આગળ શું વાંચશો?
- યુપીઆઇના ક્યૂઆર કોડ્સ પર ડિજિટલ રૂપી
- સ્ટેટ બેંકની યોનો એપમાં યુપીઆઇની સર્વિસ વધુ વિસ્તરી
ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ રિટેઇલ યૂઝર્સ માટે પણ ડિજિટલ કરન્સીનો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો એ વાતને લગભગ છ મહિના થઈ ગયા છે. આપણે ‘સાયબરસફર’માં ભારતની આ નવા પ્રકારની કરન્સી વિશે વિગતવાર વાત કરી ગયા છીએ.
ત્યારે આપણે વાત કરી હતી કે ભારતમાં ઓલરેડી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત પેમેન્ટ સર્વિસ ગજબની લોકપ્રિય થઈ છે અને કંઈક અંશે એ પણ ડિજિટલ રુપી જેવું જ સ્વરૂપ ધરાવે છે, એ જોતાં સરેરાશ યૂઝર્સ ડિજિટલ રૂપી તરફ વળે એવી શક્યતા ઓછી છે. તમે પણ યુપીઆઇનો ઉપયોગ કરતા હશો, પણ ડિજિટલ રૂપીનો ઉપયોગ કરવાની તક કદાચ મળી નહીં હોય.

અત્યારે ડિજિટલ રૂપી વ્યવસ્થાનો વિવિધ બેંક્સ વચ્ચેની લેવડદેવડ માટે સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ હવે યુપીઆઇ વ્યવસ્થા પરનું ભારણ ઘટાડવા માટે સરેરાશ યૂઝર્સમાં પણ ડિજિટલ રૂપીને લોકપ્રિય બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
એ મુજબ, નજીકના સમયમાં યુપીઆઇ અને ડિજિટલ રૂપી માટેના ક્યૂઆર કોડ ઇન્ટરઓપરેબલ થઈ જશે. મતલબ કે અત્યારે આપણે જે જે જગ્યાએ યુપીઆઇ ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકીએ છીએ એ બધી જ જગ્યાએ, એ જ ક્યૂઆર કોડ સ્કેન કરીને ડિજિટલ રૂપીથી પણ પેમેન્ટ થઈ શકશે.
અત્યારે રિટેઇલ યૂઝ માટે ડિજિટલ રૂપી માટેના પાયલોટ પ્રોજેક્ટમાં જોડાયેલી વિવિધ બેેંક્સ માત્ર અમુક ખાતાધારકોને ડિજિટલ રૂપીનો ઉપયોગ કરવાની સગવડ આપી રહી છે.
આવા ખાતાધારકો ડિજિટલ રૂપીનું વોલેટ ડાઉનલોડ કરીને તેમાં પોતાના બેંક એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરી શકે છે અને પછી વોલેટની મદદથી ટ્રાન્ઝેકશન કરી શકે છે.
યુપીઆઇના ક્યૂઆર કોડની જ મદદથી ડિજિટલ રૂપીથી પણ પેમેન્ટ કરી શકાય તે પછી ડિજિટલ રૂપી વ્યવસ્થાને ઓપન કરી દેવામાં આવે અને અત્યારના મર્યાદિત યૂઝર્સને બદલે સૌ કોઈ તેનો ઉપયોગ શરૂ કરી શકે તેવી શક્યતા છે. અલબત્ત ત્યારે પણ ડિજિટલ રૂપી વ્યવસ્થાને યુપીઆઇ તરફથી તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડશે.
તમે જાણતા જ હશો કે આપણે લગભગ કોઈ પણ યુપીઆઇ એપમાં કોઈ પણ બેન્કના ખાતાને કનેક્ટ કરી શકીએ છીએ. પરંતુ બેંકની એપમાં યુપીઆઇનો ઉપયોગ કરવો હોય તો એ જ બેંકમાં ખાતું હોવું જરૂરી હોય છે.

હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેમાં એક નવો ચીલો ચાતર્યો છે. અન્ય કોઈ પણ બેંકના ખાતાધારક પણ સ્ટેટ બેંકની ‘યોનો’ એપ ડાઉનલોડ કરી તેમાં પોતાના, સ્ટેટ બેંક સિવાયના ખાતાને કનેક્ટ કરીને તેમાં યુપીઆઇનો ઉપયોગ કરી શકશે.
આ ફેરફારને કારણે હવે ‘યોનો’ એપ ફોનપે, ગૂગલપે કે પેટીએમ જેવી પોપ્યુલર યુપીઆઇ એપની હરીફાઇ કરી શકશે!
