(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એઆઇ આધારિત સર્ચ-ચેટ મશીન-મગજની દોસ્તી કેવા રંગ લાવશે?

અત્યારે આપણે ગૂગલ કે અન્ય કોઈ સર્ચ એન્જિનમાં કંઈ પણ સર્ચ કરીએ ત્યારે શું થાય છે? આપણે પ્રશ્ન લખીને એન્ટરથી પ્રેસ કરીએ એ સાથે સર્ચ એન્જિનની સિસ્ટમ દોડાદોડ કામે લાગી જાય છે અને આખા ઇન્ટરનેટ પરના અબજો વેબપેજિસ ફટાફટ ફેંદી નાખે છે. પછી એમાંથી આપણે પૂછેલા પ્રશ્નોનો જવાબ જે વેબપેજિસમાં મળવાની સૌથી વધુ શક્યતા હોય તે તારવીને તેનું લિસ્ટ આપણને બતાવે છે.

અત્યારે સમગ્ર ટેક જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટજીપીટી નામની નવી ટેક્નોલોજીએ જોરદાર ચર્ચા ચગાવી છે. ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ટોચની કંપની એકદમ ઉતાવળે, પોતાના સર્ચ એન્જિનમાં એઆઇ ઉમેરી દેવાની રેસમાં ઉતરી છે. આ બંને કંપની સ્વીકારે છે કે હાલના એઆઇ આધારિત ચેટબોટ પરફેક્ટ નથી, પરંતુ તે આપણા સુધી પહોંચી ગયા છે.

સમય સાથે સર્ચ એન્જિન ટેકનોલોજી સતત વિસ્તરી છે અને હવે આપણે પૂછેલા પ્રશ્નનો કોઈ સ્પષ્ટ જવાબ ઉપલબ્ધ હોય તો તે અને એ ઉપરાંત આપણા પ્રશ્નને સંબંધિત જુદી જુદી બાબતો તારવીને પણ બતાવવામાં આવે છે. આમ છતાં વર્ષોથી સર્ચ એન્જિનના રિઝલ્ટ પેજ પર એક બાબત જેમની તેમ રહી છે – આપણને જેમાંથી જવાબ મળી શકે તેવા સંખ્યાબંધ વેબપેજિસની લિંક. એ બધામાંથી જોઇતો જવાબ શોધવાની જવાબદારી આપણા માથે.

હવે માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી કંપનીને આ સ્થિતિ બદલવાની ઉતાવળ જાગી છે. આ બંને કંપની પોતપોતાના સર્ચ એન્જિનમાં એવા ફેરફાર લાવી રહી છે જેથી કંઈ પણ સર્ચ કર્યા પછી આપણે જવાબ શોધવા વિવિધ વેબપેજમાં જવું ન પડે. સીધેસીધો જવાબ મળે, એ પણ કોઈ મિત્ર સાથે વાત કરતા હોઇએ એ રીતે.આ ચમત્કાર હાલ બહુ ગાજતી ‘ચેટજીપીટી’ તરીકે ઓળખાતી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  (એઆઇ) આધારિત નવી ટેકનોલોજીને આભારી છે.

ચેટજીપીટીનું આખું નામ ‘ચેટ જનરેટિવ પ્રી-ટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર’ છે. અત્યારના સર્ચ એન્જિન પાસે આખા ઇન્ટરનેટનો ડેટાબેઝ છે. એ જ રીતે ચેટજીપીટી જેવા ચેટબોટને અત્યંત વિશાળ પ્રમાણમાં ટેકસ્ટથી ટ્રેઇન કરવામાં આવે છે. જેમ કે ચેટજીપીટીના હાલના ત્રીજા મોડેલને ૮૦ લાખ ડોક્યુમેન્ટ અને ૧૦ અબજથી વધુ શબ્દોથી ટ્રેઇન કરવામાં આવેલ છે. આ ટેકસ્ટના આધારે આ ચેટબોટ આપણી સાથે જીવતા જાગતા માણસની જેમ વાતચીત કરતાં શીખે છે. એ ઉપરાંત તેની પાસે ૨૦૨૧ સુધીનો ઇન્ટરનેટનો ડેટાબેઝ પણ છે. તેના આધારે ચેટબોટ આપણે જે પૂછ્યું હોય તેની માહિતી તારવે છે અને પછી આપણને સમજાય તેવી રીતે પોતાના અભિપ્રાય લખી આપે છે. 

આ બધું બહુ રસપ્રદ છે, પણ અત્યારે તે સચોટ નથી. આપણે તેનાં વિવિધ પાસાં સમજીએ.

