(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્સ્ટાગ્રામને ઇન્ટરેસ્ટિંગ બનાવતા હેશટેગ્સ

મોજ કે માર્કેટિંગ - ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેવાનો તમારો હેતુ ગમે તે હોય, હેશટેગ્સનો ઉપયોગ બરાબર સમજવો જરૂરી છે.

હેશટેગ એટલે સોશિયલ મીડિયા પર સૌથી ઉપયોગ કરાતી, સૌથી વધુ જોવા મળતી ને સાથોસાથ, ઘણા લોકોને સૌથી વધુ ગૂંચવતી બાબત! હેશટેગ્સ માર્કેટિંગ માટે ઉપયોગી છે એટલું જાણતા લોકો વોટ્સએપમાં પણ પોતાની પોસ્ટ સાથે સંખ્યાબંધ હેશટેગ્સ ઠપકારતા હોય છે, જ્યાં તેનો કોઈ ઉપયોગ જ નથી! એ જ રીતે, હવે લગભગ બધી જ પ્રોડક્ટ કે સર્વિસની જાહેરાતોમાં હેશટેગ્સ અચૂકપણે જોવા મળે, પણ એ પછી, એ હેશટેગને સંબંધિત સોશિયલ મીડિયા પર કોઈ એક્શન લેવામાં ન આવે!

હેશટેગની સગવડ આપતા કોઈ પણ સોશિયલ મીટિયા પ્લેટફોર્મમાં, કોઈ પણ શબ્દ (કે સ્પેસ વિના શબ્દો, આંકડા, ઇમોજી વગેરે)ની આગળ પાઉન્ડની નિશાની (#) ઉમેરવામાં આવે એટલે તે હેશટેગ બને અને સાથોસાથ તે શબ્દ ક્લિકેબલ લિંક બની જાય. તેને ક્લિક કરતાં, એ જ હેશટેગ ધરાવતા અન્ય કન્ટેન્ટ સુધી આપણે પહોંચી શકીએ.

આમ હેશટેગનું કામ જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, એક ચોક્કસ વિષયના કન્ટેન્ટને એક સાથે લાવવાનું છે. તેની શરૂઆત ટ્વીટર પર થઈ  અને પછી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ વગેરેમાં પણ તેનો ઉપયોગ શરૂ થયો. હેશટેગ કોઈ ટેક્નોલોજી નથી, એ માત્ર એક સરખા વિષયના કન્ટેન્ટ કે એક જ કેટેગરીના કન્ટેન્ટ સુધી પહોંચવું સહેલું બનાવતી પદ્ધતિ છે.

માર્કેટિંગ માટે હેશટેગ્સની સમજ અનિવાર્ય છે, તેમ તમને ઉપયોગી કે ગમતું કન્ટેન્ટ શોધવા માટે પણ હેશટેગ્સ કામની બાબત છે. અહીં આપણે ઇન્સ્ટાગ્રામને ધ્યાનમાં રાખીને હેશટેગ્સની વાત કરીએ, પણ એ અન્ય પ્લેટફોર્મ પર પણ કામ લાગશે.

અહીં ઇન્સ્ટાગ્રામના સંદર્ભે હેશટેગ્સની થોડી વાત કરીએ!

ઇન્સ્ટાગ્રામ પર તમે માત્ર મોજ માટે એક્ટિવ હો કે પછી  પોતાની બ્રાન્ડ, સર્વિસ કે બિઝનેસના પ્રમોશન માટે, બંને હેતુ માટે ઇન્સ્ટાગ્રામનો પૂરો કસ કાઢવા માટે તમારે હેશટેગ્સ પર ધ્યાન આપવું જ રહ્યું. હેશટેગ્સ બરાબર સમજ્યા વિના, ફક્ત મોજ માટે અથવા માર્કેટિંગ માટે પણ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ તો કરી શકાય પણ બંને રીતમાં આપણને જે ફાયદો મળવો જોઇએ એ મળે નહીં.

