
ઇન્ટરનેટ પર આજકાલ બ્લૂ વેરિફિકેશન ટિકમાર્ક ખાસ્સો ચર્ચામાં છે. સૌથી પહેલાં ટ્વીટરે યૂઝર્સની ખરાઈ સાબિત કરવા માટે આવો ટિકમાર્ક આપવાનું શરૂ કર્યું. તેને પગલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ફોર બિઝનેસ, ગૂગલ મેસેજિસ ફોર બિઝનેસ વગેરે સર્વિસમાં પણ બ્લૂ કે ગ્રીન વેરિફિકેશન માર્ક દેખાવાનું શરૂ થયું.
ઇન્ટરનેટ પર કોઈ પણ વ્યક્તિના નામના ખોટા એકાઉન્ટ બનાવવાના બહુ સહેલા છે. આથી બ્લૂ વેરિફિકેશન માર્કથી આપણને ધરપત રહે કે કંપનીએ જે તે એકાઉન્ટ એ યૂઝરનું પોતાનું હોવાની ખાતરી કરી છે.
એ પછી હવે ટ્વીટરે વેરિફિકેશન માર્ક માટે ફી લેવાનું શરૂ કર્યું અને તરત જ ફેસબુક અને અન્ય કંપનીઓએ પણ તેનું અનુકરણ શરૂ કર્યું.
આપણા જેવા સામાન્ય યૂઝર્સને જીમેઇલમાં બ્લૂ ટિકનો લાભ ભલે ન મળે પણ આપણે માટે આ બ્લૂ ટિક ચોક્કસ લાભદાયી છે.
હવે સમાચાર છે કે ગૂગલે જીમેઇલ યૂઝર્સ માટે પણ તેની ઓળખ સાબિત કરતો બ્લૂ ટિકમાર્ક આપવાનું શરૂ કર્યું છે. જોકે આ સગવડનો લાભ તમામ યૂઝર્સને નહીં મળે. માત્ર જે કંપનીઓએ જીમેઈલના ‘બ્રાન્ડ ઇન્ડિકેટર ફોર મેસેજ આઇડેન્ટિફિકેશન’ પ્રોગ્રામમાં જોડાઈ હોય તેમને મળશે.
આ ફીચર આમ તો ૨૦૨૧થી લોન્ચ થઈ ગયું હતું. હવે તેનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે.

આપણા જેવા સામાન્ય યૂઝર્સને જીમેઇલમાં બ્લૂ ટિકનો લાભ ભલે ન મળે પણ આપણે માટે આ બ્લૂ ટિક ચોક્કસ લાભદાયી છે. ઇમેઇલમાં મોટી કંપનીઓને નામે બનાવટી મેઇલ્સ મોકલવાનો બહુ મોટો ધંધો ધમધમે છે. વિવિધ કંપનીઓ જીમેઇલમાં તેમની ઓળખ સાબિત કરતા બ્લૂ ટિકનો ઉપયોગ શરૂ કરશે એ પછી આપણે મોટી કંપનીને નામે આવેલો પરંતુ બ્લૂ ટિક ન ધરાવતો ઇમેઇલ બનાવટી હોવાનું પહેલી નજરે પારખી શકીશું.
ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે આગળ જતાં, પર્સનલ ગૂગલ એકાઉન્ટ ધરાવતાં લોકો પણ બ્લૂ વેરિફિકેશન ટિક મેળવી શકશે. એ ઉપરાંત ગૂગલના વર્કસ્પેસ, ગૂગલના જીસ્યૂટ બેઝિક તથા બિઝનેસ પ્લાનના કસ્ટમર્સ પણ આવું વેરિફિકેશન મેળવી શકે છે.
ખાસ ધ્યાન આપશો…
ઇન્ટરનેટ પર વેરિફિકેશન માર્કનો પણ આંખ મીંચીને વિશ્વાસ કરી શકાય તેમ નથી. હમણાં ફેસબુક પર એવું બન્યું હતું જેમાં હેકર્સ વેરિફિકેશન ધરાવતાં પેજ જ હેક કરીને તેના પર નવું, તેમની મરજીનું કન્ટેન્ટ શેર કરવાનું શરૂ કરી દીધું હતું – સાવધ રહ્યા વિના છૂટકો નથી!

