આજે આપણે સૌ બહુ સહેલાઈથી ગૂગલ મેપ્સ અને ગૂગલ અર્થ જેવી એપનો ઉપયોગ કરીને પલકવારમાં આખી દુનિયામાં આંટા મારી લઇએ છીએ. ગૂગલ અર્થમાં પંખીની આંખે દુનિયા જોવાની મજા જુદી જ છે, પરંતુ એવી જ રસપ્રદ વાત આ મજાના પ્રોગ્રામનો જન્મ કેવી રીતે થયો તેની છે.
વર્ષ હતું ૨૦૦૩. અમેરિકા અને તેના સાથી દેશોએ ઇરાક પર આક્રમણ કર્યું હતું. અત્યારના રશિયા-યુક્રેન યુદ્ધની જેમ એ સમયે પણ ન્યૂઝ ચેનલ્સને ભરપૂર મસાલો મળી ગયો. આપણી ન્યૂઝ ચેનલ્સ અત્યારે પણ યુદ્ધના ફાઇલ વીડિયો ફૂટેજને મિક્સ કરવાથી આગળ વધતી નથી ત્યારે અમેરિકાની ન્યૂઝ ચેનલ્સને એક જુદા પ્રકારનો મસાલો મળ્યો.

જોકે એની વાત કરતાં પહેલાં હજુ થોડા ભૂતકાળમાં જઇએ. ૧૯૯૦ના દાયકામાં જર્મનીના બર્લિનમાં ટેરાવિઝન નામની એક કંપનીના ડેવલપર્સ થ્રીડી ગેમિંગ માટે સોફ્ટવેર લાયબ્રેરી ડેવલપ કરી રહ્યા હતા. એના ડેમો તરીકે તેમણે ગોળ ઘૂમતો પૃથ્વીનો ગોળો બનાવ્યો, જેમાં નિશ્ચિત ભાગ પર ઝૂમ ઇન કરી શકાય.
એ ડેમો પોપ્યુલર થયો. તેના અમુક ડેવલપર્સને તેમાં જુદો આઇડિયા દેખયો. પરંતુ કંપની ગેમિંગ પર ફોકસ્ડ રહેવા માગતી હતી એટલે પેલા લોકોએ ‘કીહોલ’ નામે એક નવી કંપની ઊભી કરી. તેમણે વિવિધ દેશોની સરકાર અને અન્ય સોર્સમાંથી મેપ્સનો ડેટા મેળવવાનું શરૂ કર્યું.
શરૂઆતમાં આ ડેટા જોવા માટે ‘કીહોલ અર્થવ્યૂઅર’ નામે એક પ્રોડક્ટ વિકસાવવામાં આવી. કંપનીએ આ સોફ્ટવેર સીડીમાં વેચવાનું શરૂ કર્યું. એ સમયે કંપનીનું ફોકસ રિઅલ એસ્ટેટ, અર્બન પ્લાનિંગ, ડિફેન્સ, ઇન્ટેલિજન્સ જેવાં ફિલ્ડ હતાં. જોકે કંપનીનો ગજ વાગતો નહોતો અને એમ્પ્લોઇને પગાર ચૂકવવાનાં પણ ફાંફાં હતાં.
દરમિયાન ૨૦૦૩માં અમેરિકા-ઇરાકનું યુદ્ધ શરૂ થયું. કીહોલ કંપનીના ડિરેકટરને એક આઇડિયા સૂઝ્યો. તેમણે સીએનએન, એબીસી, સીબીએસ જેવાં અમેરિકાનાં મોટાં ન્યૂઝ નેટવર્કનો સંપર્ક કર્યો અને એમને સમજાવ્યું કે યુદ્ધની સ્થિતિ ટીવી પર દર્શાવવામાં તેમનો સોફ્ટવેર ગેમ ચેન્જર બની શકે છે. ખાસ કરીને સીએનએનને કીહોલ સોફ્ટવેરમાં રસ પડ્યો અને લાખો કરોડો લોકો ખરેખર અભૂતપૂર્વ રીતે ટીવીના સ્ક્રીન પર, ડિજિટલ મેપ પર યુદ્ધની સ્થિતિનો ચિતાર મેળવવા લાગ્યા. એ સાથે કીહોલ સોફ્ટવેર પણ જબરજસ્ત પોપ્યુલર થયો. ડિમાન્ડ એટલી વધી કે તેનાં સર્વર ઠપ્પ થવા લાગ્યાં.
અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીને પણ ડિફેન્સ મેપિંગ ડેટાબેઝને જોવા માટે આ સોફ્ટવેરમાં રસ પડ્યો. સીઆઇએએ કીહોલ કંપનીમાં મૂડીરોકાણ કર્યું.
બરાબર એ જ સમયે ગૂગલનું સર્ચ એન્જિન આગળ વધી જ રહ્યું હતું અને ગૂગલને ધ્યાનમાં આવ્યું કે તેના સર્ચ એન્જિન પર ૨૫ ટકાથી વધુ સર્ચ વિવિધ લોકેશનને સંબંધિત હતી. તાબડતોબ ગૂગલે કીહોલને ખરીદી લીધી અને તેના સોફ્ટવેરને નવું સ્વરૂપ આપ્યું. જેને અત્યારે આપણે ગૂગલ અર્થ તરીકે ઓળખીએ છીએ!