સરેરાશ યૂઝરની રીતે જોઈએ તો ઇન્સ્ટાગ્રામમાં આપણે ઝંપલાવીએ ત્યારે આપણે કોઈને ફોલો ન કરતા હોઇએ તો પણ ઇન્સ્ટાગ્રામ પર પાર વગરનું કન્ટેન્ટ જોવા મળી શકે છે. તેમાંથી આપણે કામનું શું છે, કઈ વ્યક્તિઓને આપણે ફોલો કરવા જેવા છે તે નક્કી કરવામાં હેશટેગ ઉપયોગી થાય.

જે રીતે આખા ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ચ કરવા માટે આપણે ગૂગલ સર્ચ એન્જિનમાં કંઈ પણ લખીને સર્ચ કરીએ તો આપણે સર્ચ કરેલ શબ્દો ધરાવતાં પેજિસ જોવા મળે તે રીતે ઇન્સ્ટાગ્રામમાં રહેલું કન્ટેન્ટ જુદા જુદા ટોપિક અનુસાર તારવવું હોય તો એ માટે હેશટેગ ઉપયોગી થાય.

સામે પક્ષે ઇન્સ્ટાગ્રામ પર પોતાનું કન્ટેન્ટ વધુ લોકો સુધી પહોંચે તેવું ઇચ્છતા લોકો પોતાના કન્ટેન્ટની સાથોસાથ આ કન્ટેન્ટ ચોક્કસ કયા વિષયને લગતું છે એ દર્શાવતા હેશટેગ મૂકે છે.

હેશટેગ ક્લિકેબલ હોય છે. કોઈ પોસ્ટ પર તમે #vegfood લખેલું જુઓ, તેના પર ક્લિક કરો તો ઇન્સ્ટાગ્રામ પર અન્ય જેટલા યૂઝર્સે પોતાનું કન્ટેન્ટ વેજ ફૂડ સંબંધિત હોવાનું દર્શાવ્યું હોય એ તમામની પોસ્ટ પર નજર ફેરવી શકો.

એ દૃષ્ટિએ ઇન્સ્ટાગ્રામ પરનું બધું કન્ટેન્ટ આપણે બે રીતે જોઈ શકીએ – એક, કોઈ પણ યૂઝર એકાઉન્ટને ફોલો કરીને અને બીજું, જુદાં જુદાં હેશટેગ્સ ફોલો કરીને. પહેલી પદ્ધતિમાં એક વ્યક્તિ કે કંપની જુદા જુદા વિષયો પર જે કંઈ કન્ટેન્ટ પોસ્ટ કરે એ બધું આપણે જોઇ શકીએ. બીજી પદ્ધતિમાં એક જ વિષય પર જુદા જુદા અનેક લોકોએ પોસ્ટ કરેલું કન્ટેન્ટ જોઈ શકાય.

જોકે આમાં કેટલીક શરતો ને તકલીફો છે! સોશિયલ મીડિયા પર એક્ટિવ મોટા ભાગના યૂઝર્સ જો પોતાના કન્ટેનટની રીચ વધારવા બાબતે સિરિયસ હોય તો તેઓ સમજી વિચારીને તેને સંબંધિત હેશટેગ્સ મૂકે છે. જ્યારે ઘણા લોકો ફક્ત વધુ યૂઝર્સની નજરમાં આવવાની લાલચમાં પોતાના કન્ટેન્ટમાં સોશિયલ મીડિયા પર પોપ્યુલર અને ટ્રેન્ડ થતા હેશટેગ્સ ઉમેરી દે છે, પછી તેમના કન્ટેન્ટને તે હેશટેગ્સ સાથે કંઈ લેવા દેવા ન પણ હોય! આવું થાય ત્યારે હેશટેગનો મૂળ હેતુ માર્યો જાય છે.

