આગળ શું વાંચશો?
- સાઇટનું એડ્રેસ ટાઇપ કરવામાં ભૂલ થાય તો…
- એક્સ હવે બધા માટે પેઇડ થવામાં
- પ્લે સ્ટોરમાં ખોટી જગ્યાએ જાહેરાત!
- ગૂગલ પેમાં લોન
ઇન્ટરનેટ પર આપણને છેતરવા માગતા લોકો મોટા ભાગે અલગ અલગ પ્રકારની માનવ સહજ નબળાઈઓનો લાભ લેતા હોય છે.
આપણી આવી એક નબળાઈ એટલે વેબસાઇટનું એડ્રેસ ટાઇપ કરવામાં ભૂલ કરવી. આપણે ટાઇપ કરવું હોય www.microsoft.com અને ટાઇપ કરી બેસીએ www.micrsoft.com.

આપણી આવી ભૂલનો લાભ લેવા માટે હેકર્સે પહેલેથી તૈયારી કરી રાખી હોય. તેમણે જાણી જોઇને, બહુ જાણીતી વેબસાઇટ્સના યુઆરએલ સાથે તદ્દન મળતા આવતા યુઆરએલવાળી એ વેબસાઇટની બિલકુલ કોપી જેવી વેબસાઇટ તૈયાર કરી હોય છે. આપણે તેમાં લોગઇન થવાનો પ્રયાસ કરીએ એટલે આપણા યૂઝરનેમ અને પાસવર્ડ હેકરને મળી જાય!
હવે હેકર માટે આ વાત થોડી મુશ્કેલ બનશે.
આ વર્ષની શરૂઆતથી ડેસ્કટોપ માટેના ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં એક નવું ફીચર ઉમેરાયું હતું અને હવે તે એન્ડ્રોઇડ આઇઓએસ માટેના ક્રોમ બ્રાઉઝરમાં પણ ઉમેરાઈ રહ્યું છે. આ ફીચર યુઆરએલ ટાઇપ કરવામાં આપણે કરેલી ભૂલ પારખી લેશે અને તે આપોઆપ આપણી ભૂલ સુધારીને સાચી વેબસાઇટનું એડ્રેસ ટાઇપ કરી નાખશે અને આપણને સાચી વેબસાઇટ પર જ લઈ જશે. આ સામાન્ય શબ્દોના ઓટોકરેક્શનથી આગળ વધતી વાત છે.
આ ફીચરને કારણે એડ્રેસ ટાઇપ કરવામાં ભૂલ કરતા લોકોને મદદ થશે અને આવા લોકોને શિકાર બનાવવા માગતા હેકર પર થોડો અંકુશ આવશે!
તમે અગાઉના ટ્વીટર અને હાલના એક્સ પ્લેટફોર્મના કેટલા ફેન છો? અત્યારે તો આ સોશિયલ સાઇટ પર બધું ફ્રી હોવાથી ધડાધડ ટ્વીટ્સ કે પોસ્ટની ફેંકમફેંક ચાલે છે. પરંતુ એ માટે રૂપિયા લેવાનું શરૂ થાય તો?
એક્સ પ્લેટફોર્મ પર આવો એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ એવી શક્યતા હતી કે એક્સ પ્લેટફોર્મ પર ટ્રોલિંગ કરતા લોકો અને ઓટોમેટિક કમ્પ્યૂટર પ્રોગ્રામથી કમેન્ટ્સ કે પોસ્ટ મૂકવાનું દૂષણ અંકુશમાં લેવા માટે કંપની દરેક યૂઝર પાસેથી પ્લેટફોર્મનો ઉપયોગ કરવા નજીવી ફી લેવાનું શરૂ કરશે.
અત્યાર સુધી આ વાત માત્ર એક શક્યતા તરીકે જોવામાં આવતી હતી. પરંતુ હવે તેનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. અલબત્ત હાલમાં ફક્ત ન્યૂઝીલેન્ડ અને ફિલિપાઇન્સમાં આ પ્રયોગ શરૂ થયો છે અને એ પણ માત્ર નવા યૂઝર્સ માટે. આ માટે કંપનીએ ‘નોટ એ બોટ’ નામે એક નવો સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે. એ મુજબ એક્સ પ્લેટફોર્મમાં જોડાતા નવા યૂઝર્સે વર્ષે ૧ યુએસ ડોલર (આશરે ૮૦ રૂપિયા) જેટલી રકમ ચૂકવવાની થશે.
આ રકમ વાર્ષિક હોવાથી નજીવી છે અને તેનાથી એક્સ પ્લેટફોર્મ પર ટ્રોલિંગ કરતા લોકોનું પ્રમાણ ઘટે તેવી શક્યતા દેખાતી નથી. પરંતુ કંપનીનું મુખ્ય લક્ષ્ય મશીનથી થતી પોસ્ટ રોકવાનું છે.
એક્સ પ્લેટફોર્મ પર કમ્પ્યૂટરની મદદથી ઓટોમેટિક પોસ્ટ કરતા લોકો માટે પણ વાર્ષિક ૧ ડોલર એ તદ્દન નજીવી ફી છે. પરંતુ કંપનીએ અહીં એક ટ્રીક અજમાવી છે. કંપની દરેક એકાઉન્ટ માટે જુદી જુદી પેમેન્ટ પદ્ધતિથી સબસ્ક્રિપ્શન લેવાનો આગ્રહ રાખશે. આ કારણે ઓટોમેટિક પોસ્ટ કરતા લોકો માટે નવા નવા યૂઝર એકાઉન્ટ ક્રિએટ કરવાનું મુશ્કેલ બનશે!
