(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્ટ્રીટ વ્યૂથી આખા વિશ્વનું 3ડી મેપિંગ

ઉપરના મેપમાં પૃથ્વીના જે ભાગમાં ખાસ માનવવસતિ નથી એટલો ભાગ કોરો દેખાય છે, બાકીના લગભગ બધા ભાગના સ્ટ્રીટ વ્યૂ તૈયાર થઈ ગયા છે - આપણા ઘર સુધી જતા રસ્તા ને શેરી સહિત!

અત્યારે તમે ‘સાયબરસફર’ મેગેઝિન હાથમાં લઈને ‘સ્ટ્રીટ વ્યૂ’ વિશેનો લેખ વાંચવાનું શરૂ કરી રહ્યા છો, પણ લેખમાં આગળ વધતાં પહેલાં એક નાનકડો પ્રયોગ કરો.

તમારો સ્માર્ટફોન હાથમાં લો, તેમાં ગૂગલ મેપ્સ એપ ઓપન કરો. હવે સ્ક્રીન પર ઉપર જમણે ખૂણે, તમારા પ્રોફાઇલ પિક્ચરની નીચેની તરફ આપેલા ‘લેયર્સ’ બટન પર ક્લિક કરો. નીચેની તરફ જે ઓપ્શન્સ ખૂલે, તેમાં ‘મેપ ટાઇપ’માં ‘ડિફોલ્ટ’ અને ‘મેપ ડીટેઇલ્સ’માં ‘સ્ટ્રીટ વ્યૂ’ પસંદ કરો. હવે ચોકડી પર ક્લિક કરી, આ ઓપ્શન્સ પેજ બંધ કરી દો.

હવે છેક મથાળે આપેલા સર્ચ બોક્સમાં તમારા ઘરનું એડ્રેસ લખો અને સર્ચ કરો. તમે ગૂગલ મેપ્સ સર્વિસને તમારા ઘરનું સરનામું આપ્યું હોય, તો સર્ચ બોક્સ નીચે સૌથી પહેલાં ‘હોમ’ ટેબ જોવા મળશે, તેને ક્લિક કરી દો. તમે જોશો કે તમારા ઘરની ચારે તરફના રસ્તાઓ લીલાશ પડતા બ્લુ કલરમાં દેખાય છે.

આ વાત ધ્યાનમાં રાખો અને હવે ઉપર સર્ચ બોક્સમાં Narayan Sarovar સર્ચ કરો. યાદ રહે, આપણે પોતાના ઘરના લોકેશનથી નારાયણ સરોવર જવાનો રસ્તો સર્ચ નથી કરવો. સીધું એ સ્થળ જ સર્ચ કરતાં, તમે મેપ્સ પર નારાયણ સરોવર પહોંચશો. અહીં પણ આપણા ઘરની આસપાસ જોઈ હતી એ રીતે, રસ્તાને બદલે લીલાશ પડતા બ્લુ કલરની રેખાઓ જોવા મળશે.

આ ચોક્કસ કલરની રેખા દર્શાવે છે કે એ આખા રસ્તાનો ‘સ્ટ્રીટ વ્યૂ’ ઉપલબ્ધ છે!

ભારતમાં તેજ ગતિએ વધતો વ્યાપ

તમે નક્શાને થોડો ઝૂમ આઉટ કરશો એટલે જોશો કે નારાયણ સરોવર એ ભારતનું સૌથી પશ્ચિમે આવેલું આખરી ગામ છે! ત્યાંના સ્ટ્રીટ વ્યૂ પણ ઉપલબ્ધ છે! ગુજરાતનું લગભગ કોઈ પણ નાનું એવું ગામ તપાસશો તો ત્યાં પણ સ્ટ્રીટ વ્યૂ કેપ્ચર થઈ ગયા હોવાનું ધ્યાનમાં આવશે.

નક્શાને ફરી ઝૂમ આઉટ કરીને આખા ગુજરાતના લેવલે પહોંચશો તો કચ્છના નાના-મોટા રણ અને ગીરના જંગલ સિવાય લગભગ બધા ભાગ લીલાશ પડતા બ્લુ કલરમં કવર થયેલા દેખાશે. એવું જ આખા ભારતના લેવલે, લગભગ એવું આખી દુનિયાના લેવલે!

