
ગયા મહિનાથી સ્માર્ટફોનમાંની ગૂગલ એપમાં તમને કંઇક નવું જોવા મળવા લાગ્યું હશે. એપમાં તમને પ્રયોગશાળાના બીકર જેવો આઇકન જોવા મળે તો સમજો કે તમને હવે સર્ચમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો લાભ મળવા લાગશે!
છેલ્લા એકાદ વર્ષથી ‘એઆઇ ચેટિંગ’ શબ્દો બહુ ગાજવા લાગ્યા છે, અલબત્ત તેની શરૂઆત કરનાર ઓપનએઆઇ કંપની અત્યારે ભીંસમાં છે, પણ આ પ્રકારનું ચેટિંગ હવે આપણા સુધી, આપણને જેનો રાતદિવસનો અનુભવ છે તે ગૂગલ સર્ચમાં જ મળવા લાગ્યો છે.
આમ જુઓ તો છેલ્લાં ૨૫ વર્ષમાં ગૂગલ સર્ચ એન્જિને ખરા અર્થમાં આપણી દુનિયા બદલી નાખી છે. મનમાં નાનીમોટી કોઈ પણ જિજ્ઞાસા કે સવાલ જાગે તો આપણે તરત જ ગૂગલને પૂછીએ છીએ. હવે ગૂગલ આખી વાત હજી વધુ સહેલી બનાવે છે. સર્ચમાં એઆઇને કારણે આપણે પૂછેલા સવાલના સીધેસીધા જવાબ મળવા લાગ્યા છે.
ભારતમાં અત્યારે આપણે કંઈ પણ પૂછીએ તેના એઆઇ આધારિત જવાબ ઇંગ્લિશ ઉપરાંત હિન્દીમાં પણ મળશે, તેમ જ જવાબો હિન્દીમાં સાંભળી પણ શકાશે. આ સગવડને કારણે ભારતમાં તેનો વ્યાપ ઘણો વધવાની શક્યતા છે.
અન્ય એઆઇ ટૂલ્સ પણ છે
ઓપનએઆઇ, બિંગ, ગૂગલ બાર્ડ વગેરે જાણીતાં એઆઇ ટૂલ્સ મોટા ભાગે ટેક્સ્ટ સંબંધિત બાબતોમાં વધુ ઉપયોગી થાય છે. જેમ કે આ બધાં ટૂલને આપણે કોઈ પણ વિષય પર લાંબું કે ટૂંકું લખાણ આપવાનું સૂચવી શકીએ, કોઈ પણ મુદ્દે સલાહ પૂછી શકીએ, કોઈ પણ મુદ્દે જુદા જુદા રિસોર્સ કેવી રીતે મળી શકે એ પૂછી શકીએ, ટીવી પરની જાહેરાત કે અન્ય ગમે તે પ્રકારના વીડિયો માટે સ્ક્રિપ્ટ લખાવી શકીએ, કવિતા કે અન્ય કોઈ પણ પ્રકારનું ક્રિએટીવ લખાણ લખાવી શકીએ, પ્રોગ્રામિંગ સંબંધિત પ્રોબ્લેમ્સના ઉકેલ પૂછી શકીએ.

તેની સાથોસાથ બીજી સંખ્યાબંધ કંપની પણ હવે આપણને વિવિધ રીતે એઆઇના લાભ આપવા લાગી છે. આમાંની ઘણી કંપની ઓપન એઆઇ કે માઇક્રોસોફ્ટ બિંગ કે ગૂગલ બાર્ડની જેમ વાતચીત જેવા સ્વરૂપે એઆઇનો લાભ આપી રહી છે.
તો ઘણી કંપની ઇમેજમાંથી બેકગ્રાઉન્ડ દૂર કરવું, માત્ર શાબ્દિક વર્ણનને આધારે નવી ઇમેજ ક્રિએટ કરવી, આખે આખા પ્રેઝન્ટેશન બનાવી આપવા કે જે ટેકસ્ટ આપવામાં આવે તેમાંથી વિદ્યાર્થીઓ માટે ક્વિઝ તૈયાર કરી આપવા જેવા અલગ અલગ પ્રકારના યૂઝર કેસ પણ વિસ્તારી રહી છે. આ લેખમાં હાલમાં પ્રચલિત એઆઇની સૌથી જાણીતી એપ્લિકેશન્સ ઉપરાંત અન્ય કેટલાક એઆઇ ટૂલ્સનો પરિચય આપ્યો છે.
