આગળ શું વાંચશો?
- ટેલીગ્રામમાં ફરી નવાં ફીચર્સ
- વોટ્સએપમાં મલ્ટિ ટાસ્કિંગ
- વોટ્સએપ પર સરકારની ધોંસ વધી!
- વોટ્સએપ પર LICનું આગમન
- લિંક્ડઇનમાં બહેતર ફોક્સ
- તમારા વોટ્સએપ મેસેજ બીજું કોઈ પણ વાંચે છે?
વોટ્સએપની મુખ્ય હરીફ ટેલીગ્રામ એપમાં ફરીથી મોટા એપડેટ્સ આવ્યા છે, આપણને વિશેષ કામ લાગે એવાં બે નવાં ફીચર્સ વિશે જાણી લઈએ.
સિમકાર્ડ વિના ટેલીગ્રામનો ઉપયોગઃ આપણે જાણીએ છીએ તેમ વોટ્સએપ અને ટેલીગ્રામમાં અન્ય સોશિયલ મીડિયાથી અલગ પ્રકારનું એકાઉન્ટ રજિસ્ટ્રેશન થાય છે. બંનેમાં આપણો મોબાઇલ નંબર એ જ એકાઉન્ટનો મુખ્ય આધાર બને છે. આમ છતાં ટેલીગ્રામમાં એક એવી સગવડ મળે છે જેને કારણે આપણે અન્ય યૂઝર્સથી પોતાનો નંબર છૂપાવી શકીએ છીએ.

આ ફીચરની મદદથી પોતાનો મોબાઇલ નંબર ક્યા યૂઝર જોઈ શકે તથા અન્ય યૂઝર આપણા મોબાઇલ નંબરથી આપણો કોન્ટેક્ટ કરી શકે કે નહીં તેનો કંટ્રોલ આપણા હાથમાં રહે છે. હવે ટેલીગ્રામ આથી આગળ વધે છે – તેમાં મોબાઇલ નંબર વિના પણ સાઇનઅપ કરી શકાશે, અન્ય સોશિયલ મીડિયાની જેમ!
તમામ ચેટ્સ ઓટો ડિલીટઃ આમ તો છેક ૨૦૧૩થી ટેલીગ્રામમાં ઇન્ડિવિજ્યૂઅલ ચેટ નિશ્ચિત સમય પછી આપોઆપ ડિલીટ થાય એવી સગવડ મળી ગઈ છે.
વોટ્સએપમાં આવી સગવડ હવે મળી છે. પરંતુ તેમાં મેસેજ ડિલીટ થયો હોવાના સંકેત જળવાઈ રહે છે. આ બાબતે પણ ટેલીગ્રામ એક ડગલું આગળ વધી રહી છે.
તેમાં ઇન્ડિવિજ્યૂઅલ ચેટમાં, ચેટ આપોઆપ ક્યારે ડિલીટ થાય તેનો નિશ્ચિત ટાઇમ સેટ કરી શકાય છે. તે ઉપરાંત હવે નવા આવી રહેલા ફીચર મુજબ તમામ મેસેજ ડિલીટ કરવા માટે ફક્ત એક, સિંગલ ટાઇમર પણ સેટ કરી શકાશે.
આ માટેનું સેટિંગ, સેટિંગ્સમાં પ્રાયવસી એન્ડ સિક્યોરિટીમાં ઓટો ડિલીટ સેકશનમાં મળે છે. આપણા મેસેજિસ નિશ્ચિત સમય પછી ઓટો ડિલીટ કરવા માટેનું આ ફીચર ગ્રૂપ્સમાં પણ ઉપલબ્ધ છે.
ગ્રૂપના એડમિન ઉપરાંત જે લોકો ગ્રૂપનું નામ તથા આઇકન બદલી શકતા હોય તેવા લોકોને પણ આ કંટ્રોલ મળશે.
વોટ્સએપમાં તમે ક્યારેક ને ક્યારેક એવો અનુભવ કર્યો હશે જ્યારે તમે તેના પર વીડિયો કોલમાં કોઈ સાથે વાત કરી રહ્યા હો, બરાબર એ સમયે તમારે મોબાઇલ પર બીજું કંઈ કામ કરવું પણ જરૂરી બને.
હવે વોટ્સએપમાં આ પ્રકારનું મલ્ટિ ટાસ્કિંગ શક્ય બનશે.
