(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમે જુદા જુદા એકાઉન્ટમાં સાઇન ઇન થયા પછી લોગ આઉટ થવાનું ભૂલી જાઓ છો?

તમારું પર્સનલ લેપટોપ કે કમ્પ્યૂટર હોય અને તેમાં તમે જીમેઇલ, ફેસબુક જેવી સર્વિસમાંથી લોગ આઉટ ન થાઓ તો ચાલે, પણ હવે જેનો ઉપયોગ ન કરતા હો એવા કોઈ સ્માર્ટફોનમાં કે ઓફિસના કમ્પ્યૂટરમાં લોગ આઉટ કરવાનું ભૂલી જવામાં જોખમ છે. સદભાગ્યે, બધી જાણીતી સર્વિસમાં આપણે અન્ય કયા ડિવાઇસમાં હજી લોગ ઇન છીએ તે જાણી, લોગ આઉટ થઈ શકીએ છીએ.

તમારા ઘરમાં હજી તો માંડ પગલાં માંડતાં શીખતું કોઈ ટાબરિયું છે? તમે સોફા પર લહેરથી અડિંગો જમાવી, ટીપોઇ પર લેપટોપ ગોઠવી ઓફિસનું કામ કરતા હો અને થોડી વાર માટે પગછૂટો કરવા માટે ઊભા થાઓ તો તમારા લેપટોપ પર હુમલો થયો જ સમજો. આવા સમયે કમ્પ્યૂટરના સ્ક્રીન પર જે પ્રોગ્રામ ચાલુ હોય તેમાં ખાનાખરાબી થાય એ નક્કી. ડોક્યુમેન્ટ હોય તો ડિલીટ થઈ શકે અને જીમેઇલમાં કોઈ મેઇલ ઓપન હોય તો અગડમબગડમ કીસ્ટ્રોક સાથે તમારા બોસને મેઇલ સેન્ડ થઈ શકે છે!

આ તો ઘરના નિર્દોષ બાળકની વાત થઈ. ઓફિસના બધા કલીગ એટલા નિર્દોષ ન પણ હોય! એમને જો તમારું ફેસબુક એકાઉન્ટ ખૂલ્લું મળી ગયું હોય તો એ બે ચાર ક્લિકમાં તમારી સોશિયલ ઇમેજમાં મોટી સળી કરી શકે છે.

એટલે જ ઘર હોય, ઓફિસ હોય કે સાવ પબ્લિક કમ્પ્યૂટર હોય ત્યારે તો ખાસ – જીમેઇલ, ફેસબુક, લિંક્ડઇન… વગેરે તમામ સર્વિસમાં કામ પત્યા પછી લોગ આઉટ થઈ જવાની આદત કેળવવા જેવી છે.

એક માત્ર તમે જેનો ઉપયોગ કરતા હો તે ડિવાઇસમાં વારંવાર લોગ આઉટ ન થાઓ તો ચાલે, પણ બીજા લોકો ઉપયોગ કરતા હોય તો…

વિવિધ સર્વિસમાં જ્યાં જ્યાં તમે હજી સાઇન ઇન હો ત્યાં બધેથી એક સાથે સાઇન આઉટ થવાની રીતો આગળ આપી છે, તે અજમાવશો ત્યારે તમને કદાચ હળવો ઝટકો લાગે એટલાં સાધનોમાં તમારાં સેશન્સ એક્ટિવ હોઈ શકે છે! હવે તમે જેને ભૂલી ગયા હો એવા કોઈ જૂના ફોનમાં પણ  વિવિધ સર્વિસમાં તમારાં સેશન્સ ચાલુ હોઈ શકે છે.

આ બધું રોજિંદા ઉપયોગમાં ક્યાંય નડતું નથી, પણ ક્યારેક બહુ આકરી રીતે નડી જાય.

એવું થતું ટાળવું હોય તો…

સાઇન અપ અને લોગ ઇનમાં શું ફેર છે?

પહેલાં થોડી પાયાની વાત કરી લઈએ. હજી પણ ઘણા લોકોને  ‘સાઇન અપ’, ‘સાઇન ઇન’ અને ‘લોગ ઇન’ જેવા શબ્દોમાં ગૂંચવણ થતી હોય છે.

