(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટ પર શું સર્ચ ન કરવું જોઈએ?

હમણાં હમણાં ચેટજીપીટીની જોરદાર ચર્ચા ચાલે છે અને આપણે ‘સાયબરસફર’માં તેના વિશે અવારનવાર, વિગતવાર વાત કરી છે. આ ચેટબોટને આપણે કંઈ પણ પૂછીએ તો તે પોતાની રીતે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ વિવિધ માહિતી ફંફોસી તેમાંથી અર્થ તારવીને પોતાની રીતે સારાંશ કાઢીને આપણને બતાવે છે. આપણે વાત કરી ગયા છીએ કે આ ચેટબોટ પર હજી બહુ ભરોસો મૂકવા જેવો નથી.

આમ પણ, ઇન્ટરનેટ ઉપલબ્ધ કોઈ પણ માહિતી પર આંખ મીંચીને ભરોસો કરી શકાય નહીં. ઇન્ટરનેટ પરથી આપણે સામાન્ય રીતે ગૂગલ, વિકિપીડિયા કે સોશિયલ સાઇટ્સની મદદથી જોઇતી માહિતી સર્ચ કરીએ છીએ. વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, યુટ્યૂબ જેવી એપમાં વિવિધ પ્રકારની માહિતી વગર માગ્યે આપણી સામે આવતી હોય છે. આ બધા પ્રકારના સ્રોતમાં મળતી માહિતીને જુદી જુદી રીતે ચકાસ્યા કર્યા પછી જ તેના પર વિશ્વાસ મૂકવા જેવું છે.

આમ છતાં હજી પણ ઘણા લોકો ‘ગૂગલમાં આવ્યું છે એટલે સાચું જ હોય ને’ એવું માનતા હોય છે. હકીકતમાં ગૂગલમાં સર્ચ કરવાથી જે રિઝલ્ટ્સ મળે તે ગૂગલનાં નહીં, અનેક વેબસાઇટ્સનાં હોય છે, જેમાં કોઈ પણ, કંઈ પણ લખી શકે છે.

ગૂગલ, વિકિપીડિયા, સોશિયલ મીડિયા વગેરેમાં અમુક ખાસ પ્રકારની માહિતી ક્યારેય સર્ચ ન કરવી જોઈએ અને જો સર્ચ કરીએ તો પણ તેના પર આંધળો વિશ્વાસ ન મૂકવો જોઇએ. આવી કેટલીક બાબતો પર નજર ફેરવી લઈએ.

હવે લગભગ તમામ ડોકટર્સને આ વાતની ભારે અકળામણ છે કે તેમના દર્દીઓ પોતાના રોગનાં લક્ષણો તો ઠીક તેની સારવાર અને દવા સુદ્ધાં વિશે ગૂગલ પર સર્ચ કરીને પછી ડોકટરને મળવા આવે છે! ગૂગલ કે વિવિધ સોશિયલ મીડિયામાં જોવા મળતી મેડિકલ ઇન્ફર્મેશન પર ક્યારેય ભરોસો કરવા જેવું નથી – ગૂગલ ડોકટર નથી.

દરેક વ્યક્તિની બીમારી અને તેની સારવાર તેના નિશ્ચિત સંજોગોને આધિન હોય છે. ઇન્ટરનેટ પર જે કંઈ જોવા મળે છે તે તદ્દન જનરલાઇઝ્ડ હોય છે. જાણીતી હોસ્પિટલ કે આરોગ્ય સંસ્થાની વેબસાઇટ કે સોશિયલ પેજિસ પર આપવામાં આવેલી માહિતી પર ચોક્કસ વિશ્વાસ મૂકી શકાય, પરંતુ સોશિયલ સાઇટ્સ પર વ્યક્તિગત રીતે અપાતા નુસખા બહુ જોખમી બની શકે.

