
તમને સુગર કે બીપીનો પ્રોબ્લેમ છે? તમને મોતિયો આવી રહ્યો છે? કે સાંધાનો દુઃખાવો સતાવે છે? જો તમે તમારી પ્રાઇવસી જળવાય તેવી તકેદારી રાખ્યા વિના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો તો બની શકે કે તમારી આ બધી તકલીફો વિશે તમારા પરિવારને ખબર પડે એ પહેલાં, સંખ્યાબંધ ઇન્ટરનેટ કંપનીઓને તેની જાણ થઈ ગઈ હોય! એ પછી તમને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર તમારી બીમારીને સંબંધિત જાહેરાતો દેખાવા લાગે ને ન્યૂઝ એપમાં રોજિંદા સમાચારો જોતા હો તો તેમાં પણ બીપીને કંટ્રોલમાં રાખવાનું સૂચવતા લેખો વધુ પ્રમાણમાં દેખાવા લાગે!
આમાં કંઈ નવું નથી. આપણે સૌ, કોઈ ને કોઈ રીતે આવી જાસૂસીનો ભોગ બનતા હોઇએ છીએ. પરંતુ હમણાં અમેરિકાની એક લો યુનિવર્સિટીનાં મહિલા પ્રોફેસરે આ જ સંદર્ભે પોતાનો અનુભવ એક મેગેઝિનમાં શેર કર્યો, એ જાણવા જેવો છે. આગળની વાત લગભગ એમના જ શબ્દોમાં…
હું પોતે ટેકસેવી પ્રોફેશનલ છું
‘‘હું પ્રેગનન્ટ બની ત્યારે મેં અને મારા જીવનસાથીએ, અમારી જેવાં બીજા ઘણાં કપલની જેમ આ વાત પહેલા ત્રણેક મહિના સુધી મિત્રોને ન જણાવવાનો નિર્ણય કર્યો. હું પોતે પ્રોફેશનલ છું, ટેક્સેવી પણ છું. એટલે મેં એક બીજો પણ નિર્ણય કર્યો – મારી પ્રેગનન્સી વિશે મારા મિત્રોની પહેલાં, જાહેરાતો કરતી કંપનીઓને તો જાણ ન જ થવી જોઇએ.
હું બરાબર જાણતી હતી કે જાતભાતની કેટલીય કંપનીઓને પ્રેગનન્ટ લેડીઝને પોતાનું ટાર્ગેટ બનાવવામાં ખાસ રસ હોય છે. પ્રેગનન્સી દરમિયાન અને ત્યાર પછી તેમણે જુદી જુદી ઘણી જાતની વસ્તુઓની ખરીદી કરવાની થતી હોય છે. બરાબર આ સમયે તેમની સામે પોતાની પ્રોડક્ટ્સ લાવી શકાય તો દેખીતી રીતે તેનું સેલ્સ વધારી શકાય. હું આવી સ્થિતિ ટાળવી માગતી હતી.
ફ્રેન્કલી કહું તો, એમ કરવું શક્ય છે કે નહીં એ જોવા પણ માગતી હતી. એટલે મેં મારું હેલ્થ સ્ટેટસ એડવર્ટાઇઝિંગ ઇકોસિસ્ટમથી છૂપું રાખવાનો નિર્ણય કર્યો.
મેં બનતી બધી તકેદારી રાખી
એ દિશામાં પહેલા કદમ તરીકે મેં કોઈ પણ કંપનીને મારી પ્રેગનન્સી વિશે સીધેસીધી જાણ ન થાય એની તકેદારી રાખી. મેં ‘ફેમટેક’ એપ્સનો ઉપયોગ સભાનતાથી ટાળ્યો (જેમ ફાઇનાન્સને લગતી ટેકનોલોજી ‘ફિનટેક’ તરીકે ઓળખાય છે, તેમ ફેમિનિટી-મહિલા સંબંધિત ટેકનોલોજી ‘ફેમટેક’ તરીકે ઓળખાય છે). સંખ્યાબંધ એપ્સ પ્રેગનન્ટ લેડીઝને તેમની પ્રેગનન્સીના વિવિધ તબક્કા ટ્રેક કરવાની સગવડ આપતી હોય છે.
આવી ઘણી બધી એપ્સમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં ક્યાંક ખૂણેખાંચરે લખ્યું હોય છે કે તેમનો આ ડેટા વેચાઈ શકે છે. આવી એપ્સમાંથી પ્રેગનન્ટ લેડીઝનો ડેટા ફેસબુક અને ગૂગલ કે બીજાં એડ નેટવર્ક્સ સુધી પહોંચી જતો હોય છે. મેં આવી એપ્સનો ઉપયોગ ન કર્યો એટલે મારા ગર્ભમાં પાંગરતા બાળકના પ્રોગ્રેસ વિશે જાણવાનો રોમાંચ મેં ગુમાવ્યો, પણ મને એટલો સંતોષ હતો કે હું મારી વિગતો ખાનગી રાખી શકીશ.
