તમે નવું લેપટોપ ખરીદવાનો વિચાર કરતા હો અને તેના માટે ઓનલાઇન વિવિધ સ્ટોરમાં ખાખાંખોળાં કરતા હો તો ક્યારેક ને ક્યારેક રિઝલ્ટના પેજ પર તમને મિનિ પીસી અથવા ઓલ-ઇન-વન પીસી જોવા મળ્યાં હશે. તમારું ફોકસ લેપટોપ ખરીદવા પર જ હોય તો આ બંને, થોડા અલગ પ્રકારના પીસી તરફ ખાસ ધ્યાન નહીં આપ્યું હોય અને જોઇતું લેપટોપ શોધવા તરફ તમે આગળ વધી ગયા હશો.
આજના સમયમાં ડેસ્કટોપ ખરીદવાનું પ્રમાણ ઘણું ઘટતું ગયું છે. ડેસ્કટોપ મોટા ભાગે ઓફિસ માટે જ ખરીદવામાં આવે છે. ઘર માટે હવે લેપટોપ સૌની પહેલી પસંદ છે. પરંતુ જો તમે ડેસ્કટોપ ખરીદવાનો વિચાર કરતા હો તો મિનિ પીસી તથા ઓલ-ઇન-વન પીસી તરફ ધ્યાન આપવા જેવું છે.
આપણે આ બંને આ જરા અલગ પ્રકારના પીસી વિશે થોડી વાત કરીએ.
મિનિ પીસી

મિનિ પીસી તેના નામ મુજબ ટચૂકડું પીસી છે, જેનો ઘર કે ઓફિસ બંનેમાં ઉપયોગ થઈ શકે છે. સામાન્ય ડેસ્કટોપના સીપીયુની સરખામણીમાં મિનિ પીસી કદમાં ઘણું નાનું હોવા છતાં તેમાં પણ સ્પેસફિકેશન્સ પાવરફુલ હોઈ શકે છે.
મિનિ પીસીના ફાયદા અને ગેરફાયદા પર એક નજર ફેરવી લઇએ.
ફાયદાઃ
- નાની સાઇઝ અને સરળ પોર્ટેબિલિટીઃ મિનિ પીસી સામાન્ય ડેસ્કટોપ કમ્પ્યૂટર કરતાં કદમાં ઘણાં નાનાં હોય છે. સામાન્ય સીપીયુની સરખામણીમાં મિનિ પીસીને આપણે બહુ સહેલાઈથી ગમે ત્યાં લઇ જઈ શકીએ છીએ. અલબત્ત આ સરખામણી માત્ર સીપીયુ પૂરતી છે, મોનિટર, કીબોર્ડ, માઉસ વગેરેનો રસાલો તો પરંપરાગત ડેસ્કટોપ કમ્પ્યૂટર જેવાં જ રહે છે.
- પાવર એફિશિયન્સીઃ સામાન્ય સીપીયુની સરખામણીમાં મિનિ પીસીમાં પાવરનો ઓછો ઉપયોગ થાય છે. આથી તેમાં ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું આવે છે.
- ઓછો અવાજઃ સામાન્ય સીપીયુની સરખામણીમાં મિનિ પીસીમાં અવાજ બહુ જ ઓછો હોય છે. આથી ઘર કે ઓફિસમાં તેનો ઉપયોગ વધુ સગવડભર્યો બને છે.
- વિવિધ ઉપયોગઃ કદમાં નાનાં હોવા છતાં મિનિ પીસીમાં પ્રોસેસર અને અન્ય હાર્ડવેર સામાન્ય સીપીયુની જેમ જ પાવરફુલ હોઈ શકે છે. આથી રોજિંદા એજ્યુકેશન કે ઓફિસ વર્ક ઉપરાંત ગેમિંગ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. ફક્ત આપણે હાર્ડવેરની પસંદગી એ મુજબ કરવી પડે.
ગેરફાયદાઃ
- મર્યાદિત અપગ્રેડેશનઃ સામાન્ય સીપીયુમાં સ્પેસની લગભગ કોઈ મર્યાદા ન હોવાથી તેને જરૂર મુજબ અપગ્રેડ કરી શકાય છે. મિનિ પીસીમાં હાર્ડવેર અપગ્રેડ ન કરી શકાય તેવું બની શકે.