સમગ્રપણે જોઇએ તો ઇન્ટરનેટ પર શેરબજાર કે મૂડીરોકાણના અન્ય વિકલ્પો વિશે વિસ્તૃત માહિતી આપતી અનેક સાઇટ્સ છે. તેમાંથી ઘણીમાં એકદમ એક્સપર્ટ એનાલિસિસ પણ હોય છે. આપણે જો આ વિષયના જાણકાર ન હોઇએ તો આવા એક્સપર્ટ ગાઇડન્સ પર ચોક્કસ વિશ્વાસ મૂકી શકીએ. પરંતુ તેની સાથોસાથ ઇન્ટરનેટ પર આપણને ગેરમાર્ગે દોરે તેવી અધકચરી કે ખોટી માહિતીનો પણ તોટો નથી. મૂડીરોકાણ બાબતે આપણે એટલા જાણકાર તો બનવું જ રહ્યું કે માહિતીના ક્યા સ્રોત પર વિશ્વાસ મૂકવો અને ક્યા પર નહીં તે આપણે પોતે નક્કી કરી શકીએ.

એ જ રીતે, લોન વિશે સર્ચ કરવા જતાં જે જાહેરાતો જોવા મળે એ બધેબધી ભરોસાપાત્ર ન પણ હોય, પૂરી સાવચેતીથી આગળ વધવું જરૂરી બને.

ઇન્ટરનેટ પર જેટલા પ્રમાણમાં સાચી માહિતી છે તેનાથી અનેકગણા વધુ પ્રમાણમાં ખોટી માહિતી છે. ચીનમાં કોરોનાની સ્થિતિ હોય, યુક્રેન-રશિયાનું યુદ્ધ હોય, કોરોનાની રસી હોય કે પછી ચૂંટણી સમયના ગપગોળા – દરેક મુદ્દા વિશે ‘હકીકત બહાર આવતી જ નથી, ખરેખર તો આ એક મોટું કૌભાંડ છે’ એ પ્રકારની ‘કોન્સિપરસી થીયરી’ ચલાવનારા અથવા ‘દાળમાં બધું કાળું જ છે’ એવું ગાઇવગાડીને કહેનારા અનેક લોકો હોય છે.

ખાસ કરીને સોશિયલ મીડિયા આવી વાતોને જબરજસ્ત હવા આપે છે. આપણે એક વાર તેને સંબંધિત કંઈ સર્ચ કરીએ, કોઈ પોસ્ટને ક્લિક કરી બેસીએ તો એવી વધુ ને વધુ પોસ્ટ, વીડિયો વગેરે આપણને બતાવવામાં આવે અને આપણે તેને જ હકીકત માનવા લાગો તેવું બની શકે!

જે રીતે દવાઓ વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરવું ન જોઇએ કે કમસે કમ જે વિગતો મળે તેને આંધળી રીતે સાચી માનવી ન જોઇએ, એ જ રીતે વિવિધ કેમિકલ સંબંધિત માહિતી ઇન્ટરનેટ પર જોવા મળે તો તેનું આંધળું અનુકરણ કરવામાં જોખમ છે. યુટ્યૂબ પર કે અન્ય સોશિયલ મીડિયાઓમાં જાતભાતના ઘરેલુ નુસખાઓ દર્શાવતા વીડિયો કે પોસ્ટનો કોઈ તોટો નથી. ઓવર ધ કાઉન્ટર મળતા કેમિકલ્સની મદદથી દાંત ચમકાવવા, કપડાં કે ટાઇલ્સ પરના ડાઘ કાઢવા જેવા જાતભાતના નુસખા ઇન્ટરનેટ પર બેફામ શેર થતા હોય છે.

દવાઓની જેમ કેમિકલ્સ પણ નિશ્ચિત સ્થિતિ અને સંજોગોને આધિન હોય છે. જો ગફલતથી આપણે બે જોખમી પ્રકારના કેમિકલ્સ ભેગા કરી દઇએ તો એ આપણને ભારે પડી શકે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!