
તમે ક્યારેય તમારા રસોડામાં ગરમાગરમ ભજિયાં તળાતાં હોય અને તવા પરથી તાજાં ભજિયાં પ્લેટમાં ઠલવાતાં હોય ત્યારે તેના ફોટોગ્રાફ તમારા સ્માર્ટફોનથી લીધા છે?!
ન લીધા હોય તો હવે ટ્રાય કરી જુઓ (એ બહાને ભજિયાં પણ મળશે!). ફોટોગ્રાફ લો ત્યારે ફટાફટ શટર બટન પ્રેસ કરી દેવાને બદલે, સ્માર્ટફોનમાંની કેમેરા એપમાંનાં એક્સ્ટ્રા મોડ પણ તપાસી જોજો. તમને કદાચ ‘ફૂડ’ મોડ જોવા મળશે (ફોન સેમસંગનો હશે તો તો અચૂક).
ભજિયાંના ફોટોગ્રાફ પહેલાં નોર્મલ મોડમાં, પછી આ ‘ફૂડ’ મોડમાં લઈ જુઓ ને પછી પરિણામ તપાસો. ફૂડ મોડ ઓન કરીને ભજિયાં પર કેમેરા ધરશો એ સાથે ભજિયાના રંગઢંગ બદલાઈ જશે, સાવ સાદો ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા જેવો આકર્ષક બની જશે અને ભજિયાં નરી આંખે દેખાતાં હશે એના કરતાંય વધુ આકર્ષક ફોટોગ્રાફમાં દેખાશે!
આવું કેમ થાય છે? ‘
સ્માર્ટફોનથી ફોટોગ્રાફી હવે સાવ સહેલી બની છે, પરંતુ એસએલઆર કેમેરાની હરીફાઈમાં એક મોટો અવરોધ છે.
ફૂડ’ મોડથી એ તો ખરું, પણ આવા જુદા જુદા મોડ પાછળ સ્માર્ટફોનના કેમેરામાં લાંબા સમયથી ઘૂસી ગયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) જવાબદાર છે. એઆઇ હજી એટલી પાવરફુલ નથી બની કે ફૂડ ડિશ જોતાંવેંત એ ‘સમજી’ જાય કે ફૂડનો ફોટોગ્રાફ લેવાઈ રહ્યો છે, કલર વધુ પાવરફુલ બનાવવાના છે. આપણે પોતે ‘ફૂડ’ મોડ સિલેક્ટ કરવા જેટલી ‘મહેનત’ કરવી પડે છે.
પરંતુ એ હકીકત છે કે સ્માર્ટફોનમાં એઆઇને કારણે અસલી-નકલીની એટલી જબરજસ્ત ભેળસેળ થઈ છે કે બંને વચ્ચે સ્પષ્ટ તફાવત જ રહ્યો નથી, એટલું જ નહીં, એઆઇથી ફોટોગ્રાફમાં જે પરિણામ મળે છે તેને અસલી કહેવા કે નકલી એ પણ કહેવું મુશ્કેલ થઈ ગયું છે.
સ્માર્ટફોનમાં પૂરતી સ્પેસ ન હોવાથી હાર્ડવેરની બાબતે એસએલઆર કેમેરા જેવાં રિઝલ્ટ મળવાં મુશ્કેલ છે.
હમણાં સેમસંગના એસ૨૩ અલ્ટ્રા ફોનના કેમેરાથી ચંદ્રનો ફોટોગ્રાફ લેવાના મામલે, અસલી-નકલીનો હોબાળો ફરી જાગ્યો છે. એની આગળ વાત કરી છે, પણ એ પહેલાં, વેકેશન આવી પહોંચ્યું છે ત્યારે ટુરમાં ફોટોગ્રાફી સમયે કામ લાગે એ માટે સ્માર્ટફોન ફોટોગ્રાફી પર આપણે થોડું ફોકસ કરીએ!
ઉપાય તરીકે વિવિધ કંપની ફોનના કેમેરેમાં એઆઇનો ઉપયોગ વધારી રહી છે, પરિણામે ફોટોગ્રાફીની વ્યાખ્યા જ બદલાઈ રહી છે!
આપણને ફોટોગ્રાફીનો ઊંડો શોખ હોય અને એસએલઆર કેમેરાથી આપણે ફોટોગ્રાફી કરતા હોઈએ તો જુદી વાત છે, બાકી સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરતી વખતે મોટા ભાગે આપણે ‘ઓટો મોડ’થી આગળ કશું કેમેરાના સેટિંગ્સમાં તપાસતા હોતા નથી. જો તપાસીએ તો ઘણું નવું જાણવા મળે. કારણ એટલું જ કે સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પાસે પોતાના ફોનને અન્યથી અલગ પાડવા માટે મોટા ભાગે એક જ મુદ્દો હોય છે – તેનો કેમેરા! આથી તે પોતાના કેમેરામાં જાતભાતના મોડ અને ફીચર્સ ઉમેરતી રહે છે.
અહીં જુદી જુદી કંપનીના ફોનમાં જોવા મળતા, મોટા ભાગે એઆઇ આધારિત વિવિધ મોડ અને ફીચર્સની વાત કરી છે.
તમારા ફોનમાં એ બધા એક સાથે જોવા નહીં મળે, તેમ અમુકમાં એ જુદા નામથી હોય એવું પણ બની શકે. આમાંથી અમુક મોડ ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરતાં પહેલાં સિલેક્ટ કરવાના રહેશે અને અમુક ફીચર્સ ફોટો/વીડિયો કેપ્ચર થઈ ગયા પછી કામ લાગશે. વેકેશન સાવ નજીક છે ત્યારે ક્યાંક ટુરમાં ઉપડો તે પહેલાં તમારા ફોનના કેમેરામાંનાં આ વિવિધ ફીચર્સ તપાસી લેશો તો ફોટોગ્રાફી કરવાની મજા વધી જશે, એ નક્કી!
ફૂડ મોડ