વોટ્સએપમાં વીડિયોની જેમ વીડિયો કોલ માટે પણ પિકચર-ઇન-પિકચર મોડ આવી રહ્યો છે. આ કારણે તમે વીડિયો કોલ પર અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા હો ત્યારે એક વિન્ડોમાં એ વીડિયો કોલ ચાલુ રાખીને મોબાઇલમાં બ્રાઉઝર કે ડ્રાઇવ કે ઈ-મેઇલ જેવી અન્ય એપ ઓપન કરીને તેમાં બીજું કામ પણ કરી શકશો.
વોટ્સએપ, ટેલીગ્રામ, સિગ્નલ વગેરેમાં થતું મેસેજિસનું એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન વિવિધ દેશોની સરકારો માટે માથાનો દુઃખાવો બની ગયું છે. આવી સર્વિસ આપતી કંપનીઓ તેના યૂઝરના ડેટાની પ્રાયવસીનું કારણ આગળ ધરીને યૂઝર્સને મેસેજ પોતે પણ વાંચી શકતી નથી એવું કહે છે. પરંતુ આ કારણે જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટને આવી સર્વિસ પર સ્પ્રેડ કરવામાં આવે ત્યારે તેના મૂળ સુધી પહોંચવું તપાસ સંસ્થાઓ માટે મુશ્કેલ બની જાય છે.

ભારતમાં આ કારણે સોશિયલ મીડિયાને સાણસામાં લેવા માટે સતત નવી નવી કાયદાકીય જોગવાઈ ઊભી કરવાનો પ્રયાસ થતો રહે છે. હમણાં બહાર આવેલી વિગત મુજબ મેટા કંપનીના પોલિસી ચીફ તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમને ભારત સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે વોટ્સએપમાં થતી કન્ટેન્ટની આપલેના મૂળ સુધી પહોંચવા માટે કંપનીએ કોઈ વ્યવસ્થા ઊભી કરવી જ પડશે. મતલબ કે કોઈ પણ રીતે વાંધાજનક કે કાયદાઓનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ વોટ્સએપ પર વાયરલ થાય અને પોલીસના ધ્યાનમાં આવે તો વોટ્સએપે પોલીસને જણાવવું પડશે કે એ મેસેજ સૌથી પહેલાં કોણે શેર કર્યો.
એવું માનવામાં આવે છે કે ભારત સરકાર તરફથી મેટા કંપનીને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે કંપની આ બાબતે ઇચ્છે તેટલી વાર અદાલતનું શરણું લઈ શકે છે પરંતુ સરકાર મેસેજિસનાં મૂળ ટ્રેસ કરવાની બાબતે એકદમ મક્કમ છે.
એક પછી એક બેંક્સ અને અન્ય કંપનીઓ પોતાની સર્વિસ વોટ્સએપ પર આપવા લાગી છે અને હવે આ યાદીમાં એલઆઇસીનું નામ પણ ઉમેરાઈ ગયું છે. એલઆઇસીના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનારા પોલિસીધારકો 8976862090 નંબર પર Hi મેસેજ મોકલે અને કેટલીક સૂચનાઓનું પાલન કરે તે પછી તેઓ પોતાના વીમા સંબંધિત કેટલીક જાણકારી મેળવી શકે છે. મુખ્યત્વે પોલિસીનું સ્ટેટસ, બોનસની માહિતી, લોન મળી શકે કે કેમ, લોનનું વ્યાજ, ભરેલા પ્રીમિયમનું સર્ટિફિકેટ વગેરે વિગતો હવે વોટ્સએપ પર જ સહેલાઈથી મેળવી શકાય છે.
સોશિયલ મીડિયામાં હવે વધુ ને વધુ સાઇટ્સ ‘આપણે ખરેખર શું જોવા ઇચ્છીએ છીએ’ તે સમજવા અને તે વધુ પ્રમાણમાં વધુ બતાવવા પર ફોકસ કરી રહી છે. આ ટ્રેન્ડમાં લિંક્ડઇનનું નામ પણ ઉમેરાયું છે. પ્રોફેશનલ્સ માટેના આ સોશિયલ પ્લેટફોર્મમાં ‘ફોકસ્ડ ઇનબોક્સ’ નામે એક નવું ફીચર ઉમેરાઈ રહ્યું છે. યૂઝર્સ તેમના પર આવતા મેસેજિસને ‘ફોકસ્ડ’ અને ‘અધર’ એમ બે કેટેગરીમાં વહેંચી શકશે. આ ફીચર ગ્લોબલી બધા યૂઝર્સ માટે રોલઆઉટ થઈ રહ્યું છે અને આપણને તે ઉપલબ્ધ થતાં તેને ટ્રાય કરવા માટેનું સૂચન લિંક્ડઇનના ઇનબોક્સમાં ટોપ પર જોવા મળશે.