ઓફિશિયલી, ગૂગલના સ્ટ્રીટ વ્યૂ પ્રોજેકેટની શરૂઆત ૨૦૦૭માં થઈ. આપણા દેશમાં પણ વર્ષ ૨૦૧૧માં એની એન્ટ્રી થઈ હતી, પરંતુ ત્યારે પ્રાઇવસીના મુદ્દે ગૂગલે ભારતમાં આ એક્ટિવિટી થંભાવી દેવી પડી હતી. એ પછી  ૨૦૨૧માં ભારતમાં નેશનલ જિઓસ્પેસિયલ પોલિસી તૈયાર થઈ. તેને કારણે ગૂગલને ભારતમાં ફરી સ્ટ્રીટ વ્યૂ  શરૂ કરવાનો રસ્તો મળી ગયો. ફક્ત એક વર્ષમાં આખો દેશ લગભગ પૂરેપૂરો કવર થઈ ગયો છે!

દુનિયામાં સ્ટ્રીટ વ્યૂની સ્થિતિ

આખી દુનિયાનો કેટલો ભાગ સ્ટ્રીટ વ્યૂમાં કવર થયો છે એ જોવા માટે અત્યારે લેખની શરૂઆતમાં આપેલો નક્શો જોઈ લો અને પછી કમ્પ્યૂટરમાં (સ્માર્ટફોનનો સ્ક્રીન નાનો પડશે!) https://www.google.com/streetview/how-it-works/ પર પહોંચો.

ત્યાં Where we’ve been શીર્ષક સાથે સમગ્ર વિશ્વમાં કેટલા ભાગના સ્ટ્રીટ વ્યૂ તૈયાર થઈ ગયા છે જોવા મળશે – આફ્રિકાનાં જંગલો કે રણપ્રદેશ, ચીન અને રશિયાનાં બરફનાં રણ કે ગ્રીનલેન્ડ સિવાય, માનવ વસતિવાળો લગભગ બધો જ ભાગ સ્ટ્રીટ વ્યૂમાં આવરી લેવાયેલો જોવા મળશે!


સૌથી પહેલાં મેપ્સ એપમાં લેયર્સમાં જઈને સ્ટ્રીટ વ્યૂનું લેયર ઓન કરી દેવાનું પગલું ભરો.

આ સ્ક્રીનશોટ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં કેટલા રસ્તાના સ્ટ્રીટ વ્યૂ તૈયાર છે તે બતાવે છે.

આ સ્ક્રીનશોટ ભારતના સૌથી પશ્ચિમ છેડાના એક સાવ નાના ગામમાં સ્ટ્રીટ વ્યૂની સ્થિતિ બતાવે છે.

આ સ્ક્રીનશોટ આખા ગુજરાતમાં કેટલા ભાગમાં સ્ટ્રીટ વ્યૂ લેવાયા છે તેની સ્થિતિ બતાવે છે.

ઝૂમ કરીને આખું ભારત જોશો ત્યારે ગણતરીના મહિનાઓમાં દેશનો કેટલો ભાગ આવરી લેવાયો છે તે જોઈ શકાશે.

તમે મેપ્સમાં કોઈ સ્થળે જવા નેવિગેશન ઓન કરો તો આખા રસ્તાના સ્ટ્રીટ વ્યૂ નીચે મુજબ જોવા મળી શકે છે.

મોટાં શહેરોના સ્ટ્રીટ વ્યૂ એટલા અસરકારક હોય કે કોઈ વ્યક્તિ ભૂલી પડે જ નહીં!

