
તમે હવે તમારા પર આવતા એસએમએસ બહુ તપાસતા નહીં હો, પણ ક્યારેક ફુરસદે તેમાં થોડા ઊતરજો. તેમાં આવા મેસેજની ભરમાર દેખાશે ઃ ‘‘તમારું ઇલેક્ટ્રિસિટી બિલ ભરાયું નથી, કનેક્શન કપાઈ જશે, આ નંબર પર કોલ કરો’’, ‘‘તમને આઇફોન ઇનામ લાગ્યો છે’’, ‘‘તમારા ખાતામાં રૂ. ૯૮,૦૦૦ જમા થયા છે’’, ‘‘તમારું પેટીએમનું કેવાયસી બાકી છે’’, ‘‘તમારા ઓનલાઇન એકાઉન્ટ કે બેન્ક એકાઉન્ટ, પાન, આધાર વગેરેની વિગતો અપડેટ કરવી જરૂરી છે, અહીં ક્લિક કરો…’’
તમે એમ માનતા હો કે ‘આ તો છેતરપિંડીની જૂની રીત થઈ, હવે એમાં કોણ ફસાતું હશે?’ તો તમે ભૂલ કરો છો! આ પ્રકારે તદ્દન બનાવટી મેસેજ મોકલીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા લોકો સાવ નજીવા ખર્ચે લાખો લોકોને મેસેજ મોકલી શકે છે અને રોજેરોજમાં તેમાં કેટલાય લોકો ફસાતા રહે છે. મેસેજમાં આપેલા ફોન નંબર પર કોલ કરો કે લિંક પર ક્લિક કરો એટલે તમે ફસાયા જ સમજો!
હજી પણ આ પ્રકારે થતી છેતરપિંડી સામે લોકોમાં પૂરતી જાગૃતિ નથી એટલે તેઓ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરી બેસે છે અથવા તેમાં ‘સપોર્ટ’ માટે જણાવવામાં આવેલ ફોન નંબર પર કોલ કરી બેસે છે. એસએમએસ મોકલીને છેતરપિંડી કરતા લોકોને આટલું જ જોઇતું હોય છે. એ પછી તેઓ આપણી મહત્ત્વની માહિતી મેળવીને આપણી સાથે ફ્રોડ કરી શકે છે.
વિવિધ બેન્ક, પાવર કંપની, મોબાઇલ વોલેટ વગેરે સૌ આ પ્રકારે થતી છેતરપિંડી સામે લોકોને સાવચેત કરવા માટે સતત પ્રયાસો કરે છે તેમ છતાં લોકો ગાફેલ રહે છે.
આ સ્થિતિનો સામનો કરવા માટે ‘ટ્રુકોલર’ એપમાં એક નવી પહેલ કરવામાં આવી રહી છે. તમે જાણતા જ હશો તેમ ટ્રુકોલર એપ સમગ્ર વિશ્વની વિશાળ ફોન ડિરેકટરી જેવી છે. તેને કારણે આપણા પર આવતો કોલ જે નંબર પરથી આવતો હોય તે નંબર આપણા ફોનમાં સેવ્ડ ન હોય તો પણ ફોન નંબર કોના નામે છે તે આપણે જોઈ શકીએ છીએ.

લગભગ આ જ સગવડ હવે ટ્રુકોલરે એસએમએસમાં થતી છેતરપિંડીથી લોકોને બચાવવા માટે કામે લગાડી છે. ટ્રુકોલરના જણાવ્યા અનુસાર તેની એપનો ઉપયોગ કરતા લગભગ ૧૦ કરોડ લોકોને પાછલા ત્રણ મહિનામાં ઓછામાં ઓછો એક જોખમી એસએમએસ મળ્યો હોય છે. આ રીતે થતી છેતરપિંડી સામે ટ્રુકોલરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને કામે લગાડી છે. લોકો તરફથી જે નંબરને જોખમી મેસેજ મોકલતા નંબર તરીકે રિપોર્ટ કરવામાં આવ્યો હોય તે ધ્યાનમાં લેવામાં આવે છે, એ ઉપરાંત એઆઇ અને મશીન લર્નિંગને કામે લગાડીને પણ જોખમી નંબરો શોધવામાં આવે છે.
આથી જ્યારે આપણને આવો કોઈ જોખમી એસએમએસ મળે ત્યારે ટ્રુકોલર તરફથી મળતા નોટિફિકેશનમાં એ એસએમએસ પર ચેતવણી સૂચક રેડ લેબલ લગાવવામાં આવે છે. જેથી આપણે એ મેસેજ પર કોઈ એકશન ન લઇએ. જો આપણે રેડ લેબલ ધ્યાનમાં લેવાનું ચૂકી જઇએ અને એસએમએસ ઓપન કરીએ તો પણ ટ્રુકોલરનું એઆઇ ટૂલ એ મેસેજમાંની બધી લિંક ડિસેબલ કરી દે છે. જેથી આપણે તેના પર ક્લિક કરીને ફસાઇએ નહીં. જો આપણને લાગે કે મેસેજ ચોક્કસપણે સલામત છે તો આપણે એ મેસેજને સેફ તરીકે માર્ક કરી શકીએ છીએ અને એમ કરતાં તેમાંની લિંક્સ પણ ઇનેબલ થઈ જશે. દેખીતું છે કે આ સગવડનો લાભ લેવા ફોનમાં ટ્રુકોલર એપ હોવી જરૂરી છે!


આપણને કોઈ જોખમી એસએમએસ મળે ત્યારે ટ્રુકોલર તરફથી મળતા નોટિફિકેશનમાં એ મેસેજ પર ચેતવણી સૂચક રેડ લેબલ લગાવવામાં આવે છે. જેથી આપણે એ મેસેજ પર કોઈ એકશન ન લઇએ. જો આપણે રેડ લેબલ ધ્યાનમાં લેવાનું ચૂકી જઇએ અને એસએમએસ ઓપન કરીએ તો પણ ટ્રુકોલરનું એઆઇ ટૂલ એ મેસેજમાંની બધી લિંક ડિસેબલ કરી દે છે!