લેખની શરૂઆતમાં વાત કરી તેમ કેટલાક સ્માર્ટફોનમાં ‘ફૂડ’ મોડ હોય છે, એ મોડ સિલેક્ટ કરીને પછી ફોટોગ્રાફ લેવામાં આવે તો કેમેરાની એઆઇ સિસ્ટમ ફૂડ ડિશનું કલર ટેમ્પરેચર વધારી દે છે અને એ રીતે રંગોના પોઇન્ટ ઓફ વ્યૂથી તેને વધુ આકર્ષક બનાવી દે છે. તમે ઇચ્છો તો કલર ટેમ્પરેચરને તમારી રીતે વધારી ઘટાડી શકો છો.
રેડ આઇ

જ્યારે ફ્લેશ સાથે ફોટોગ્રાફ લેવામાં આવે ત્યારે કેમેરા સામેની વ્યક્તિની આંખની કીકીમાં ફ્લેશની અસર પહોંચે છે અને કીકી પાછળની રક્તવાહિનીઓનું રીફ્લેક્શન ફોટોમાં આંખમાં લાલ ડોટ તરીકે દેખાય છે! હવે સ્માર્ટફોન કેમેરામાં આવી રેડ આઇ ઇફેક્ટ દૂર કરવાની સગવડ હોય છે, કેટલાકમાં પ્રી-ફ્લેશની પણ સગવડ હોય છે.
એચડીઆર

ફોટોગ્રાફી પ્રકાશ અને છાયાની રમત છે, પરંતુ આપણે નોર્મલ કે ઓટો મોડમાં ફોટોગ્રાફી કરીએ તો પ્રકાશ કે છાયામાંથી કોઈએ એક બીજા પર હાવી થઈ જાય. હાઇ ડાયનેમિક રેન્જ મોડમાં કેમેરા આપોઆપ એકથી વધુ ઇમેજ – જુદી જુદી લાઇટ ઇફેક્ટ્સ સાથે – કેપ્ચર કરે છે અને પછી તેમને એકમેક પર ઓવરલેપ કરી, પરફેક્ટ લાઇટ બેલેન્સ આપે છે!
રિઅલ ટોન

