હમણાં મુંબઈના એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ મેકર અને ફોટોગ્રાફરે ફેસબુક પરનો તેમનો એક અનુભવ લોકો સાથે શેર કર્યો. આગળની વાત એમના જ શબ્દોમાં…

‘‘એ દિવસે હું મારી જેવા બીજા અનેક લોકોની જેમ મારી ફેસબુક ટાઇમલાઇન ચેક કરી રહ્યો હતો. અનેક લોકોની પોસ્ટ અને કન્ટેન્ટ આ રીતે હું હંમેશાં જોતો હોઉં છું. સ્ક્રોલિંગ કરતી સમયે એક પોસ્ટ પર મારું ધ્યાન ગયું. એક મહિલાએ લિનન ક્લોથ્સના તેના બિઝનેસ વિશે પોસ્ટ મૂકી હતી.
ડોક્યુમેન્ટ્રી ફિલ્મ મેકર તરીકે મને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝની વિવિધ પ્રોડક્ટમાં ઘણી વાર રસ પડતો હોય છે. મેં એ મહિલા સાથે ફેસબુક પર વાતચીત શરૂ કરી અને તેમની પ્રોડક્ટ તથા તેની કિંમતો વિશે પૂછપરછ કરી. એ મહિલા બહુ ફ્રેન્ડલી હતી અને પોતાના કલેકશન વિશે વધુ માહિતી આપવા ઉત્સુક પણ હતી.
વાતચીત થોડી આગળ વધ્યા પછી તેણે પોતાનો કોન્ટેક્ટ નંબર આપ્યો અને તેના બિઝનેસ વિશેની વધુ વાતચીત અમે વોટ્સએપ પર આગળ વધારી. અમે જેમ જેમ વાતો કરતા ગયા તેમ તેમ મારા મનમાં, કપડાંની બિઝનેસની ઊંડી સમજ ધરાવતી એક ઠરેલ, અનુભવી, મધ્યમ ઉંમરની મહિલાનું ચિત્ર ઉપસતું ગયું.
એ મહિલાએ લિનન ટ્રાઉઝર્સની જે ઇમેજિસ શેર કરી તેમાં મને વધુ રસ પડ્યો. મને લાગ્યું કે સ્થાનિક કારીગરોએ સીવેલાં કપડાં ખરીદીને એમને સપોર્ટ કરવો જોઇએ. પેલી મહિલાએ એક ટ્રાઉઝર માટે ૯૫૦ રૂપિયાની કિંમત વત્તા ૧૦૦ રૂપિયાનો કુરિયર ચાર્જ જણાવ્યો હતો.
કિંમત મને ઘણી વ્યાજબી લાગી. મેં એ રકમ મહિલાએ જણાવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપી અને તેને પેમેન્ટ થયું હોવાનો સ્ક્રીનશોટ પણ મોકલી આપ્યો.
પછીના દિવસોમાં હું પાર્સલની રાહ જોતો રહ્યો, પરંતુ ધીમે ધીમે શરૂઆતનો ઉત્સાહ અજંપામાં ફેરવાતો ગયો. પાંચ દિવસ વિતી ગયા પછી દસ દિવસ થયા તોય પેકેટ આવ્યું નહીં.

મનમાં ઉચાટ હતો છતાં મને એવી આશા પણ હતી કે પાર્સલ મળવામાં વિલંબ થવા પાછળ ખરેખર કોઈક સાચું કારણ હશે. કાં તો ખાસ્સા ઓર્ડર આવવાને કારણે કુરિયરમાં ભરાવો થઈ ગયો હશે કે પછી મુંબઈમાં વરસાદને કારણે મોડું થયું હશે. કદાચ ટ્રેકિંગ સિસ્ટમમાં પણ કંઈક ખામી હોય…
પરંતુ પાર્સલ ન જ આવ્યું. મેં એ મહિલાનો ફોનકોલ, વોટ્સએપ કે ફેસબુક પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ ન મળ્યો. વોટ્સએપના મેસેજ ડીલિવર જ ન થયા.
છેવટે મને સમજાયું કે હું કોઈ સ્કેમનો ભોગ બન્યો હતો. મેં રૂપિયા ગુમાવ્યા હતા અને મને જે પ્રોડક્ટ જોઈતી હતી તે ફક્ત એક માયાજાળ હતી.
લોકો કઈ રીતે છેતરપિંડીનો ભોગ બને છે એવી ઘણી વાતો મેં સાંભળી હતી, પણ મને ક્યારેય એવી કલ્પના પણ નહોતી કે હું પોતે આવી એક સ્ટોરી બની જઈશ.
મને કોઈ બનાવી ગયું એ વાત મને લાંબા સુધી બહુ અકળાવતી રહી. ક્યારેક શરમ આવતી હતો તો ક્યારેક સખત ગુસ્સો આવતો હતો. મને થતું હતું કે હું આવો ભોટ કેમ બન્યો? હું લોકો પર વધુ પડતો વિશ્વાસ મૂકતો હતો.?કોઈ મારો લાભ ઉઠાવી જાય એ મને સમજાતું પણ નહોતું?
સાચું કહું તો ઓનલાઇન ટ્રાન્ઝેકશન્સ અને ઓનલાઇન વ્યક્તિઓ પરનો મારો વિશ્વાસ જ ઊઠી ગયો. મારી કારકિર્દી દરમિયાન હું અનેક લોકોને મળ્યો છું, પરંતુ આ એક અંગત અનુભવે ડિજિટલ દુનિયા પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ સાવ બદલી નાખ્યો છે. વર્ચ્યુઅલ દુનિયામાં લોકો પોતાના ઇરાદા કેટલી સહેલાઈથી છૂપાવી શકે છે એ મારે માટે આંચકાજનક હતું.
પેલી ફેક લેડીએ પોતાનો પ્રોફાઇલ લોક કરી નાખ્યો છે, પણ તેની પ્રોડક્ટ હજી પણ ફેસબુક પર વિઝિબલ છે. મારી જેવા કેટલાય લોકો આ તદ્દન ફેક ઓનલાઇન પ્રોડક્ટ ખરીદવાની જાળમાં ફસાઈ ચૂક્યા હશે.
મારા મનમાં કેટલાય સવાલો ઊઠે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ કરીને ઓનલાઇન પ્રોડક્ટ સેલ કરતા સામાન્ય લોકોના પ્રોફાઇલ અસલી છે કે નહીં તે ચકાસવાની કોઈ વ્યવસ્થા ન હોવી જોઈએ? મને લાગે છે કે ડિજિટલ વર્લ્ડમાં પ્રામાણિકતાનું બહુ મોટું મહત્ત્વ છે. એની કોઈક રીતે ચકાસણી શક્ય હોવી જ જોઈએ.
હવે હું સજાગ રહેતાં અને જુદી જુદી બાબતની ખરાઈ કરતાં તો શીખ્યો છું. એ પણ નક્કી કે આ એક ખરાબ અનુભવથી બધા લોકો પ્રત્યેની મારી શ્રદ્ધા બદલાશે નહીં. મને લાગ્યું કે મારો આ અનુભવ બધા સાથે શેર કરીશ તો બીજાને પણ તેનો લાભ મળશે.’’