ગૂગલની રીતરસમ બરાબર જાણનારા લોકો જાણે છે કે આ કંપનીને તેની સ્થાપના થઈ એ સમયથી આખી દુનિયાનો ડેટા એકઠો કરવાનું ઘેલું લાગ્યું છે. ગૂગલે તેના મિશન તરીકે સ્પષ્ટતા કરી છે કે કંપની વિશ્વની તમામ માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવી, તેને સૌને માટે સુલભ અને ઉપયોગી બનાવવા માગે છે. વાતની શરૂઆત સર્ચ એન્જિનથી થઈ, પણ પછી કેટકેટલીય રીતે એ આગળ વધી.

કંપનીનો એપ્રોચ કંઈક એવો છે કે જે કોઈ પ્રકારનો, જેટલા પ્રમાણમાં મળે એટલો ડેટા એકઠો કરી લેવો, પછી સમય મળે ત્યારે એમાંથી કંઈક અર્થ તારવવાનો પ્રયાસ કરવો અને પછી એ ડેટા લોકોને ઉપયોગી થાય એવી રીતે રજૂ કરવો (ડેટા ઉસેડી લેવાની આ પ્રોસેસમાં કંપની પોતે અબજો ડોલર કમાઈ રહી છે એ અલગ વાત છે)!

સ્ટ્રીટ વ્યૂની શરૂઆત પણ, દુનિયાનો અલગ પ્રકારનો ડેટા એકઠો કરવાના તુક્કા તરીકે જ થઈ. ગૂગલના સ્થાપક વર્ષ ૨૦૦૪માં લેરી પેજને આ તુક્કો સુઝ્યો, ‘‘દુનિયાનો ૩૬૦ ડિગ્રી મેપ તૈયાર કર્યો હોય તો કેવું?’’

લેરી પેજ જ્યાં ભણ્યા હતા એ અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના માર્ક લેવોય નામના એક પ્રોફેસર અને તેમના એક સ્ટુડન્ટ એ જ અરસામાં બીજા એક તુક્કા પર કામ કરી રહ્યા હતા. એમણે સાન ફ્રાન્સિસ્કો શહેરની એક સ્ટ્રીટનો વીડિયો શૂટ કરી, તેની દરેક ફ્રેમને ઇમેજ તરીકે કેપ્ચર કરી હતી અને પછી, એ બધા ટુકડા એક પછી એક જોડીને એક લાંબી ઇમેજ તૈયાર કરી જોઈ હતી. આખી સ્ટ્રીટની એ લાંબીલચક ‘એક’ ઇમેજ દેખીતી રીતે જોવી ગમે એવી નહોતી, પણ લેરી પેજ અને તેમની કંપની ગૂગલને તેમાં આઇડિયા દેખાયો.

લેરી પેજે પોતાની જ કાર પર ગમે તેમ કરીને એક કેમેરા ફિટ કર્યો અને આખા સાન ફ્રાન્સિસ્કો શહેરની ઇમેજિસ કેપ્ચર કરવાનું શરૂ કર્યું. એ બધી ઇમેજ અને શહેરના રસ્તાના બીજા ડેટાને એકમેક સાથે જોડવાની કસરત કરવામાં આવી. એ બધું, એ તબક્કે કોઈ રીતે કોઈને ઉપયોગી થાય એવું લાગતું નહોતું,પણ વાતમાં સૌને રસ પડવા લાગ્યો.

વર્ષ ૨૦૦૬ની શરૂઆતમાં સ્ટ્રીટ વ્યૂ પ્રોજેક્ટ પર કુલ સાત ગૂગલર્સ કામ કરતા હતા. ગોલ હતો કે આ ‘તુક્કામાંથી એક રીયલ પ્રોડક્ટ’ બનાવવી. તેમને દિશા મળવા લાગી હતી. વધુ ને વધુ વાહનો પર કેમેરા ફિટ કરવામાં આવ્યા, અલગ અલગ રીતે ઇમેજ કેપ્ચર કરવામાં આવી, તેની સાથે જેતે સ્થળોના અન્ય ડેટાને મેચ કરવામાં આવ્યો…

૨૦૦૭માં સ્ટ્રીટ વ્યૂ પ્રોજેક્ટ ઓફિશિયલી લોન્ચ થયો. ત્યારે અમેરિકાનાં માત્ર પાંચ શહેરોના સ્ટ્રીટ વ્યૂ હતા અને કેમેરાની કેપેસિટી ૫ મેગાપિક્સેલની હતી!