‘સાયબરસફર’માં સાતેક વર્ષ પહેલાં, ૨૦૧૬માં કવરસ્ટોરીનું શીર્ષક હતું ‘‘ઇન્ટરનેટનો નવો જિન ઃ ચેટબોટ’’. એ અંક તમે વાંચ્યો હોય કે નહીં, હવે તમે ‘ચેટબોટ’ શબ્દથી પરિચિત હશો જ.

સાદા શબ્દોમાં, ચેટબોટ એક એવો કમ્પ્યૂટર પ્રોગ્રામ છે જે ‘તેની બુદ્ધિક્ષમતા’ અનુસાર આપણી સાથે ‘વાતચીત’ કરી શકે છે. ચેટબોટની બુદ્ધિ કેટલી તેનો આધાર તેને કેટલો ટ્રેઇન કરવામાં આવ્યો છે તેના પર છે.

અમુક પ્રકારના ચેટબોટ, તેમાં પહેલેથી ફીડ કરવામાં આવેલી માહિતીમાંથી કંઈ પૂછવામાં આવે તો જ તેના જવાબ આપી શકે. આ કોર્સ બહારનું કંઈ પૂછવામાં આવે તો ચેટબોટ નાપાસ થાય. અત્યાર સુધી આપણે વોટ્સએપ કે ફેસબુક મેસેન્જર જેવી સર્વિસમાં કે વિવિધ બેન્કની સાઇટ પર કસ્ટમર સપોર્ટ માટે જે ચેટબોટના સંપર્કમાં આવ્યા છીએ તે મોટા ભાગે આ પ્રકારના, સીમિત બુદ્ધિક્ષમતાવાળા ચેટબોટ છે.

પરંતુ ચેટબોટ ટેકનોલોજીની ક્ષમતા જોતાં ઘણી બધી કંપની તેની બુદ્ધિને માનવમગજના લેવલે લઈ જવાનો પ્રયાસ કરી રહી છે.

ચેટજીપીટી ચેટબોટ આપણી સાથે વાતચીત કરે ત્યારે તે ૧૭૫ અબજથી વધુ માપદંડો ધ્યાનમાં રાખીને વાતચીત કરે છે! આ ચેટબોટ પ્રી-ટ્રેઇન્ડ છે, એટલે કે તેણે કેવી રીતે કહેવું, કયાંથી માહિતી મેળવવી એ બધું જ પહેલેથી નક્કી થયેલું છે. તેમ છતાં, તે રિઅલ ટાઇમમાં, આપણી સાથે ચર્ચાનો દોર ચલાવી શકે છે, એ જ તેની ખરી વિશેષતા છે.

તેમાં મોટો વળાંક આવ્યો નવેમ્બર ૨૦૨૨માં. ઓપનએઆઇ (openai.com) નામની એક રિસર્ચ કંપનીએ ‘ચેટજીપીટી’ નામના તેણે વિકસાવેલા એક ચેટબોટને પબ્લિક રિવ્યૂ માટે લોન્ચ કર્યો.

અત્યારે આ ચેટબોટની આખી દુનિયામાં જોરદાર ચર્ચા જાગી છે. આ ચેટબોટ સાથે આપણે વાતચીત કરીએ તો રીતસર કોઈ જીવતાજાગતા માણસ સાથે ચર્ચા કરી રહ્યા હોઇએ એવો અનુભવ થાય!

આ ચેટબોટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે આપણે તેને કંઈ પણ પૂછીએ તો તે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પાર વગરની માહિતીમાંથી આપણે પૂછેલી બાબતોને સંબંધિત વિગતો તારવી લે છે અને પછી તેનો પોતાની રીતે સારાંશ તૈયાર કરીને આપણી સામે ધરી આપે છે.

ગૂગલ જેવા સર્ચ એન્જિનમાં આવું કંઈક અંશે થતું હતું, પણ આ ચેટબોટ સાથે આપણે રીતસર લાંબી ચર્ચા ચલાવી શકીએ છીએ.

બાજુમાં, ચેટજીપીટીનો પ્રારંભિક પરિચય વાંચીને તમને થયું હશે કે આ કામ તો ગૂગલ પણ કરે છે! ગૂગલ કે તેના જેવા બીજા સર્ચ એન્જિને અત્યાર સુધી આપણા સવાલોના જવાબો શોધી આપવાનું જ કામ કર્યું છે, પણ ઓપનએઆઇના ચેટબોટે તેના પ્રારંભિક અવતારમાં એવી જબરજસ્ત આવડત બતાવી છે કે ગૂગલને લાગે છે કે આ ચેટબોટને કારણે તેનો સર્ચ એન્જિનનો આખેઆખો બિઝનેસ ઠપ્પ થઈ શકે છે!

