આગળ શું વાંચશો?
- હવે વોટ્સએપમાં આવે છે ન્યૂઝલેટર્સ
- યુટ્યૂબમાં અપશબ્દો ધરાવતા વીડિયો પર હવે ઓછા અંકુશ
- ટ્વીટરમાં SMS દ્વારા 2FA બંધ થઈ ગયું
- ઇન્સ્ટાગ્રામના સહ-સ્થાપક ઇન્સ્ટા એપની હાલની સ્થિતિથી નારાજ!
- યુટ્યૂબમાં અમુક પ્રકારની જાહેરાત બંધ થશે
- વોટ્સએપમાં જૂનાં ગ્રૂપ સંબંધિત મહત્ત્વનો ફેરફાર
મેટાએ જાહેરાત કરી છે કે વહેલામોડું, વોટ્સએપમાં પણ સર્ચ એન્જિનની જેમ એઆઇ-ચેટબોટ સાથે ચર્ચાનો દોર ચલાવવાની સગવડ આવી રહી છે – એ સુવિધા તો આવે ત્યારે, પરંતુ વોટ્સએપના બિટા વર્ઝનમાં એક વધુ ઇન્ટરેસ્ટિંગ ફીચર દેખાવા લાગ્યું છે – ન્યૂઝલેટર્સનું ફીચર!
ઇન્ટરનેટ પર ઇ-ન્યૂઝલેટર્સ માર્કેટિંગનું એક અસરકારક માધ્યમ ગણાય છે. વર્ષોથી તેનો ઉપયોગ થતો રહ્યો છે. પરંતુ ઇ-ન્યૂઝલેટર્સની ડિલિવરી અત્યાર સુધી ઈ-મેઇલ આધારિત રહી છે. ઈ-મેઇલ પ્રોગ્રામ્સમાં સૌથી વધુ પોપ્યુલર જીમેઇલ કંપનીએ આપણા પર આવતા ઈ-મેઇલ્સને અલગ અલગ કેટેગરીમાં આપમેળે વહેંચી નાખવાનું શરૂ કર્યું એ પછી ઇ-ન્યૂઝલેટર્સની અસરકારકતા થોડી ઘટી પણ છે.

જો તમે પણ આ રીતે તમારા ઇનબોક્સને પ્રાઇમરી, પ્રમોશન, સોશિયલ, અપડેટ્સ અને ફોરમ્સ એવી કેટેગરીમાં વહેંચી નાખ્યું હશે તો તમે મોટે ભાગે માત્ર પ્રાઇમરી કેટેગરીમાંનાં મેઇલ્સ જોઇને અટકી જતા હશો! આપણે પોતે વિવિધ કંપનીના ઇ-ન્યૂઝલેટર્સ માટે સાઇનઅપ કર્યું હોય તો પણ એ બધા ન્યૂઝલેટર્સ ઓટોમેટિકલી ફિલ્ટર થઈને પ્રમોશન સેકશનમાં ચાલ્યા જતા હોય છે, એટલે આપણે તેના તરફ ભાગ્યે જ નજર કરીએ તેવું બને.
ઉપરાંત, વોટ્સએપ પ્રચલિત થયા પછી ઈ-મેઇલનો ઉપયોગ સતત ઘટી રહ્યો છે. લોકો બિઝનેસ કમ્યુનિકેશન માટે તથા ફાઇલ્સની આપલે માટે પણ વોટ્સએપ તરફ વળી ગયા છે. એ જોતાં વોટ્સએપમાં જ ન્યૂઝલેટરનું ફીચર ઉમેરાય તો તે ગેમચેન્જર બની શકે છે!
અત્યારે વોટ્સએપના એન્ડ્રોઇડ માટેના બિટા વર્ઝનના જે સ્ક્રીનશોટ્સ ઉપલબ્ધ થયા છે એ જોતાં લાગે છે કે આ ફીચર વોટ્સએપના સ્ટેટસ ટેબમાં ઉમેરાશે.
આ ટેબમાં આપણે વિવિધ યૂઝર્સ તરફથી ઓફર થતા ન્યૂઝલેટર સર્ચ કરી શકીશું અને જેમાં રસ પડે તેને સબસ્ક્રાઇબ કરતાં આ ન્યૂઝલેટર્સ નિયમિત રીતે વોટ્સએપમાં જ આપણને મળવાનું શરૂ થશે.