પણ આઇડિયા ક્લિક થઈ ગયો, ખાસ કરીને વિવિધ બિઝનેસ તરફથી.

અત્યારે બે સોર્સથી સ્ટ્રીટ વ્યૂ તૈયાર થાય છે – ગૂગલના પોતાના કેમેરા અને અન્ય યૂઝર્સનાં કન્ટ્રિબ્યુશન. ગૂગલના સ્ટ્રીટ વ્યૂમાં લોકોના ચહેરા ધૂંધળા કરી દેવામાં આવે છે.

હવે બહારની દુનિયા ઉપરાંત ગૂગલે મોટા મોલ, એરપોર્ટ વગેરે ઇમારતોની અંદરના વ્યૂ પણ કેપ્ચર કરવાનું શરૂ કર્યું છે. એ કારણે તમે કોઈ સારી હોટેલમાં ડીનર માટે જવા માગતા હો તો ત્યાં જતાં પહેલાં તેના ગૂગલ મેપ્સમાં એ હોટેલના ઇનસાઇડ ૩૬૦ ડિગ્રી વ્યૂ જોઈ શકો (ગૂગલની કમાણી અહીંથી જ શરૂ થઈ છે).

ભારતમાં, તમારી દીકરીને હૈદ્રાબાદમાં નોકરી મળી હોય તો તેનું પેઇંગ ગેસ્ટ હાઉસ કેવા વિસ્તારમાં છે, એની આજુબાજુનો વિસ્તાર બરાબર છે કે નહીં એ બધું તમે જોઈ-તપાસી શકો છો – ઘેરબેઠાં!

ગૂગલના લગભગ દરેક પ્રોજેક્ટની મજા એ હોય છે કે તેમાં કામ પહેલાં શરૂ કરી દેવામાં આવે છે, કમાણીનો વિચાર પછી કરવામાં આવે છે (જોકે ગૂગલ બહુ સ્માર્ટ કંપની છે, સાવ એવું ન પણ હોય)!

સ્ટ્રીટ વ્યૂ કંઈક એવો જ પ્રોજેક્ટ છે.  આપણી પૃથ્વી અદભુત છે, પણ એના ખૂણે ખૂણાને જોવાનું સૌ માટે શક્ય નથી, પણ સ્ટ્રીટ વ્યૂથી એ શક્ય બનવા લાગ્યું છે. આ પ્રોજેક્ટ (https://www.google.com/streetview/)ને કારણે આખી દુનિયાના અનેક ભાગોના અબજો ફોટોગ્રાફ લઈ, તેમને એકમેક સાથે જોડીને આખી દુનિયાની જાણે ડિજિટલ, વર્ચ્યુઅલ રજૂઆત કરવામાં આવી રહી છે.

આ મહા ભગીરથ કામ બે પ્રકાર થઈ રહ્યું છે, ગૂગલની પોતાની ટીમ દ્વારા અને લાખો-કરોડો લોકોના યોગદાનથી.

આપણે ગૂગલ મેપ્સ અથવા ગૂગલ અર્થની સાઇટ/એપ પર સ્ટ્રીટ વ્યૂની મજા માણી શકીએ છીએ. જોકે જાતે શોધવા જઈએ તો ઘણાં મજાનાં સ્થળો ચૂકી જઈએ એવું બની શકે.

એ  કારણે અહીં થોડાં સ્થળો તારવી આપ્યાં છે, એ માટે એ સ્થળોની ફોટોગ્રાફી કરવા માટે જે જાતભાતની પદ્ધતિ અપનાવાઈ છે તેનો એંગલ અજમાવ્યો છે.

સાથોસાથ દરેક સ્ટ્રીટ વ્યૂ જોવા માટે શું કરવું, ક્યાં શું સર્ચ કરવું એ પણ લખ્યું છે – તો ખુંદી વળો દુનિયા, નવી રીતે!