જો કોઈ વેબસર્વિસમાં આપણું એકાઉન્ટ ન હોય અને તે આપણે નવેસરથી ખોલાવવાનું હોય ત્યારે તેના માટે પહેલી વાર આપણી વિગતો આપવા માટે ‘સાઇન અપ’ કે ‘રજિસ્ટર’ શબ્દ વપરાય છે. આ રીતે અેકાઉન્ટ ખોલાવ્યા પછી આપણે જ્યારે એ સાઇટ પર જઈએ ત્યારે ફક્ત ‘લોગ-ઇન’ અથવા ‘સાઇન ઇન’ થવાનું હોય છે. ભારોભાર ટેકનિકલ રીતે જોઈએ તો, ‘લોગ ઇન’ અને ‘સાઇન ઇન’ શબ્દ સરખા જ હોવા છતાં તેમાં બારીક તફાવત છે.

સામાન્ય રીતે આપણે જે વેબસાઇટ કે સર્વિસમાં ખાતું ધરાવતા હોઈએ તેમાં આપણા યૂઝરનેમ-પાસવર્ડ આપીને દાખલ થઈએ પછી છેવટે બહાર નીકળીએ એ આખી સાઇકલની જે તે સર્વિસની સિસ્ટમમાં નોંધ રખાતી હોય છે. આ રેકોર્ડને ‘લોગ’ કહે છે. આથી, આપણી મુલાકાતની નોંધ રાખતી સાઇટ્સ સામાન્ય રીતે ‘લોગ ઇન’ અને ‘લોગ આઉટ’ શબ્દનો ઉપયોગ કરતી હોય છે. અલબત્ત, ભાષાનું આ ગણિત બધે લાગુ પડતું નથી. બધી સાઇટ લગભગ સરખી હોય તો પણ કોઈ ‘સાઇન ઇન’ શબ્દ વાપરે છે અને બીજી ‘લોગ ઇન’નો ઉપયોગ કરે છે!

સાઇન આઉટ થવું કેમ જરૂરી છે?

વિવિધ ઓનલાઇન સર્વિસમાં આપણે ખાતું ખોલાવ્યા પછી જ્યારે જ્યારે તેમાં સાઇન ઇન કે લોગ ઇન થઈ ત્યારે આપણું કામ પત્યા પછી એ સર્વિસમાંથી યાદ રાખીને લોગ આઉટ કે સાઇન આઉટ થવું જરૂરી હોય છે.


કેમ? ટૂંકો જવાબ છે પ્રાઇવસી અને સિક્યોરિટી  માટે. જો આપણે પોતાના જ કમ્પ્યૂટરમાં વિવિધ સર્વિસમાં લોગ ઇન થયા હોઇએ, બીજી કોઈ વ્યક્તિ તેનો ઉપયોગ ન કરતી હોય તો તેમાંથી લોગ આઉટ ન થઈએ તો ખાસ ચિંતાની વાત નથી. પરંતુ ઓફિસમાં કે હોટેલના બિઝનેસ સેન્ટર જેવી કોઈ જગ્યાએ, જ્યાં બીજા લોકો પણ જે કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા હોય ત્યાં અચૂક પણે સર્વિસનું કામ પૂરું થયા પછી લોગ આઉટ થવું જોઈએ.

સામાન્ય રીતે બેન્ક જેવી મહત્ત્વની સાઇટ્સ પર એવી સુવિધા હોય છે કે અમુક નિશ્ચિત સમય સુધી આપણા તરફથી સાઇટ પર કોઈ એક્શન ન લેવાય તો આપણે આપોઆપ લોગ આઉટ થઈ જઈએ, ટેકનિકલ ભાષામાં તેને ‘સેશન ટાઇમઆઉટ’ કહે છે. પરંતુ બીજી લગભગ કોઈ સર્વિસમાં આવી સુવિધા હોતી નથી.

 જે તે સાઇટમાં આપણે લોગ ઇન થઈએ એ પછી એ વિગતો બ્રાઉઝરમાં સચવાઈ જતી હોય છે અને જો આપણે બ્રાઉઝરમાં નિશ્ચિત સેટિંગ કર્યું ન હોય, તો બ્રાઉઝર બંધ કર્યા પછી આપણે એ સર્વિસમાંથી લોગ આઉટ થતા નથી. આપણા પછી બીજી વ્યક્તિ બ્રાઉઝર ફરી ઓપન કરે તો આપણું ખાતું તેને ખુલ્લું મળી આવે એવું બની શકે!

ઇનકોગ્નિટો મોડ અને કૂકી ક્લીયર કરવાના ફાયદા

મોટા ભાગે લોકો એવું માનતા હોય છે કે બ્રાઉઝર વિન્ડો બંધ કરવાથી, આપણે જુદી જુદી ટેબ કે વિન્ડોમાં જુદી જુદી સર્વિસમાં લોગ ઇન થયા હોઈએ તો તેમાંથી આપોઆપ લોગ આઉટ થઈ જઈએ. વાસ્તવમાં એવું થતું નથી.