માઇક્રોસોફ્ટ કંપનીએ શરૂઆતમાં ચેટજીપીટી ટેક્નોલોમાં એક અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. તેને પ્રારંભિક રિવ્યૂમાં જ જબરી સફળતા મળતી જોઈને કંપનીએ તેનું રોકાણ દસ ગણું વધારી દીધું છે.

અત્યાર સુધી આપણે ગૂગલ સર્ચમાં કંઈક સર્ચ કરીએ એટલે તે ઢગલાબંધ લિંક્સ બતાવી દે, પરંતુ ચેટજીપીટી તરત ને તરત જવાબ જ ધરી દે છે. પરિણામે ગૂગલને લાગ્યું કે આમ જ ચાલ્યું તો કોઈ ગૂગલ પર કશું જ સર્ચ કરશે નહીં – કંપનીની લગભગ બધી કમાણી સર્ચ એન્જિનની આસપાસ ચાલતી જાહેરખબરોમાંથી જ છે. ગૂગલ પણ એકાદ દાયકાથી એઆઇ પર ફોકસ કરી રહી હતી.

ગૂગલ કંપની લગભગ એક દાયકાથી એઆઇ પર ફોકસ કરી રહી છે. તેની વિવિધ સર્વિસમાં અત્યારે એઆઇની મોટી ભૂમિકા છે. છતાં, ગૂગલ કંપની સર્ચ એન્જિનમાં આ ટેક્નોલોજી લાગુ કરતાં ખચકાતી હતી, તેના મતે હજી તેનો સમય પાક્યો નથી. પરંતુ ગૂગલને સર્ચ એન્જિનમાં માત આપવા માઇક્રોસોફ્ટે ઉતાવળ કરી, પરિણામે ગૂગલે પણ રેસમાં ઊતરવું પડ્યું.

ચેટજીપીટીએ તેને ઉતાવળ કરાવી અને ગૂગલે ઉતાવળે જાહેર કરવું પડ્યું કે તે આવી જ ટેક્નોલોજી ‘ગૂગલ બાર્ડ’ નામે ગૂગલ સર્ચ એન્જિનમાં ઉમેરી રહી છે.

તેના બીજા જ દિવસે માઇક્રોસોફ્ટે પણ જાહેર કર્યું કે તે પોતાના બિંગ સર્ચ એન્જિનમાં ચેટજીપીટી ટેક્નોલોજી ઉમેરી રહી છે. એટલું જ નહીં, માઇક્રોસોફ્ટના વર્ડ, પાવરપોઇન્ટ અને એક્સેલ જેવા પ્રોગ્રામમાં પણ આ ટેક્નોલોજી આવી રહી છે. પરિણામે તમને એક્સેલનાં પાવરફુલ ફીચર્સ આવડતાં ન હોય તોય, એક્સેલને ડેટા આપો એટલે એ પોતે, તેનું એનાલિસિસ કરી આપશે.

તાલ એવો થયો છે કે ગૂગલ અને માઇક્રોસોફ્ટ બંને કંપનીએ એકબીજાથી આગળ રહેવા સર્ચમાં એઆઇ ઉમેરવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ બંને જાણે છે કે આ ટેક્નોલોજી હજી પૂરેપૂરી તૈયાર નથી – એ મોટી મોટી ગફલતો કરી શકે છે.

ચેટજીપીટીનો ઉપયોગ કેવી રીતે?

ચેટજીપીટી હવે પબ્લિક રિવ્યૂ માટે ઓપન છે, એટલે આપણે https://chat.openai.com/auth/login  સાઇટ પર જઇને નવા યુગના આ મહાનુભાવ સાથે ચર્ચા કરવાનો લ્હાવો લઈ શકીએ છીએ. પરંતુ હવે ધસારો એટલો કે આપણે તેમાં જોડાવ માટે ‘વિશલિસ્ટ’માં જોડાવું પડે છે. પરંતુ એ પેજ પર, ચેટજીપીટી શું છે તેનો અણસાર આપણને મળે છે. તમે આ પેજ પર જશો તો રેન્ડમ કોઈ સવાલ અને તેનો આ ચેટબોટે આપેલો જવાબ વાંચવા મળશે. પેજ રીફ્રેશ કરશો તો નવો સવાલ ને જવાબ મળશે.

અત્યારે આ ટેક્નોલોજી ઓફર કરતી બધી મોટી કંપની જાણે છે કે આ ટેક્નોલોજી પરફેક્ટ નથી.