ઇન્સ્ટાગ્રામ પર તમે તમારા હોમપેજ પર આંગળી લસરાવતા રહો તો શરૂઆતમાં તમે જેમને ફોલો કરતા હો, જેમના કન્ટેન્ટ સાથે તમે કંઈક ઇન્ટરએકશન કર્યું હોય એમની પોસ્ટ્સ અને અન્ય કન્ટેન્ટ બતાવવામાં આવે, ત્યાર પછી તમારી એક્ટિવિટી અનુસાર ઇન્સ્ટાગ્રામ પોતે વિવિધ પોસ્ટ્સ અને રીલ્સ વગેરે બતાવે. આમાંથી કંઈ ગમે તો આપણે તેને ફોલો કરી શકીએ અને પછી એ પ્રકારનું કન્ટેન્ટ આપણને વધુ બતાવવામાં આવે.

ઇન્સ્ટાગ્રામ પર આપણને ગમતું કન્ટેન્ટ શોધવાનો વધુ એક સહેલો રસ્તો તેને સર્ચ કરી લેવાનો છે. એપમાં નીચેના મેનૂમાં ‘સર્ચ’ બટન પર ક્લિક કરતાં ઇન્સ્ટાગ્રામ તેની મરજી મુજબ જુદું જુદું કન્ટેન્ટ આપણને બતાવે છે. તેને ઇગ્નોર કરીને ટોપ પર આપેલ સર્ચ બોક્સમાં કંઈ પણ સર્ચ કરી જુઓ.

  • જેમ કે Indian Food. આથી આપણી સર્ચને સંબંધિત ટોપ કન્ટેન્ટ, એકાઉન્ટ્સ, ઓડિયો, ટેગ્સ, પ્લેસિસ વગેરે મુજબ ઇન્સ્ટાગ્રામ પરનું વિવિધ કન્ટેન્ટ તારવીને આપણને બતાવવામાં આવે છે.
  • આમાંથી ‘ટેગ્સ’ ટેબ પર ક્લિક કરતાં ઇન્ડિયન ફૂડને સંબંધિત અને ઇન્સ્ટાગ્રામ પર પોપ્યુલર વિવિધ ટેગ્સ તથા એ ટેગ ધરાવતી કેટલી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર છે તે જોવા મળશે. #indianFood પર ક્લિક કરો તો તેની ૧૨.૨ મિલિયન પોસ્ટ ધરાવતું એક પેજ ખૂલે! તેમાં તમે ઓલમોસ્ટ એન્ડલેસ સ્ક્રોલિંગ કરી શકો.
  • આ પેજ પર આપેલું ‘ફોલો’ બટન ક્લિક કરો તો તમારી હોમફીડમાં ઇન્ડિયન ફૂડને સંબંધિત કેટલીક ટોપ પોસ્ટ જોવા મળતી રહે. તમને ગમતા વિષયો સર્ચ કરી, તેના હેશટેગને ફોલો કરી જુઓ!

હવે આગળની વાત માત્ર ટાઇમપાસ માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા અને માર્કેટિંગ માટે જાતે જ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા એમ બંને પ્રકારના લોકોને ધ્યાનમાં રાખીને કરીએ. ઇન્સ્ટાગ્રામ પર એક્વિટ હેશટેગ્સની કોઈ લિમિટ નથી, પરંતુ ઇન્સ્ટાગ્રામ સૂચવે છે કે તેના યૂઝર્સ કન્ટેન્ટને કેટલાક મુખ્ય પ્રકારના હેશટેગ્સમાંથી કોઈ ને કોઈ પ્રકારનું હેશટેગ આપે, જેમ કે…

પ્રોડક્ટ અથવા સર્વિસનું હેશટેગ: તમારી પ્રોડક્ટ કે સર્વિસ કઈ છે એ દર્શાવતું બેઝિક હેશટેગ. જેમ કે #kurtis કે #ieltscoaching.

