હમણાં આપણે ‘સાયબરસફર’માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ (ચેટજીપીટી, બિંગમાં ચેટપીટી અને ગૂગલ બાર્ડ) વિશે વિગતવાર વાત કરી હતી ત્યારે જ ચેતવણી આપી હતી કે આ ‘બુદ્ધિમાન’નો હજી બહુ ભરોસો કરવા જેવું નથી! આ ટેક્નોલોજી ચોક્કસ એક તરફ બહુ બુદ્ધિશાળી છે ને બીજી તરફ એ લોચા વાળવામાં પણ પાવરધી છે. જોઈ લો આ ત્રણ નમૂના…
થોડા મહિના પહેલાં, પાકિસ્તાનમાં વિકિપીડિયા પ્રતિબંધ મૂકાયો હતો. એ વિશે એક જણે ચેટજીપીટી આગળ ડિમાન્ડ મૂકી, ‘‘મને આ નિર્ણયની ટીકા કરતી ફન્ની પંચલાઇન આપ!’’ ચેટજીપીટીએ જવાબ આપ્યો, ‘‘લાગે છે કે પાકિસ્તાને સાબિત કરી દીધું કે જ્ઞાન ભલે શક્તિ ગણાય, પણ અજ્ઞાન તો આશીર્વાદરૂપ છે!’’
આ જવાબ વાંચીને તમે ચેટજીપીટીની બુદ્ધિ પર ફીદા થાઓ કે નહીં?! તો હવે બીજી વાતચીત જાણો.

કોઈએ ચેટજીપીટીને કહ્યું કે ‘‘મને કેટલાંક અવતરણો જોઈએ છે, પણ એમાં, મૃત્યુ પામેલા લોકોને સામેલ કરશો નહીં.’’ જવાબમાં ચેટજીપીટીએ એક જાણીતા અમેરિકન વિદ્વાનનું સરસ મજાનું અવતરણ જણાવ્યું. પેલા ભાઈએ ખાતરી કરવા માટે પૂછ્યું કે આ વિદ્વાન અત્યારે જીવે છે? ચેટજીપીટીએ નરમાશથી માફી માગતાં કહ્યું, ‘‘સોરી, એમના કરન્ટ સ્ટેટસ વિશે મને જાણ નથી. મને એટલી જ ખબર છે કે એ ૧૮૭૪થી ૧૯૫૬ સુધી જીવ્યા હતા!’’
ચેટજીપીટી પર વિશ્વાસ મૂકવા જતાં, હમણાં અમેરિકામાં એક બુદ્ધિશાળી વકીલ પણ ભેરવાઈ ગયા. બન્યું એવું કે ત્રીસેક વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરતા આ વકીલ સાહેબે પોતાના એક કેસમાં પોતાની દલીલોને વધુ ધારદાર બનાવવા માટે ચેટબોટની મદદ લેવાનું નક્કી કર્યું. તેમણે ચેટજીપીટીને પૂછ્યું કે ‘‘આવા અગાઉ ક્યા ક્યા કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેમાં કેવા ચુકાદા આવ્યા હતા?’’

મૂળ કેસમાં એક એરલાઇન સામે નુકસાનીનો દાવો માંડવામાં આવ્યો હતો. ચેટજીપીટીએ એ જ પ્રકારના અન્ય કેસનો ઢગલો કરી દીધો. આપણા વકીલ સાહેબ એ માહિતી લઇને કોર્ટમાં પહોંચ્યા અને પોતાની દલીલોના સમર્થનમાં અગાઉ નોંધાયેલા કેસોની વિગતો પણ આપી.
શરૂઆતમાં પેલી એરલાઇનના વકીલો આટલું ‘ઊંડું રિસર્ચ’ જોઈને ચક્કર ખાઈ ગયા, પણ પછી એ લોકો પણ કેસની વિગતોમાં ઊંડા ઉતર્યા ત્યારે તેમને સમજાયું કે ફરિયાદ પક્ષના વકીલે જે કેસો નોંધ્યા હતા એવા ઘણા બધા કેસનો કોઈ અતોપતો જ નહોતો! કોર્ટનું આ વાત તરફ ધ્યાન દોરવામાં આવતા અદાલતે ચેટજીપીટીની વાતો આંખ મીંચીને માની લેનારા વકીલને ઠપકો આપ્યો અને હવે તેમની સામે પણ સુનાવણી શરૂ થઈ છે!