આ બધાં ટૂલ્સ હિમશીલાની ટોચ સમાન છે. કેમ કે આવા ટૂલ્સની સંખ્યા સતત વધતી જાય છે. એ પણ ખાસ નોંધશો કે આ બધાં ટૂલ્સ પરફેક્ટ નથી એમ બધાને ઉપયોગી હોય એવું પણ નથી. પરંતુ આ બધા ટૂલ્સ આવનારા સમયમાં આપણાં રોજિંદા કે સ્ટડી-ઓફિસના કામકાજ કેવા બદલાશે તેનો પરિચય આપે છે.
આખરે ગૂગલના સર્ચ એન્જિનમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એન્ટ્રી થઈ ચૂકી છે! આ વર્ષે મે મહિનામાં ગૂગલે ‘સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ’ (એસજીઇ) તરીકે ઓળખાતું આ ફીચર ફક્ત યુએસમાં લોન્ચ કર્યું હતું અને ગયા મહિને તે ભારત અને જાપાનમાં પણ લોન્ચ થયું.
આ ફેરફાર બહુ મહત્ત્વનો છે કેમ કે ૨૫ વર્ષ પહેલાં ગૂગલે જે રીતે નવા પ્રકારે ઇન્ટરનેટ સર્ચ કરવાની સુવિધા આપીને આપણી દુનિયા બદલી નાખી, બરાબર એ જ રીતે હવે તે સર્ચની દુનિયા બદલી નાખવાની તૈયારીમાં છે.

અત્યાર સુધી આપણે મનમાં કોઈ પણ સવાલ જાગે એટલે ગૂગલનું શરણું લેતા હતા. સર્ચ એન્જિન જાણે આપણું મન કળી લેતું હોય એ રીતે આપણને સૌથી વધુ સચોટ જવાબ મળવાની શક્યતા હોય તેવાં વેબ પેજિસ તારવીને સૌથી આગળ મૂકી આપતું હતું. છેલ્લાં ૨૫ વર્ષમાં સર્ચ એન્જિનની ટેકનોલોજી સતત વિકસતી રહી છે. પરિણામે ધીમે ધીમે ગૂગલે ‘ઝીરો ક્લિક’નું લક્ષ્ય પાર પાડવા તરફ ગતિ પકડી હતી. તમારો પણ અનુભવ હશે કે આપણે ગૂગલમાં કંઈક સર્ચ કરીએ એ પછી મોટા ભાગે આપણે વિવિધ વેબપેજિસ ફેંદવા જવું પડે એવું રહ્યું નથી. જો આપણો સવાલ સાદો હોય તો તેનો સીધેસીધો જવાબ સર્ચ રિઝલ્ટ પેજ પર જ મળી જાય.

અગાઉ સર્ચ એન્જિનનું અલ્ગોરિધમ વિવિધ વેબ પેજમાં રહેલી માહિતી સતત તપાસીને જુદી જુદી અનેક ગણતરીઓને આધારે વેબપેજિસનું રેન્કિંગ કરતું હતું. આ અલ્ગોરિધમમાં ગણતરીઓ ઘણી બધી અટપટી, પરંતુ મુખ્ય આધાર વેબપેજિસમાંની ટેક્સ્ટ એટલે કે શબ્દો પર હતો. ધીમે ધીમે સર્ચ એન્જિન ટેકનોલોજી એટલી વિકસી કે સર્ચ એન્જિન શબ્દોના અર્થ પણ સમજવા લાગ્યું. એટલે આપણે કોઈ સેલિબ્રિટી વિશે સર્ચ કરીએ તો ગૂગલ સમજી જાય કે એ વ્યક્તિ છે, પરિણામે તે એ વ્યક્તિની જન્મતારીખ, માતાપિતા, પરિવારની વિગતો, ક્રિકેટર હોય તો તેના વિવિધ રેકોર્ડ, ફિલ્મસ્ટાર હોય તો તેની મૂવીઝનું લિસ્ટ, લેખક હોય તો તેમનાં પુસ્તકો વગેરે બધું સામે ચાલીને બતાવવાનું શરૂ થયું.