નવેમ્બર ૨૦૨૨માં વોટ્સએપમાં કમ્યુનિટિઝ ફીચર ઉમેરાયું હતું તેમાં વધુમાં વધુ પાંચ હજાર સભ્યો સામેલ થઈ શકે એવી મર્યાદા છે, પરંતુ ન્યૂઝલેટર ટૂલમાં એવી કોઈ મર્યાદા હોય તેવું લાગતું નથી. હાલ પૂરતું કોઈ પણ પ્રકારની એડ વગર આ ન્યૂઝલેટર આપણને જોવા મળશે. એ જ રીતે તેનો ક્રમ પણ ‘વહેલા તે પહેલા’ના ધોરણે રહેશે, તેમાં અલ્ગોરિધમની કોઈ અસર થશે નહીં. એવી પણ શક્યતા છે કે વોટ્સએપ પર ન્યૂઝલેટર ક્રિએટ કરનાર વ્યક્તિ અને તેને સબસ્ક્રાઇબ કરનાર વ્યક્તિ બંનેના ફોન નંબર અન્ય લોકો જોઈ શકશે નહીં.
વોટ્સએપની હરીફ જેવી ટેલિગ્રામ એપમાં વોટ્સએપના ગ્રૂપ્સની સરખામણીમાં ખાસ્સી વિસ્તૃત એવી ચેનલ્સ છે, જેમાં બે લાખ જેટલા સભ્યો જોડાઈ શકે છે. વોટ્સએપ કદાચ ન્યૂઝલેટર ફીચરથી ટેલિગ્રામની ચેનલ્સની હરીફાઈ કરે તેવું લાગે છે.
જોકે વોટ્સએપની પહેલાં, ફેસબુક, ટ્વીટર વગેરેએ પણ પોતપોતાના પ્લેટફોર્મ પર ઈ-મેઇલ જેવી ન્યૂઝલેટર સર્વિસ શરૂ કરવાની કોશિશ કરી છે. ટ્વીટરે ‘રિવ્યૂ’ અને ફેસબુકે ‘બુલેટિન’ નામે આવો અખતરો કર્યો હતો અને પછી બંને પ્રયોગ સમેટાઈ ગયા.
અત્યારે બિઝનેસ એપીઆઇ સાથે વોટ્સએપમાં ન્યૂઝલેટર પ્રકારની જ સર્વિસ ઉપલબ્ધ છે, હવે તે આપણા જૂના ને જાણીતા, સાદા વોટ્સએપ એકાઉન્ટમાં પણ મળે તેવી શક્યતા છે!
ગયા વર્ષે યુટ્યૂબ કંપનીએ તેની એડ પોલિસીમાં એવા ફેરફાર કર્યા હતા કે જો કોઈ વીડિયોમાં પહેલી પંદર સેકન્ડમાં અપશબ્દો હોય તો એવા વીડિયો સાથે જાહેરાત બતાવવામાં આવે નહીં. મતલબ કે એ વીડિયોના ક્રિએટરની યુટ્યૂબ પરથી થતી આવકમાં ધરખમ કાપ મૂકાઈ જાય. જો આખા વીડિયો દરમિયાન અપશબ્દોનો ઉપયોગ થયો હોય તો તેના પર પણ જાહેરાતની દૃષ્ટિએ અંકુશો આવ્યા હતા. ગયા વર્ષે લાગુ થયેલી આ પોલિસી પાછલી અસરથી હતી એટલે કે અગાઉના વીડિયોમાં અપશબ્દોનો ઉપયોગ થયો હોય તો તેમાં પણ જાહેરાતો બતાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ મુદ્દે યુટ્યૂબના ક્રિએટર્સે કકળાટ કરી મૂકતાં યુટ્યૂબે તેની ‘આકરી’ નીતિ ઉદાર બનાવી છે!
આ ફેરફાર માર્ચ ૭, ૨૦૨૩થી લાગુ થયા છે. હવે લાગુ થયેલી નવી નીતિ અનુસાર વીડિયોમાં ‘મર્યાદિત’ પ્રમાણમાં અપશબ્દોનો ઉપયોગ થયો હશે તો એવા વીડિયો ફુલ મોનેટાઇઝેશન માટે માન્ય ગણાશે. જો વીડિયોની પહેલી સાત સેકન્ડમાં અને ત્યાર પછી અવારનવાર અપશબ્દોનો ઉપયોગ થશે તો એવા વીડિયોને હવે મોનેટાઇઝેશનમાંથી સાવ બાકાત કરવાને બદલે તેના પર મર્યાદિત પ્રમાણમાં જાહેરાતો બતાવવામાં આવશે.
ફક્ત, જો વીડિયોના ટાઇટલ અને થમ્બનેઇલ ઇમેજમાં અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવશે તો એવા વીડિયો સાથે જાહેરાતો બતાવવામાં આવશે નહીં.
આનો અર્થ એ થયો કે ઓટીટી પ્લેટફોર્મ પર અત્યાર સુધી ગાળાગાળીની બેહદ ભરમાર રહી છે. હવે તેના પર કંઈક અંશે અંકુશ આવ્યા છે ત્યાં યુટ્યૂબ પર આ બાબતે હવે વધુ ઉદાર વલણ જોવા મળશે!