(1) ઘેટાંને બનાવ્યાં ફોટોગ્રાફર

ઉત્તર એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં  ‘ફેરો’ નામે ટાપુઓનો એક મોટો સમૂહ છે. વિશેષતા એ કે આ રળિયામણા ટાપુઓ પર માનવવસતી માંડ ૫૦,૦૦૦ની છે, પણ ઘેટાંની તેથી ક્યાંય વધુ વસતી છે. વર્ષ ૨૦૧૬માં, આમાંથી કેટલાંક ઘેટાંને સ્ટ્રીટ વ્યૂ માટે ફોટોગ્રાફર બનાવવામાં આવ્યાં! તેમની ઉપર સોલાર પાવર્ડ કેમેરા ફિટ કરવામાં આવ્યા અને પછી તેમનાં ફરવા-ચરવા માટે છૂટાં મૂકી દેવામાં આવ્યાં! ગૂગલે આ ટાપુઓના લોકો માટે ખાસ ‘સ્ટ્રીટ વ્યૂ કેમેરા લોન પ્રોગ્રામ’ પણ લોન્ચ કર્યો હતો, જેથી લોકો કેમેરા મેળવી, પોતાનાં ઘેટાં પર તેને ફિટ કરી, સ્ટ્રીટ વ્યૂને વધુ સમૃદ્ધ બનાવી શકે!

સર્ચ કરો : વધુ માહિતી માટે સર્ચ કરો Sheep View: Where there’s a wool, there’s a way

(2) મહાસાગરોના તળિયે

પૃથ્વીના ૭૧ ટકા ભાગને મહાસાગરો આવરી લે છે, પરંતુ મહાસાગરના માંડ ૫ ટકા ભાગને માનવજાત ફંફોસી શકી છે. ગૂગલે અન્ય સંસ્થાઓના સાથમાં મહાસાગરોના તળિયા સુધી જઈને ટાઇટેનિક જેવાં ડૂબી ગયેલાં જહાજોના ભંગાર ઉપરાંત, સમૃદ્રની અજબ જીવસૃષ્ટિ સમી કોરલ રીફની ફોટોગ્રાફી કરવા માટે સ્કૂબા ડાઇવર્સ અને ખાસ પ્રકારનાં સાધનોથી ફોટોગ્રાફી શરૂ કરી છે. આ ફોટોગ્રાફી એ રીતે થઈ રહી છે, જેથી એક બેઝલાઇન સર્વે થાય અને પછી અમુક વર્ષોના અંતરાલે, એક્ઝેક્ટલી એ જ પોઇન્ટ્સ પર ફરી ફોટોગ્રાફી કરી, ત્યાંની જીવસૃષ્ટિનું માનવે નિકંદન વાળ્યું કે સંવર્ધન કર્યું, એ જાણી શકાય!

સર્ચ કરો : પીસી કે સ્માર્ટફોનમાં ગૂગલ અર્થમાં સર્ચ કરો The World’s Ocean. તેની ગાઇડેટ ટૂર ઓપન કરો, વિવિધ સ્થળોની અન્ડરવૉટર ફોટોગ્રાફી જુઓ.

ખરા અર્થમાં પૃથ્વી, આકાશ અને પાતાળને જાતભાતની રીતે  કેપ્ચર કરવામાં આવી રહ્યાં છે

(3) સ્નોમોબાઇલથી ફોટોગ્રાફી

વર્ષ ૨૦૧૦માં કેનેડાના વેનકુવરમાં વિન્ટર ઓલિમ્પિક્સ યોજાઈ ત્યારે નજીકના બરફાચ્છાદિત પહાડોના સ્કીઇંગ સ્લોપ્સની પણ પહેલી વાર સ્ટ્રીટ વ્યૂ ફોટોગ્રાફી કરવામાં આવી. એ માટે બરફ પર સરકી શકતા સ્નોમોબાઇલ વ્હિકલમાં કેમેરા, જીપીએસ વગેરે ફિટ કરવામાં આવ્યાં હતાં. પછીના વર્ષથી સ્વીટ્ઝર્લેન્ડમાં પણ આલ્પ્સ પર્વતમાળામાં આ રીતે સ્નોમોબાઇલની મદદથી ફોટોગ્રાફી કરવામાં આવી. જોકે ત્યાં પણ ભારતની જેમ ગૂગલે કાનૂની અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.