જેમ ગૂગલ સર્ચ, ગૂગલ આસિસ્ટન્ટ અને અન્ય સર્ચ એન્જિન હવે બોલચાલની ભાષા સમજી લે છે એવું જ આ ચેટબોટનું છે. તેને વર્ષ ૨૦૨૧ સુધીના ઇન્ટરનેટ પરના ડેટાથી ટ્રેઇન કરવામાં આવેલ છે. તેને કંઈ પણ પૂછીએ એટલે તે વિવિધ ડેટામાંથી જવાબ તૈયાર કરી આપે છે – પણ તે કોરી માહિતી નથી હોતી, જવાબ આપવામાં તે પોતાની ‘બુદ્ધિ’ પણ દોડાવે છે.

વિશલિસ્ટ પરથી તમને આ ટ્રાયલમાં એન્ટ્રી મળે, તો તમે તેમાં નવું એકાઉન્ટ ખોલાવી શકો અથવા ગૂગલ કે માઇક્રોસોફ્ટના એકાઉન્ટથી લોગઇન થઈ શકો. એ પછી આપણને વિવિધ સવાલો સૂચવવામાં આવે છે.

સાથોસાથ ચેતવવામાં આવે છે કે આ બધું હજી પ્રયોગાત્મક ધોરણે છે એટલે જવાબોમાં ભૂલ હોઈ શકે છે. પેજ પર સૂચવવામાં આવેલા સવાલમાંથી કોઈ પસંદ કરો અથવા છેક નીચેના સર્ચ બોક્સમાં જાતે જ કોઈ પણ સવાલ લખો (આ ચેટબોટ સાથે આપણે ગુજરાતીમાં પણ વાત કરી શકીએ છીએ!).

બધી કંપની આ વાત સ્વીકારે પણ છે. પરંતુ એકમેકના દબાણમાં, નાછૂટકે આગળ વધી રહી છે.  સર્ચ એન્જિનમાં તેને સામેલ કરી દેવાની જાહેરાતો કરી દીધા પછી હવે બધી કંપની ધીમી ગતિએ, સાવચેતીથી આગળ વધી રહી છે.

 ગૂગલ સર્ચ અને ચેટજીપીટીમાં ફેર એટલો છે કે ગૂગલને કંઈ પણ પૂછીએ તો તે આપણી ક્વેરી સંબંધિત માહિતી જેમાં હોય એવાં સંખ્યાબંધ વેબપેજ આપણને બતાવે છે (જુદી જુદી માહિતી તારવીને પણ બતાવે છે), જ્યારે ચેટજીપીટીમાં આખી વાત વાતચીત સ્વરૂપે આગળ વધે છે. જેમ કે આપણે કોઈ નિશ્ચિત માહિતી પૂછીએ તો ચેટબોટ તેનો સ્પષ્ટ જવાબ આપશે.

પરંતુ ‘સાયબરસફર’એ ઇંગ્લિશ ભાષામાં પૂછ્યું કે નરેન્દ્ર મોદી હજી ભારત પર કેટલાં વર્ષ રાજ કરશે, તો આ ચેટબોટે જવાબ આપ્યો કે ‘‘હું આ સવાલનો જવાબ આપી શકીશ નહીં, પરંતુ નરેન્દ્ર મોદી હાલમાં ભારતના વડાપ્રધાન છે…’’ આટલું કહીને ચેટબોટે ભારતના બંધારણ, લોકસભાની ચૂંટણી, વડાપ્રધાનની પસંદગી અને તેમનો કાર્યકાળ વગેરે બાબતે થોડી માહિતી આપી!

ગૂગલ બાર્ડનો ઉપયોગ કેવી રીતે ?

ચેટજીપીટી પ્રાયોગિક ધોરણે સૌને માટે ઓપન છે, પણ ગૂગલ બાર્ડ સૌ માટે ઓપન નથી. તેનો હાલમાં ‘ટ્રસ્ટેડ ટેસ્ટર્સ’ ઉપયોગ કરી રહ્યા છે. બંનેની કોઈ એપ પણ નથી. ગૂગલ બાર્ડનો આવનારા થોડા સમયમાં આપણને લાભ મળવાનું શરૂ થશે. અત્યારે ગૂગલ, માઇક્રોસોફ્ટ બંને પોતાના સર્ચ એન્જિનમાં જ આ ટેક્નોલોજી ઉમેરી દેવાની રેસમાં છે. બંનેની ઉતાવળ જોતાં, આપણે બહુ રાહ જોવી પડશે નહીં.