- ઓછી સ્ટોરેજ સ્પેસઃ સામાન્ય રીતે પરંપરાગત સીપીયુ કરતાં મિનિ પીસીમાં સ્ટોરેજ સ્પેસ ઓછી હોય છે.
- કિંમતઃ અત્યાર સુધી મિનિ પીસી સાદાં ડેસ્કટોપ કરતાં થોડાં મોંઘાં રહ્યાં છે. અલબત્ત હવે કિંમતનો તફાવત ઘટતો જાય છે.
જો ઘરમાં કે ઓફિસમાં તમારી જરૂરિયાત એક જ જગ્યાએ બેસીને કમ્પ્યૂટર પર કામ કરવાની હોય તો લેપટોપ કરતાં ડેસ્કટોપ વધુ સારો વિકલ્પ રહે છે. તેમાં ઓછી કિંમતે વધુ સારા સ્પેસિફિકેશન મળી શકે છે. તેમ જ લેપટોપ કરતાં સામાન્ય રીતે ડેસ્કટોપની આવરદા વધુ હોય છે.
એપલ મેક મિનિ

મિનિ કમ્પ્યૂટરની વાત નીકળી છે તો એપલના ‘મેક મિનિ’ વિશે પણ થોડી વાત કરી લઇએ. સામાન્ય રીતે એપલના ડેસ્કટોપ કમ્પ્યૂટર્સ વિન્ડોઝ બેઝડ કમ્પ્યૂટર કરતા ખાસ્સાં મોંઘા હોય છે. પરંતુ એપલે લોન્ચ કરેલ મેક મિનિની કિંમત પ્રમાણમાં ઘણી ઓછી છે.
અન્ય મિનિ પીસીની જેમ એપલ મેક મિનિ બીજા કોઈ પણ કમ્પ્યૂટર જેવું જ કામ આપે છે. ફક્ત કદમાં તે ખાસ્સું નાનું હોય છે અને મોનિટર, કીબોર્ડ, માઉસ વગેરે આપણે અલગથી કનેક્ટ કરવા પડે છે. હાલમાં મેક મિનિ એપલની એમ૨ ચીપ પર ચાલે છે.
મેક મિનિનું બેઝ મોડેલ ૮-કોર સીપીયુ અને ૧૦-કોર જીપીયુ ધરાવે છે. તેમાં ૮ જીબીની યુનિફાઇડ મેમરી હોય છે જેને ૨૪ જીબી સુધી અપગ્રેડ કરી શકાય છે. મેક મિનિમાં ૨૫૬ જીબી એસએસડી સ્ટોરેજ હોય છે અને તેને ૨ ટીબી સુધી અપગ્રેડ કરી શકાય છે. મેક મિનિનું એમ૨ પ્રો મોડેલ હજી વધુ પાવરફૂલ છે.
એપલ મેક મિનિ યુએસબી સી પોર્ટ, યુએસબી એ પોર્ટ, એસડીએમઆઈ પોર્ટ તથા ઇથરનેટ પોર્ટ ધરાવે છે. તેમાં વાઇ-ફાઇ તથા બ્લુટૂથ કનેક્ટિવિટી પણ સામેલ છે.
એપલના કમ્પ્યૂટર પર કામ કરવાનો તમારું સ્વપ્ન હોય પરંતુ બજેટ ઓછું પડતું હોય તો એપલ મિનિથી શરૂઆત કરી શકાય. તેના બેઝ્ડ મોડેલની કિંમત ૫૯૯ ડોલર એટલે કે લગભગ ૪૮,૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે. જોકે એ યાદ રાખવા જેવું કે આ કિંમત માત્ર સીપીયુની છે,. તમારે મોનિટર, કીબોર્ડ અને માઉસ અલગથી ખરીદવાં પડશે. અને એ બધું એપલનું જ લેવા જાઓ તો સરવાળે કિંમત ખાસ્સી વધી જશે!