‘નોલેજ ગ્રાફ’ તરીકે ઓળખાતી આ ટેકનોલોજીને પરિણામે આપણને કામ લાગી શકે તેવી વિવિધ માહિતી સર્ચ રિઝલ્ટના પહેલા પેજ પર જ મળવાનું શરૂ થયું.
હવે એઆઇને પ્રતાપે આખી વાત વધુ રસપ્રદ વળાંક લઈ રહી છે. આપણે એન્ડ્રોઇડ કે આઇઓએસમાં સર્ચ એપમાં અને ડેસ્કટોપ પર ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ‘સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ’ (એસજીઇ) ફીચરનો લાભ લઈ શકીએ છીએ.
એ માટે તમારા ફોનમાં ગૂગલ સર્ચ એપ ઓપન કરો. તેમાં ઉપર ડાબી તરફ લેબનો આઇકન જોવા મળશે (જે દર્શાવે છે કે અત્યારે આ ફીચર પ્રયોગાત્મક છે!). પીસી કે લેપટોપમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરતાં, જમણી તરફ તમારા પ્રોફાઇલ પિક્ચરની બાજુમાં સર્ચ લેબનો આઇકન જોવા મળશે.
તેને ક્લિક કરતાં ‘ટ્રાય ન્યુ એક્સપરિમેન્ટ્સ ઇન સર્ચ લેબ્સ’ શીર્ષક સાથેનું પેજ ખુલશે. જો તમે ગૂગલ એકાઉન્ટથી લોગઇન ન હો તો લોગઇન થઈને આગળ વધવાનું રહેશે. અહીં એઆઇ સર્ચનો વિકલ્પ ઓન કર્યા પછી આપણા એકાઉન્ટમાં ‘સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ’ મળવાનું શરૂ થઈ જશે.
ગૂગલ સર્ચમાં જ એઆઇ આવી જવાથી, ઘણા બધા સવાલોના જવાબ માટે આપણે હવે વેબપેજિસ ફેંદવાં પડશે નહીં.
હવે પછી જ્યારે પણ તમે સ્માર્ટફોનમાં ગૂગલ એપમાં કે ડેસ્કટોપ પર ક્રોમ બ્રાઉઝરમાં આ ગૂગલ એકાઉન્ટથી લોગ્ડઇન હશો અને સર્ચ બોક્સમાં કંઈ પણ લખીને સર્ચ કરશો તો તેના એઆઇ આધારિત જવાબો મળી શકે છે. યાદ રાખશો કે બધા સવાલોના એઆઇ આધારિત જવાબો ન પણ મળે.
આ એક્સપિરિયન્સ હેઠળ ગૂગલ સર્ચ રિઝલ્ટ પેજ પર આપણા સવાલનો એઆઇ આધારિત જવાબ અલગ કલરના બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. તેમાં સ્માર્ટફોનમાં ઉપરના ભાગે અને ડેસ્કટોપ પર ડાબી તરફ આપણે જે પૂછ્યું હોય તેનો એઆઇએ તારવેલો જવાબ મળે છે. તેની સાથોસાથ આ જવાબ જેમાંથી તારવવામાં આવ્યો હોય તે જુદાં જુદાં વેબપેજિસની લિંક પણ બતાવવામાં આવે છે.
તેની નીચે વિવિધ બટનમાં ‘આસ્ક એ ફોલોઅપ’ શીર્ષક સાથે આગળનો સવાલ પૂછી શકાય છે, તેમ જ સર્ચ એન્જિન પોતે આપણા સવાલનો સંદર્ભ ધરાવતા નવા સવાલો પણ સૂચવે છે. તેના પર ક્લિક કરીને આપણે વધુ માહિતી મેળવવા તરફ આગળ વધી શકીએ છીએ.