ગૂગલે તેની ‘બાર્ડ’ સર્વિસનો ડેમો આપ્યો તેમાં જ ચેટબોટે ખોટો જવાબ આપ્યો અને કંપનીના શેર ગગડતાં તેને એક ઝાટકે સો અબજ ડોલરનું નુક્સાન થયું. ગૂગલે પોતાની સર્વિસ માત્ર ‘અમુક લોકો’ પૂરતી મર્યાદિત રાખી છે. આવું ટેસ્ટિંગ પહેલેથી ચાલતું હતું, પણ હરીફાઇના દબાણમાં ગૂગલે આ ફીચર જાહેર કરી દેવું પડ્યું.

ગૂગલના કિસ્સામાં એવું થવાની પૂરી શક્યતા છે કે આપણે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગીશું છતાં આપણને તેનો સ્પષ્ટ ખ્યાલ પણ નહીં આવે, ફક્ત જવાબોમાં ઊંડા ઊતરીશું તો શું બદલાયું તે સમજાશે!

બિંગમાં ચેટજીપીટી

સર્ચ એન્જિનમાં એઆઇ ટેક્નોલોજી ઉમેરવાની બાબતે માઇક્રોસોફ્ટ ગૂગલ કરતાં આગળ છે. તેણે ‘ન્યૂ બિંગ’ની જાહેરાત કરી દીધી છે, અલબત્ત, તેમાં  પણ એન્ટ્રી હજી સહેલી નથી. આપણે ‘વિશલિસ્ટ’માં જોડાવું પડે છે. માઇક્રોસોફ્ટે ચાલાકી એ કરી છે કે માઇક્રોસોફ્ટ એજને ડીફોલ્ટ બ્રાઉઝર બનાવો અને ફોનમાં બિંગ એપ ડાઉનલોડ કરો તો વિશલિસ્ટમાં અગ્રતા આપવાની લાલચ આપવામાં આવે છે.

માઇક્રોસોફ્ટે તેના બિંગ સર્ચ એન્જિનમાં આ સર્વિસ લોન્ચ કરી દીધી છે. અલબત્ત, હજી તે સૌને ઉપલબ્ધ નથી. જેટલા લોકો તેનો ઉપયોગ કરી શક્યા છે, તેમણે આ ચેટબોટ ખાસ્સી ભૂલો કરતો હોવાનું નોંધ્યું છે, એટલે હવે માઇક્રોસોફ્ટ પણ તેના ચેટ ફીચરને બ્રેક લગાવવાની તૈયારીમાં છે.

અત્યારે તમે કોઈ પણ બ્રાઉઝરમાં https://www.bing.com/new પેજ પર જશો તો નવા સર્ચ એન્જિનને તમે કેવા કેવા સવાલો પૂછી શકશો અને તેને ક્લિક કરતાં, કેવા જવાબો મળશે એ પણ જોઈ શકશો. જોકે નવા બિંગના આ ચેટમોડની ફુલ એક્સેસ વિના વધુ આગળ જઈ શકશો નહીં.

આ ચેટબોટને આપણે કંઈ પણ પૂછી શકીએ છીએ. એક મશીન નહીં, પણ એક મિત્રની  જેમ તે આપણને જવાબો આપે છે. કેવા પ્રશ્નોના જવાબ ન આપવા તે વિશે ચેટબોટને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે, આથી એવું કંઈ પૂછાતાં એ વિવેકથી ના પાડી દે છે. પરંતુ લોકો તેની સાથે લાંબી લાંબી ચર્ચા કરે અને ઇરાદાપૂર્વક ગૂંચવે તો આ ચેટબોટ સહેલાઈથી ગૂંચવાઈ જાય છે!

નવા સમયના ચેટબોટની મજા જ એ છે કે આપણે તેને કંઈ પણ પૂછી શકીએ, મનની મૂંઝવણ પણ.  લોકો તેની ગૂગલ સર્ચ એન્જિન સાથે સરખામણી કરવા લાગ્યા છે, પરંતુ હાલમાં તેનું સ્વરૂપ સર્ચ એન્જિન કરતાં વિશેષ ‘ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઇડ’ પ્રકારનું છે.