અગાઉ જ્યારે વોટ્સએપનો ફક્ત એક જ મોબાઇલમાં ઉપયોગ થઈ શકતો હતો ત્યારે આપણે આવી ચિંતા રાખવાની જરૂર નહોતી. વોટ્સએપમાં આપણું એકાઉન્ટ મોબાઇલ નંબર આધારિત છે. હજી થોડા સમય પહેલાં સુધી તેનો માત્ર એક જ સ્માર્ટફોનમાં ઉપયોગ થઈ શકતો હતો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપણે (કે આપણા પાસવર્ડ જાણતી અન્ય કોઈ વ્યક્તિ) કોઈ પણ ડિવાઇસમાં લોગઇન થઈ શકે છે. આ બધા એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન રાખ્યું હોય તો અન્ય વ્યક્તિ માટે આપણા એકાઉન્ટમાં ઘૂસવું મુશ્કેલ બને, પરંતુ મુદ્દાની વાત એ કે એ બધાં એકાઉન્ટનો ઉપયોગ કોઈ પણ ડિવાઇસમાં થઈ શકે.

જ્યારે વોટ્સએપમાં આપણા એકાઉન્ટનો આધાર મોબાઇલ નંબર છે અને તેને ફક્ત એક જ સ્માર્ટફોનમાં એક્સેસ કરી શકાય. આથી જો આપણે પોતાના સ્માર્ટફોનને લોક્ડ રાખતા હોઇએ કે વોટ્સએપમાં ફિંગરપ્રિન્ટ લોક ઇનેબલ કર્યું હોય તો અન્ય કોઈ વ્યક્તિ આપણા મેસેજ વાંચી શકતી નથી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે કંપની સ્માર્ટફોન ઉપરાંત અન્ય ડિવાઇસમાં પણ વોટ્સએપ એકાઉન્ટ એક્સેસ કરવાની સગવડ આપે છે. એ માટે ફક્ત આપણા મૂળ ફોનમાંથી આપણાં એકાઉન્ટને અન્ય ડિવાઇસ સાથે લિંક કરવા માટે એ ડિવાઇસ પરનો ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહે.
આ તમે જાણતા જ હશો. પરંતુ આ કારણે જો આપણો ફોન લોક્ડ ન હોય અને તેમાં વોટ્સએપમાં ફિંગરપ્રિન્ટ લોક પણ ન હોય એવી સ્થિતિમાં જો થોડી મિનિટો માટે પણ અન્ય વ્યક્તિના હાથમાં આવી જાય તો તે પોતાના કમ્પ્યૂટરમાં web.whatsapp.com પર જઇને આપણા વોટ્સએપ એકાઉન્ટને લિંક કરી શકે છે. એ પછી ઘણે અંશે આપણી જાણ બહાર તે આપણા બધા મેસેજ વાંચી શકે છે. જોકે હવે કંપનીએ આ વાત આટલી સહેલી રહેવા દીધી નથી, ફોનમાંથી વોટ્સએપને બીજા ડિવાઇસમાં લિંક કરતી વખતે આપણે ફોનને ફરીથી અનલોક કરવો પડે છે.
આમ છતાં જો તમને શંકા રહેતી હોય કે તમારા વોટ્સએપ મેસેજ કોઈ વ્યક્તિ વાંચે છે તો તે તપાસવાનું કામ સહેલું છે.
વોટ્સએપમાં જાઓ, સેટિંગ્સ મેનૂમાં લિંક્ડ ડિવાઇસિસ પર ક્લિક કરો.
આથી એ સમયે તમારું વોટ્સએપ એકાઉન્ટ જે તે મોબાઇલ ઉપરાંત અન્ય ક્યા ક્યા ડિવાઇસમાં લિંક્ડ છે અને તેમાં તે છેલ્લે ક્યારે એક્ટિવ હતું તે જોઈ શકાશે. આપણે અહીંથી અન્ય ડિવાઇસમાંથી લોગઆઉટ થઈ શકીએ છીએ.