આમ હવે આપણે માટે એઆઇ સાથે વાતચીત કરીને માહિતી મેળવવાના મુખ્ય ચાર રસ્તા ઉપલબ્ધ થયા છે (ખરેખર તો આ જ પ્રકારનાં સંખ્યાબંધ ટૂલ્સ હવે વિકસી ગયાં છે, આપણને તેમનો પૂરેપૂરો લાભ લેતાં આવડવું જોઇએ). ક્યારેક ફૂરસદે કોઈ પણ એક સવાલ ચારેય પદ્ધતિઓમાં વારાફરતી પૂછી જોજો. ચારેય પદ્ધતિ વધતા-ઓછા અંશે જુદાં જુદાં જવાબો આપશે!
આ સુવિધા હવે ગૂગલ સર્ચમાં આવી ગઈ છે, એટલે તેનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. તમને ફક્ત જવાબો મેળવવામાં રસ હોય તો એ કામ હવે ગૂગલ સર્ચ પેજ પર બહુ સહેલાઈથી અને ઝડપથી થઈ શકશે. તેની શરૂઆત માઇક્રોસોફ્ટ બિંગમાં થઈ પણ દુનિયાના લગભગ ૯૦ ટકા લોકો ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે!
બીજી તરફ જો તમે એઆઇ સાથેના ચેટિંગનો ફક્ત ટૂલ તરીકે ઉપયોગ કરીને કોઈ વિષયની માત્ર માહિતી નહીં, પરંતુ સમજ કેળવવા માગતા હો (બંનેમાં ફર્ક છે!) તો ગૂગલ બાર્ડ તમને વધુ ઉપયોગી થશે.
આ સર્વિસમાં આપણે કંઈ પણ પૂછીએ એ પછી તેને સંબંધિત માહિતી આપવા ઉપરાંત બાર્ડ એક ડગલું આગળ વધે છે.
કોઈ ઠરેલ, અનુભવી મિત્રની જેમ તે આપણને જુદી જુદી સલાહ પણ આપે છે. જેમ કે બારમા ધોરણ પછી કે ગ્રેજ્યુએશન પછી ક્યો કોર્સ કરવો જોઇએ એવું પૂછીએ તો બાર્ડ સિવાયના અન્ય ચેટિંગ એક્સપિરિયન્સમાં ફક્ત જુદા જુદા કોર્સનું લિસ્ટિંગ જોવા મળશે.
બાર્ડ તેનાથી આગળ વધશે અને આપણને સમજાવશે કે આપણી કારકિર્દીનો ઘણો બધો આધાર આપણને પોતાને ક્યા વિષયોમાં રસ છે, આપણા પરિવારની આર્થિક પરિસ્થિતિ કેવી છે વગેરે જુદી જુદી ઘણી બાબતો પર આધાર રાખે છે!
તમને આ બધાં ટૂલ્સમાંથી કયું ટૂલ વધુ ઉપયોગી લાગે છે એ તમારે પોતે જ નક્કી કરવું પડશે.
ઓપનએઆઇ

હાલનો એઆઇ સાથેનો ચેટિંગનો ટ્રેન્ડ જેણે શરૂ કર્યો તે ઓપનએઆઇ કંપનીના વેબપેજ/એપ પર જઇને આપણે જોઇતા જવાબો મેળવી શકીએ છીએ. અહીં માત્ર ચેટિંગથી જવાબો મળે છે. ફુલ ફ્લેજ્ડ સર્ચ અહીં ઉપલબ્ધ નથી.
માઇક્રોસોફ્ટ બિંગ

માઇક્રોસોફ્ટના બિંગ સર્ચ એન્જિનમાં પણ એઆઇ ચેટબોટની સુવિધા સામેલ છે, એ પણ ગૂગલની પહેલાંથી, પરંતુ તેમાં સામાન્ય સર્ચ અને એઆઇ સાથેની વાતચીત અલગ અલગ રાખવામાં આવ્યાં છે.
