(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અંગ્રેજી સુધારોઃ સ્ટેપ-બાય-સ્ટેપ

તમે ઇંગ્લિશમાં કાચા છો? સ્થિતિ સુધારવાની ખરેખરી ધગશ છે? તો તમારે માટે આ સર્વિસ કામની છે. રેડી, ગેટ સેટ, ગો!

આ લેખ વાંચવાનું શરૂ કરતાં પહેલાં, એક નાનો ટેસ્ટ આપો. નીચે આપેલા સ્ક્રીનશોટમાંનાં બંને વાક્યો વારાફરતી વાંચો. પહેલું ‘ફ્રોમ ફ્રસ્ટ્રેશન…’ શીર્ષક સાથેનું વાક્ય સહેલાઈથી વાંચી ગયા અને તેના બધા શબ્દોના અર્થ તમને બરાબર સમજાયા?

બહુ સરસ! તમે આ લેખ નહીં વાંચો તો ચાલશે! પણ એ વાક્યના શબ્દે શબ્દે ગૂંચવાયા? શીર્ષકમાંના ‘ફ્રસ્ટ્રેશન’ શબ્દનો પાકો અર્થ પણ ખ્યાલ નથી? નો પ્રોબ્લેમ! દુનિયામાં આપણા જેવા અનેક લોકો છે જેમની માતૃભાષા અંગ્રેજી નથી અને તેના પર આપણું જબરું પ્રભુત્વ ન હોય તો એમાં શરમાવા જેવું કશું નથી.

પણ, આજના સમયમાં અંગ્રેજી ભાષાની સારી સમજ ન હોય તો ચાલે એવું પણ નથી. આપણે જાણતા હોઈએ કે આપણે ઇંગ્લિશમાં કાચા છીએ અને એને સુધારવા માટે કોઈ પ્રયાસ ન કરીએ એય ચાલે એવું નથી.

સ્ટુડન્ટ તરીકે આપણે કેનેડા, યુએસ કે યુકે જઈને હાયર સ્ટડીઝનાં સપનાં જોતા હોઈએ… ભારતમાં જ ઓફિસમાં આપણે ઇંગ્લિશમાં કોરસપોન્ડન્સ કરવાનું થતું હોય, આપણાં બાળકો તેમની બુક્સમાંનાં, તેમને ગૂંચવતાં વાક્યો લઈને આપણી પાસે આવતાં હોય અને એ વાંચીને આપણે પણ ગૂંચવાઈ જતા હોઈએ… તો આપણે ઇંગ્લિશની સમજ સુધારવી જ રહી.

થોડા સમય પહેલાં ગુજરાત સરકારે જાહેર જગ્યાઓનાં બોર્ડ ઇંગ્લિશ સાથે ગુજરાતીમાં પણ લખવાનું ફરજિયાત કર્યું છે ને તેની સાથોસાથ પહેલા જ ધોરણથી અંગ્રેજીનું (અંગ્રેજીમાં નહીં – બંનેમાં ફેર છે, બાંયો ન ચઢાવશો!) શિક્ષણ પણ ફરજિયાત કરવાની વિચારણા ચાલી રહી છે.

તેનો અર્થ સ્પષ્ટ છે – ગુજરાતી તરીકે આપણને માતૃભાષાનું ગૌરવ જરૂર હોવું જોઈએ, પણ ઇંગ્લિશમાં કચાશ છુપાવવા ગુજરાતીને ઢાલ બનાવીએ એ પણ ન ચાલે. ટૂંકમાં, ઇંગ્લિશ પરની આપણી પકડ ગમે તે લેવલ પર હોય, તેનાથી એક લેવલ ઉપર જવાની ધગશ હોવી જોઈએ.

મોટા ભાગે આપણે પોતાનું અંગ્રેજી કાચું હોવાનું જાણતા હોઈએ તો પણ, તેમાં સુધારો કરવાના દિલથી પ્રયાસ કરતા નથી. અંગ્રેજી શબ્દો ન સમજાય એટલે અંગ્રેજી વાંચવાનો કંટાળો આવે, પરિણામે ભાષા વધુ નબળી થતી જાય… આ વિષચક્ર છે. જો દિલથી પ્રયાસ કરવાની તૈયારી હોય તો આ સર્વિસ તમને આ વિષચક્ર તોડવામાં ઉપયોગી થશે. બસ, નિયમિતતા જરૂરી છે.