‘ગોરી ત્વચા’ – આ મુદ્દો લાંબા સમયથી ચર્ચાનો મુદ્દો બની ગયો છે. ફોટોગ્રાફીમાં પણ રંગભેદ હતો. અત્યાર સુધી, તેમાં વ્યક્તિનો ગોરો વાન અબેહૂબ ઝીલાય, પણ ત્વચાના બીજા ટોન, બરાબર હોય તેવા જ કેપ્ચર થાય નહીં. ગૂગલે તેના પિક્સેલ ૬ ફોનથી ‘રિયલ ટોન’ની સગવડ આપી છે, જે આ તકલીફ દૂર કરે છે!
નાઇટ ફોટોગ્રાફી

નાઇટ ફોટોગ્રાફી લાંબા સમયથી વિવિધ ફોન કંપની માટે મોટો ‘યુનિક સેલિંગ પોઇન્ટ (યુએસપી)’ રહ્યો છે. સામાન્ય રીતે રાત્રે, ઓછા અજવાળામાં ફોટોગ્રાફી કરવા જતાં પરિણામ સારું મળતું હોતું નથી, પણ એઆઇના ઉપયોગથી ઓછા અજવાળાનો અવરોધ દૂર કરી, સ્માર્ટફોનથી પણ શાર્પ ઇમેજ મેળવી શકાય છે.
ફેસ અનબ્લર

તમારું બાળક મોજથી રમતું હોય ત્યારે તમે તેનો ફોટોગ્રાફ કેપ્ચર કરવા જાઓ તો એ ફોટોગ્રાફ થોડો બ્લર્ડ એટલે કે ધૂંધળો આવવાની શક્યતા, કેમ કે બાળક સ્થિર ન હોય. જો તમારા ફોનમાં ‘ફેસ અનબ્લર’ ફીચર હોય તો આવી સ્થિતિમાં પણ કેમેરા કમ સે કમ બાળકનો ચહેરો શક્ય એટલો સ્પષ્ટ દેખાય તેવો ફોટોગ્રાફ આપવાની કોશિશ કરશે!
મેજિક ઇરેઝર

આ ફોટોગ્રાફ લીધા પછી કામ લાગતું ફીચર છે. ગૂગલના પિક્સેલ ફોન તથા ગૂગલ વનની પેઇડ સર્વિસ લેનારા લોકોને ગૂગલ ફોટોઝમાં એવી સગવડ મળે છે કે તેઓ ફોટોગ્રાફમાંથી વણજોઈતા ભાગ બહુ સહેલાઈથી દૂર કરી શકે છે. બીચ પર કોઈ સ્વજનનો ફોટો લીધો હોય તો તેમાં કેપ્ચર થયેલા અન્ય લોકોને સહેલાઈથી દૂર કરી શકાય!
ફોટો કટ-આઉટ

મેજિક ઇરેઝરથી બિલકુલ ઊંધી સગવડ આપતું ફીચર. એપલ અને સેમસંગના હાઇ-એન્ડ ફોનમાં આ ફીચર જોવા મળે છે. ફોટોગ્રાફમાં ગમતી વ્યક્તિ/પેટનો ક્લોઝઅપ હોય તો તેને આંગળીથી જરા લાંબો સમય પ્રેસ કરી રાખતાં, તેનો ભાગ આખી ઇમેજમાંથી કટ-આઉટ થાય અને તેને ઇચ્છીએ ત્યાં પેસ્ટ કરી, નવું બેકગ્રાઉન્ટ ઉમેરી શકાય!
પેનોરમા