ગૂગલ બાર્ડ

ગૂગલ પોતે બાર્ડ નામે એઆઇ સાથે ચેટિંગની અલગ સુવિધા આપે છે. અહીં પણ ફુલ ફ્લેજ્ડ સર્ચ સુવિધા નથી. આપણે વાતચીત સ્વરૂપે જોઇતી માહિતી મેળવી શકીએ છીએ. તેમાં કોઈ જીવતી જાગતી વ્યક્તિ સાથે વાતચીત જેવો અનુભવ મળે છે. અહીં એક્સ્ટેન્શન પણ ઉમેરાઈ રહ્યાં છે.
ગૂગલ સર્ચ

હાલ જોઈએ તો વિશ્વના ફક્ત ૩ દેશના યૂઝર્સને ગૂગલ સર્ચમાં એઆઇનો અનુભવ મળી રહ્યો છે. અહીં વ્યક્તિગત વાતચીતને બદલે જોઇતા જવાબો ઝડપથી અને સહેલાઇથી તારવી આપવા પર વધુ ભાર છે. તેમાં આગળના સવાલો પણ સૂચવવામાં આવે છે.
યુટ્યૂબ સમરી વિથ ચેટજીપીટી
ચેટજીપીટી ડેવલપ કરનારી ઓપનએઆઇ કંપની તેના પ્રોગ્રામનો અન્ય કંપનીઓ વિવિધ રીતે ઉપયોગ કરી શકે તેવી સગવડ (જે ‘એપીઆઇ’ કહેવાય છે) આપે છે.
માઇક્રોસોફ્ટ બિંગ સર્ચ એન્જિનમાં ઉમેરાયેલી એઆઇ આધારિત ચેટ સર્વિસ આવી સગવડનો જ લાભ લે છે. ઓપનએઆઇની ઉદારતાનો લાભ લેતી વધુ એક સ્માર્ટ સર્વિસ એટલે આ એક્સટેન્શન.

યુટ્યૂબ સમરી વિથ ચેટજીપીટીની એક વેબસાઇટ છે પરંતુ તેનો ઉપયોગ એ વેબસાઇટ પર શક્ય નથી.
https://glasp.co/youtube-summary વેબસાઇટ પર જઇને આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર કે એપલના સફારી બ્રાઉઝર માટેનું એક્સટેન્શન ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.
એ પછી આમાંથી કોઇ બ્રાઉઝરમાં યુટ્યૂબની વેબસાઇટ પર આપણે કોઈ લાંબો વીડિયો જોઇ રહ્યા હોઇએ ત્યારે આ સર્વિસનું એક્સટેન્શન તેનો સારાંશ તૈયાર કરી આપે છે!
જેમ કે તમે જેઇઇ કે નીટ અથવા અન્ય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે કોઈ ચોક્કસ ટોપિકની તૈયારી કરી રહ્યા હો અને યુટ્યૂબ પર તેના અલગ અલગ વીડિયો જોતા હો તો તમારો સમય બચાવવા માટે આ સર્વિસ કામ લાગી શકે (ઘણા સ્માર્ટ સ્ટુડન્ટ સમય બચાવવા માટે યુટ્યૂબના વીડિયોની પ્લે સ્પીડ દોઢી કે બમણી કરી નાખતા હોય છે!)
આ બધાં ટૂલ્સ અત્યારે પરફેક્ટ નથી, પણ આવનારો સમય કેવો હશે તેની ઝલક આમાંથી ચોક્કસ મળી શકે છે.
આ સર્વિસનો કનસેપ્ટ આમ તો એકદમ સિમ્પલ છે. આપણે ચેટજીપીટીને કોઈ લાંબી ટેકસ્ટ આપીએ તો એ તેની સમરી તૈયાર કરી આપે છે. બરાબર એ જ કામ આ એક્સટેન્શન કરે છે.
હવે મોટા ભાગની વીડિયો સાથે ટેકસ્ટ સ્વરૂપે તેની ટ્રાન્સસ્ક્રિપ્ટ મળતી હોય છે. આ એક્સટેન્શન એ ટ્રાન્સસ્ક્રિપ્ટનો ઉપયોગ કરે છે અને તેમાંથી તેનો સારાંશ તૈયાર કરીને આપણને આપે છે.
