
અખબારોમાં આપણે અવારનવાર વાંચીએ છીએ કે કોઈ સાયબર ક્રાઇમ માટે પોલીસમાં ફરિયાદ નોંધાયા પછી પોલીસે તપાસ શરૂ કરી અને ‘આઇપી’ એડ્રેસની મદદથી આરોપીના ઘર સુધી પહોંચીને તેને ઝડપી લીધો. આવા સમાચાર વાંચીને આપણા મનમાં સવાલો જાગે કે આઇપી એડ્રેસ એક્ઝેટલી શું છે? શું તેની મદદથી કોઈ પણ વ્યક્તિનું લોકેશન જાણી શકાય?
આપણે આ બંને અને તે ઉપરાંત બોનસરૂપે બીજા કેટલાક સવાલોના જવાબ પણ જાણીએ.
આઇપી એડ્રેસ શું છે?
તમામ કમ્પ્યૂટર, સ્માર્ટફોન, ટેબ્લેટ તેમ જ દરેક વેબસાઇટ અને ઇન્ટરનેટ પરના સર્વર્સનું એક ચોક્કસ આઇપી એડ્રેસ હોય છે. આઇપી એડ્રેસનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ.
મોટા ભાગે આઇપી એડ્રેસની વાત નીકળે ત્યારે તેની સમજ સહેલી બનાવવા માટે આપણા વાસ્તવિક ઘરનું ઉદાહરણ આપવામાં આવે છે. જેમ કે, જેવી રીતે કોઈ વ્યક્તિએ આપણને ટપાલ મોકલવી હોય તો તેને આપણા ઘરનું સરનામું ખબર હોવી જોઇએ, એવી જ રીતે વળતી ટપાલ મોકલવા માટે આપણને એ વ્યક્તિના ઘરના સરનામાની જાણ હોવી જોઇએ.
આઇપી એડ્રેસની સરળ સમજ માટે આ ઉદાહરણ ચાલી શકે પરંતુ એ અધૂરું ઉદાહરણ છે. વાત ડિજિટલ હોય એટલે તેમાં કેટલીક ગૂંચવણો તો અચૂક હોવાની! આઇપી એડ્રેસની વાત પણ ઘરના સરનામાં જેવી સાદી અને સ્પષ્ટ નથી.

સૌથી પહેલાં તો એ સમજીએ કે આઇપી એડ્રેસની જરૂર કેમ છે.
ફરી, સાદી રીતે વાત કરવી હોય તો કહી શકા કે ઇન્ટરનેટ પરનો બધો કારભાર ચોક્કસ આંકડાઓથી ચાલે છે. આપણે ભલે પોતાના સ્માર્ટફોન કે કમ્પ્યૂટરના બ્રાઉઝર એડ્રેસબારમાં https://duplics.cybersafar.in/ લખીને ‘સાયબરસફર’ની વેબસાઇટ પર પહોંચીએ પરંતુ ‘સાયબરસફર’ની વેબસાઇટની ફાઇલ્સ જે સર્વર પર સ્ટોર થયેલી હોય એ સર્વર આવું ‘સાદી રીતે’ લખેલું સરનામું સમજી શકતું નથી. આથી આપણો સ્માર્ટફોન કે કમ્પ્યૂટર ‘સાયબરસફર’ની વેબસાઇટના યુઆરએલને આઇપી એડ્રેસમાં ફેરવીને સર્વરને મોકલે છે. વળતા જવાબરૂપે સર્વર આપણા સ્માર્ટફોન કે કમ્પ્યૂટરના આઇપી એડ્રેસ પર સાઇટનું કન્ટેન્ટ મોકલે છે.
મતલબ કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ બધી જ બાબતો એકમેકને સાદા શબ્દોના સરનામાંથી નહીં પરંતુ આંકડાથી બનેલાં આઇપી એડ્રેસથી ઓળખે છે.
આઇપી એડ્રેસથી લોકેશન