હવે મોટા ભાગના કેમેરામાં આ મોડમાં ફોટોગ્રાફ લઈ શકાય છે. દરિયાકિનારે, રણમાં, પર્વતોની હારમાળા કે સિટીસ્કાયલાઇનમાં વાઇડ એંગલ શોટથી સંતોષ ન થાય તો પેનોરમા મોડમાં સ્નેપ્સ લો. સિસ્ટમ જુદા જુદા ફોટોગ્રાફને પરફેક્ટલી મેચ કરી, સ્ટીચ કરીને એક એકદમ લાંબો-પહોળો ફોટોગ્રાફ તૈયાર કરી આપશે.
બ્લર્ડ બેગ્રાઉન્ડ

ડીએસએલઆર કે એસએલઆર કેમેરાની મજા એ છે કે તેમાં કોઈ વ્યક્તિનો ક્લોઝઅપ ફોટો લઈએ ત્યારે મૂળ સબજેક્ટને શાર્પ અને બેકગ્રાઉન્ડ ધૂંધળું રાખી શકાય છે. સ્માર્ટફોનમાં આવી ઇફેક્ટ સોફ્ટવેરથી લાવી શકાય છે. જુદી જુદી જુદી કંપની આ માટે ‘લાઇવ’, ‘ફોક્સ’, ‘બોકેહ ઇફેક્ટ’ કે ‘પોર્ટ્રેઇટ’ જેવાં નામના મોડ આપે છે.
સિનેમેટિક બ્લર

તમારી પાસે આઇફોન ૧૩ કે ત્યાર પછીનો અથવા ગૂગલનો પિક્સેલ ૭ જેવો ફોન હોય તો તેમાં વીડિયોમાં એક નવું ફીચર ઉમેરાયું છે – સિનેમેટિક બ્લર! નામ મુજબ આ મોડમાં વીડિયો કેપ્ચર કરવાથી, તમે કોઈ વ્યક્તિનો વીડિયો લેતા હો તો તે શાર્પ રહે છે અને બાકીનો ભાગ થોડો ધૂંધળો થાય છે, આથી પ્રોફેશનલ વીડિયોગ્રાફી જેવી ફીલ મળે છે!
મોશન મોડ

‘ફેસ અનબ્લર’ કરતાં ઊંધી ઇફેક્ટ આપતું ફીચર. તમારું બાળક એક જગ્યાએ રમતું ન હોય, પણ ધારો કે સાઇકલ ચલાવતું હોય તો તેનો ફોટોગ્રાફ ‘મોશન મોડ’માં લેવાથી, એઆઇ ફોટોગ્રાફના બાકીના ભાગને બ્લર્ડ બનાવશે, જેથી ફોટોગ્રાફમાં મોશન કે એક્શનની ફીલ ઉમેરાય! તેમાં મૂળ સબજેક્ટ શાર્પ રહેશે, બાકીનું બધું બ્લર્ડ થશે!