સર્ચ કરો : વિન્ટર ઓલિમ્પિક્સ દરમિયાન, સ્નોમોબાઇલથી શરૂ થયેલી સ્ટ્રીટ વ્યૂ ફોટોગ્રાફી વિશેનો વીડિયો જોવા યુટ્યૂબ પર સર્ચ કરો Introducing the Street View snowmobile

(4) બેકપેકની મદદથી

દુનિયામાં એવાં પણ ઘણાં સ્થળો છે, જ્યાં કાર, રીક્ષા, ટ્રાઇસિકલ કે સ્નોમોબાઇલ જેવાં વાહનો પહોંચી શકતાં નથી. એવાં સ્થળો માટે ગૂગલના ટીમ મેમ્બર્સે ખભે જ કેમેરા ઊંચકી લીધા!

વર્ષ ૨૦૧૨થી પહેલી વાર આવા ‘સ્ટ્રીટ વ્યૂ ટ્રેકર’ ટીમમાં જોડાયા. વર્ષ ૨૦૧૮થી આવા બેકપેક કેમેરામાં ૧૪૦ મેગાપિક્સેલના કેમેરા અને લેસર સેન્સર ઉમેરાયાં, જેથી કામ ઝડપી બને.

સર્ચ કરો : ‘ટ્રેકર’ તરીકે ઓળખાતા લોકો બેકપેકની જેમ કેમેરા પહેરીને સ્ટ્રીટ વ્યૂ માટે કેવી રીતે ફોટોગ્રાફી કરે છે એ જોવા માટે  યુટ્યૂબ પર સર્ચ કરો Want To Wear This Street View Backpack?

(5) રણમાં કામ કર્યું ઊંટે

આખી દુનિયાની ફોટોગ્રાફીમાં ઊંટે પણ પોતાની  ભૂમિકા ભજવી છે. અબુ ધાબી નજીક લિવાના રણની ફોટોગ્રાફી કરતી વખતે ઊંટ પર કેમેરા મૂકી દેવામાં આવ્યા. આ રણમાં ૧૩૧ ફૂટની ઊંચાઈએ પહોંચતા રેતના ઢૂવા છે, તેની ફોટોગ્રાફી માટે ઊંટથી કારગત બીજું શું હોઈ શકે?

સર્ચ કરો : રણમાં સ્ટ્રીટ વ્યૂ ફોટોગ્રાફી? કેમ? એવી મહેનત શા માટે? આવા સવાલ કોઈને પણ થાય. યુટ્યૂબ પર ગૂગલ અરેબિયાએ પોસ્ટ કરેલા વીડિયો (Explore Liwa with Google Maps) વિશેની કમેન્ટ્સમાં આ સવાલનો જવાબ આપતાં, જિયોગ્રાફીના એક રસિયાએ ભારપૂર્વક લખ્યું છે કે પૃથ્વીનાં દુર્ગમ સ્થળોનું આવું ડોક્યુમેન્ટેશન સમાજ માટે બહુ મહત્ત્વનું છે!

(6) એમેઝોન રીવરની ફોટોગ્રાફી

દુનિયાની સૌથી વિશાળ નદી અમેઝોન અને તેની સમગ્ર ઇકોસિસ્ટમમાં પૃથ્વી પરની જીવસૃષ્ટિનાં અનેક રહસ્યો ધરબાયેલાં પડ્યાં છે. આખેઆખી નદીને સ્ટ્રીટ વ્યૂ તરીકે કેપ્ચર કરવી હોય ત્યારે દેખીતી રીતે કોઈ કાર, ટ્રાઇક કે બેકપેક તો કામ લાગે નહીં! આથી આખેઆખી ટ્રાઇકને કેમેરા સાથે બોટની છત પર ફિટ કરવામાં આવી! સામાન્ય રીતે વિવિધ બિઝનેસના ઇન્ટિરિયર્સ શૂટ કરવા માટે જે વપરાય તે ફિશઆઇ લેન્સનો અહીં પણ ઉપયોગ કરાયો.