ઓલ-ઇન-વન પીસી

આ પ્રકારના પીસીમાં તેના નામ મુજબ એક મોનિટરમાં જ બધું સામેલ હોય છે. એટલે કે તેમાં અલગ સીપીયુ હોતું નથી. માત્ર મોનિટર, કીબોર્ડ અને માઉસથી આપણું કમ્પ્યૂટર સેટઅપ થઈ જાય છે. દેખીતું છે કે આ પ્રકારનું કમ્પ્યૂટર વધુ કોમ્પેક્ટ રહે અને તેમાં સ્પેસ પણ ઓછી જોઇએ. આ પ્રકારના ઓલ-ઇન-વન પીસીના પણ ફાયદા અને ગેરફાયદા પર નજર ફેરવી લઇએ.
ફાયદાઃ
- કોમ્પેક્ટ અને ઓછી સ્પેસ સેવિંગઃ ઓલ-ઇન-વન પીસી પરંપરાગત ડેસ્કટોપ કમ્પ્યૂટર કરતા ઓછી જગ્યા રોકે છે. આજકાલ નવા ફ્લેટમાં વર્ક ફ્રોમ હોમ માટે નાની અલગ જગ્યા હોય છે તેને માટે ઓલ-ઇન-વન પીસી પરફેક્ટ રહે.
- સ્ટાઇલિશ ડિઝાઇનઃ ઓલ-ઇન-વન પીસીમાં માત્ર મોનિટર હોય અને કીબોર્ડ તથા માઉસ જો વાયરલેસ લઇએ તો આખું સેટઅપ એકદમ સ્ટાઇલિશ ક્લટર-ફ્રી બને છે.
- ઝડપી સેટઅપઃ સાદાં સીપીયુમાં મોનિટર અને અન્ય બાબતો સાથેનું કનેકશન થોડું ઝંઝટભર્યું હોય છે. ઓલ-ઇન-વન પીસીમાં એવી ઝંઝટ રહેતી નથી અને બધું પ્લગ-એન્ડ-પ્લે પ્રકારનું હોય છે.
- ટચસ્ક્રીનઃ મોંઘા લેપટોપની જેમ કેટલાંક ઓલ-ઇન-વન પીસીમાં ટચસ્ક્રીનની સુવિધા પણ મળી શકે છે જેનાથી કામ વધુ સહેલું બની શકે.
ગેરફાયદાઃ
- અપગ્રેડેશન મુશ્કેલઃ મિનિ પીસીની જેમ ઓલ-ઇન-વન પીસીમાં પણ બધાં કોમ્પોનન્ટ ઓછી સ્પેસમાં સમાવવામાં આવતા હોવાથી ભવિષ્યમાં તેમાં હાર્ડવેર અપગ્રેડ કરવું મુશ્કેલ હોય છે.
- વધુ કિંમતઃ અત્યારે સાદાં સીપીયુવાળા કમ્પ્યૂટરની સરખામણીમાં ઓલ-ઇન-વન પીસીની કિંમત થોડી વધુ છે.
- બહુ પાવરફૂલ નહીંઃ હાલની સ્થિતિમાં ઓલ-ઇન-વન પીસી સરેરાશ ઉપયોગ માટેના સાદાં ડેસ્કટોપ જેવા સ્પેસિફિકેશન આપી શકે છે પરંતુ ગેમિંગ, વીડિયો એડિટિંગ, થ્રીડી મીડિયા કે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ જેવા વધુ પાવરફૂલ કામકાજ માટે જરૂરી સ્પેસિફિકેશન ઓલ-ઇન-વન પીસીમાં મળવા મુશ્કેલ છે.
આમ, ઘર કે ઓફિસમાં ઓછી સ્પેસમાં તમારે કામ ચલાવવું હોય તો મિનિ પીસી તથા ઓલ-ઇન-વન પીસીનો વિકલ્પ સારો રહે. જોકે એ માટે તેનું પ્રોસેસર પાવરફૂલ હોય તેમજ મલ્ટિ ટાસ્કિંગ કરવા માટે પૂરતી રેમ હોય તથા એસએસડી પ્રકારની પૂરતાં પ્રમાણમાં સ્ટોરેજ સ્પેસ હોય એ જરૂર તપાસી લેશો.

