આજકાલ ઇલોન મસ્કને કારણે ખાસ્સી ગાજી રહેલી ટ્વીટર સર્વિલ, જુલાઈ ૧૫, ૨૦૦૬ના દિવસે લોન્ચ થઈ હતી. તેના ત્રણેક વર્ષ પછી ગૂગલે ફેબ્રુઆરી ૨૬, ૨૦૦૯ના દિવસે ટ્વીટર પર ખાતું ખોલાવ્યું (બાય ધ વે, ‘સાયબરસફર’ના લેખક-સંપાદકે પણ એ જ મહિને અને વર્ષે ટ્વીટર પર ખાતું ખોલાવ્યું હતું!).

જોકે ગૂગલની વાત જુદી છે – કંપનીએ તેની પહેલવહેલી ટ્વીટ કંઈક અનોખા અંદાજમાં પોસ્ટ કરી હતી (જુઓ સ્ક્રીનશોટ). કમ્પ્યૂટિંગ અને ટેક્નોલોજીની કંપની તરીકે ગૂગલે તેની પહેલી ટ્વીટમાં કોઈ શબ્દો લખવાને બદલે, માત્ર I’m થી શરૂઆત કરી અને પછી માત્ર 0 અને 1 ના ડિજિટ્સ મૂકી દીધા.
આમ પણ ગૂગલ કંપની તેની સેન્સ ઓફ હ્યુમર માટે પણ જાણીતી છે. કંપની તેના સર્ચ એન્જિન પેજ પર ગૂગલના લોગોમાં સતત કંઈક ને કંઇક અવનવી ગમ્મત કરતી રહે છે. સર્ચ એન્જિનમાં આપણે કોઈ ચોક્કસ બાબત સર્ચ કરીએ તો આખું પેજ ત્રાંસું થઈ જાય કે પેજ પરની બધી ટેક્સ્ટ, ઇમેજ વગેરે ધડાધડ નીચે ગબડી પડે એવી મસ્તી પણ ગૂગલ કરે છે. કંપનીની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના દરેક નવા વર્ઝનમાં પણ વર્ઝનને સંબંધિત કોઈક આવી ગેમ કે બીજી કોઈ કરામત મૂકવામાં આવે છે.
ગૂગલે ટ્વીટર પર એન્ટ્રી સમયે જે પહેલી ટ્વીટ કરી, એમાં તેણે, કંપનીની સ્ટાઇલ પ્રમાણે કંઇક મસ્તી કરી…
કંપની દર વર્ષે પહેલી એપ્રિલે પણ યૂઝર્સ સાથે હળવી મજાક-મસ્તી કરતી રહે છે. તેની સૌથી પોપ્યુલર સર્વિસમાંની એક જીમેઇલ, વર્ષ ૨૦૦૪માં પહેલી તારીખે જ લોન્ચ થઈ હતી અને એ સમયની અન્ય સર્વિસ કરતાં લગભગ ૧૦૦ ગણી સ્ટોરેજ કેપેસિટી જીમેઇલમાં હોવાની જાહેરાત થતાં લોકોએ તેને પણ ગૂગલની એપ્રિલફૂલ મજાક ગણી હતી!
એ જોતાં, ટ્વીટર પર એન્ટ્રી સાથે ગૂગલ કંઈક ગમ્મત કરે એમાં નવાઈ નથી. પહેલી નજરે આપણને એટલી તો ખબર પડી જાય કે ગૂગલે કંઈક બાઇનરી ડિજિટ્સની ગમ્મત કરી છે. ગૂગલે ઇંગ્લિશ આલ્ફાબેટ્સ ટાઇપ કરવા માટેના ASCII chart ની મદદથી, તેણે જે વાક્ય ટ્વીટ કરવું હતું તેના લેટર્સને બાઇનરી ડિજિટ્સમાં ફેરવી નાખ્યા હતા! ગૂગલે ટ્વીટર પર તેની એન્ટ્રી વખતે, આ રીતે ટ્વીટ કરીને આશા વ્યક્ત કરી હતી કે I’m feeling lucky.
જો તમે આઇટીના સ્ટુડન્ટ હો તો હજી આગળ, થોડું ટેકનિકલ, એક્સ્પ્લેનેશન જાણવું પણ તમને ગમશે. એ માટે જુઓ આ બ્લોગ પેજ https://arunrocks.com/decoding-googles-first-tweet-in-python/