હવે સવાલ એ થાય કે એ કામ કેવી રીતે થઈ શકે? સહેલો જવાબ છે – ઇન્ટરનેટની મદદથી! રોજેરોજ આપણે સ્માર્ટફોનમાં કંઈ ને કંઈ જોતા-વાંચતા રહેતા હોઈએ છીએ, એની સાથોસાથ નાનાં નાનાં, એક્સ્ટ્રા સ્ટેપ્સ લેતા જઈએ તો પણ રોજેરોજ આપણું ઇંગ્લિશનું લેવલ સુધરતું જાય. એક બુક લઈને એને ગોખી નાખવાની આ વાત નથી – રોજેરોજ. નિયમિત રીતે. નાનાં-નાનાં સ્ટેપ્સ. બસ.

હવે સ્ક્રીનશોટમાં બીજું વાક્ય વાંચો અને તેને પહેલા વાક્ય સાથે સરખાવી જુઓ. બીજું વાક્ય ઘણું સહેલું લાગે છે?

રોજેરોજ, જુદાં જુદાં, થોડાં વાક્યોની આવી સરખામણી કરતા રહો તો તમારું ઇંગ્લિશ પણ ‘એક્સ્ટ્રીમલી વેલ’ કે ‘ઇમ્પેકૅબલ’ બની શકે!

ઇન્ટરનેટ પર આવા અનેક રિસોર્સ છે – શોધવાની અને પછી અનુસરવાની તૈયારી હોવી જોઈએ.


ટૂંકી વાત – તમે અંગ્રેજી વાક્યો વાંચતી વખતે તેના અર્થ સમજવામાં મુશ્કેલી અનુભવો છો? તો આ સાઇટ તમારે કામની છે.  આ સાઇટનુંનું મિશન આપણે જે કંઈ વાંચીએ તે સમજવામાં મદદ કરવાનું છે. તમે સ્માર્ટફોનમાં ફક્ત જુદી જુદી બાબતો જોવા-કરવાને બદલે કંઈક વાંચતા પણ હો અને એ વાંચતી વખતે જુદા જુદા અંગ્રેજી શબ્દોમાં તમે અટકતા કે અટવાતા હો તો આ સર્વિસ તમારે માટે કામની છે.

નિલ એમ. ગોલ્ડમેન નામના ઇંગ્લિશ સબ્જેક્ટના એક પબ્લિક સ્કૂલ ટીચરે પોતાને ખર્ચે આ વેબસાઇટ તૈયાર કરી છે અને પોતાના ખર્ચે તેને ચલાવે છે.

સાઇટની મુલાકાત લેતાં સમજાશે કે તેમાં આકર્ષક ડિઝાઇન જેવું ખાસ કંઈ નથી. સાઇટના ઉપયોગનાં વિવિધ પાસાં તેમણે લંબાણપૂર્વક સમજાવ્યાં છે ખરાં, પણ એ બધા લખાણ સાથે સારી ડિઝાઇનનો સાથ ન હોવાથી, શરૂઆતમાં તમે ગૂંચવાઈ શકો છો.

તેમ છતાં આ સાઇટ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સૌનૈ ઘણી ઉપયોગી થઈ શકે છે. આપણે તેના લાભ અને ઉપયોગનાં વિવિધ પાસાં સમજી લઈએ.

આ સાઇટનો હેતુ સ્પષ્ટ છે – કોઈ પણ લખાણ આપણે માટે સરળ બનાવવું, એમ કરવા માટે…

  1. સાઇટ પર જાઓ, હોમપેજ પર, ક્લાસિક લિટરેચર કે પબ્લિક ડોક્યુમેન્ટ્સમાંથી કોઈ પસંદ કરો. આ બોક્સમાં આપણું લખાણ કે કોઈ વેબપેજનું યુઆરએલ કોપી-પેસ્ટ પણ કરી શકાય. સાઇટ એ લખાણના મુશ્કેલ શબ્દોના સરળ અર્થ બતાવશે.
  2. અહીંથી આ સાઇટ પરનું કોઈ ડોક્યુમેન્ટ સર્ચ કરી શકાશે.
  3. આપણે પસંદ કરેલું ડોક્યુમેન્ટ દૂર કરવા માત્ર ‘હોમ’ બટન ક્લિક કરવાનું રહેશે.
  4. સેટિંગ્સમાં આપણે મુશ્કેલ શબ્દો અને તેના વિકલ્પે સરળ શબ્દો કેવી રીતે જોવા માગીએ છીએ તે નક્કી કરી શકીએ છીએ.

આપણે આ સાઇટ પર ઉપલબ્ધ કોઈ પણ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીએ, કોઈ વેબસાઇટ પરનું કે આપણા પોતાના કમ્પ્યૂટરમાંનું કોઈ અંગ્રેજી કન્ટેન્ટ આ સાઇટમાં કોપી પેસ્ટ કરીએ ત્યાર પછી એ લખાણને જુદી જુદી રીતે સરળ બનાવીને સમજી શકીએ છીએ.

