ટ્વીટરની એક વાત લોકોને ખાસ આકર્ષતી હોય છે – ‘‘ટ્વીટરમાં ક્રિકેટ કે બોલિવૂડ સેલિબ્રિટીઝથી માંડીને મુખ્યમંત્રી કે વડાપ્રધાનને પણ ડાઇરેક્ટ મેસેજ મોકલી શકાય છે!’’ ટ્વીટર ચમરબંધીઓનો સીધો સંપર્ક કરવા માટે ઉપયોગી છે એ વાત સાચી, પણ તેમાં કેટલીક શરતો છે.
અખબારોમાં આપણે વારંવાર આને લગતા સમાચારો વાંચીએ છીએ. જેમ કે ટ્રેનમાં દીકરી માટે દૂધની વ્યવસ્થા ન થઈ શકે તો કોઈ વ્યક્તિ સીધા કેન્દ્રીય રેલવે પ્રધાનને ટ્વીટર પર મેસેજ મોકલે, રેલવે તંત્ર હરકતમાં આવે અને આગલા રેલવે સ્ટેશને તંત્રની કોઈ વ્યક્તિ પેલી બાળકી માટે દૂધની બોટલ સાથે હાજર હોય!

થોડા સમય પહેલાં લોકડાઉન દરમિયાન પણ આવા એક સમાચાર આવ્યા હતા, જેમાં એક વૃદ્ધ સજ્જને તેમનાં બીમાર પત્ની માટે જરૂરી દવા મેળવવાના છેલ્લા ઉપાય તરીકે સીધી પીએમઓમાં ટ્વીટર મારફત ધા નાખી હતી અને સરકારી તંત્રે તેમને દવાની હોમ ડિલીવરી કરાવી આપી હતી.
ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ખરેખર આ જબરી તાકાત છે, પરંતુ તેમાં કોઈ પણ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ કે ઓફિસ સાથે સીધો સંપર્ક કરી શકાય છે એ વાત કંઈક અંશે અર્ધસત્ય જેવી છે.
અર્ધસત્ય એટલા માટે કે ટ્વીટરમાં ટ્વીટ અને ડાઇરેક્ટ મેસેજ એવી બે વ્યવસ્થા છે.
ટ્વીટ એવી વ્યવસ્થા છે જેમાં આપણે જેમના ધ્યાન પર વાત લાવવા માગતા હોઇએ એ વ્યક્તિના ટ્વીટર હેન્ડલ સાથે આપણો મેસેજ ટ્વીટર પર વહેતો મૂકીએ, એ સાથે ટ્વીટર પર ટ્રેન્ડિંગ હોય તેવા હેશટેગ પણ ઉમેરીએ તો આપણો મેસેજ એ વ્યક્તિના ધ્યાનમાં આવવાની પૂરી શક્યતા. કેમ કે આપણે મેસેજમાં એમનું ટ્વીટર હેન્ડલ ઉમેર્યું હોવાથી એ વ્યક્તિને તેમના ટ્વીટર એકાઉન્ટમાં ‘મેન્શન’ વિભાગમાં તેમના ટ્વીટર હેન્ડલના ઉલ્લેખ સાથે કોઈએ (એટલે કે આપણે) ટ્વીટ કર્યું હોવાની જાણ થાય અને આપણું ટ્વીટ તેઓ જોઈ શકે.
તે ઉપરાંત આપણે વિવિધ હેશટેગ પણ મેસેજમાં ઉમેર્યા હોય તો એ હેશટેગને આધારે આપણી ટ્વીટ ઘણા લોકો સુધી પહોંચી શકે અને તેઓ પણ મેસેજ પેલી વ્યક્તિ સુધી પહોંચાડવામાં મદદ કરી શકે.
આ ટ્વીટરનો ઉપયોગ કરવાનો એક સીધો અને ખુલ્લો રસ્તો થયો. બીજો રસ્તો ડાઇરેક્ટ મેસેજ મોકલવાનો છે.
લેખની શરૂઆતમાં કહ્યું તેમ ઘણા ખરા લોકોને એવી અપેક્ષા હોય છે કે તેઓ ટ્વીટર પર અમિતાભ બચ્ચનને ડાઇરેક્ટ મેસેજ મોકલી શકશે. પરંતુ આ અર્ધસત્ય છે કારણ કે અહીં બધો આધાર બચ્ચન સાહેબની મરજી પર છે. અમિતાભ બચ્ચન કે અન્ય કોઈ પણ સેલિબ્રિટી કે વિવિધ કંપની કે સરકારી ખાતાં કે સરકારી પ્રધાનો-અધિકારીઓ કે પછી કોઈ પણ સરેરાશ યૂઝર પોતે નક્કી કરી શકે છે કે તેઓ ટ્વીટર પર અન્ય યૂઝર તરફથી ડાઇરેક્ટ મેસેજ મેળવવા ઈચ્છે છે કે નહીં.

ટ્વીટર પર આપણે કોઈ પણ વ્યક્તિને ડાઇરેક્ટ મેસેજ મોકલી શકીએ કે નહીં તેનો આધાર બે-ત્રણ બાબતો પર છે. તેમાંનો મુખ્ય મુદ્દો, ઉપર કહ્યું તેમ ટ્વીટરના જે તે યૂઝર પોતે નક્કી કરી શકે છે કે તેઓ ડાઇરેક્ટ મેસેજ મેળવવા ઇચ્છે છે કે નહીં.
જો તેમણે પોતાના ટ્વીટરના સેટિંગ્સમાં આ વિકલ્પ ઓન રાખ્યો હોય તો આપણે તે વ્યક્તિના પ્રોફાઇલ પેજ પર જઈએ ત્યારે ત્યાં એન્વેલપનો એક આઇકન જોઈ શકીએ. તેને ક્લિક કરવાથી આપણે તે વ્યક્તિને સીધો મેસેજ મોકલી શકીએ. મેસેજની આ આપલે આપણે અને પેલી વ્યક્તિ એ બે વચ્ચે જ થાય છે. આ રીતે મોકલેલો ડાઇરેક્ટ મેસેજ અન્ય કોઈ વ્યક્તિ જોઈ શકતી નથી.
તમારે જેમને ડાઇરેક્ટ મેસેજ મોકલવો હોય તેમનું પેજ તપાસી જુઓ!