સરવાળે ૫૦,૦૦૦ જેટલા સ્ટિલ ફોટોગ્રાફ કેપ્ચર થયા અને તેને એકમેક સાથે સ્ટિચ કરી, ઇમર્સિવ ૩૬૦ ડિગ્રી પેનોરમિક વ્યૂ તૈયાર થયા અને સ્ટ્રીટ વ્યૂ પણ બન્યા.

સર્ચ કરો : એમેઝોન નદી સ્ટ્રીટ વ્યૂ વિશેનો વીડિયો જોવા માટે યુટ્યૂબમાં સર્ચ કરો Trek the Amazon Basin with Google Maps.એમેઝોનના મુખ્ય ભાગ જેવા રિયો નીગ્રોમાં વર્ચ્યુઅલ બોટ રાઇડ કરવી હોય કે આસપાસની નાની નદીઓની ‘ગલીઓ’ ખૂંદવી હોય તો ગૂગલ અર્થમાં સર્ચ કરો Treks: Amazon Basin, Brazil.

આપણે કલ્પી ન શકીએ એવી જગ્યાઓએ પણ  સ્ટ્રીટ વ્યૂના કેમેરા પહોંચી ગયા છે

(7) ભારતમાં કામે લાગી રીક્ષા

ગયા વર્ષે ભારતમાં ગૂગલના સ્ટ્રીટ વ્યૂ પ્રોજેક્ટને ફરી એન્ટ્રી મળી એ પછી ભારતનાં નાનાં-મોટાં અનેક શહેરોમાં ખૂણેખાંચરે, ગૂગલના ભારતીય ટેક પાર્ટનર્સનાં ખાસ પ્રકારના કેમેરા સાથેનાં વાહનો ફરવા લાગ્યાં છે. એમાંનાં કોઈ તમે પણ જોયાં હશે. ભારતની ગલીકૂંચીઓની ફોટોગ્રાફી માટે રીક્ષાની મદદ લેવાઈ છે!

સર્ચ કરો : ગૂગલ મેપ્સ એપમાં સ્ટ્રીટ વ્યૂ લેયર ઓન કરો, ભારતના કોઈ પણ મોટા શહેરનો કોઈ વિસ્તાર સર્ચ કરો અને બ્લુ લાઇન્સ પર ક્લિક કરો.

(8) સ્પેસ સ્ટેશનમાં પણ

આપણે વાત પૃથ્વીની કરી રહ્યા છીએ, પણ સ્ટ્રીટ વ્યૂના કેમેરા અવકાશમાં, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પણ પહોંચ્યા છે. સ્પેસ સ્ટેશનમાં સ્પેસની મર્યાદા અને ઝીરો ગ્રેવિટીને કારણે રોજિંદા ઇક્વિપમેન્ટથી ફોટોગ્રાફી શક્ય નહોતી. નાસાની મદદ લેવામાં આવી અને સ્પેસસ્ટેશનમાંનાં સાધનોથી જ કામ ચલાવવામાં આવ્યું. સ્પેસસ્ટેશનમાંના અવકાશયાત્રીએ ફોટોગ્રાફી કરીને ઇમેજિસ પૃથ્વી પર મોકલી, તેને એકમેક સાથે જોડીને આખા સ્પેસ સ્ટેશનની ૩૬૦ ડિગ્રી ઇમેજરી તૈયાર કરવામાં આવી!

સર્ચ કરો : પીસી કે સ્માર્ટફોનમાં ગૂગલ અર્થમાં સર્ચ કરો Visit the International Space Station. તેની ગાઇડેડ ટૂર ઓપન કરો, સ્પેસ સ્ટેશનના વિવિધ ભાગોની ‘જાતમુલાકાત’ લો!