ઉપરના સ્ક્રીનશોટમાં દર્શાવ્યા મુજબ લખાણ મુખ્ય ચાર રીતે જોઈ-તપાસી શકાય છે.

  1. પહેલી રીતમાં, મૂળ લખાણમાંના મુશ્કેલ શબ્દોને સ્થાને સરળ શબ્દો મૂકીને આખું લખાણ નવેસરથી બતાવવામાં આવે છે. તેમાં બદલાયેલા શબ્દો યલો હાઇલાઇટ કરવામાં આવે છે. હાઇલાઇટેડ શબ્દોને ક્લિક કરીને મૂળ શબ્દો જોઈ શકાય છે.
  2. બીજી રીતમાં, મૂળ લખાણ યથાવત રાખવામાં આવે છે. માત્ર આપણા લેવલ અનુસાર મુશ્કેલ શબ્દોને હાઇલાઇટ કરવામાં આવે છે (સાઇટના સેટિંગ્સમાં જઇને આપણે લેવલ બદલી શકીએ). ફરી હાઇલાઇટ શબ્દોને ક્લિક કરીને તેના સરળ અર્થ જોઈ શકાય છે.
  3. ત્રીજી રીતમાં, મૂળ લખાણ યથાવત રાખી  મુશ્કેલ શબ્દોની બાજુમાં કૌંસમાં તેના અર્થ દર્શાવવામાં આવે છે.
  4. ચોથી રીતમાં, બે કોલમમાં લખાણ દર્શાવવામાં આવે છે. પહેલી કોલમમાં લખાણ યથાવત રાખીને તેમાંના મુશ્કેલ શબ્દો એક કલરમાં હાઇલાઇટ કરવામાં આવે છે. બીજી કોલમમાં મુશ્કેલ શબ્દોને બદલે સરળ શબ્દો મૂકવામાં આવે છે અને આ રીતે બદલેલા શબ્દોને પણ બીજા કલરથી હાઇલાઇટ કરવામાં આવે છે.

તમને અનુકૂળ હોય તે મુજબનું સેટિંગ કરી શકાય.

એક શિક્ષક તરીકે અથવા સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે સજાગ માતા-પિતા તરીકે તમને ક્યારેક ને ક્યારેક એ વાતનો અફસોસ થતો હશે કે તમારા વિદ્યાર્થી કે સંતાનને વાંચવું ગમતું નથી (આવો અફસોસ ન થતો હોય તો થવો જોઇએ!).

આ સાઇટ આપણને તેને જે લખાણ આપીએ તેના મુશ્કેલ શબ્દોને બદલીને વાક્ય સહેલું બનાવી દે છે, જેથી અર્થ સહેલાઈથી સમજાય.

મોટા ભાગે આપણે આમ થવાનાં કારણોમાં ઊંડા ઊતરતા નથી. બાળકને વાંચવું ગમતું ન હોય એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે તેને આપણે જે વાંચવા આપીએ તેમાંનાં બધા શબ્દો બરાબર સમજાતા ન હોય (આ વાત મોટાંને પણ લાગુ પડે છે!). એ કારણે આપણને વાંચનમાં કંટાળો આવે. રસ ઓછો થતાં, વાંચન ઓછું થતું જાય, પરિણામે નવા નવા શબ્દો જાણવાનું, શબ્દભંડોળ વિકસવાનું બંધ થાય. છેવટે, જે ફરજિયાત વાંચવાનું થાય એ ન સમજાવાનું પ્રમાણ વધતું જાય. આ સતત ચાલતું વિષચક્ર છે અને તેને કોઈક રીતે તોડવું રહ્યું.

આ સાઇટના સર્જકનો પ્રયાસ એ છે કે સાઇટની મદદથી લોકો માટે અંગ્રેજી લખાણ વાંચવું અને સમજવું સરળ બની જાય. સાઇટના સર્જક પોતે શિક્ષક છે એટલે તેમણે ઇંગ્લિશ સબ્જેક્ટના ટીચરને ઉપયોગી થાય તેવા વિવિધ રિસોર્સ સાઇટમાં ઉમેર્યા છે. તેની મદદથી સ્કૂલમાં ઇંગ્લિશ શીખવવું સહેલું બની શકે છે અને બાળકોમાં વાંચનનો રસ જગાવી શકાય છે.

1) મુશ્કેલ વાંચન સરળ બનાવો

સાઇટનો મુખ્ય ઉપયોગ સહેલો છે. સાઇટમાં જ આપેલ વિવિધ ઇંગ્લિશ બુક્સમાંથી કોઈ પણ પસંદ કરો અને તેને ‘રીવર્ડિફાય’ કરો એટલે કે મુશ્કેલ શબ્દોને સ્થાને સરળ શબ્દો મૂકીને આખું લખાણ નવેસરથી વાંચો. અથવા પોતાનું લખાણ કે વેબપેજનું યુઆરએલ કોપી-પેસ્ટ કરો.