મોટા ભાગની સ્માર્ટફોન મેન્યુફેકચરિંગ કંપનીની જેમ સેમસંગ તેના ફોનના કેમેરાની કેપેબિલિટીઝ વિશે ગાજવીજ સાથે જાહેરાતો કરતી રહે છે. હમણાં તેની એક જાહેરાતમાં દૂર દેખાતા ચંદ્રનો ફોટોગ્રાફ લઇ તેની શાર્પ ઇમેજ મેળવવામાં આવે છે તેવું બતાવવામાં આવે છે. એ જાહેરાત જોઈને એક યૂઝરને જરા વધુ લાગી આવ્યું. તેને લાગ્યું કે સેમસંગ આપણી સાથે નરી બનાવટ કરે છે. પોતાની વાત સાબિત કરવા માટે તેણે એક નાનો પણ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ કર્યો અને તેની આખી પ્રોસેસ પોતાના રેડિટ (reddit.com) એકાઉન્ટ પર શેર કરી.
પ્રયોગ એવો હતો કે તેણે પહેલાં સાચા ચંદ્રનો ફોટોગ્રાફ લીધો. પછી એ ફોટોગ્રાફને પોતાના કમ્પ્યૂટરના સ્ક્રીન પર લીધો. ફોટોગ્રાફ ધૂંધળો હતો જ, તેને તેણે કમ્પ્યૂટર પર વધુ ધૂંધળો બનાવ્યો. પછી એ ચંદ્રનો સેમસંગ એસ૨૩ અલ્ટ્રા ફોનથી ફોટોગ્રાફ લીધો. ફોનના કેમેરાએ પોતાની ‘કરામત’ કરવાનુ શરૂ કર્યું. થોડી જ વારમાં એ યૂઝરના ફોનના સ્ક્રીન પર ખાસ્સી વધુ સ્પષ્ટતા સાથેના ચંદ્રનો ફોટોગ્રાફ મળ્યો.
એક યૂઝરને લાગ્યું કે સેમસંગ કંપની તેના યૂઝર સાથે નરી બનાવટ કરે છે. વાત સાબિત કરવા તેણે…
યૂઝરે કહ્યું કે ‘‘જેનો ફોટોગ્રાફ લીધો એ ચંદ્રનો ફોટોગ્રાફ હતો અને એ ધૂંધળો જ હતો, તો તેમાંથી આટલી સ્પષ્ટતા કેવી રીતે મળી? મતલબ સાફ છે – સેમસંગ ચંદ્રનો ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યો છે તેવું પારખી લે છે અને પછી ફોટોગ્રાફની જગ્યાએ તેના સ્ટોકમાંનો સારી ક્લેરિટી સાથેનો ચંદ્રનો આખે આખો ફોટોગ્રાફ રિપ્લેસ કરી દે છે. મતલબ કે જોજનો દૂર રહેલી વસ્તુનો પણ સારો ફોટોગ્રાફ લઈ શકાય છે એવો સેમસંગનો દાવો તદ્દન ખોટો છે. સેમસંગ આપણી સાથે બનાવટ કરે છે.’’
આ મુદ્દો ખાસ્સી ચર્ચાનો વિષય બન્યો. જો આવું જ હોય તો તો સેમસંગના કેમેરા ફક્ત ચંદ્ર નહીં, જે કોઈ બાબતના સારા સ્ટોક ફોટો ઉપલબ્ધ હોય તે રિપ્લેસ કરીને દરેક બાબતના ‘સારા’ ફોટોગ્રાફ આપી શકે – આવી બનાવટ થાય તો ફોટોગ્રાફીની મજા શું રહે?!
થોડા સમય સુધી સેમસંગ તરફથી આ વાતનો કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નહીં. લોકોએ કહ્યું કે સેમસંગની બનાવટ પકડાઈ ગઈ પછી કંપની શું બોલે?
જોકે પછી સેમસંગે તેની કોરિયન વેબસાઇટ પર આખી વાતનો થોડો ખુલાસો કર્યો. અલબત્ત બધી વાતની ચોખવટ તો તેણે ન જ કહી. કંપનીએ કહ્યું કે તે અસલીને સ્થાને નકલી પણ બહેતર ક્લેરિટીવાળો ફોટોગ્રાફ રિપ્લેસ કરતી નથી. પરંતુ પેલા યૂઝરનો પ્રયોગ ખરેખર તો સેમસંગની કેમેરા સિસ્ટમ કેવી કરામત કરી શકે છે એ જ સાબિત કરે છે.

