ગયા વર્ષના અંત ભાગથી નાની મોટી કેટકેટલી ટેક કંપનીઓમાં એમ્પ્લોઇને છૂટા કરવાનો દોર શરૂ થયો છે જે છેક અત્યાર સુધી વણથંભ્યો ચાલુ રહ્યો છે.
અમેરિકન ટેકનોક્રેટ્સ ઇલોન મસ્કે ટ્વીટર કંપની હસ્તગત કરી પછી કંપનીનો ખર્ચ ઘટાડવા માટે તેમણે બહુ મોટા પાયે એમ્પ્લોઇને છૂટા કરવાનું શરૂ કર્યું. તેમનું જોઇને બીજી કંપનીઓને પણ હિંમત આવી અને ગૂગલ, માઇક્રસોફ્ટ, ફેસબુક વગેરે ટોચની કંપનીઓ સહિત અનેક કંપનીઓએ પોતાના સ્ટાફને ઘટાડવાનું શરૂ કર્યું.

ઘણા કેસમાં એવું બન્યું કે કોલેજમાંથી તાજા તાજા બહાર પડેલા અને ગૂગલ કે ફેસબુકમાં યુએસ કે કેનેડામાં પોસ્ટિંગ મેળવેલા ગ્રેજ્યુએટ્સને નવા દેશમાં પહોંચ્યાને બે ચાર દિવસ થયા હોય ત્યાં નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે! ઘણા લોકોને હજી તાજાં લગ્ન થયાં હોય કે બાળક આવવાની તૈયારીમાં હોય એવા તબક્કે પણ નોકરી ગુમાવવાનો વારો આવ્યો. અમેરિકા જેવા દેશમાં ટેક કંપનીઓની નોકરી ગુમાવનારા ભારતીયો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની કેમ કે તેમને પછીના ૬૦ દિવસમાં નવી નોકરી ન મળે તો ભારત પરત ફરવું પડે એવી સ્થિતિ આવી (હવે જોકે તેમાં થોડા વધુ દિવસોની છૂટ મળી છે).
આ રીતે અણધારી નોકરી ગુમાવનારા તમામ લોકોને હૈયે થોડી ટાઢક થાય તેવા સમાચાર છે. ટેક કંપનીઓમાં જીવતા જાગતા લોકોની સાથોસાથ રોબોટ્સ પણ નોકરી ગુમાવી રહ્યા છે!
ટેક કંપનીઓમાં બહુ મોટા પાયે લેઓફનો જે દોર શરૂ થયો છે તેની પાછળ મુખ્યત્વે બે કારણ જવાબદાર હોવાનું મનાય છે. એક, કપનીઓએ કોરોના પછી ડિજિટલ સર્વિસિસમાં જે ઉછાળો આવ્યો તે કાયમ ચાલુ રહેશે એવું માનીને આડેધડ લોકોને હાયર કર્યા હતા. પછી માગ એટલી જળવાઈ નહીં એટલે એમ્પ્લોઇને સાચવવાનું ખર્ચાળ બન્યું. બીજી તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે માણસોનું કામકાજ એઆઈ અને રોબોટ્સ કરવા લાગ્યા. એટલે જીવતા જાગતા એમ્પ્લોઈને જરૂર ઘટવા લાગી.
જોકે ગૂગલે પોતાનો ખર્ચ ઘટાડવા માટે રોબોટ્સને પણ છૂટા કરવાનું શરૂ કર્યું છે. ગૂગલમાં ‘એવરીડે રોબોટ્સ’ નામનું એક એક્સપરિમેન્ટલ ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. આ ડિપાર્ટમેન્ટ ગૂગલની વિવિધ ઓફિસમાં સફાઈનું કામ કરવા માટે રોબોટ્સ ડેવલપ કરીને તેને ટ્રેઇન કરવાનું કામ કરતું હતું. હવે કંપનીનો ખર્ચ ઘટાડવા માટે આ આખેઆખું ડિપાર્ટમેન્ટ સમેટી લેવામાં આવ્યું છે. આ ડિપાર્ટમેન્ટમાં ૧૦૦થી વધુ રોબોટ્સ અને ૨૦૦થી વધુ લોકો જુદા જુદા રોબોટિક્સ પ્રોજેક્ટ પર કામ કરતા હતા. એ સૌને હવે છૂટા કરી દેવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર આ રોબોટ્સ બહુ કામઢા હતા પરંતુ તેમની સારસંભાળનો ખર્ચ કંપનીને આકરો પડતો હતો!
