આગળ શું વાંચશો?
- ચેટજીપીટીમાં એક મોટો ફેરફાર
- ગૂગલ પોડકાસ્ટ સર્વિસ બંધ થઈ રહી છે
- હવે એક્સમાં પણ ઓડિયો-વીડિયો કોલિંગ!
- ભારતના અંતરિયાળ વિસ્તારોમાં માટે નવી રીતે ઇન્ટરનેટ
ના, શીર્ષક વાંચીને એમ ન માનશો કે આપણે ચેટજીપીટીની સર્જક કંપની ઓપનએઆઇના સીઇઓની હકાલપટ્ટી અને પછી તેમને ફરી માનભેર એ જ સ્થાન મળ્યું એ ફેરફારની વાત કરીએ છીએ. આપણને કંપનીની બોર્ડરૂમ ગેમ્સ કરતાં, ટેક્નોલોજીમાં જ વધુ રસ છે!
અત્યાર સુધી ચેટજીટીપી પ્લેટફોર્મ તેને મળેલા નિશ્ચિત ડેટાને આધારે જ આપણા સવાલોના જવાબ આપતું હતું. હવે ચેટજીપીટીની સિસ્ટમ કરન્ટ સોર્સમાંથી ડેટા મેળવવા માટે વિવિધ વેબસાઇટ્સને રિઅલ ટાઇમમાં ફંફોસી શકશે!

આ કારણે આપણે ચેટજીપીટીને કંઈ પૂછીએ અને તે જવાબ આપે ત્યારે પોતાના જવાબમાં કઈ વેબસાઇટ પરથી માહિતી મેળવવામાં આવી છે તે પણ દર્શાવશે.
જોકે હાલમાં આ સુવિધા માત્ર ચેટજીપીટીના પેઇડ સબસ્ક્રાઇબરને મળી રહી છે. કંપની કહે છે કે થોડા મયમાં તમામ યૂઝરને આ લાભ મળવા લાગશે.
જોકે આ બાબતે ચેટજીપીટી અન્ય કંપની કરતાં પાછળ છે. માઇક્રોસોફ્ટ બિંગ ચેટમાં, ગૂગલ બાર્ડમાં તથા ગૂગલ સર્ચમાં સમગ્ર વેબ પરથી લેટેસ્ટ ઇન્ફરમેશન તારવીને જવાબ આપવામાં આવે છે. બીજી તરફ મેટા કંપની વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જરમાં ‘મેટા કનેક્ટ’ નામે એઆઇ આસિસ્ટન્ટ લાવી રહી છે. આ સિસ્ટમ માઇક્રોસોફ્ટ બિંગનો ઉપયોગ કરશે અને એ પણ રિઅલ ટાઇમમાં વેબ સર્ચ કરીને જવાબો આપશે.
બીજી પણ એક વાત, ઓપનએઆઇ કંપનીએ હવે ચેટજીપીટીની એન્ડ્રોઇડ અને આઇઓએસ માટેની એપમાં વોઇસ ચેટિંગ પણ તમામ યૂઝર્સ માટે ફ્રી કરી દીધું છે.
તમારી કારમાં એન્ડ્રોઇડ કે એપલના આઇફોન સાથે કનેક્ટ થઈ શકે એવી ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ છે? તો તમે કદાચ કાર ડ્રાઇવ કરતી વખતે ‘પોડકાસ્ટ’ સાંભળતા હશો. કાર સિવાય પણ, માત્ર ઓડિયો ધરાવતા પ્રોગ્રામ્સ – પોડકાસ્ટ – ખાસ્સા લોકપ્રિય થતા જાય છે. દુનિયાભરના કન્ટેન્ટ ક્રિએટર્સના ઓડિયો પ્રોગ્રામ પોડકાસ્ટ સ્વરૂપે સાંભળવા માટે ઘણાં બધાં પ્લેટફોર્મ છે, પણ બની શકે કે તમે એ માટે ગૂગલ પોડકાસ્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હો.