આપણે ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરવા માટે પ્લેસ્ટોર એપમાં જઇએ અને કોઈ એપને તેના ચોક્કસ નામ સાથે સર્ચ કરીએ ત્યારે રિઝલ્ટ પેજ પર હવે બે એપ જોવા મળે છે, જેમાં આપણે સર્ચ કરેલી એપ બીજા ક્રમે હોય છે!
તમે કદાચ આ વાત તરફ બહુ ધ્યાન નહીં આપ્યું હોય, પરંતુ પહેલા ક્રમે ઉપર જોવા મળતી એપ, આપણે જે એપ સર્ચ કરી હોય તેને સંબંધિત બીજી એપની જાહેરાત હોય છે!
બંને એપ લગભગ એક સરખી રીતે બતાવવામાં આવે છે. બંનેમાં એક સરખું ઇન્સ્ટોલ બટન હોય છે. ફક્ત ઉપરની એપમાં બીજી લાઇનમાં Ad લખેલું હોય છે. આ તફાવત એટલો નજીવો છે કે સહેલાઈથી ધ્યાનમાં આવે નહીં. પરિણામે કોઈ ચોક્કસ એપ ઇન્સ્ટોલ કરવા માગતી વ્યક્તિ ભૂલથી બીજી એપ ઇન્સ્ટોલ કરી બેસે એવું પણ બને – ખાસ કરીને એપ અને તેના ડેવલપર વિશેની સ્પષ્ટતા ન હોય ત્યારે આવી ભૂલ ચોક્કસ થઈ શકે.

વાત અહીં પૂરી થતી નથી. પ્લેસ્ટોરમાં હવે વધુ પ્રમાણમાં જાહેરાતો બતાવવામાં આવી રહી છે. આપણે જે એપ સર્ચ કરી હોય તેના સ્ક્રીનશોટની નીચે ફરીથી આપણી સર્ચને સંબંધિત અન્ય એપની જાહેરાત બતાવવામાં આવે છે. થોડા નીચે જઇએ એટલે ફરીથી જાહેરાતનો મારો થાય છે! અહીં આપણા ફોનમાંની અન્ય એપ્સને આધારે આપણને રસ પડી શકે તેવી બીજી એપ્સની જાહેરાતો બતાવવામાં આવે છે. એ પછી છેક નીચે ‘મોર રિઝલ્ટ્સ’નું ટેબ જોવા મળે છે.
આમ પ્લેસ્ટોરમાં સર્ચના રિઝલ્ટ પેજ પર જાહેરાતોનું પ્રમાણ ખાસ્સું વધી ગયું છે. ભારતમાં આમ પણ કોઈ પણ મુદ્દો લોકચર્ચાનો વિષય બને એટલે તેને સંબંધિત લગભગ કોઈ ઉપયોગિતા વિનાની એપ્સ લોન્ચ થઈ જતી હોય છે, જેમ કે આધાર કાર્ડ કે આયુષ્યમાન ભારત. આપણે તેની સત્તાવાર એપ ડાઉનલોડ શોધતા હોઈએ, પણ કોઈ ભળતી જ એપની જાહેરાત, એ પણ સાચી એપની ઉપર, બતાવવામાં આવે તો ઘણા લોકો ભૂલથી એ એપ ઇન્સ્ટોલ કરી બેસે – તમે સાચવજો!
ભારતમાં ઓનલાઇન એપ્સ મારફત લોન આપવા-લેવાનું પ્રમાણ જબરજસ્ત વધી રહ્યું છે. તકલીફ એ છે કે આ સેકટરમાં અસલી-નકલી એપ્સની જબરી ભેળસેળ છે. મોટા ભાગે ચાઇનીઝ મૂળ ધરાવતી પાર વગરની એપ્સ નાણાંભીડ અનુભવતા લોકોને ફટાફટ લોન આપી દે છે. રૂપિયાની તીવ્ર જરૂરિયાતથી ભીંસાતા લોકો ઝડપથી રૂપિયા મેળવવાની લ્હાયમાં આવી એપ્સની બધી ટર્મ્સ મંજૂર કરીને પોતાનાં કાંડાં કાપી આપે છે. એ પછી આવી એપ્સ લોનનાં નાણાં અને વ્યાજ પરત મેળવવા માટે કોઈ પણ હદે જઇ શકે છે.
ઓનલાઇન લોન એપ્સના હાલના આવા ચિત્ર વચ્ચે નવા સમાચાર છે – ગૂગલ કંપની ‘ગૂગલપે’ મારફત ભારતમાં રિટેઇલ લોન બિઝનેસમાં પ્રવેશી રહી છે. ભારતના નાના બિઝનેસ ટૂંકા સમયની જરૂરિયાતો માટે ગૂગલપે એપ્લિકેશન દ્વારા નાની રકમની લોન મેળવી શકશે. અત્યારે ગૂગલ પેમાં આઇસીઆઇસીઆઇ બેંકના સાથમાં યુપીઆઇમાં પણ ક્રેડિટ લાઇનની સુવિધા ઉમેરાઈ ગઈ છે.
