માની લો કે તમે તમારી ઓફિસમાં ડેસ્કટોપ પર કોઈ મોટા ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા છો. બાજુમાં તમારા સહ કર્મચારી એના લેપટોપમાં કંઈક એ જ પ્રકારનું કામ કરી રહ્યા છે. દરમિયાન અચાનક ઓફિસ બિલ્ડિંગના પાવર સપ્લાયમાં કંઈક ખામી સર્જાઈ અને પાવર સપ્લાય કટ થયો!
એ સાથે જ તમારા ડેસ્કટોપનો સ્ક્રીન કાળો ધબ્બ થઈ જશે. તમે જે પ્રોગ્રામમાં કામ કરી રહ્યા હશો તેમાં ઓટો સેવની સગવડ નહીં હોય તો ડોક્યુમેન્ટ જ્યારે છેલ્લે સેવ કર્યું હોય ત્યાર પછીનું બધું કામ તમે ગુમાવશો. પાવર સપ્લાય અચાનક બંધ થવાથી ડેટા ઉપરાંત ડેસ્કટોપના પ્રોગ્રામ અને હાર્ડવેરને પણ નુકસાન થવાની સંભાવના ખરી.
બીજી તરફ લેપટોપ પર કામ કરી રહેલા તમારા સાથી નિશ્ચિંત હશે. તેમનું લેપટોપ પાવર પ્લગ્ડ હશે તો પણ પાવર સપ્લાય કટ થવાની તેમને કોઈ અસર નહીં થાય. તે પોતાનું કામ નિરાંતે આગળ ધપાવી શકશે. લેપટોપમાં બેટરી ઓછી હશે તો પણ તેમને પોતાનું કામકાજ બરાબર સેવ કરીને લેપટોપ યોગ્ય રીતે શટડાઉન કરવાનો પૂરતો સમય મળશે!
લેપટોપ અને ડેસ્કટોપ વચ્ચેના આ તફાવતનું કારણ તમે જાણતા જ હશો – લેપટોપ બેટરી પાવર્ડ હોય છે. આથી તેમાં બેટરી ઓછી હોય અને આપણે તેને તેમાં પાવર સપ્લાય ઓન રાખ્યો હોય તો બેટરી ચાર્જ થતી રહે ને લેપટોપ પાવર સપ્લાય પર ચાલે. પાવર અચાનક કટઓફ થાય તો લેપટોપની સિસ્ટમ ઓટોમેટિકલી બેટરી પર શિફ્ટ થાય અને આપણા કામ પર કોઈ અસર થાય નહીં.
સારી વાત એ છે કે આપણે ઇચ્છીએ તો ડેસ્કટોપમાં પણ આવી સગવડનો લાભ લઈ શકીએ છીએ. ગુજરાતમાં પાવર સપ્લાયની સ્થિતિ પ્રમાણમાં સારી છે અને અમદાવાદ જેવા શહેરમાં પાવર સપ્લાયમાં મોટી ઊંચનીચ કે અચાનક સપ્લાય જવાનું પ્રમાણ બહુ જ ઓછું હોવાથી આપણે ડેસ્કટોપ માટે લેપટોપની બેટરી જેવી વધારાની સગવડ ન કરીએ તો ચાલે, પરંતુ અન્ય જગ્યાએ, ડેસ્કટોપ માટે ‘યુપીએસ’ નામનું સાધન વસાવી લેવું સારું.
મોટા ભાગની ઓફિસ, હોસ્પિટલ વગેરે જગ્યાઓમાં જ્યાં કમ્પ્યૂટરનું મોટું સેટઅપ હોય ત્યાં બધાં કમ્પ્યૂટર્સને કોઈ અવરોધ વિના અવિરત પાવર સપ્લાય આપવા માટે ‘અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય’ (યુપીએસ)ની વ્યવસ્થા કરવામાં આવે છે. યુપીએસ અલગ અલગ કેપેસિટીના આવતાં હોય છે. હવે ઘણા લોકો પોતાના ઘરમાં ને નાની ઓફિસમાં પણ ફક્ત એક ડેસ્કટોપ હોય તો પણ યુપીએસ વસાવવા લાગ્યા છે.
આ યુપીએસ બરાબર લેપટોપની બેટરીની જેમ કામ કરે છે. આપણે યુપીએસ વસાવીએ ત્યારે પાવરનો ઇનપૂટ તેમાં આપીએ. કમ્પ્યૂટરને ડાયરેક્ટ પાવર પ્લગને બદલે યુપીએસમાં પ્લગઇન કરવામાં આવે છે. યુપીએસમાં એક બેટરી હોય છે. જે સતત ચાર્જ થતી રહે છે. અણધાર્યો પાવર સપ્લાય ફેલ થાય ત્યારે લેપટોપની બેટરીની જેમ યુપીએસની બેટરી આપોઆપ એક્ટિવ થાય છે અને આપણા ડેસ્કટોપને પાવર સપ્લાય કોઈ અવરોધ વિના ચાલુ રહે છે.
પાવર સપ્લાય ફરી પૂર્વવત થાય એટલે ડેસ્કટોપ ફરીથી બેટરી પરથી પાવર સપ્લાય પર રન થવા લાગે છે. જો આપણે પ્રમાણમાં સસ્તું યુપીએસ ખરીદ્યું હોય તો ડેસ્કટોપને લાંબા સમય સુધી બેટરી પર ચલાવી શકાતું નથી. પરંતુ આપણને પોતાના કામકાજની ફાઇલ્સ સેવ કરીને ડેસ્કટોપને યોગ્ય રીતે શટડાઉન કરવા માટે પૂરતો સમય મળે છે.
જો તમારા શહેર કે ગામમાં પાવર સપ્લાયમાં ઊંચનીચ કે સપ્લાય કટ થવાની સમસ્યા રહેતી હોય તો ડેટા અને ડેસ્કટોપ બંનેને રક્ષણ આપવા માટે યુપીએસનો ખર્ચ કરવા જેવો ખરો. માર્કેટમાં અલગ અલગ કેપેસિટી અને ટાઇપનાં યુપીએસ ઉપલબ્ધ છે.
બજેટ અનુસાર, જો પ્રમાણમાં ઓછી કેપેસિટીનું, સસ્તું યુપીએસ ખરીદશો તો તેની બેટરી લાંબો સમય ચાલી શકતી નથી. આથી એક-બે વર્ષમાં ફરીથી નવું યુપીએસ ખરીદવું પડે એવું બની શકે છે.