એક્સટેન્શન બિલકુલ ફ્રી છે પરંતુ એ યાદ રાખવા જેવું છે કે બધા જ પ્રકારની એઆઇ સર્વિસ અત્યારે પરફેક્ટ નથી. આ બધી સર્વિસ આપણને આવનારો સમય કેવો હશે તેની ઝલક આપે છે.
યીપ્પીટી / Yippity
આ એજ્યુકેશનલ એક્ટિવિટીને સંબંધિત, એઆઇ આધારિત સર્વિસ છે.
ઘણી સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયની સમજ આપવા માટે ક્વિઝ અથવા ફ્લેશકાર્ડ એટલે કે સવાલ અને તેનો જવાબ ધરાવતા કાર્ડ બતાવવાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

ઇન્ટરનેટ પર થોડાં ખાખાંખોળાં કરીએ તો ટોપિક મુજબ ફ્લેશકાર્ડના સેટ ઓફર કરતી સંખ્યાબંધ સર્વિસ મળી આવે પરંતુ એ બધીમાં મોટા ભાગે જુદા જુદા ટીચર્સે તૈયાર કરેલા ફ્લેશકાર્ડ જોવા મળે.
આ યીપ્પીટી (https://yippity.io/) સર્વિસ થોડી અલગ છે. તેમાં ફ્રી પ્લાનમાં જોડાયા પછી ટીચર તેના ટેકસ્ટ બોક્સમાં કોઈ પણ પ્રકારનું લખાણ ઉમેરે અથવા વિકિપીડિયા કે અન્ય કોઈ પણ સાઇટ પરના કોઈ આર્ટિકલનું યુઆરએલ ઉમેરે એટલે આ સર્વિસ એ ટેકસ્ટના આધારે આપોઆપ ક્વિઝ તૈયાર કરી આપે છે.
જેમ કે આપણે વિકિપીડિયા પરથી રશિયા અને યુક્રેનના યુદ્ધ વિશેની માહિતી ધરાવતા પેજનું યુઆરએલ આ સર્વિસને આપીએ એટલે તે તેમાંથી વિદ્યાર્થીઓને પૂછી શકાય તેવા સવાલો અને જવાબો તૈયાર કરી આપે છે!
આ સર્વિસમાં દસ હજાર કેરેકટર સુધીની ટેકસ્ટ પેસ્ટ કરી શકાય છે. અને જે ક્વિઝ તૈયાર થાય તેને અન્યો સાથે શેર કરી શકાય છે.
સ્પીચીફાય / Speechify
કોઈ લાંબો વીડિયો જોતી વખતે આપણે તેની પ્લે સ્પીડ વધારીને સમય બચાવી શકીએ, તેવી જ જરૂર લાંબા લખાણને સમજવા માટે પણ ઊભી થઈ શકે.
સ્પીચીફાઇ (https://speechify.com/) નામની આ સર્વિસ એઆઇની મદદથી તેને મળેલી ટેકસ્ટને સ્પીચમાં ફેરવી નાખે છે. આપણે તેનો ઉપયોગ ગૂગલ ક્રોમ કે એજ જેવા બ્રાઉઝર કે એપલ કે એન્ડ્રોઇડ ડિવાઇસ પર કરી શકીએ છીએ. બ્રાઉઝરમાં આ સર્વિસનું એક્સટેન્શન ઉમેરીને અથવા આઇફોન કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં તેની એપ ઉમેર્યા પછી આપણે કોઈ પણ બાબતમાં લખેલી ટેકસ્ટને વોઇસ સ્વરૂપે સાંભળી શકીએ છીએ.