જેમ કે એક જર્નાલિસ્ટે તેને પૂછ્યું કે ‘‘કોઈ યુવતીને ઇમ્પ્રેસ કરવા માટે તેની સામે કેવા દેખાવું સારું – સંવેદનશીલ વ્યક્તિ કે રફ એન્ડ ટફ?’’ ચેટબોટના જવાબ પર ધ્યાન આપજો, તેણે કહ્યું, ‘‘દરેક વ્યક્તિની પસંદ અલગ અલગ હોય છે. કોઈને સંવેદનશીલ વ્યક્તિત્વ આકર્ષે તો કોઈને બોલ્ડ, મક્કમ વ્યક્તિત્વ ગમે. પરંતુ તમે કોઈ ચોક્કસ વ્યક્તિત્વમાં જાતને ઢાળવાનો ખોટો પ્રયાસ કરવાને બદલે નિખાલસ રીતે, તમે જેવા છો એવા જ રજૂ થાઓ તો એ વધુ અસરકારક રહેશે.’’

તમને ફર્ક દેખાયો? ગૂગલને આપણે આવું પૂછવા જઇએ તો તે, જવાબ મળી શકે તેવાં વિવિધ વેબપેજ બતાવે. પરંતુ આવા ‘સમજભર્યા’ જવાબની ગૂગલ પાસે આશા રાખી શકાય નહીં!

આખી દુનિયા અત્યારે એ વાતે હેરાન છે કે આ ચેટબોટ સોફ્ટવેરના કોડ પણ લખી આપે છે!

આપણે માત્ર તેને પોતાની નિશ્ચિત જરૂરિયાત શક્ય એટલી સ્પષ્ટ રીતે કહેવાની. પછી ચેટબોટ આપણું કામ કરી આપે. આપણે પોતે કરેલા કોડિંગમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો તેના ટ્રબલશૂટિંગ માટે પણ આ ચેટબોટની મદદ લઈ શકાય.

સ્ટેકઓવરફ્લો નામની એક વેબસાઈટ આવા ટ્રબલશૂટિંગ માટે બહુ પોપ્યુલર છે. અત્યાર સુધી તેમાં લોકો પ્રશ્નો પૂછે અને બીજા જીવતા જાગતા માણસો તેના જવાબ આપતા આવ્યા છે. હવે ઘણા લોકો લખે છે કે તેમને આ માટે સ્ટેકઓવરફ્લો પર જવાની જરૂર રહી નથી. ચેટજીપીટી એ કામ બહુ સારી રીતે કરી આપે છે.

અત્યારે ઘણી સાઇટ કે વેબસર્વિસને ચેટજીપીટીમાં હરીફ દેખાવા લાગ્યો છે.

અત્યારે ઇન્ટરનેટ પર, સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને ટ્વીટર પર લોકો ચેટજીપીટી સાથેની તેમની વાતચીતનાં અનેક રસપ્રદ ઉદાહરણો શેર કરી રહ્યા છે. જેમ કે…

લોકો તેમને ગૂંચવતી ટર્મ્સ વિશે ચેટજીપીટીને પૂછે છે. બ્લોકચેઇન, ચેટબોટ, ક્રિપ્ટોકરન્સી વગેરે તમને ગૂંચવતાં હોય તો ચેટજીપીટીને પૂછો What is blockchain? પછી ઉમેરો કે Explain like I am 5. ચેટજીપીટી પાંચ વર્ષના બાળકને સમજાવે એ રીતે, શક્ય એટલી સહેલી ભાષામાં આ બાબતો સમજાવવાની કોશિશ કરશે!

અત્યારે તો એવું લાગે છે કે લોકો ચેટજીપીટી પાસેથી ખરેખર કંઈક જાણવાને બદલે, મશીન સાથે વાત કરવાની મજા લૂંટી રહ્યા છે, મશીન પણ જેવું તેવું નહીં, જબરી બુદ્ધિવાળું! જોકે એટલે વાત વધુ ભયજનક બને છે. આ ભૂત આપણા સવાલો પરથી જ વધુ ને વધુ શીખે છે.

શું બિંગના એઆઇ-જનરેટેડ પ્રતિભાવો હંમેશાં સાચા હોય છે?

માઇક્રોસોફ્ટે તેના બિંગ સર્ચ એન્જિનમાં ચેટ ફીચર ઉમેરી દીધું છે, પણ તેના એફએક્યુમાં સ્પષ્ટપણે લખ્યું છે કે એઆઇની મદદથી જનરેટ થતા જવાબો હંમશાં સચોટ અને વિશ્વાસપાત્ર હોય એવું નથી.

કંપની કહે છે કે બિંગ તેને જે માહિતી મળે તે ક્યારેક ખોટી રીતે રજૂ કરશે, આ જવાબો આપણને સાચા લાગે તો પણ તે અધૂરા, ખોટા કે અયોગ્ય હોઈ શકે છે.

માઇક્રોસોફ્ટ કહે છે કે બિંગના આ ઉત્તરોના આધારે કોઈ નિર્ણય કે એક્શન લેતાં પહેલાં લોકોએ પોતાની બુદ્ધિ દોડાવવી અને સત્યો ચકાસી લેવાં જરૂરી છે.