હા, એવી સગવડ ઇનકોગ્નિટો મોડમાં મળે છે.

આથી જ, જ્યારે પણ આપણે કોઈ પણ પબ્લિક કમ્પ્યૂટર પર કામ કરવાનું થાય અને જીમેઇલ, ફેસબુક વગેરે કોઈ પણ મહત્ત્વની સર્વિસમાં લોગ ઇન કરવાનું થાય તો ઇનકોગ્નિટો મોડમાં જ એ સર્વિસ ઓપન કરી, તેમાં લોગ ઇન થવું હિતાવહ છે.  જ્યારે પણ બ્રાઉઝરનો ઇનકોગ્નિટો મોડ બંધ કરીએ ત્યારે આપણી એક્ટિવિટીનો કોઈ રેકોર્ડ જળવાતો ન હોવાથી, આપણે જે તે સર્વિસમાંથી પણ આપોઆપ લોગ આઉટ થઈએ છીએ.

આ જ વાતને તમારા ઓફિસના કમ્પ્યૂટરમાં જરા વધુ સારી રીતે આગળ વધારી શકાય. જો તમે ક્રોમ બ્રાઉઝરનો નિયમિત ઉપયોગ કરતા હો, તો તેમાં સેટિંગ્સમાં ‘ક્લીયર કૂકીઝ’ સર્ચ કરીને ઇનેબલ કરી જુઓ.

હવે તમે જ્યારે બ્રાઉઝરની બધી વિન્ડો બંધ કરો ત્યારે બધી કૂકીઝ ડિલીટ થશે અને બધી સર્વિસમાંથી તમે આપોઆપ લોગ આઉટ થશો.

જોકે આ રીતે, તમે જ્યારે જ્યારે બ્રાઉઝર ઓપન કરશો ત્યારે પેલી બધી સર્વિસમાં લોગ ઇન કરવાની વિધિ કરવી પડશે. ઘરના કમ્પ્યૂટર કે તમારા પર્સનલ લેપટોપમાં આવું ન કરો તો ચાલે, પણ ઓફિસના કમ્પ્યૂટરમાં આવું સેટિંગ કરવામાં વધુ સલામતી છે.


દૂરબેઠાં પોતાના એકાઉન્ટમાંથી લોગ આઉટ થવા માટે…

જીમેઇલમાં આપણે ત્રણેક રીતે, વિવિધ સાધનોમાં સાઇન ઇન હોઇએ તેવી શક્યતા છે – કમ્પ્યૂટરના બ્રાઉઝરમાં, સ્માર્ટફોન કે ટેબલેટના બ્રાઉઝરમાં અને તેમાંની એપમાં. આપણે હવે જેનો ઉપયોગ ન કરતા હોઇએ તેવા મોબાઇલમાં કે ટેબલેટમાં  આપણે પોતાનું ગૂગલ એકાઉન્ટ ઉમેર્યું હોય તો એ ફોન ભૂલથી કોઈ ખોટી વ્યક્તિના હાથમાં જાય તો તેને આપણાં બધાં એકાઉન્ટ ખુલ્લાં મળી શકે છે.

તેમ, પરિવારના કોઈ સભ્ય કે નિકટના મિત્રના મોબાઇલમાં બ્રાઉઝરને બદલે, જીમેઇલ એપમાં જ લોગ ઇન થઈએ તો એ મોબાઇલમાં આપણું ગૂગલ એકાઉન્ટ ઉમેરાઈ જાય છે અને એ મોબાઇલ જેનો હોય તે આપણા એકાઉન્ટમાંનું બધું જોઈ શકે છે.

એ સિવાય અન્ય કોઈ કમ્પ્યૂટરમાં લોગ ઇન થઈને લોગ આઉટ કરવાનું ભૂલી ગયા હોઈએ એવું પણ બની શકે.