સેમસંગે જણાવ્યું કે જ્યારે તેના કેમેરાથી કોઈ બાબતનો ફોટોગ્રાફ લેવામાં આવે અને તેમાં પૂરતી ક્લેરિટી ન હોય ત્યારે કેમેરાની એઆઇ સિસ્ટમ ઇમેજમાં જેટલા પિક્સેલ કેપ્ચર થયા હોય એ દરેકે દરેક તપાસીને તેને બિલકુલ મેચ થતી હોય તેવી ડિટેઇલ ઉમેરે છે. આથી સૌથી પહેલાં જેવું પરિણામ કેપ્ચર થયું હોય તેનાથી ઘણું વધુ બહેતર પરિણામ મળી શકે છે.
તમને યાદ હશે કે થોડા સમય પહેલાં આપણે ફોટોશોપ પ્રોગ્રામમાં ઉમેરાયેલા આવા જ એક ‘સુપર રેઝોલ્યુશન’ ફીચરની વાત કરી હતી. તેમાં પણ, ફોટોગ્રાફમાં પૂરતી ક્લેરિટી ન હોય તો પણ ફોટોશોપ સોફ્ટવેર તેમાં વધારાની ડિટેઇલ ઉમેરી શકે છે.
મતલબ કે સેમસંગનો દાવો પણ ખોટો નથી. પરંતુ હવે ફોટોગ્રાફીના એક્સપર્ટ્સમાં આ મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ છે.
માત્ર સેમસંગ નહીં એપલ, ગૂગલ, વનપ્લસ વગેરે સારા કેમેરા માટે જાણીતી દરેક કંપનીના મોબાઇલમાં કેમેરામાં એઆઇની ભૂમિકા સતત વધતી જાય છે. મૂળ પરંપરાગત પ્રકારના સિંગલ લેન્સ રિફ્લેક્સ (એસએલઆર) પ્રકારના કેમેરામાં સ્પેસના કોઈ અવરોધ હોતા નથી. આથી તેમાં જાતભાતના લેન્સ ઉમેરીને ધારી ક્લેરિટીના ફોટોગ્રાફ મેળવી શકાય છે. સ્માર્ટફોનના કેમેરામાં જગ્યાની એટલી મોકળાશ હોતી નથી. આથી એક્સપર્ટ્સ તેમાં જુદા જુદા પ્રકારના લેન્સ એકમેકની બાજુમાં ગોઠવીને ખોટ સરભર કરવાનો પ્રયાસ કરે છે. એટલાથી ધાર્યું પરિણામ ન મળે એટલે તેઓ સોફ્ટવેર અને એઆઇની મદદ લે છે!
પરિણામે હવે એવી સ્થિતિ આવી છે કે સાદા ડીએસએલઆર કેમેરાથી પ્રોફેશનલ ફોટોગ્રાફર પોતાની કુશળતા કામે લગાડીને, કેમેરાના સેટિંગ્સમાં મેન્યુઅલ એડજસ્ટમેન્ટ કરીને જે અફલાતૂન પરિણામ મેળવી શકે, લગભગ એવું પરિણામ સ્માર્ટફોનના કેમેરાથી શીખાઉ ફોટોગ્રાફર પણ મેળવી શકે છે! સ્માર્ટફોનમાં ફોટોગ્રાફરે પોતે લગભગ કંઈ કરવાનું હોતું નથી. ફોટોગ્રાફ લેતી વખતે કે લેવાયા પછી કેમેરામાંના સોફ્ટવેર અને એઆઇ કામે લાગીને ફોટોગ્રાફમાં ધાર્યું પરિણામ આપે છે.
તકલીફ એ કે ફોટોગ્રાફી ખરેખર તો આપણને જે દેખાતું હોય તેને આબેહૂબ એ જ સ્વરૂપે કેપ્ચર કરવાની કલા છે. સ્માર્ટફોનમાં એઆઇને કારણે આ કલાનું હાર્દ જળવાતું નથી. તેનાથી સારા ફોટોગ્રાફ મળે છે, પરંતુ આપણને નરી આંખે જેવું દેખાતું ન હોય એટલા સારા ફોટા! આ વાતને સારી ગણવી કે ન ગણવી એ આપણે જ નક્કી કરવાનું.

