
તમે જાણતા જ હશો કે હવેના સમયમાં આપણા પાર વગરના ડિજિટલ ફોટોઝ સ્ટોર અને મેનેજ કરવા માટે અત્યારની સૌથી સારી સર્વિસ છે ગૂગલ ફોટોઝ. આ સર્વિસમાં અગાઉ અનલિમિટેડ ફોટોઝ સ્ટોર કરી શકાતા હતા. પરંતુ પછી ગૂગલે તેમાં મર્યાદા લાગુ કરી છે.
આમ છતાં જો તમે માત્ર ફોટોઝ માટે એક અલગ ગૂગલ એકાઉન્ટ ખોલાવી લો તો તેમાં ૧૫ જીબી સુધીના ફોટોગ્રાફ મફતમાં સ્ટોર કરી શકાય છે.

આ સર્વિસમાં આપણા મહત્ત્વના ફોટોગ્રાફને ખાનગી અને સિક્યોર રાખવા માટે વર્ષ ૨૦૨૧થી તેમાં ‘લોક્ડ ફોલ્ડર’નું એક ફીચર ઉમેરવામાં આવ્યું છે. તેનો લાભ લેવા…
- તમે સ્માર્ટફોનમાં ગૂગલ ફોટોઝ એપ ઓપન કરો.
- તેમાં નીચેના મેનૂ બારમાં ‘લાઇબ્રેરી’ પર ક્લિક કરો.
- હવે જે પેજ ખૂલે તેમાં ‘યુટિલિટિઝ’ પર ક્લિક કરતાં એક નવું પેજ ખૂલે છે.
- તેમાં છેક નીચે ‘લોક્ડ ફોલ્ડર’નો વિકલ્પ જોવા મળશે.
- તેને ક્લિક કરતાં તમે પાસવર્ડ/પિન કે ફોનના ફિંગરપ્રિન્ટ લોકથી આ ફોલ્ડર સેટ કરી શકો છો અને પછી તેમાં ફોટોઝ એપમાંના તમારા ફોટોગ્રાફ મૂવ કરી શકો છો.
આ ફોટોગ્રાફ ફરી જોવા હોય ત્યારે પાસવર્ડ, પિન કે ફિંગરપ્રિન્ટથી ફોલ્ડર અનલોક કર્યા પછી જ ફોટોગ્રાફ જોઈ શકાય છે (મહત્ત્વનાં ડોક્યુમેન્ટ્સ સાચવવા ‘ડિજિલોકર’ સર્વિસ વધુ યોગ્ય છે).
અત્યાર સુધી આ લોક્ડ ફોલ્ડરમાં આપણે જે ફોટોગ્રાફ સાચવી રાખીએ તે માત્ર જે તે સ્માર્ટફોનમાં જ રહેતા હતા. ગૂગલ ફોટોઝમાંના અન્ય ફોટોગ્રાફનો આપણા ગૂગલ ક્લાઉડ એકાઉન્ટમાં બેકઅપ લેવાય એટલે ફોનમાંથી એ ફોટોગ્રાફ ચિંતા વિના ડિલીટ કરી શકાય, પરંતુ લોક્ડ ફોલ્ડરમાંના ફોટોગ્રાફનો બેકઅપ લેવાતો નહોતો.

હવે આ સ્થિતિ બદલાઈ છે. એ મુજબ લોક્ડ ફોલ્ડરમાંના ફોટોગ્રાફ્સ પણ આપણા ક્લાઉડ એકાઉન્ટમાં સેવ થશે. આ કારણે આપણે પોતાનો સ્માર્ટફોન બદલીએ અને નવા ફોનમાં ગૂગલ ફોટોઝ સર્વિસનો ઉપયોગ શરૂ કરીએ ત્યારે પોતાના ગૂગલ એકાઉન્ટમાં ક્લાઉડમાં સ્ટોર થયેલા ફોટોગ્રાફ આપોઆપ નવા સ્માર્ટફોનમાં દેખાવા લાગે છે, પરંતુ જૂના ફોનમાં લોક્ડ કરેલા ફોટોગ્રાફ આપણે યાદ રાખીને અલગથી નવા ફોનમાં લઈ જવા પડતા હતા.હવે આવી ચિંતા રહેશે નહીં કેમ કે લોક્ડ ફોલ્ડરમાંના ફોટોગ્રાફ પણ ક્લાઉડમાં સ્ટોર થશે.
આ સાથે આ ફીચર આઇઓએસ ડિવાઇસમાં તથા વેબ વર્ઝનમાં પણ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ કારણે હવે આપણે કોઈ પણ ડિવાઇસમાં ગૂગલ ફોટોઝમાં જઇને તેમાં લોક્ડ ફોલ્ડરમાંના ફોટોગ્રાફ જોઈ શકીશું.
જોકે યાદ રાખશો કે લોક્ડ ફોલ્ડરમાંના ફોટોગ્રાફ ક્લાઉડમાં પણ લોક્ડ ફોલ્ડરમાં જ રહે છે અને તે અન્ય ફોટો સાથે દેખાતા નથી. એ પણ યાદ રાખશો કે જો તમે તમારા ફોટોગ્રાફ ગૂગલ ફોટોઝમાં સ્ટોર કરતા હો તો ટુ-સ્ટેપ વેરિફિકેશન જેવી પદ્ધતિથી ગૂગલ એકાઉન્ટને સિક્યોર કરવાનું ભૂલશો નહીં.
