાયાં છે. કેનવાના ફ્રી એકાઉન્ટમાં કેટલીક મર્યાદાઓ સાથે પણ ઘણું કામ કરી શકો, પ્રો વર્ઝન અથવા ટીમ્સ વર્ઝન ખરીદો તો કોઈ મર્યાદા વિના અઢળક ફ્રી ટૂલ્સનો ઉપયોગ કરવા મળે. અલબત્ત પ્રો વર્ઝનનો ફક્ત એક વ્યક્તિ ઉપયોગ કરી શકે, જ્યારે ટીમ્સ વર્ઝનમાં એક જ ડિઝાઇન પર એકથી વધુ લોકો અલગ અલગ સ્થળેથી પણ કામ કરી શકે. મતલબ કે કેનવા બધી જ રીતે નવા સમયનું સ્માર્ટ ડિઝાઇનિંગ પ્લેટફોર્મ છે.
ડેસ્કટોપ પબ્લિશિંગ અને તેને સંબંધિત ફોટો એડિટિંગ તથા વીડિયો એડિટિંગની બાબતે આખી દુનિયામાં સૌથી અગ્રેસર નામ એડોબનું છે. એડોબના સોફ્ટવેરમાં ફોટોશોપ આપણે માટે સૌથી જાણીતું નામ છે. પરંતુ એડોબ ઇલેસ્ટ્રેટર, ઇનડિઝાઇન, પ્રીમિયર, એક્સડી વગેરે પણ પોતપોતાના ફિલ્ડમાં પ્રોફેશનલ્સમાં સૌથી વધુ પોપ્યુલર છે. નોન-ટેકી લોકોમાં આજે કેનવાએ જે સ્થાન મેળવ્યું છે એ ટેક્સસેવી અને પ્રોફેશનલ ડિઝાઇનર્સમાં એડોબનું સ્થાન છે!

જેમાં ડિઝાઇન સાથે ટેક્સ્ટ વધુ હોય તેવાં અખબાર કે મેગેઝિનનાં પેજ ડિઝાઇન કરવા માટે એડોબ કંપનીએ પહેલાં પેજમેકર નામનો પ્રોગ્રામ આપ્યો હતો, એ અત્યંત પોપ્યુલર થયો. એટલો બધો કે તેને બંધ થયે વર્ષો થયા હોવા છતાં, હજી ઘણાં પ્રિન્ટિંગ પ્રેસ કે બુકવર્ક ડિઝાઇન એજન્સીમાં તેના જૂના વર્ઝનનો ઉપયોગ થાય છે!
મુશ્કેલી એ કે એડોબના પ્રોગ્રામ ખાસ્સા મોંઘા છે. એડોબની સર્વિસ હવે મંથલી કે વાર્ષિક સબસ્ક્રિપ્શન પર મળે છે, અને કેનવાના પ્રો વર્ઝનની વાર્ષિક ફી જેટલી ફી એડોબ તેના ટોટલ ક્રિએટિવ સ્યૂટ માટે દર મહિને માગે છે! તેની સામે એડોબ કંપની એટલી વેલ્યૂ પણ આપે છે. તેના પ્રોગ્રામમાં જે ખૂબીઓ છે અને જે કંઈ શક્ય છે એ બધું કેનવામાં હજી બહુ દૂરની વાત છે.
એડોબના પ્રોગ્રામ અત્યંત પાવરફૂલ હોવા છતાં તેની મોટી તકલીફ એ છે કે તે હજી પણ ડેસ્કટોપ આધારિત છે. ક્લાઉડ એકાઉન્ટમાં આપણા ફોલ્ડર અને ફાઇલ્સ સિન્ક કરી શકાય અને તેના પર જુદા જુદા લોકો પણ કામ કરી શકે, પરંતુ એક ફાઇલ પર એકથી વધુ લોકો એક સાથે કામ કરી શકે નહીં. એડોબે કેનવાની હરીફાઇમાં એડોબ એક્સપ્રેસ નામની સર્વિસ લોન્ચ કરી છે.
ડેસ્કટોપ પબ્લિશિંગના ક્ષેત્રમાં એડોબનો વર્ષોથી દબદબો છે અને તેને કોરલડ્રો તથા ક્વાર્કએક્સપ્રેસ જેવા પ્રોગ્રામ સિવાય લગભગ કોઈ સિરિયસ સ્પર્ધા મળી નથી.