અમેરિકન ભેજાબાજ ઉદ્યોગપતિ ઇલોન મસ્કે ટ્વીટર પર અંકુશ મેળવ્યો ત્યારથી તેમાં સતત નીતનવા ફેરફાર થતા રહે છે, જેનો ઉદ્દેશ મોટા ભાગે કંપનીનો ખર્ચ ઘટાડવાનો અને આવક વધારવાનો હોય છે! એ મુજબ, ગયા મહિને ટ્વીટરે તેના સરેરાશ યૂઝર્સ એટલે કે ટ્વીટરનો મફત ઉપયોગ કરતા યૂઝર્સ માટે એસએમએસ દ્વારા ટુ-સ્ટેપ વેરિફિકેશન બંધ કરી દીધું!
લગભગ દરેક સારી સર્વિસ પોતાના યૂઝર્સને તેમનું એકાઉન્ટ સલામત રાખવા માટે વિવિધ પ્રકારે ટુ-સ્ટેપ વેરિફિકેશનની સગવડ આપતી હોય છે. પરંતુ ટ્વીટરને લાગે છે કે જ્યારે કોઈ યૂઝર ટ્વીટરમાં લોગ-ઇન થવા માટે પોતાનું યૂઝરનેમ અને પાસવર્ડ આપે ત્યાર પછી તેની ઓળખની વધુ ખાતરી માટે, તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા ઓટીપી મોકલવાનો ખર્ચ કંપનીને બહુ ભારે પડે તેમ છે! આથી ફ્રી યૂઝર્સ માટે આ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.
જો તમે તમારા ટ્વીટર એકાઉન્ટને સલામત રાખવા માટે આ સગવડનો લાભ લેતા હો તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમારું એકાઉન્ટ બંધ નહીં થાય, પરંતુ તે સલામત રહેશે નહીં. તમે ઇચ્છો તો ગૂગલ કે માઇક્રોસોફ્ટની ઓથેન્ટિકેટર એપથી આવી જ સગવડ ફરી મેળવી શકો છો. તેમાં ટ્વીટરને કોઈ ખર્ચ નથી!
ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે મોબાઇલમાં પણ તેમનું વર્ચસ જાળવી રાખવા માટે વારાફરતી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ એપ ખરીદી લીધી, એ પછી આ બંને એપમાં જે ફેરફારો થયા તેનાથી બંનેના મૂળ સ્થાપકો રાજી નથી!
ઇન્સ્ટાગ્રામના કો-ફાઉન્ડર કેવિન સિસ્ટ્રોમે ગયા મહિને ઇન્સ્ટાગ્રામ વિશે પોતાના દિલની વાત કહી દીધી. તેમણે કહ્યું કે ઇન્સ્ટાગ્રામને ઇન્સ્ટાગ્રામ બનાવનાર આત્મા જ મરી પરવાર્યો છે. તેમણે કહ્યું કે ‘‘હું મારા નજીકના ફ્રેન્ડઝ અને ફેમિલી શું કરે છે એ જાણવા માટે ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરતો હતો.’’ પણ હવે આખી વાત નજીકના લોકોને બદલે બિઝનેસ પ્રમોશનનું પ્લેટફોર્મ બની ગઈ છે, ઇન્સ્ટાગ્રામ પર હવે માત્ર રૂપિયા કમાવા માગતા ક્રિએટર્સ અને બ્રાન્ડસની ભરમાર છે. તેમણે કહ્યું કે ‘‘મને સૌથી વધુ અફસોસ એ છે કે ઇન્સ્ટાગ્રામ હવે સાવ કમર્શિયલ બની ગઈ છે. એક સમયે ઇન્સ્ટાગ્રામ પર લોકો પોતાના વેકેશનના ફોટોગ્રાફ અને રોજબરોજની લાઇફ મૂવમેન્ટ શેર કરતા હતા હવે મોટા ભાગની પોસ્ટ જાહેરાત જેવી જ હોય છે.’’ કેવિન સિસ્ટ્રોમે ત્યાં સુધી કહ્યું કે ‘‘મારે માટે, અમે જે ઇન્સ્ટાગ્રામ શરૂ કરી હતી તે આ નહોતી.’’
કેવિને વર્ષ ૨૦૧૨માં ફેસબુકને લગભગ એક અબજ ડોલરમાં ઇન્સ્ટાગ્રામ એપ વેચી હતી. આ પહેલાં વોટ્સએપના સ્થાપક પણ આવી જ નારાજગી બતાવી ચૂક્યા છે.