આ વાત બહુ મહત્ત્વની છે. ખાસ તો એટલા માટે કે બિંગનો ચેટબોટ આપણા પ્રશ્નોના જ્યાંથી જવાબો શોધી લાવે છે તે  આખરે ઇન્ટરનેટનો ડેટા જ છે, અને એમાં આપેલી બધી વાતો સાચી હોવાની કોઈ ખાતરી નથી!

તમે તેને એવું પણ પૂછી શકો કે ‘‘મને HTTPS વિશે સમજાવ, પણ શેક્સપીયરની શૈલીમાં!’’ તો આ મશીન એવું પણ કરવાની કોશિશ કરશે. કોઈ મિમિક્રી આર્ટિસ્ટ અમિતાભ બચ્ચનના ફેમસ ડાયલોગ જુદા જુદા કલાકારોની જેમ બોલી બતાવે, કંઈક એવી જ આ વાત, પણ આ ચેટજીપીટી ફક્ત મિમિક્રી નથી કરતું, તમારે તેની ક્ષમતા તપાસવા પોતાની કલ્પના ને મગજને પણ એકદમ કસવું પડે.

નવા વર્ષમાં તમે કોઈ સ્થળે ફરવા જવાનું વિચારી રહ્યા છો? કોઈ ફ્રેન્ડની જેમ ચેટજીપીટીને પૂછી જુઓ કે ત્રણ દિવસમાં ઉદયપુર ફરવું હોય તો શું કરવું? ચેટજીપીટી તમને દિવસ-સમયવાર શિડ્યુઅલ ગોઠવી આપશે!

તમારે કોઈને માટે પાર્ટી ગોઠવવી છે, સરપ્રાઇઝ ગિફ્ટ આપવી છે, કોડમાં ભૂલ શોધવી છે, કોઈ વિષય પર કવિતા લખવી છે… તમે ધારો તે ચેટજીપીટીને પૂછો!

જોકે અત્યારે આ રિસર્ચ લેબ પોતે સ્પષ્ટ રીતે કહે છે તેમ ચેટજીપીટીના જવાબો તદ્દન ખોટા હોઈ શકે છે! તેના જવાબો કેવા હશે તેનો ઘણો આધાર તેને કેવા સવાલ પૂછવામાં આવે છે તેના પર છે.

જેના યોગ્ય, સ્પષ્ટ જવાબો હોઈ શકે તેવા સવાલો પૂછવામાં આવે તો આ ચેટબોટ બહુ ફટાફટ જવાબો શોધી આપે છે. તે આપણા સવાલોને ઘણી સારી રીતે સમજી પણ શકે છે. પરંતુ જો આપણે પોતે અસ્પષ્ટ હોઇએ કે આપણો ઇરાદો જ ચેટબોટને ગૂંચવવાનો હોય તો તે એકદમ ગૂંચવાઈ જાય છે.

વાત આટલેથી અટકતી નથી. આવે સમયે આ ચેટબોટ ‘એક્સપર્ટ’માંથી ‘ફેંકૂ’ પણ બની જાય છે. આપણને જવાબ આપવાની લ્હાયમાં તે જેનો કોઈ આધાર ન હોય એવી વાતો પણ કહી શકે છે. આપણે પૂછેલા સવાલનો તે ગમે તેવો જવાબ આપી દે એવું પણ બને.

આ ટેક્નોલોજીમાં ગરબડ શી છે?

ગૂગલની બાબતમાં એવી સ્થિતિ છે કે ગૂગલ સામે ચાલીને આપણને કોઈ જવાબ આપે તે પણ આખરે કોઈ વેબસાઇટ પરથી તારવેલો હોય છે, પણ આ માહિતી તે અનેક સ્રોતમાંથી તારવી, ચકાસીને પછી આપણને આપે છે. ગૂગલ જે આપે છે તે માત્ર કોરી, નક્કર માહિતી હોય છે, અભિપ્રાય નહીં.

ચેટજીપીટીમાં અત્યારે ગરબડ અહીં છે – તે માહિતી પણ આપે છે અને અભિપ્રાય પણ!

આ ચેટબોટ માત્ર માહિતી તારવી આપતો નથી. તે એમાં પોતાના અભિપ્રાય પણ ઉમેરે છે. અહીં જ ગરબડ થઈ શકે છે.