પરંતુ યુરોપની સેરિફ નામની એક કંપનીએ આ સ્થિતિ ઘણે અંશે બદલી. તેણે થોડાં વર્ષ પહેલાં પેજપ્લસ, ફોટોપ્લસ, ડિઝાઇનરપ્લસ વગેરે નામે એડોબના ઇનડિઝાઇન, ફોટોશોપ, ઇલેસ્ટ્રેટર વગેરે જેવી સગવડ આપતા સોફ્ટવેર લોન્ચ કર્યા હતા.

પરંતુ એ સમયે એડોબની સરખામણીમાં સેરિફના પ્રોગ્રામ ખાસ્સા નબળા હતા. પછી કંપનીએ આ પ્રોગ્રામ્સનું નવેસરથી, સાવ એકડેએકથી કોડિંગ કર્યું અને એફિનિટી ડિઝાઇનર, એફિનિટી ફોટો અને એફિનિટી પબ્લિશર નામના ત્રણ પ્રોગ્રામ લોન્ચ કર્યા.
આ ત્રણેય પ્રોગ્રામ વિન્ડોઝ, મેક અને આઇપેડ માટે ખરીદી શકાય છે. એડોબના પ્રોગ્રામ્સનો વર્ષોથી ઉપયોગ કરતા લોકો પણ સ્વીકારે છે કે એફિનિટીના આ ત્રણેય પ્રોગ્રામ્સ ફીચર્સ અને પર્ફોર્મન્સની દૃષ્ટિએ હવે એડોબના પ્રોગ્રામ્સની બહુ નજીક છે.
અલબત્ત એફિનિટી પ્રોગ્રામ્સનો ઉપયોગ ડેસ્કટોપ કે આઇપેડ પૂરતો મર્યાદિત છે. તેનો કેનવાની જેમ બ્રાઉઝરમાં ઉપયોગ શક્ય નથી તેમ જ તેમાં પણ ટીમ વર્ક શક્ય નથી. કિમતની રીતે જોઇએ તો ફરી, એડોબ કંપની તેના પ્રોગ્રામ્સ માટે દર મહિને જે લવાજમ રકમ માગે છે લગભગ એટલી કિમતમાં એફિનિટીના એક-એક પ્રોગ્રામનું કાયમી લાયસન્સ ખરીદી શકાય છે! હમણાં એફિનિટીના પ્રોગ્રામ્સનું બીજું વર્ઝન લોન્ચ થયું છે અને એ પણ કિંમતની દૃષ્ટિએ ખાસ્સું સસ્તું છે (જાન્યુઆરી ૨૫, ૨૦૨૩ સુધી તેમાંય ૪૦ ટકા ડિસ્કાઉન્ટ છે)!
પેજમેકિંગ એટલે કે અખબાર, મેગેઝિન કે ન્યૂઝલેટરનાં પેજ ડિઝાઇન કરવાની વાત હોય ત્યારે એક સમયે એડોબના પેજમેકર અને ક્વાર્ક એક્સપ્રેસ જેવા પ્રોગ્રામનો ખાસ્સો દબદબો હતો.

આગળ કહ્યું તેમ, પેજમેકર પ્રોગ્રામ ઘણા સમયથી બંધ થઈ ગયો હોવા છતાં આપણે ત્યાં હજી પણ બુક ડિઝાઇનિંગ માટે તેના જૂના વર્ઝનનો ઉપયોગ થાય છે. એ જ રીતે આપણે ત્યાં કોરલડ્રો પ્રોગ્રામ અત્યંત પોપ્યુલર છે. આ પ્રોગ્રામ વાસ્તવમાં વેકટર ડિઝાઇન તૈયાર કરવા માટે છે. તેમાં લોગો કે લીફલેટ, બ્રોશર વગેરેના આર્ટવર્ક બહુ સરસ રીતે તૈયાર થઈ શકે, પરંતુ જેમાં ટેકસ્ટનું પ્રમાણ ઘણું વધુ હોય એવા કામ માટે કોરલડ્રો યોગ્ય પ્રોગ્રામ નથી. આમ છતાં આપણે ત્યાં બુકવર્ક માટે પણ કોરલડ્રોનો વધુ ઉપયોગ થાય છે અને પ્રિન્ટર્સ તેની જ ફાઇલ મેળવવાનો આગ્રહ રાખે છે!