યુટ્યૂબ અને જાહેરાતો – આ બંનેને એકબીજા ચાલે તેમ નથી, તેથી આપણે યુટ્યૂબમાં વીડિયો જોતી વખતે જાહેરાતનો મારો સહન કર્યા વિના છૂટકો નથી. જો તમે યુટ્યૂબ પર અવારનવાર વીડિયો જોતા હશો તો તમારો અનુભવ હશે કે તેમાં વીડિયો દરમિયાન આવતી જાહેરાતો મોટો અવરોધ બનતી હોય છે.

યુટ્યૂબ સર્વિસનો મફત ઉપયોગ કરવો હોય તો આપણે જાહેરાતો સહન કરવી પડે એ તો સમજી શકાય પરંતુ ધીમે ધીમે વીડિયો શરૂ થાય એ પહેલાં જાહેરાત આવે અને અમુક જાહેરાત નિશ્ચિત સેકન્ડ પછી સ્કિપ કરી શકાય પરંતુ અમુક જાહેરાત આખી જોવી પડે તેવો ટ્રેન્ડ શરૂ થયો. લાંબા વીડિયોમાં પણ વચ્ચે અને છેલ્લે આ પ્રકારે જાહેરાતોની ભરમાર વધવા લાગી.
જોકે આ બધું ઓછું પડતું હોય તેમ ‘ઓવરલે’ એડ્સનો પણ ટ્રેન્ડ શરૂ થયો. નામ મુજબ આ જ પ્રકારની જાહેરાતો ચાલુ વીડિયોએ સ્ક્રીન પર ઉપર કે નીચેના ભાગે દેખાવા લાગી. યુટ્યૂબમાંથી કમાણી વધારવા માગતા ક્રિએટર્સ બધા પ્રકારની એડ હોંશથી આવકારે એ સ્વાભાવિક છે પરંતુ વ્યૂઅર તરીકે આપણે માટે એ ત્રાસદાયક બનવા લાગ્યું. જોકે મોબાઇલ એપમાં ઓવરલે એડ્સ લાંબા સમયથી બંધ થઈ ગઈ છે. એ પછી હવે ડેસ્કટોપમાં યુટ્યૂબની વેબસાઇટ પર પણ આવી ઓવરલે એડ્સ બંધ થઈ જશે. એપ્રિલ ૬, ૨૦૨૩થી તેનો અમલ શરૂ થઈ જશે. જોકે યુટ્યૂબે કન્ટેન્ટ ક્રિએટર્સને ધરપત આપી છે કે તેઓ ઓવરલે એડ્સને બદલે અન્ય પ્રકારના એડ ફોર્મેટનો ઉપયોગ કરી શકશે.
વોટ્સએપ પર તમે પણ પાર વગરના ગ્રૂપ્સનો હિસ્સો હશો. ઘણી વાર તમે પોતે કોઈ ખાસ પ્રસંગ માટે નજીકના મિત્રો કે ફેમિલી મેમ્બર્સનું ગ્રૂપ બનાવ્યું હશે અને તેનો ઉપયોગ પૂરો થઈ ગયા પછી પણ ગ્રૂપ જેમનું તેમ છોડી દીધું હશે. આ કારણે આપણા વોટ્સએપ એકાઉન્ટમાં એવાં સંખ્યાબંધ ગ્રૂપ્સ એક્ટિવ રહે છે, જેની આપણને કોઈ જરૂર ન હોય તેમ છતાં તે આપણા ફોનમાં સ્ટોરેજ રોકતાં હોય.
વોટ્સએપની મુશ્કેલી એ છે કે તેમાં આપણે જે જે ગ્રૂપમાં સામેલ હોઇએ તે ગ્રૂપ શોધવાનો કોઈ સહેલો રસ્તો નથી. એક સાથે બધા ગ્રૂપનું લિસ્ટ જોવા મળે એવું ન થાય. કોઈ ગ્રૂપમાં નવો મેસેજ આવે ત્યારે જ એ ગ્રૂપ ફરી આપણી નજર સામે આવે. હવે આ તકલીફ થોડી ઓછી થશે. વોટ્સએપ તેના ગ્રૂપ્સ ફીચરમાં થોડા ફેરફારો કરી રહી છે. પહેલા કદમ તરીકે આપણે ગ્રૂપ્સમાં એક્સપાયરી ડેટ ઉમેરી શકીશું. જેને કારણે કોઈ બર્થડે પાર્ટી કે ટૂર પ્લાનિંગ માટે ગ્રૂપ બનાવ્યું હોય તો એ નિશ્ચિત તારીખ વિત્યા પછી વોટ્સએપ આપણને યાદ અપાવશે કે આ ગ્રૂપની હવે જરૂર ન હોય તો તેને ડિલીટ કરી દો. આમ આ ફીચર ગ્રૂપને નિશ્ચિત તારીખ પછી આપોઆપ ડીલિટ નહીં કરે, પરંતુ યાદ અપાવશે કે હવે તમને આ ગ્રૂપની જરૂર નથી.