આપણે કોઈ વ્યક્તિના કમ્પ્યૂટર કે સ્માર્ટફોનનું આઇપી એડ્રેસ જાણતા હોઇએ તો ફક્ત એટલી વિગતથી તેમનું લોકેશન જાણવું બહુ મુશ્કેલ છે. કોઈ વ્યક્તિનો ફોન નંબર, ખાસ કરીને ઇન્ટરનેશનલ ફોર્મેટમાંનો નંબર કે એસટીડી કોડ સાથેનો લેન્ડલાઇન નંબર આપણને ખબર હોય તો કમ સે કમ એ વ્યક્તિ ક્યા દેશની હશે કે ભારતમાં ક્યા રાજ્યની હશે એટલો આપણે અંદાજ બાંધી શકીએ. પરંતુ આઇપી એડ્રેસથી એટલી પણ ખબર પડે નહીં. કેમ કે આઇપી એડ્રેસ જુદા જુદા દેશ મુજબ નહીં પરંતુ કંપની મુજબ આપવામાં આવતાં હોય છે.
આપણને એ આઇપી એડ્રેસ કઈ કંપનીનું છે અને તે કંપની ક્યાંની છે તે ખબર પડે તો આપણે આઇપી એડ્રેસથી કંઈક વધુ માહિતી મેળવી શકીએ. એટલાથી વિશેષ, ફક્ત આઇપી એડ્રેસના આંકડાથી કોઈ વ્યક્તિનું લોકેશન જાણી શકાતું નથી.
કોઈ ખાસ ટૂલની મદદ લેવામાં ન આવે, તો માત્ર આઇપી એડ્રેસની મદદથી કોઈનું સરનામું કે બીજી વિગતો જાણી શકાતી નથી.
પરંતુ જો અમુક ખાસ પ્રકારના ટૂલનો ઉપયોગ કરવામાં આવે તો આપણે આઇપી એડ્રેસ પરથી પણ તેના માલિક વિશે વધુ વિગતો મેળવી શકીએ છીએ.
આઇપી લૂકઅપ ટૂલ તરીકે ઓળખાતાં આ સાધનોની મદદથી આપણે એ આઇપીનો ઉપયોગ કરતી વ્યક્તિ ક્યા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (આઇએસપી)નો ઉપયોગ કરે છે તથા ક્યાં રહે છે તેનો કાચો અંદાજ મેળવી શકીએ છીએ. ગામડામાં આટલી વિગતોથી કોઈનું લોકેશન કદાચ જાણી શકાય પરંતુ મોટા શહેરમાં ફક્ત આટલી વિગતથી કોઈ વ્યક્તિને એક્ઝેટ લોકેશન જાણી શકાતું નથી.
તો પછી પોલીસ કેવી રીતે આઇપી એડ્રેસ પરથી આરોપીને પકડે છે?
આ સવાલનો જવાબ બહુ સાદો છે. ઉપર જાણ્યા મુજબ, આઇપી લૂકઅપ ટૂલ્સની મદદથી અમુક ચોક્કસ આઇપી એડ્રેસ ક્યા દેશમાં કઈ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીને ફાળવવામાં આવ્યું છે તે જાણી શકાય છે. આપણા કમ્પ્યૂટર કે સ્માર્ટફોનને જે આઇપી એડ્રેસ ફાળવવામાં આવે છે તે આવી કોઈને કોઈ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની તરફથી જ મળ્યું હોય છે.
પરંતુ કેટલાંક ટૂલનો ઉપયોગ કરવામાં આવે અને પાયાની માહિતી મળ્યા પછી સ્માર્ટ રીતે સર્ચ કરવામાં આવે તો ઘણું બધું જાણી શકાય.
આથી, ધારો કે ફેસબુક પર કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને નામે વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરતી હોય તો પોલીસ પહેલાં તો એ કન્ટેન્ટ ક્યા આઇપી એડ્રેસ પરથી પોસ્ટ થયું છે તે શોધે છે. એ પછી આઇપી એડ્રેસ ફાળવનારી ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપનીનો સંપર્ક કરે છે. ઇન્ટરનેટ કનેકશન મેળવવા માટે આપણે આઇએસપીને પોતાનો સરનામાના પુરાવાઓ આપ્યા હોય છે, એ રેકોર્ડ પરથી પોલીસ આરોપીને ઘર સુધી પહોંચે છે. જોકે અહીં પણ કેટલીક ગૂંચવણો છે. રીઢા ગુનાખોરો આ બધી વાતો જાણતા હોવાથી તે લોકો પોતાના આઇપી એડ્રેસ છુપાવીને પછી જ ગુનો આચરતા હોય છે. આથી પોલીસનું કામ મુશ્કેલ બને છે.
ડાયનેમિક આઇપી એડ્રેસ

આપણા કમ્પ્યૂટર કે સ્માર્ટફોન સુધી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડતા મોટા ભાગના રાઉટર ડાયનેમિક આઇપી એડ્રેસનો ઉપયોગ કરતા હોય છે. આથી આ રાઉટર જ્યારે જ્યારે રિસેટ થાય ત્યારે તે આઇએસપી તરફથી બિલકુલ નવું આઇપી એડ્રેસ મેળવે છે. પ્રાઇવસી માટે આ સગવડ ઉપયોગી છે પરંતુ તેનો બીજો એક ગેરલાભ છે. ઘણા લોકો પોતાના કમ્પ્યૂટરને જ સર્વર બનાવીને પોતાનું કન્ટેન્ટ, વેબસાઇટ કે એપ ઇન્ટરનેટ પર હોસ્ટ કરતા હોય છે. તેમનું આઇપી એડ્રેસ સ્ટેટિક ન રહે અને ડાયનેમિક બનીને સતત બદલાતું રહે તો એમની વેબસાઇટ સુધી અન્ય લોકો પહોંચી શકતા નથી.
તમે તમારા કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં what is my IP ગૂગલ કરો તો તરત જ તમારું આઇપી એડ્રેસ જાણી શકો છો. એ સિવાય તમારા કમ્પ્યૂટર કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન, ટેબલેટ, આઇફોન/આઇપેડ વગેરે ડિવાઇસમાં સેટિંગ્સમાં થોડા ઊંડા ઉતરીને તમારા ડિવાઇસનું આઇપી એડ્રેસ જાણી શકો છો.


