ઇન્ટરનેટ પરની આપણી સર્ચ યાત્રા મોબાઇલ કે પીસીમાં આપણા બ્રાઉઝરના એડ્રેસ બારથી શરૂ થતી હોય છે. એડ્રેસ બારમાં આપણે કંઈ પણ લખીને સર્ચ કરીએ એટલે ગૂગલનું સર્ચ રિઝલ્ટ પેજ ઓપન થાય, જેમાં આપણી સર્ચ ક્વેરી મુજબ માહિતી ધરાવતાં વેબપેજિસનું લિસ્ટ જોવા મળે. આપણે તેમાંથી કોઈ પણ લિંક પર ક્લિક કરીએ એટલે એ વેબપેજ ઓપન થઈ જાય.

આવું આપણે લગભગ રોજે રોજ કરીએ છીએ, પણ હવે વાતમાં ટ્વીસ્ટ આવે છે.
અત્યારની સ્થિતિમાં તકલીફ શું છે?
મોટા ભાગે એવું બને કે આપણે સર્ચની શરૂઆત કરીએ પછી ફક્ત એક વેબપેજ પર પહોંચીને સંતોષ ન થાય. આથી આપણે એ વેબપેજ પરથી ફરી સર્ચ ક્વેરીના રિઝલ્ટ પેજ પર પાછા જવું પડે.
અમુક નવાં ફીચર આપણને મળે તે પછી સમજાય કે આના વિના અત્યાર સુધી આપણને કેમ ચાલ્યું?!
આનો એક ઉપાય એવો થઈ શકે કે આપણે સર્ચ રિઝલ્ટના પેજને જેમનું તેમ રહેવા દઇએ અને તેમાંના કોઈ પણ વેબપેજ માટેની લિંકને રાઇટ ક્લિક કરી, તેને નવી ટેબમાં ઓપન કરીએ. પરંતુ પેલી મૂળ તકલીફ તો ઊભી જ રહે – આપણે ફરી રિઝલ્ટ પેજ પર જવા માટે ટેબ બદલવી પડે.
જો તમે લેપટોપ કે પીસી પર ગૂગલ સર્ચ એન્જિનનો વારંવાર ઉપયોગ કરતા હશો તો આ તકલીફનો સામનો તો કરતા હશો, પરંતુ એને તકલીફ તરીકે જોતા નહીં હો. કારણ કે આપણે લાંબા સમયથી આ રીતે જ સર્ચ કરવા માટે ટેવાયેલા છીએ.
નવી સગવડ કેવી છે?
હવે ક્રોમ બ્રાઉઝરમાં અપડેટ સાથે આનો એક સરસ ઉપાય મળ્યો છે. જેને કારણે આપણું સર્ફિંગ વધુ સહેલું બની શકે છે. જો તમારું ક્રોમ બ્રાઉઝર લેટેસ્ટ વર્ઝનથી અપડેટેડ હશે તો હવે તમે એડ્રેસ બારમાં કંઈ પણ લખીને સર્ચ કરશો તો પહેલાંની જેમ સર્ચ રિઝલ્ટ બતાવતું પેજ ઓપન થશે. આપણે તેમાંથી કોઈ પણ લિંક પર ક્લિક કરીશું, તો ફરી પહેલાંની જેમ, રિઝલ્ટ પેજને સ્થાને એ નવું પેજ ઓપન થશે.

પરંતુ એ સમયે એડ્રેસ બારમાં જમણી તરફ ગૂગલનો આઇકન જોવા મળશે. જો તમે તેને ક્લિક કરશો તો સ્ક્રીન પર જમણી તરફ એક સાઇડ પેનલ ઓપન થશે અને તેમાં આપણી ક્વેરીથી ઓપન થયેલું પેલું સૌથી પહેલું સર્ચ રિઝલ્ટ પેજ જોવા મળશે!
મતલબ કે હવે આપણે સ્ક્રીન પર ડાબી તરફ મોટી પેનલમાં આપણે ક્લિક કરેલું કોઈ પણ વેબપેજ જોઈ રહ્યા હશું અને જમણી તરફ નાની પેનલમાં એ સર્ચને સંબંધિત અન્ય તમામ સર્ચ રિઝલ્ટ જોવા મળશે.
ફક્ત ટાઇમપાસ કરવા માટે નહીં, ચોક્કસ હેતુ સાથે તમે ગૂગલ સર્ચ કરી રહ્યા હો ત્યારે આ ફીચર બહુ કામ લાગશે.
જો આપણને પહેલા સર્ચ રિઝલ્ટથી સંતોષ ન હોય તો જમણી પેનલમાં બીજા કોઈ પણ સર્ચ રિઝલ્ટની લિંકને ક્લિક કરીને તેને ઓપન કરી શકીશું.
આમ હવે આપણું સર્ચિંગ અને સર્ફિંગ સાઇડ બાય સાઇડ થઈ શકશે. આ કામ આપણે બે વિન્ડો ઓપન કરીને પણ કરી શકીએ. પરંતુ તેમાં આટલું સફાઈદાર રીતે કામ થઈ શકતું નથી. એક પેનલમાં સર્ચ રિઝલ્ટ દેખાય અને બીજી પેનલમાં આપણે તેમાંનાં વિવિધ રિઝલ્ટને તપાસી શકીએ. આ સુવિધા આપણા સર્ચને ખરેખર વધુ પાવરફુલ બનાવી શકે છે.
નવું ફીચર દેખાતું નથી?
જો તમને પહેલી વાર એડ્રેસ બારમાં કંઈ પણ સર્ચ કર્યા પછી અને સર્ચ રિઝલ્ટ પર ક્લિક કર્યા પછી એડ્રેસ બારમાં જમણી તરફ ગૂગલનો આઇકન જોવા ન મળે તો એનો અર્થ એ થયો કે તમારા બ્રાઉઝરમાં હજી આ સુવિધા મળી નથી. બ્રાઉઝર અપડેટ કરતાં આ સુવિધા મળી જવી જોઇએ. આ પછી સર્ચ બારમાં ગૂગલનો આઇકન દેખાવા લાગે, સાઇડ પેનલ ઓપન પણ થાય, પરંતુ પછી મૂળ પેજ કોરું થઈ જાય છે? તો તમે ક્રોમ બ્રાઉઝરમાંનાં પ્રયોગાત્મક ફીચર્સ ઇનેબલ કરીને આ સુવિધા મેળવી શકો છો. એ માટે, પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં નીચેનાં બે એડ્રેસ ટાઇપ કરો અને બંનેને ઇનેબલ કરો.
- chrome://flags/#side-search
- chrome://flags/#side-search-dse-support
હવે બ્રાઉઝર રિલોન્ચ કરવું પડશે. એ પછી સર્ચ રિઝલ્ટ પેજ પર કોઈ પણ લિંકને ક્લિક કર્યા પછી, એડ્રેસ બારમાં સાઇડ પેનલ ઓપન કરવા માટેનો ગૂગલ સર્ચનો આઇકન જોવા મળશે.
તમે ફક્ત ટાઇમપાસ કરવા માટે ગૂગલિંગ કરી રહ્યા હો તો અલગ વાત છે. પરંતુ નિશ્ચિત ફોકસ સાથે સર્ફ કરતા હો તો આ પ્રકારનું સાઇડ બાય સાઇડ સર્ફિંગ અને સર્ચિંગ તમને ચોક્કસપણે ઘણું ઉપયોગી થશે. ટ્રાય કરી જુઓ!

