આગળ શું વાંચશો?
- મેઘાલયમાં દવાઓની ડિલિવરી માટે ડ્રોનનો ઉપયોગ શરૂ
- આઇફોને વધુ એક વાર લોકોના જીવ બચાવ્યા
- સ્પામ કોલિંગ ઘટાડવા બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ થશે
- તમારો ડેટા રેન્સમવેર સામે સુરક્ષિત છે? નિયમિત બેકઅપ લો છો?
ભારતનાં વિવિધ રાજ્યો ડ્રોનના ઉપયોગ બાબતે વધુ ને વધુ આગળ વધી રહ્યાં છે. ગુજરાતમાં ભારતીય પોસ્ટ ખાતું ટપાલની ડિલિવરી માટે ડ્રોનના ઉપયોગની શક્યતાઓ તપાસી રહ્યું છે અને ગુજરાત સરકારે ડ્રોન સંબંધિત વિવિધ પ્રકારના ટ્રેનિંગ કોર્સ શરૂ કરવાની પહેલ પણ શરૂ કરી છે. દરમિયાન સમાચાર છે કે ભારતના પૂર્વોત્તરી રાજ્ય મેઘાલયમાં સ્વાસ્થ્ય સેવા માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

મેઘાલયની પશ્ચિમે ગારો પર્વતમાળામાં આવેલા એક જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ પહોંચાડવાનું કામ કપરું હતું. પરંતુ ડિસેમ્બર ૨૦૨૨ મહિનાથી ત્યાં ડ્રોનની મદદથી દવાઓ, રસી અને અન્ય જરૂરી સામગ્રીનો પુરવઠો પહોંચાડવાની પહેલ કરવામાં આવી છે. આ માટે મેઘાલયના પશ્ચિમ ભાગના સૌથી મોટા શહેરમાં એક ખાસ ડ્રોન સ્ટેશન વિકસાવવામાં આવ્યું છે, જે માત્ર સ્વાસ્થ્ય સેવાના ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવેલું ભારતનું સૌથી પહેલું ડ્રોન સ્ટેશન ગણાય છે.
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વર્ષ ૨૦૨૧માં ડ્રોનના ઉપયોગ સંબંધિત નિયમો ખાસ્સા હળવા બનાવ્યા પછી વિવિધ રાજ્યો ડ્રોનના ઉપયોગ બાબતે વધુ સજાગ બન્યાં છે. મેઘાલયમાં ડ્રોન ડિલિવરી સિસ્ટમને કારણે ૫૫ ગામના આશરે ૧૮.૫ હજાર લોકોને વધુ ઝડપથી આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાશે. આ ૫૫માંથી ૭ ગામડાં એવાં છે જ્યાં માત્ર પગરસ્તે જ પહોંચી શકાય છે. ડ્રોન સ્ટેશન કુલ ૨૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ સપ્લાય પહોંચાડશે. આ માટે રોજની પાંચથી આઠ ડ્રોન ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવે તેવી શક્યતા છે.
પ્રારંભિક કામગીરીમાં સફળતા મળે તો આગળ જતાં આખા મેઘાલય રાજ્યમાં ડ્રોન સેવા વિસ્તારવાનું આયોજન છે કેમ કે મેઘાલયની લગભગ ૭૯ ટકા વસતી ગ્રામીણ અને ડુંગરાળ વિસ્તારોમાં વસે છે!
એપલના આઇફોન ૧૪માં અકસ્માતની સ્થિતિ જાણી લે અને ઇમરજન્સીની સ્થિતિમાં સેટેલાઇટ દ્વારા મદદ મેળવી શકાય તેવાં ફીચર ઉમેરાયાં છે. હવે સમાચાર છે કે અમેરિકામાં એક ગંભીર કાર અકસ્માતનો ભોગ બનેલી બે વ્યક્તિના જીવ આ ફીચરને કારણે બચી શક્યા!
અમેરિકાના કેલિફોર્નિયાના એક જંગલમાં હાઇવે પરથી પસાર થતું એક વાહન પર્વતની ધાર પરથી આશરે ૩૦૦ ફીટ ઊંડી ખીણમાં ગબડી પડ્યું હતું. કારમાં આઇફોન ૧૪ હતો અને ફોને કારનો અકસ્માત પારખી લીધો. જંગલમાં અકસ્માતના સ્થળે મોબાઇલ નેટવર્કનાં સિગ્નલ ઉપલબ્ધ નહોતાં, આથી ફોનમાંથી ઓટોમેટિક, સેટેલાઇટ દ્વારા ઇમરજન્સી એસઓએસ મેસેજ મોકલવામાં આવ્યો.
આ ટેકસ્ટ મેસેજ એપલના એક રીલે સેન્ટરમાં પહોંચ્યો અને ત્યાં ફરજ પરના કર્મચારીએ આગળ મદદ માટે મોકલી આપ્યો. તરત જ અકસ્માતમાં ભોગ બનેલી વ્યક્તિઓને ઉગારી લેવા એક હેલિકોપ્ટર રવાના થયું અને વાહનમાં સવાર બે વ્યક્તિને નજીકની હોસ્પિટલે પહોંચાડવામાં આવી. સેટેલાઇટ દ્વારા મદદ માટે ઇમરજન્સી મેસેજ મોકલવાનું ફીચર હાલમાં યુએસ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ અને યુકેમાં ઉપલબ્ધ છે.
આપણે મીટિંગમાં હોઇએ કે મહત્ત્વનું કામ કરી રહ્યા હોઇએ ત્યાં ફોન રણકે અને આપણે કોલ રીસિવ કરીએ પછી ખબર પડે કે એ તો ક્રેડિટ કાર્ડની ઓફર કરતો ફોન હતો! આવા વણનોતર્યા સ્પામ કોલ્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
તેના મૂળમાં બે-ત્રણ વાત છે. એક, આપણે પોતે જુદી જુદી જગ્યાએ પોતાના મોબાઇલ નંબર અને ઈ-મેઇલ એડ્રેસની લ્હાણી કરતા રહીએ છીએ, બીજું, વિશ્વસનીય લાગતી સર્વિસમાં આપણે આ વિગતો આપી હોય અને ત્યાંથી ડેટાની ચોરી થાય, અને ત્રીજું, આપણે જેને ભરોસાપાત્ર માની હોય તે કંપની આપણો ડેટા વેચે!