મને ખબર હતી કે હું ઇન્ટરનેટ પર પ્રેગનન્સી સંબંધિત કંઈ પણ સર્ચ કરીશ કે કોઈ પણ ચીજવસ્તુઓની ખરીદી કરીશ તો જાહેરાત આપતી કંપનીઓ તરત મારી પ્રેગનન્સી વિશે જાણી જશે. મેં એવી ભૂલ ન કરવાની કાળજી રાખી.
આપણા લોકેશનના જીપીએસ ટ્રેકિંગ પરથી પણ કંપનીઓ ઘણું જાણી જતી હોય છે. એટલે ડોક્ટરના ક્લિનિકની વિઝિટ વખતે મેં જીપીએસ લોકેશન હંમેશાં બંધ રાખવાની કાળજી લીધી. ઓનલાઇન રિવોર્ડઝ અને લોયલ્ટી પ્રોગ્રામ્સનો ‘લાભ’ જતો કરીને પણ મેં મારી બધી ચીજવસ્તુઓની ખરીદી હંમેશાંં ઓફલાઇન અને એ પણ રોકડથી કરી.
છતાં હું હારી ગઈ, સૌથી ખરાબ સમયે!
આમ મેં બધી રીતે પૂરતી તકેદારી રાખી, છતાં આખરે જે થવાનું હતું એ જ થયું.
હું એક દિવસ અમસ્તી જ સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરી રહી હતી ત્યારે મને ડાયપરની એક જાહેરાત જોવા મળી. આપણી જાસૂસી કરતી કંપનીઓ સામેની મારી લ઼ડતમાં દેખીતી રીતે હું હારી ચૂકી હતી. એ પણ એવા સમયે જ્યારે હું બીજી ઘણી રીતે હારી ચૂકી હતી.
બરાબર એ જ અઠવાડિયે, મારો ગર્ભપાત થઈ ગયો હતો – હું બાળક ખોઈ બેઠી હતી.
ઘણી બધી વ્યક્તિઓ કે કપલ્સ ગર્ભપાત કે ગર્ભાવસ્થાને સંબંધિત ગંભીર સ્થિતિઓની શક્યતાને કારણે પહેલા ત્રણેક મહિના સુધી ગર્ભાવસ્થાની વાત અન્ય લોકોથી છુપાવવાની કોશિશ કરતાં હોય છે. જો અન્ય લોકોને ગર્ભાવસ્થાની જાણ હોય, પરંતુ ગર્ભપાત વિશે તેમને હજી ખબર ન હોય તો તેઓ અજાણતાં જ આપણી સાથે કંઈક એવી વાત કરી બેસે જે આપણને વધુ ઠેસ પહોંચાડે.
ટર્મ્સ એન્ડ કંડિશન્સ એવી અટપટી હોય છે કે મોટા ભાગના લોકોને તેમનો ડેટા કેવી રીતે શેર થઈ થશે એની ખબર જ હોતી નથી.
મેં મિત્રો કે અન્ય સ્વજનોને હું પ્રેગનન્ટ હોવાની વાત કરી નહોતી એટલે તેમના, તરફથી અજાણતાં દુઃખ પહોંચવાની કોઈ શક્યતા નહોતી. પરંતુ એડવર્ટાઇઝર્સ સામે મારી પાસે કોઈ ઢાલ નહોતી. હું પ્રેગનન્ટ હોવા વિશે સંખ્યાબંધ કંપની હવે જાણી ચૂકી હતી. જેમને મારા લોસની જાણ નહોતી.
પરિણામે જે સમયે હું મારી ભાંગીતૂટી હિંમત ટકાવી રાખવાની કોશિશ કરતી હતી, બરાબર એ જ સમયે ઘણી બધી કંપની મને સ્માઇલિંગ બેબીઝ અને હેપ્પી ફેમિલિઝની તસવીરો સાથે પોતાની પ્રોડક્ટ્સ ખરીદવા માટે લલચાવતી હતી.
મેં ક્યાં શું ભૂલ કરી એ મને ખબર નથી. ઓનલાઇન કંઈક સર્ચ કરતી વખતે કોઈ વાર હું વીપીએનનો ઉપયોગ કરવાનું ભૂલી ગઇ હોઈશ? મેડિકલ સ્ટોરમાંથી ખરીદી કર્યા પછી કોઈ વાર મેં ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરી હશે? મેં ક્યાં ચૂક કરી એ મને ખબર નથી. એપ્સ અને સર્વિસની ટર્મ્સ એન્ડ કંડિશન્સ એવી અટપટી હોય છે કે મોટા ભાગના લોકોને તેમનો ડેટા કેવી રીતે શેર થઈ થશે એની ખબર જ હોતી નથી.
હવે એ બધી વાતનો કોઈ ખાસ ફેર પણ નથી પડતો. પરંતુ હું એટલું જાણું છું કે આજની આપણી દુનિયામાં કોઈ વ્યક્તિ પોતાની કોઈ વાત વધુ સમય ખાનગી રાખી શકતી નથી.