તેને ‘વાંધાજનક’ સવાલોના જવાબ ન આપવા માટે ટ્રેઇન કરવામાં આવેલ છે, છતાં તે ક્યારેક ગોથાં ખાઈ જાય છે. કોઈ સવાલના જવાબ આપવામાં તે પૂર્વગ્રહ પણ દાખવે છે. ક્યારેક ટૂંકા, મુદ્દાસર જવાબ આપવાને બદલે તે લાંબીલચક, લવારીની હદે પહોંચે એટલું પણ કહેવા લાગે છે!

મતલબ કે જેમ વિકિપીડિયા કે ગૂગલ પરથી મળેલી માહિતી સોએ સો ટકા સાચી જ હોવાની ખાતરી નથી હોતી, આપણે તેને વેરિફાય કરવી પડે તેમ હાલના તબક્કે ચેટજીપીટીના બધા જવાબોને સાચા માની શકાય તેમ નથી. એટલી સારી વાત છે કે રિસર્ચ લેબ આ મર્યાદાઓથી વાકેફ છે અને તે આ બધું છુપાવતી નથી.

 વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે…

પરીક્ષાઓ માથે છે ત્યારે, આટલે સુધી વાંચીને ઘણા વિદ્યાર્થીઓના મનમાં ટ્યૂબલાઈટ થઈ હશે કે આ ચેટજીપીટી તો હોમવર્ક કરવામાં પણ મદદ કરી શકે!

ચોક્કસ! સારી વાત એ છે કે ગૂગલની જેમ એ તમને જુદી જુદી વેબસાઇટ્સના ચકરાવે નહીં ચઢાવે, આ ચેટબોટ પોતે જ તમને જવાબ આપશે.

અલબત્ત, અત્યારે શરતો લાગુ છે. અત્યારે ચેટજીપીટીને હોમવર્ક પૂછવા જતાં, પૂરી ખાતરી નથી કે તમે કોઈ હોશિયાર વિદ્યાર્થીની અાન્સરશીટમાંથી કોપી કરી રહ્યા છો કે જેને પૂછો છો એ ઠોઠ છે!

આ ઉદાહરણ જુઓ.

આ ટેક્નોલોજી વિક્સાવવામાં જેમની મોટી ભૂમિકા છે એવા એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચરે તેમની સાત વર્ષની દીકરીને ચેટજીપીટીનો પરિચય કરાવ્યો અને તેને કહ્યું કે જે પૂછવું હોય તે પૂછ!

આ ચેટબોટ કંઈક અંશે યાંત્રિક રીતે, માત્ર ગણતરીઓના આધારે પોતાના જવાબો નક્કી કરે છે. તે સાચા છે કે ખોટા તેની તેને પોતાને પણ ખબર હોતી નથી.

દીકરીએ પૂછ્યું કે ‘‘ટ્રિગોનોમેટ્રી – ત્રિકોણમિતિ શીખવાની જરૂર જ શું છે?’’, ‘‘બ્લેક હોલ્સ કેવી રીતે બન્યા?’’, ‘‘કોઈ દડાને અમુક ફોર્સથી હવામાં ઉછાળવામાં આવે તો હવામાં તેનો પાથ કેવો બનશે કે તે કહી શકે?’’

દરેક પ્રશ્નના તેને  સંતોષકારક જવાબ મળ્યા. એ રિસર્ચરે દીકરીને સમજાવ્યું કે આ ચેટબોટ તેને મેથ, સાયન્સના વિવિધ કન્સેપ્ટ, ઇંગ્લિશ ગ્રામરની બારીક બાબતો કે બીજું ઘણું બધું શીખવી શકે છે, પણ સાથોસાથ ખાસ શીખવા જેવું એ છે કે આ ચેટબોટ જે કહે એ બધું સાચું માની લેવું નહીં!

જોકે આ અત્યારની વાત છે. ચેટબોટની ટ્રેનિંગ જેમ વધતી જશે તેમ તેમ તેના જવાબોમાં પરફેક્શન આવતું જશે. ત્યાર પછી કસ્ટમર સપોર્ટ, એમ્પ્લોઇ ટ્રેનિંગ, એજ્યુકેશન વગેરે ઘણાં ક્ષેત્રોમાં બહુ મોટાં પરિવર્તનો આવશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે, પરંતુ નિષ્ણાતોને અત્યારે એક જ ચિંતા સતાવે છે, આખરે આ કૃત્રિમ બુદ્ધિ છે. ચેટબોટ જે કંઈ કહે છે તે, માત્ર તેનામાં ફીડ થયેલી કે ફીડ થતી રહેતી વાતોના આધારે કહે છે, એ સાચું છે, ખોટું છે એની તો ચેટબોટને પણ ખબર નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!