મતલબ કે ઇમેઇલ કે વોટ્સએપમાંના મેસેજથી માંડીને કોઈ વેબસાઇટ પરના લાંબા આર્ટિકલ કે ફેસબુક, ટ્વીટરમાંની પોસ્ટ, ગૂગલ ડોક્સમાંનું લખાણ કે પીડીએફમાંના લખાણને પણ સ્પીચમાં ફેરવી શકીએ છીએ! આ સર્વિસનો ઇંગ્લિશ ઉપરાંત અન્ય કેટલીક ભાષાઓમાં ઉપયોગ કરી શકાય છે, જેમાં હિન્દી પણ સામેલ છે. જોકે આ સર્વિસ ફ્રી નથી ફક્ત એની મફતમાં ટ્રાયલ કરી શકાય છે. અને હા, અમેરિકાના વિવાદાસ્પદ ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અવાજની અદ્દલ નકલ કરીને વોઇસ જનરેટ કરી આપતી વિવિધ સર્વિસ વિશે પણ તે આપણને જણાવે છે.
ફૂડડિશની ઇમેજ પરથી રેસિપી!
પોતે કોઈ મજાની રેસ્ટોરાંમાં બેઠા હોય અને ટેબલ પર ફેવરિટ ડિશ મૂકાય કે વરસાદ પડ્યા પછી ઘરે રાત્રે થાળીમાં ગરમાગરમ ભજિયાં મૂકાય ત્યારે, ઘણા લોકોને એ જોઈને મોમાં પાણી આવે તે પહેલાં તો આંગળીમાં સળવળાટ જાગતો હોય છે – ફટ સ્માર્ટફોન હાથમાં લઈ, ફૂડપ્લેટનો ફોટોગ્રાફ લઈ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાનો સળવળાટ!
હવે એક મિનિટ એ ફૂડપ્લેટને બાજુએ રાખીને વિચારી જુઓ કે ફૂડ ડિશિઝને સોશિયલ સર્વિસિસ પર શેર કરવાની આપણી આ રોજિંદી બની ગયેલી ટેવનું કોઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કનેક્શન થઈ શકે?
ટેક્નોલોજીના રિસર્ચ અને એજ્યુકેશન માટે જગવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)ના નિષ્ણાતોને આવું કનેક્શન દેખાયું છે. આ ઇન્સ્ટિટ્યૂટની એમઆઇટી કમ્પ્યૂટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરીએ એક એવું ન્યૂરલ નેટવર્ક તૈયાર કર્યું છે, જે ફૂડની ઇમેજ જોઈને તેની રેસિપી શોધી આપી શકે છે!

આ લેબોરેટરીએ આ વિશેનું એક વિગતવાર પેપર પણ પબ્લિશ કર્યું છે (http://im2recipe.csail.mit.edu/) આ ટેક્નોલોજી હજી પ્રાથમિક તબક્કે છે છતાં, કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કરતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આવી રહેલી ત્સુનામી માટે અત્યારથી તૈયાર રહેવા માગતા સ્ટુડન્ટ્સને આ પેપર સારું એવું ભાથું પૂરું પાડશે.
આ બંને વિષય જેમની રેન્જની બહાર છે, એમને આખી વાત સાદી રીતે સમજાવીએ તો આ લેબોરેટરીમાં વિક્સાવવામાં આવેલા આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ સિસ્ટમમાં દસ લાખ ફૂટ ફોટોઝ અને એટલી જ સંખ્યામાં રેસિપિસ ફીડ કરવામાં આવી અને સિસ્ટમને એ બંને બાબતો વારંવાર ‘સૂંઘાડી’ને તસવીરમાં દેખાતા ફૂડને આધારે, તેમાંની સામગ્રી સમજીને રેસિપીના ડેટાબેઝ સાથે તેનો તાળો મેળવવાની ટ્રેનિંગ આપવામાં આવી!
આ બધો ડેટા વિવિધ કૂકિંગ અને રેસિપી વેબસાઇટ્સમાંથી મેળવવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક નિષ્ણાતના મતે, કમ્પ્યૂટર વિઝનમાં પીપલ, પ્લેસિસ, પેટ્સ, ઓબ્જેક્ટ્સ વગેરે જેટલું ફોકસ ફૂડ પર થયું નથી, કારણ કે એ માટે ડેટા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહોતો. હવે એ ઉપલબ્ધ થયો છે.