આથી પહેલાં તો એ જાણવું પડે કે આપણે બીજાં કયાં કયાં સાધનમાં લોગ ઇન છીએ. એ માટે…

  • તમારા પીસી કે મોબાઇલ / ટેબલેટમાં myaccount.google.comમાં જાઓ (અથવા જીમેઇલ એપમાંથી તમારા ગૂગલ એકાઉન્ટમાં જઈ શકાશે).
  • તેમાં ‘સિક્યોરિટી’ વિભાગમાં જાઓ.
  • અહીં થોડે નીચે જતાં ‘યોર ડિવાઇસિસ’ શીર્ષક હેઠળ, તમે જે જે પીસી કે મોબાઇલ ડિવાઇસમાં તમારા જીમેઇલ એટલે કે ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન હશો તેની યાદી જોવા મળશે.
  • તમારા વર્તમાન ફોન સિવાય અન્ય સાધનોમાંથી આ એક્સેસ દૂર કરવી હોય તો અહીં એક પછી એક સાધનો સિલેક્ટ કરો અને પછી ‘સાઇન આઉટ’ પર ક્લિક કરી એ સાધનોમાંથી સાઇન આઉટ થઈ જાઓ.
  • અહીંથી તમે પીસીના વેબ વર્ઝનમાંથી પણ સાઇન આઉટ થઈ શકશો.
  • મોબાઇલને બદલે પીસીનો ઉપયોગ કરતા હો તો તેમાં પણ આવી સગવડ છે.

તમે ટુ-સ્ટેપ વેરિફિકેશન જેવી પદ્ધતિથી એકાઉન્ટને સલામત રાખતા હો તો બહુ ચિંતાની વાત નથી, બાકી, તમારા સિવાય કોઈ તમારા જ એકાઉન્ટથી જીમેઇલમાં સાઇન ઇન થયું નથીને, એ ધ્યાન રાખવું પણ જરૂરી છે. એમાં પણ ઉપરની રીત કામ લાગશે, તેના ઉપરાંત,પીસીમાં ઇનબોક્સની નીચેના જમણા છેડે ‘લાસ્ટ એકાઉન્ટ એક્ટિવિટી’ અને ‘ડિટેઇલ્સ’ જોવા મળશે. તેમાં ડિટેઇલ્સ પર ક્લિક કરતાં એક ટેબલ ખૂલશે, જેમાં આપણા એકાઉન્ટથી ક્યા ક્યા સાધનોમાં આપણે લોગ્ડ ઇન છીએ કે થયા હતા તે જોવા મળશે.

અહીં સાધનની સાથે આપણે ક્યા લોકેશન (આઇપી એડ્રેસ) પરથી અને કઈ તારીખ અને સમયે સાઇન ઇન થયા હતા તેની યાદી જોવા મળે છે. તમે છેલ્લા કેટલાય સમયથી ભારતમાં જ હો, પરંતુ એકાઉન્ટ એક્સેસના લોકેશનમાં ભારત સિવાયના કોઈ દેશનું નામ જોવા મળે તો ચેતી જવું સારું. અગાઉ અહીંથી અન્ય તમામ સેશન્સમાંથી સાઇન આઉટ થવાની સગવડ હતી, પરંતુ હવે ઉપર જણાવ્યા મુજબ એકાઉન્ટના સિક્યોરિટી સેક્શનમાં જઈને આ કામ કરવાનું થશે.

એવું બની શકે છે કે તમે તમારા પોતાના પીસી કે મોબાઇલ ઉપરાંત અન્ય ડિવાઇસમાંથી ક્યારેક તમારા ફેસબુક એકાઉન્ટમાં સાઇન ઇન થયા હો અને પછી તેમાંથી સાઇન આઉટ થવાનું ભૂલી ગયા હો.

ફેસબુક આપણને આ વિગતો સહેલાઈથી આપે છે.

હાલની ક્ષણે તમે ક્યા ક્યા ડિવાઇસમાંથી ફેસબુકમાં લોગ્ડ ઇન છો તે તપાસવા અને બિનજરૂરી સાધનોમાંથી લોગ આઉટ થવા માટે આ પગલાં લોઃ

  • તમારા પીસી કે મોબાઇલમાં ફેસબુકના સેટિંગ્સમાં પહોંચી જાઓ.
  • તેમાં ફરીથી ‘સેટિંગ્સ’માં અને તેમાં ‘પાસવર્ડ એન્ડ સિક્યોરિટી’માં જાઓ.
  • અહીં તમે જોઈ શકશો કે તમે ક્યા ક્યા મોબાઇલ કે પીસીમાં ફેસબુક એકાઉન્ટમાં લોગ્ડ ઇન છો.
  • આ યાદીમાંથી જે ડિવાઇસમાંથી તમે લોગ આઉટ થવા માગતા હો તેના નામ પછી આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરીને લોગ આઉટ પર ક્લિક કરી શકાય.

અહીં જ નીચેની તરફ તમામ સેશન્સમાંથી એક સાથે લોગ આઉટ થવાનો વિકલ્પ પણ મળશે.