આ સર્વિસની મદદથી આપણે વિવિધ પોડકાસ્ટ ચેનલને ફોલો કરી શકીએ છીએ તથા તેમાંના પસંદગીના પ્રોગ્રામ્સને સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકીએ છીએ.
એ પછી ડાઇરેક્ટ સ્માર્ટફોનમાં અથવા આપણો ફોન કારની ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ સાથે કનેક્ટ હોય ત્યારે એ પ્રોગ્રામ્સ ડ્રાઇવ કરતાં કરતાં સાંભળી શકીએ છીએ.
હવે ગૂગલે જાહેરાત કરી છે કે વર્ષ ૨૦૨૪ સુધીમાં ગૂગલ પોડકાસ્ટને રિટાયર કરાશે. તેને બદલે યુટ્યૂબ મ્યુઝિકમાં જ પોડકાસ્ટ સર્વિસ ઉમેરી દેવામાં આવશે. ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સ તેમના પ્રોગ્રામ માટે યુટ્યૂબ વીડિયો અને ઓડિયો પોડકાસ્ટ એમ બંને ફોર્મેટ પસંદ કરતા હોવાથી કંપનીએ પોડકાસ્ટને યુટ્યૂબ મ્યુઝિક પ્લેટફોર્મમાં આવરી લેવાનો નિર્ણય કર્યો ત્યારથી જ એવી શક્યતા દેખાતી હતી કે અલગ પોડકાસ્ટ સર્વિસ વિદાય લેશે.
લાંબા સમયથી, અગાઉના ટ્વીટર અને હાલના એક્સ પ્લેટફોર્મ પર વોટ્સએપની જેમ ઓડિયો અને વીડિયો કોલ્સનું ફીચર આવી રહી હોવાની વાતો હતી, આ ફીચર હવે લાઇવ થવા લાગ્યું છે!
એક્સના સર્વેસર્વા ઇલોન મસ્કે એક્સ પર એક પોસ્ટ મૂકીને આ વાતનું સમર્થન કર્યું છે અને સાથોસાથ કહ્યું છે કે હજી આ ફીચરનું આ શરૂઆતી વર્ઝન છે. એક્સના આ ફીચરનો એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ તથા પીસી અને મેક પર ઉપયોગ કરી શકાશે. એકસ પરથી ઓડિયો કે વીડિયો કોલ કરવા માટે સામેની વ્યક્તિનો ફોન નંબર હોવો જરૂરી નથી.

અત્યારે એક્સના અમુક યૂઝરને તેઓ એપ ઓપન કરે ત્યારે ઓડિયો અને વીડિયો કોલ ફીચર લોન્ચ થઈ ગયું હોવાનું નોટિફિકેશન જોવા મળે છે. એ ઉપરાંત એપનાં સેટિંગ્સમાં જઇને પણ ઓડિયો અને વીડિયો કોલિંગ ઇનેબલ કરી શકાય છે. આપણને કઈ વ્યક્તિ તરફથી ઓડિયો/વીડિયો કોલ આવી શકે તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ. એ મુજબ આપણી એડ્રેસબુકમાંના લોકો, આપણે જેમને ફોલો કરતા હોઇએ એ લોકો કે વેરિફાઇડ યૂઝર્સ તરફથી ઓડિયો/વીડિયો કોલ આવે તેવું સેટિંગ કરી શકાય છે.
એ પછી આપણે અન્ય વ્યક્તિને કોલ જોડવા માટે ડાઇરેક્ટ મેસેજ ઓપન કરવાનો રહે છે. તેમાં ટેકસ્ટ મેસેજ મોકલવા ઉપરાંત ઉપર જમણી તરફ ફોનનો આઇકન જોવા મળે છે અને ત્યાંથી ઓડિયો કે વીડિયો કોલનો વિકલ્પ પસંદ કરી શકાય છે. જોકે અત્યારે આ ફીચર બહુ મર્યાદિત પ્રમાણમાં લોન્ચ થયું છે અને એક્સ પ્લેટફોર્મનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન્સ ભરનારા લોકો જ તેનો ઉપયોગ કરી શકશે કે તમામ યૂઝરને તેનો લાભ મળશે તેની પણ સ્પષ્ટતા નથી.
રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ કંપનીએ હમણાં ભારતની પહેલી સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ સર્વિસ ‘જિઓસ્પેસફાયબર’ની જાહેરાત કરી. આ સર્વિસનો હેતુ ભારતના જે વિસ્તારોમાં હજી હાઇસ્પીડ ઇન્ટરનેટ પહોંચી શક્યું નથી ત્યાં સેટેલાઇટની મદદથી બ્રોડબેન્ડ સર્વિસ પહોંચાડવાનો છે. આ સર્વિસની પહોંચ દર્શાવવા માટે કંપનીએ ગુજરાતના ગીર, છત્તીસગઢના કોરબા, ઓડિશાના નવરંગપુર તથા આસામમાં ઓએનજીસી જેવાં લોકેશનનાં ઉદાહરણ આપીને કહ્યું કે આવા દુર્ગમ વિસ્તારોમાં પણ હવે હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી શક્ય બનશે.

કંપનીએ થોડા સમય પહેલાં યોજાયેલી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ દરમિયાન આ જાહેરાત કરી. જોકે આ સર્વિસ ચોક્કસ ક્યારે લોન્ચ થશે તેની હજી સ્પષ્ટતા નથી. જિઓ ઉપરાંત ભારતીની વનવેબ, એમેઝોનની ક્યુપર તથા સ્પેસએક્સ કંપનીના સ્ટારલિંક જેવા પ્રોજેક્ટમાં પણ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવા પર કામ ચાલી રહ્યું છે.
