આપણા સૌની ફરિયાદ હોય છે કે સમય સાથે આપણા કમ્પ્યૂટર (કે સ્માર્ટફોન)ની સ્પીડ ઘટતી જાય છે. આવું થવાનાં ઘણાં બધાં કારણો હોય છે. જેમાંનું એક આપણે પોતે હોઇએ છીએ! પીસી કે લેપટોપની વાત કરીએ તો આપણે ખરીદીએ ત્યારે એ કોરી પાટી જેવું હોય, પછી તેમાં આપણે જાતભાતનો ડેટા ઉમેરતા જઇએ.
ખાસ કરીને આપણે કમ્પ્યૂટરમાં જે કોઈ પ્રોગ્રામ ઉમેરીએ તે કમ્પ્યૂટર પર બે ત્રણ પ્રકારે બોજો લાવે છે.
- એ પ્રોગ્રામ રન થવા માટે જરૂરી ફાઇલ્સનો બોજો,
- એ પ્રોગ્રામની મદદથી આપણે ક્રિએટ કરેલી નવી ફાઇલ્સનો બોજો અને
- જો એ પ્રોગ્રામ કમ્પ્યૂટર ઓન થાય એ સાથે આપોઆપ સ્ટાર્ટ થઈ જાય એવું સેટિંગ રાખ્યું હોય તો એ વળી વધારાનો બોજો.
તમારા કમ્પ્યૂટરનાં સ્પેસિફિકેશન્સ સારાં હોય તો ખાસ ચિંતાની વાત નહીં, પરંતુ પ્રોસેસર તથા એક સાથે મલ્ટિપલ પ્રોગ્રામ્સ રન કરવા માટે જરૂરી રેમ બંને અપૂરતાં હોય ત્યારે કમ્પ્યૂટરના પર્ફોર્મન્સ પર આ જુદા જુદા પ્રકારના બોજાની અસર વર્તાવા લાગે.
પ્રોગ્રામ આપણે માટે જરૂરી હોય એટલે તો આપણે ઇન્સ્ટોલ કર્યો હોય. એ જ રીતે એ પ્રોગ્રામની મદદથી આપણે નવી ફાઇલ્સ ક્રિએટ કરવી જરૂરી પણ હોય એટલે એ બાબતમાં આપણે ખાસ કશું કરી શકીએ નહીં. પરંતુ કમ્પ્યૂટર ઓપન થાય એ સાથે એ પ્રોગ્રામ આપોઆપ રન થવા ન લાગે એવું સેટિંગ જરૂર કરી શકીએ.

એ માટે આપણે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ એ સમયે ‘ઓટોમેટિકલી રન વ્હેન આઇ સ્ટાર્ટ માય કમ્પ્યૂટર’ એવું કંઈક લખેલું ચેકબોક્સ જોવા મળે તો તેને ટિક કરશો નહીં.
એ જ રીતે અત્યારે તમારા કમ્પ્યૂટરમાં ક્યા ક્યા પ્રોગ્રામ બેગ્રાઉન્ડમાં રન થતા રહે છે તે તપાસવા માટે કમ્પ્યૂટરના સ્ક્રીન પર છેક નીચે જમણી બાજુ જોવા મળતા એરો પર ક્લિક કરો. કમ્પ્યૂટરમાં બેગ્રાઉન્ડમાં ચાલતા તમામ પ્રોગ્રામ જોવા મળશે. આમાંથી તમને બિનજરૂરી લાગે તે પ્રોગ્રામના આઇકનને રાઇટ ક્લિક કરીને બંધ કરી શકાય છે.
આ સાદો રસ્તો થયો. પરંતુ એ કારગત નથી કેમ કે બીજી વાર આપણે કમ્પ્યૂટર ચાલુ કરીશું ત્યારે એ પ્રોગ્રામ ફરી આપોઆપ ચાલુ થઈ જશે અને કમ્પ્યૂટરની સિસ્ટમ પર ભાર વધારશે!
આવું થતું અટકાવવા માટે…
- કમ્પ્યૂટરના સર્ચ બારમાં ‘Task Manager’ લખીને અથવા કન્ટ્રોલ+ઓલ્ટર+ડિલીટ પ્રેસ કરીને ટાસ્ક મેનેજરમાં જાઓ.
- તેમાં જુદી જુદી ટેબ્સ જોવા મળશે. તેમાં સ્ટાર્ટ અપ ટેબમાં જે પ્રોગ્રામ ઇનેબલ્ડ હોય તે તપાસો અને તમને બિનજરૂરી લાગે તેને બંધ કરી દો.
યાદ રાખશો કે જે પ્રોગ્રામ માટે તમને સ્પષ્ટ ખાતરી ન હોય કે આ બિનજરૂરી છે તેને બંધ કરશો નહીં!