અહીં જો તમને કોઈ ડિવાઇસમાં એવું લોગ ઇન જણાય જે તમારું ન હોય તો તેને સિલેક્ટ કરીને લોગ આઉટ થવા ઉપરાંત ‘સિક્યોર એકાઉન્ટ’ બટન ક્લિક કરીને તમે તમારા એકાઉન્ટને સિક્યોર કરવાનાં પગલાં લઈ શકો છો.

ઇન્સ્ટાગ્રામ સર્વિસમાં અગાઉ કોઈ રીતે અન્ય ડિવાઇસમાંનાં એક્ટિવ સેશન્સ જાણીને તેને બંધ કરવાની સગવડ નહોતી.

હવે એ મળી ગઈ છે અને એપમાં જ મળી ગઈ છે. એ માટે…

  • એપ ઓપન કરી, તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ત્રણ લીટી પર ક્લિક કરી, સેટિંગ્સમાં જાઓ.
  • તેમાં સિક્યોરિટીમાં જાઓ.
  • અહીં લોગ ઇન એક્ટિવિટી સેક્શનમાં, આપણે હાલના ડિવાઇસ ઉપરાંત, બીજા કોઈ ડિવાઇસમાં લોગ્ડ ઇન હશું તો તે જાણવા મળશે.
  • ઇન્સ્ટાગ્રામ એક્ટિવ ડિવાઇસનું મેપ પર લોકેશન પણ બતાવે છે.

ઇન્સ્ટાગ્રામની જેમ એક્સ (ટ્વિટર)માં પણ અન્ય ડિવાઇસમાંથી લોગ આઉટ થવાની સહેલી સગવડ નહોતી, હવે મળી ગઈ છે (એમાં ઇલોન મસ્કનો કોઈ ફાળો નથી!).

  • એપમાં તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘સિક્યોરિટી એન્ડ એકાઉન્ટ એક્સેસ’માં જાઓ.
  • અહીં ‘એપ્સ એન્ડ સેશન્સ’માં બીજી કોઈ એપ સાથે એક્સ એકાઉન્ટ કનેક્ટ કર્યું હોય તો તે, સેશન્સ, એકાઉન્ટ એક્સેસની હિસ્ટ્રી વગેરે જોવા મળશે.

એક્સ બીજી સર્વિસથી આગળ વધી, આ વિગતો જોવા માટે આપણો પાસવર્ડ પૂછે છે, જે સારી વાત છે!

બીજી બધી સર્વિસની જેમ લિન્ક્ડઇનમાં પણ સેટિંગ્સમાં જઈને તમે હાલમાં ક્યાં ક્યાં સાઇન્ડ ઇન છો તે તપાસી શકાય છે તેમજ દરેકમાંથી સાઇન આઉટ થઈ શકાય છે. એ માટે…

  • તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, ‘સાઇન ઇન એન્ડ સિક્યોરિટી’માં જાઓ.
  • અહીં ‘વ્હેર યુ આર સાઇન્ડ-ઇન’ વિભાગમાં તમારાં હાલમાં એક્ટિવ સેશન્સની યાદી જોઈ શકાશે.
  • તેમાં તમારું લોકેશન, આઇપી એડ્રેસ, મોબાઇલ પ્રોવાઇડર કંપની વગેરે વિગતો જોવા મળશે.
  • કંઈ પણ શંકાસ્પદ જણાય તો લોગ આઉટ થાઓ અને આગળનાં પગલાં લો!

પિન્ટરેસ્ટમાં અન્ય એક્ટિવ સેશન્સમાંથી લોગ આઉટ થઈ શકાય છે, પણ એ સગવડ એપમાં નથી.

  • બ્રાઉઝરમાં  પિન્ટરેસ્ટ એકાઉન્ટમાં લોગ ઇન થયા પછી, તેના સેટિંગ્સમાં જાઓ.
  • અહીં છેક નીચે ‘સિક્યોરિટી એન્ડ લોગ ઇન્સ’ સેક્શન જોવા મળશે.
  • તેને ક્લિક કરતાં, તમે કઈ તારીખે, કયા લોકેશન પરથી, કયા ડિવાઇસમાં પિન્ટરેસ્ટમાં એક્ટિવિટી શરૂ કરી હતી, જે હજી ચાલુ છે (એટલે કે તમે લોગ્ડ ઇન છો) તે જોવા મળશે. અહીંથી એ એક્ટિવિટી ડિલીટ કરી શકાશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!