એડોબ કંપનીએ તેના સોફટ્વેર માટે મંથલી કે સબસ્ક્રિપ્શનનું મોડેલ અપનાવી લીધું, પણ આ કંપનીઓ એવું મોડેલ અપનાવવામાં પાછળ રહી ગઈ. તેમનાં કાયમી લાઇસન્સ ખાસ્સાં મોંઘાં હોય છે, જે ફક્ત ડિઝાઇન એજન્સી કે મીડિયા હાઉસને જ પરવડે અને તેમાં પણ દર વર્ષે અપડેશન માટે અલગ રૂપિયા ચૂકવવા પડે. આ બધાને કારણે, કોરલ ડ્રો અને ક્વાર્ક એક્સપ્રેસ જેવા પ્રોગ્રામ પાવરફુલ હોવા છતાં આજના સમયમાં નવી જનરેશનના ડિઝાઇનર્સમાં પાછળ રહી ગયા છે.
અહીં સુધી જે પણ ડિઝાઇનિંગ સોફ્ટવેરની વાત કરી એ બધામાં ઇંગ્લિશમાં કામ કરવું બહુ ઇઝી છે. પરંતુ ગુજરાતી, હિન્દી કે અન્ય ભારતીય ભાષાઓમાં કામ કરવાની વાત આવે ત્યારે આ બધા પ્રોગ્રામનાં, અલગ અલગ રીતે જમા-ઉધાર પાસાંની વાત કરવી પડે. માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સ યુનિકોડને બહુ સારી રીતે સપોર્ટ કરે છે એટલે તેના ડિઝાઇનર પ્રોગ્રામમાં યુનિકોડ સપોર્ટ હશે એવી આશા રાખી શકીએ.

કેનવા પૂરેપૂરો ક્લાઉડ અને બ્રાઉઝર આધારિત પ્રોગ્રામ હોવાથી તેમાં ફ્રી વર્ઝનમાં ભારતીય ભાષાઓનો ઉપયોગ શક્ય નથી. પ્રો વર્ઝનમાં વર્ઝનમાં કસ્ટમ ફોન્ટ્સ ઉમેરી શકાય છે. એડોબના પ્રોગ્રામ્સમાં થોડા સમય પહેલાં સુધી યુનિકોડ સપોર્ટ નહોતો. આથી તેમાં ગુજરાતી કે હિન્દીમાં કામ કરવું હોય તો શ્રીલિપી, ઇન્ડિયા જેવા પેઇડ, પ્રોપ્રાઇટરી પ્રોગ્રામ અલગથી ખરીદવા પડતા હતા. હવે એડોબના પ્રોગ્રામ્સ યુનિકોડ ફોન્ટ્સને બહુ સારી રીતે સપોર્ટ કરે છે, આથી તેમાં ઇન્ડિક લેંગ્વેજિસમાં કામ કરવું ખાસ્સું સરળ બન્યું છે.
એવું જ કોરલડ્રોનું છે. તેમાં થોડા સમય પહેલાં સુધી યુનિકોડ સપોર્ટ નહોતો, હવે છે. એફિનિટીના પ્રોગ્રામ્સની વાત કરીએ તો તે અત્યંત સસ્તા અને પાવરફૂલ ખરા, પરંતુ તેમાં યુનિકોડ સપોર્ટ નથી. આથી તેમાં ભારતીય ભાષાઓમાં કામ કરવું હોય તો શ્રીલિપી નેકસ્ટ જેવો પેઇડ પ્રોગ્રામ ખરીદવો પડે. એ પછી પણ એફિનિટીના પ્રોગ્રામ્સમાં ભારતીય ભાષાઓમાં ઝડપી ટાઇપિંગ શક્ય નથી.
‘સાયબરસફર’માં આપ પર્સનલ ટેકનોલોજી સંબંધિત કોઈ ચોક્કસ વિષય પર લેખ વાંચવા ઇચ્છો છો? આપનાં સૂચનો કે અભિપ્રાય અહીં મોકલશોઃ himanshu@duplics.cybersafar.in, Whatsapp: 9227251513