(9) જ્વાળામુખીના મુખમાં

જાણીને નવાઈ લાગે, પણ સ્ટ્રીટ વ્યૂને પ્રતાપે આપણે જાગતા જ્વાળામુખીના મુખમાં પણ ડોકિયાં કરી શકીએ છીએ! ન્યૂઝઝીલેન્ડના એક ગૂગલર મેથ્યુની હોબી જ દુનિયાભરના જ્વાળામુખીઓને નજીકથી જોવાની છે.

તેમણે એ પેશનને પ્રોફેશનમાં પણ કામે લગાડ્યું, પહેલાં એમનો આઇડિયા સાંભળી ટીમને લાગ્યું કે એ મજાક કરે છે! પછી ખરેખર, મેથ્યુ અને તેમની ટીમે દક્ષિણ પેસિફિકના એક જ્વાળામુખી છેક મુખ સુધી પહોંચી, તેમાં ૧૨૦૦ ફૂટ ઊંડે સુધી કેમેરા ઉતારી, તેની ફોટોગ્રાફી કરી!

સર્ચ કરો : પીસી કે સ્માર્ટફોનમાં ગૂગલ અર્થમાં સર્ચ કરો Inside the Marum Crater.  તેની ગાઇડેડ ટૂર ઓપન કરો અને જ્વાળામુખીના મુખ સુધી પહોંચો.

(10) જૂની ને જાણીતી પેડલ રીક્ષા!

વર્ષ ૨૦૧૦માં ગૂગલના એક સિનિયર મિકેનિકલ એન્જિનીયરે પોતાના કામમાંથી કોફી બ્રેક લીધો ત્યારે તેમણે રસ્તા પર આપણી બાળકોની ટ્રાઇસિકલ કે મોટા લોકોની પેડલ રીક્ષા જેવી એક ‘પેડ-કેબ’ જતી જોઈ. એમના મનમાં ઝબકારો થયો, તેમણે તરત પેલા પેડ-કેબના માલિક સાથે વાત કરી અને એમાંથી જન્મી ’ગૂગલ ટ્રાઇક’. જ્યાં જ્યાં કેમેરા સાથે આખી કાર જઈ શકે તેમ ન હોય ત્યાં, વિશાળ ઝૂ, મહેલો, યુનિવર્સિટી વગેરેમાં આવી ટ્રાઇકની મદદથી સ્ટ્રીટ વ્યૂ કેપ્ચર થાય છે!

સર્ચ કરો : ટ્રાઇકથી સ્ટ્રીટ વ્યૂ વિશેનો વીડિયો જોવા યુટ્યૂબ પર સર્ચ કરો Introducing the Street View Trike

આ બધું જ હવે મેપ્સ અને અર્થમાં ઉમેરાઈને આપણું અલગ રીતે માર્ગદર્શન કરવા લાગ્યું છે

(11) વન્ડરલેન્ડમાં દોડી રમકડાંની કાર

જર્મનનીના હેમબર્ગમાં એક અદભુત મિનિએચર વન્ડરલેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. દુનિયાના વિવિધ જગપ્રસિદ્ધ સ્થળો ઉપરાંત, કુલ ૪૨૦૦૦ ફિટ લાંબું, દુનિયાનું સૌથી મોટું રેલવે મોડેલ પણ અહીં તૈયાર કરવામાં આવ્યું છે. સાચુકલી દુનિયાની નાની છતાં વિરાટ પ્રતિકૃતિના સ્ટ્રીટ વ્યૂ તૈયાર કરવા માટે ગૂગલે પણ રમકડાંની કારમાં કેમેરા ફિટ કર્યા અને તેને વન્ડરલેન્ડના રસ્તાઓ પર દોડાવી!

સર્ચ કરો : સૌથી પહેલાં તો આ વન્ડરલેન્ડની ઝલક માટે યુટ્યૂબમાં સર્ચ કરો Miniatur Wunderland: Largest Model Train Set – Guinness World Records. ઓફિશિયલ વેબસાઇટ છે https://www.miniatur-wunderland.com/.

ગૂગલ સ્ટ્રીટ વ્યૂ જુઓ અહીં https://www.google.com/maps/about/behind-the-scenes/streetview/treks/miniatur-wunderland/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!