
ઇન્ટરનેટ સર્ફ કરતી વખતે તમે ઘણી બધી વાર જુદી જુદી એરર્સનો સામનો કરતા હશો. આપણે કંઈક સારું કન્ટેન્ટ જોવા કે વાંચવા મળશે એમ માનીને લિંક પર ક્લિક કરીએ ત્યાં એરર ભટકાય! કેમ થાય છે આવી એરર્સ? થોડા ઊંડા ઊતરીએ.
400 Bad Request

આપણે કોઈ વેબપેજનું યુઆરએલ લખીએ અને આવી એરર જોવા મળે તો તેનો અર્થ એ છે કે કાં તો આપણે યુઆરએલ લખવામાં સ્પેલિંગની કોઈ ભૂલ કરી છે અથવા તો સ્લેશ કે ડેશ જેવી નિશાનીઓ કરવામાં કંઈક ભૂલ કરી છે, પરિણામે આપણે જે વેબપેજ ઓપન કરવા માગતા હોઇએ ત્યાં સુધી પહોંચી શકતા નથી. તે પેજ ઓપન થતું નથી.
401 Unauthorized

ઘણી વાર એવું પણ બને કે કોઈ વેબસાઇટ પરના બધાં પેજિસ પબ્લિક માટે ઓપન ન પણ હોય. અમુક પેજ એક્સેસ કરવાની પરમિશન માત્ર અમુક લોકોને હોય. આવા પેજ સુધી પહોંચવાની લિંક ઇન્ટરનેટ પર જુદી જુદી જગ્યાએ ઉપલબ્ધ હોઈ શકે છે.
આપણે તેના પર ક્લિક કરીએ તો એ પેજ પર પહોંચીએ ખરા પરંતુ પેજ એક્સેસ કરવાની આપણને મંજૂરી ન હોવાથી આવી એરર બતાવવામાં આવે છે.
403 Forbidden

આવી એરર કંઈક અંશે અનઓથોરાઇઝ્ડ એક્સેસ જેવી જ એરર છે. પરંતુ એ વેબપેજ સુધી આપણે ન પહોંચી શકીએ તેનું કારણ જુદું હોય છે. કોઈ વાર આપણા કમ્પ્યૂટરની ફાયરવોલ સિસ્ટમે એ વેબસાઇટ બ્લોક કરી હોય અથવા તો એ વેબસાઇટ હજી લાઈવ થઈ જ ન હોય અને આપણે તેને એક્સેસ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે આ એરર જોવા મળે.
404 Not Found

ખાસ કરીને બહુ મોટા પ્રમાણમાં પેજિસ ધરાવતી સાઇટ્સ પર આવી એરર જોવાની શક્યતા વધુ હોય છે. મોટા પ્રમાણમાં આર્ટિકલ્સ કે પેજિસ ધરાવતી વેબસાઇટ્સમાંનાં પેજ ડિલીટ કરવામાં આવ્યા હોય કે તેનું એડ્રેસ બદલવામાં આવ્યું હોય તો પણ સાઇટ પર કે અન્ય જગ્યાએ શેર થયેલ એ વેબપેજનું એડ્રેસ જૂનું જ રહી ગયું હોય. પરિણામે આપણે એ જૂની લિંક પર ક્લિક કરીએ તો એ પેજ મળતું નથી એવી દર્શાવતી એરર જોવા મળે છે.
500 Internal Server Error

અત્યારે સુધી આપણે જે કોઈ એરરની વાત કરી તેમાં મોટા ભાગે આપણા તરફથી થતી ભૂલ જવાબદાર હોય છે. પરંતુ દર વખતે આપણી ભૂલ ન પણ હોય!
ક્યારેક એવું પણ બને કે વેબસાઇટના પેજિસ જ્યાં સ્ટોર થયા હોય તે સર્વરમાં કંઈક ગરબડ સર્જાઈ હોય.
હાર્ડવેરમાં ફેલ્યોર, સોફ્ટવેરમાં ખામી કે પછી કન્ફિગરેશનમાં કંઈક મુશ્કેલીને કારણે એવું થઈ શકે છે કે આપણે જે પેજ પર પહોંચવા માગતા હોઇએ એ પેજ સર્વર પર હોય છતાં આપણને બતાવી શકાતું ન હોય.
ત્યારે આવી ઇન્ટરનલ સર્વર એરર દર્શાવવામાં આવે છે.
502 Bad Gateway