હવે સમાચાર છે કે સ્પામ કોલ અને મેસેજનું આ વધતું દૂષણ અટકાવવા માટે ભારતમાં બ્લોકચેઇન ટેકનોલોજીનો ઉપયોગ થશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ)એ ‘અનસોલિસિટેડ કમર્શિયલ કમ્યુનિકેશન’ અટકાવવા માટે એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે. જેમાં વિવિધ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર સાથે મળીને ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેકનોલોજી એટલે કે બ્લોકચેઇન આધારિત એક વ્યવસ્થા ઊભી કરશે. આ નવી વ્યવસ્થા હેઠળ, કાયદેસર રીતે પોતાની પ્રોડક્ટનું ફોન દ્વારા પ્રમોશન કરવા ઇચ્છતી કંપનીઓએ નવા પ્લેટફોર્મ પર નોંધણી કરાવવાની રહે છે અને યૂઝર્સને નિયમિત રીતે પોતાનું પ્રમોશન મટીરિયલ મોકલતાં પહેલાં તેની મંજૂરી મેળવવી પડશે.
ભારતમાં એક તરફ આ રીતે ટેલિમાર્કેટિંગ માટેના પ્લેટફોર્મમાં રજિસ્ટર્ડ કંપનીઓ તરફથી વિસ્તૃત મંજૂરીઓ પછી પ્રમોશનલ મટીરિયલ મોકલવામાં આવે છે અને બીજી તરફ આ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવ્યા વિના જ ટેલિમાર્કેટર તરફથી ફોનકોલ કે એસએમએસ, મેસેજ મોકલવામાં આવી રહ્યા છે.
નવી બ્લોકચેઇન આધારિત વ્યવસ્થા ઊભી થયા પછી વિવિધ ટેલિકોમ પ્રોવાઇડર કંપની વચ્ચેનું સંકલન વધુ સરળ બનશે અને એ પછી મંજૂરી કે રજિસ્ટ્રેશન વિના ટેલિમાર્કેટિંગ કરવું મુશ્કેલ બનશે એવી આશા રાખીએ.
ભારતના ટોચના મેડિકલ ઇન્સ્ટિડટ્યૂટ પર રેન્સમવેર એટેકથી સાયબરસેફ્ટી ફરી એક વાર ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ પર ચાઇનીઝ હેકર્સે એટેક કર્યો હોવાની શક્યતા છે અને હવે આ એટેકનો સામનો કરવામાં અને તેની તપાસમાં સંરક્ષણ સંસ્થા ડીઆરડીઓની મદદ લેવાઈ હોવાના પણ સમાચાર છે. આ હુમલો એટલો ગંભીર હતો કે દિવસોથી એઇમ્સનું તંત્ર ખોરવાઈ ગયું અને હોસ્પિટલની ઘણી પ્રક્રિયાઓ, જે અત્યાર સુધી ઓનલાઇન હતી તેને મેન્યુઅલ પ્રોસિજર્સમાં શિફટ કરવી પડી.

રાષ્ટ્રની સલામતી માટે તો આ બહુ ગંભીર મુદ્દો છે જ, આપણા નાના-મોટા બિઝનેસ કે અંગત ઉપયોગની દૃષ્ટિએ પણ આપણે રેન્સમવેર એટેક તરફ ધ્યાન આપવું જરૂરી છે. રેન્સમવેરથી બચવાનો એક માત્ર ઉપાય, આપણે માટે મહત્ત્વના તમામ ડેટાનો બે જગ્યાએ, સલામત રીતે રીતે બેકઅપ રાખવાનો છે. ક્લાઉડ અને એક્સ્ટ્રા હાર્ડ ડિસ્ક એમ બે જગ્યાએ અને નિયમિત રીતે બેકઅપ લેવામાં આવે તો આપણું કામકાજ એઇમ્સની જેમ તદ્દન ખોરવાઈ જવાની શક્યતા રહેતી નથી.
તમે આવો બેકઅપ લો છો?