‘નીશ’ હેશટેગ: જે કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવે છે તે ચોક્કસ કઈ ઇન્ડસ્ટ્રીનું છે એ દર્શાવતું હેશટેગ. જેમ કે #travelphotographer કે #foodbloger

કમ્યુનિટી હેશટેગ્સઃ આ પ્રકારના હેશટેગ ઇન્ડસ્ટ્રીને સંબંધિત જ છે પરંતુ તેમાં ઇન્ડસ્ટ્રી ને બદલે જે તે ટોપિકમાં રસ ધરાવતા લોકોની કમ્યૂનિટી સાથે કનેક્ટ થવા પર વધુ ફોકસ છે. જેમ કે #foodiesofinstagram કે  #gardenlovers

ઇવેન્ટ સંબંધિત હેશટેગઃ તમારું કન્ટેન્ટ કોઈ પણ ઇવેન્ટને સંબંધિત હોય તો તેને લગતું હેશટેગ આપી શકાય. જેમ કે  #blooddonorsday કે  #worldyogaday.

લોકેશન સંબંધિત હેશટેગ્સઃ ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટનું ઓટોમેટિક જિઓ-ટેગિંગ કરી શકાય છે. એટલે કે આપણે જે લોકેશન પરથી કન્ટેન્ટ પોસ્ટ કરીએ તેનું લોકેશન આપોઆપ પોસ્ટમાં ઉમેરાઈ જાય. પરંતુ એ ઉપરાંત આપણે લોકેશન સંબંધિત હેશટેગ્સ ઉમેરી શકીએ. જેમ કે #rangilurajkot જેવું કંઈક હેશટેગ.

આ સિવાય જુદા જુદા શબ્દોના એક્રોનિમ કે શોર્ટફોર્મનો પણ હેશટેગ તરીકે ઉપયોગ કરી શકાય. જેમ કે #TBT (ThrowbackThursday), #OOTD (Outfit of the day) કે #YOLO (You only live once). જો તમે ઇન્સ્ટાગ્રામ જનરેશનના ન હો તો આ પ્રકારના બધા હેશટેગ તમારા માથા પરથી જાય!

સાતેય વારના સ્પેશિયલ હેશટેગ્સ!

ઇન્સ્ટાગ્રામ પર તમે ખાસ્સા એક્ટિવ હશો તો આ વાત તમે જાણતા જ હશો, બાકી તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ઇન્સ્ટાગ્રામ પર સપ્તાહના સાતેય વારના હેશટેગ પણ ખાસ્સા ટ્રેન્ડી છે. ઇન્સ્ટા પર સર્ચ બોક્સમાં # સાથે કોઈ પણ વાર લખી જુઓ. જેમ #sunday કે #thursday. મૂળ વારના નામના હેશટેગ ઉપરાંત જે તે વારને સંબંધિત જુદા જુદા ઘણા હેશટેગ તમને જોવા મળશે. આનું એક સૌથી પોપ્યુલર એક્ઝામ્પલ એટલે #throwbackthursday.

માત્ર ઇન્સ્ટાગ્રામ પર નહીં સમગ્ર સોશિયલ મીડિયા પર આ હેશટેગ ખાસ્સું પોપ્યુલર છે. લોકો ‘નોસ્ટાલ્જિક મૂડ’ ધરાવતા એટલે કે પોતાના વર્ષો જૂના ફોટોગ્રાફ્સ ફરી શોધી કાઢીને શેર કરે ત્યારે બને ત્યાં સુધી એવી પોસ્ટ ગુરુવારે પોસ્ટ કરવાની કાળજી લે છે, જેથી તેને #throwbackthursday હેશટેગ આપી શકાય!

રતન ટાટા જેવા વડીલ પણ શુક્રવારે પોતાનો કોઈ જૂનો ફોટો શેર કરે, તો સાથોસાથ લખે કે ‘‘મને શીખવવામાં આવ્યું છે એમ આ ફોટો મારે ગુરુવારે પોસ્ટ કરવો જોઈએ, પણ આવતા ગુરુવાર સુધી હું રાહ જોઈ ન શક્યો, એટલે આજે!’’

  • #mondaymotivation
  • #tuesdaythoughts
  • #wellnesswednesday
  • #throwbackthursday
  • #fridayfeeling
  • #saturdaynight
  • #sundayfunday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!