આ પ્રકારની એરર પણ ઇન્ટરનલ સર્વર એરર જેવી જ વાત છે. આપણે જે પેજ પર પહોંચવા માગતા હોઇએ તેનું કન્ટેન્ટ જુદા જુદા સર્વર વચ્ચે વહેંચાયેલું હોય અને એ બે સર્વર વચ્ચેની આપ-લેમાં કોઈ ખામી સર્જાય ત્યારે આવી એરર જોવા મળી શકે છે.
503 Service Unavailable

ફરીથી, આમાં પણ સર્વરના પક્ષે જ ખામી છે. બધાં સર્વર ચોવીસેય કલાક કાર્યરત ન પણ રહી શકે. જ્યારે સર્વર પર મેન્ટેનન્સની કામ ચાલી રહ્યું હોય કે હાર્ડવેર/સોફ્ટવેર સંબંધિત કંઈક તકલીફ ઊભી થઈ હોય ત્યારે સર્વર કામચલાઉ રીતે ઉપલબ્ધ રહેતું નથી. આવી સ્થિતિમાં આપણે એ સર્વર પરના વેબપેજ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ ત્યારે આવી એરર જોવા મળે છે.
થોડી બીજી વાત…
અહીં જણાવેલી બધી એરરમાં એક ચોક્કસ પેટર્ન તમે પારખી શક્યા? જે એરર્સમાં આપણે પક્ષે કંઈક ભૂલ થતી હોય તેનો નંબર ૪થી શરૂ થાય છે જ્યારે સર્વરના પક્ષે કંઈક ભૂલ હોય તેની એરર્સના નંબર ૫થી શરૂ થાય છે. વાસ્તવમાં સર્વર કે વેબપેજ સંબંધિત જુદી જુદી ટેકનિકલ એરર્સને ૧ થી ૫ નંબરની સીરિઝથી દર્શાવવામાં આવે છે.
- 1XX — Informational Responses
- 2XX — Success Responses
- 3XX — Redirection Responses
- 4XX — Client Error Responses
- 5XX — Server Error Responses
આપણે આવી એરરનો સામનો કરીએ ત્યારે તેના ઉપાય તરીકે કેટલાંક પગલાં લઈ શકીએ છીએ જેમ કે…
- જો આપણે કોઈ લિંક પર ક્લિક કરવાને બદલે જાતે એડ્રેસ ટાઇપ કર્યું હોય તો તેમાં કંઈ સ્પેલિંગની કે નિશાનીઓની ભૂલ કરી નથી ને એ તપાસી શકાય.
- કમ્પ્યૂટરમાં કંટ્રોલ+એફપ ક્લિક કરીને અથવા મોબાઇલમાં સ્ક્રીન પર ઉપરથી નીચેની તરફ સ્વાઇપ કરીને પેજ રિફ્રેશ કરી શકીએ છીએ. એ સિવાય બ્રાઉઝરના સેટિંગમાં જઇને જે તે વેબસાઇટની જમા થયેલી કેશ ક્લિન કરીએ તો પેલી એરર દૂર થાય અને પેજ ઓપન થઈ શકે છે.
- એવું પણ બને કે આપણા ઇન્ટરનેટ કનેકશનમાં જ કંઈક ખામી સર્જાઈ હોય, તેને ચેક કરી શકાય.
- આપણે જે બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોઇએ તેની કોઈ ખામીને કારણે કોઈ એરર આવતી હોય તેવું પણ બની શકે. આવી સમસ્યાની શક્યતા દૂર કરવા માટે બ્રાઉઝર બદલીને જે તે વેબપેજ એક્સેસ કરવાનો પ્રયાસ કરી શકાય.
- લાંબા સમયથી બ્રાઉઝર અપડેટ ન કર્યું હોય તો આવું થઈ શકે, અપડેટ કરીને પ્રયાસ કરી શકાય.
- બ્રાઉઝરની જેમ આપણા ડિવાઇસમાં પણ કંઈક ખામી હોય તેવું પણ બની શકે. તેને બદલીને પણ પ્રયાસ કરી શકાય.