ફૂડની ઇમેજ પરથી રેસિપી શોધવાનું તો પહેલું પગથિયું છે, એમઆઇટીના રિસર્ચર્સ એટલા માટે દિમાગ દોડાવે નહીં. એમનું લક્ષ્ય લોકોની ફૂડઇમેજીસ અને સ્વાસ્થ્યના સીધા સંબંધને આધારે, એઆઇની મદદથી લોકોના સ્વાસ્થ્ય વિશે સચોટ અનુમાનો બાંધવાનું છે!
ક્યુરિપોડ / Curipod
આજના સમયમાં લગભગ દરેક સ્કૂલ ટીચરે પ્રેઝન્ટેશન તૈયાર કરીને વિદ્યાર્થીઓને બતાવવાના હોય છે. ઘણાને આ કામ એકદમ સહેલું લાગે, તો કોઈને મુશ્કેલ. જે ટીચરને પ્રેઝન્ટેશન બનાવવું મુશ્કેલ લાગતું હોય એમને માટે (https://curipod.com/ai) સર્વિસ તૈયાર થઈ છે.

આપણે તેની સાઇટ પર પહોંચીને કોઈ વિષય સૂચવવાનો અને ક્યા ધોરણ માટે પ્રેઝન્ટેશન જોઇએ છે તે કહેવાનું. જેમ કે, ક્લાઇમેટ ચેન્જ.
તો આ સર્વિસ ૧૨-૧૩ સ્લાઇડ્સનું પ્રેઝન્ટેશન તૈયાર કરી આપે છે, જેમાં વિદ્યાર્થીઓ માટે ક્વિઝ પણ સામેલ હોય છે. પછી આપણે તેમાં જોઈતા સુધારા કરી શકીએ.
આ પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન શેર કરી તેમના જવાબો મેળવી શકાય અને તેનું એનાલિસિસ પણ કરી શકાય. અલબત્ત આ બધું ફ્રી નથી. ફ્રી પ્લાનમાં આપણે પાંચ પ્રાઇવેટ પ્રેઝન્ટેશન તૈયાર કરી શકીએ છીએ. જોકે જૂના પ્રેઝન્ટેશન ડિલીટ કરીને નવા પ્રેઝન્ટેશન તૈયાર કરી શકાય.
જે પ્રેઝન્ટેશન તૈયાર થાય જે પાવરપોઇન્ટ સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકાતું નથી. પરંતુ એજ્યુકેશનમાં ટેકનોલોજી અને એઆઇનો ઉપયોગ કઈ દિશામાં જઈ રહ્યો છે તેનો તમને અંદાજ આવી જશે!
પર્પ્લેક્સિટી / Perplexity
આ પ્રોગ્રામ ચેટજીપીટી, બાર્ડ કે બિંગમાંની ચેટની જેમ જ કામ કરે છે.
આપણે તેની સાથે વાતચીત કરીને વિવિધ પ્રકારના પ્રશ્નોના જવાબ મેળવી શકીએ છીએ. આ પ્રોગ્રામને પણ આપણે કંઈ પણ પૂછી શકીએ. તે શરૂઆતમાં ટૂંકો જવાબ આપે અને પછી એક ક્લિક સાથે આપણે વિગતવાર જવાબ મેળવી શકીએ.
અન્ય પ્રોગ્રામ કરતા પર્પ્લેક્સિટી અલગ એ રીતે છે કે તે જ્યારે આપણને જવાબો આપે ત્યારે તેણે આ જવાબો માટે ક્યા સોર્સમાંથી ઇન્ફર્મેશન મેળવી તેની યાદી પણ આપણને આપે છે (જોકે ગૂગલ સર્ચ એન્જિન સહિત અન્ય મોટા એઆઇ પ્રોગ્રામમાં હવે આ રીતે સોર્સ જણાવવાનું શરૂ થયું છે).
એ બધું ક્લિકેબલ હોય એટલે આપણે વધુ ઝડપથી માહિતી મેળવી શકીએ. એ પછી આપણે તેને ફોલોઅપ ક્વેશ્ચેન પણ પૂછી શકીએ. આ પ્રોગ્રામ ફ્રી છે. એઆઇ ચેટિંગમાં રસ હોય તો આને તપાસી શકાય!