આગળ જણાવ્યા મુજબ તમને અનુકૂળ હોય તેવું સેટિંગ કરીને લખાણ નવેસરથી વાંચશો ત્યારે એ લખાણ સમજવું ઘણું સરળ બની જશે.

ઇંગ્લિશ ન્યૂઝ સાઇટ્સના લેખ, કોલમ વગેરેને આ રીતે સરળ બનાવીને વાંચતા રહેવાથી જનરલ નોલેજ વધશે અને ઇંગ્લિશ પરની પકડ પણ વધુ મજબૂત થતી જશે, પછી વધુ વાંચવાનો ઉત્સાહ જાગશે!

2) શબ્દો શીખવા પર ફક્સ કરો

આગળ દર્શાવેલી રીતે તમે કોઈ લખાણ સરળ બનાવીને સાઇટ પર વાંચી રહ્યા હો ત્યારે સર્વિસ પોતે આપણા લેવલ મુજબ મુશ્કેલ શબ્દો કે વાક્યપ્રયોગો હાઇલાઇટ કરીને દર્શાવે છે. આ મુશ્કેલ શબ્દને ક્લિક કરીને આપણે તેનો અર્થ જાણી શકીએ છીએ તેમજ તેનો ઉચ્ચાર સાંભળી શકીએ છીએ.

આ રીતે હાઇલાઇટ થયેલા શબ્દો સિવાયનો કોઈ શબ્દ પણ તમને મુશ્કેલ લાગે તો તેને માઉસથી કે આંગળીથી ક્લિક કરતાં એક નાનું બોક્સ ખુલશે અને તેમાં તેનો ડિક્શનરી મુજબ અર્થ જાણવા મળશે.

‘પાર્ટ્સ ઓફ સ્પીચ’ પર ક્લિક કરી, દરેક વાક્યમાં  કયો શબ્દ નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ છે તે જાણી શકાય છે!

3) ન્યૂઝ સાઇટ્સ સરળ બનાવો

આ સાઇટ પર ઉપલબ્ધ ઇંગ્લિશના ક્લાસિક લિટરેચરનું લખાણ વાંચવામાં મજા ન આવતી હોય તો ભારતની વિવિધ ન્યૂઝ સાઇટને પણ રીવર્ડિફાય કરી શકાય. તે માટે બ્રાઉઝરના બુકમાર્ક બારમાં આ સાઇટની લિંક ઉમેરી શકાય છે.

આ પેજ https://rewordify.com/helponeclick.php પર જઇને તમે તેની લિંક તમારા બુકમાર્ક પેજમાં ઉમેરી શકો છો.

એ પછી તમે કોઈ પણ ઇંગ્લિશ ન્યૂઝ વેબસાઇટ ઓપન કરીને તેમાંના કોઈ લેખના પેજ પર પહોંચો ત્યારે બુકમાર્ક બારમાં દેખાતા ‘રીવર્ડિફાય ટેકસ્ટ’ બટનને ક્લિક કરતાં ન્યૂઝ સાઇટના વેબપેજનું કન્ટેન્ટ રીવર્ડિફાય.કોમ સાઇટ પર ઓપન થશે અને તેમાં આપણા સેટિંગ મુજબ મૂળ લખાણ સરળ શબ્દો સાથે વાંચવા મળશે!

  • આ સાઇટ ઇંગ્લિશ સબ્જેક્ટના શિક્ષકે વ્યક્તિગત રીતે વિક્સાવી છે.
  • બિલકુલ ફ્રી છે. તેની કોઈ એપ નથી, પીસી/લેપટોપ કે સ્માર્ટફોનમાં https://rewordify.com/ પર જઈને તેનો ઉપયોગ કરી શકાય છે.
  • કોઈ એકાઉન્ટ ખોલાવવાની કે કોઈ પર્સનલ ઇન્ફર્મેશન આપવાની જરૂર નથી.
  • ટીચર કે સ્ટુડન્ટ તરીકે ફ્રી એકાઉન્ટ ખોલાવી શકાય. એ પછી તમે સાઇટનાં વિવિધ ફીચર્સનો વધુ લાભ લઈ શકશો – આ ફીચર્સ ખાસ તો સ્ટુડન્ટ (કે પોતે) આ સાઇટની મદદથી ઇંગ્લિશ સુધારવામાં કેવી પ્રગતિ કરી રહ્યા છે તે જાણવા માટે કામનાં છે. એ અનિવાર્ય નથી.
  • આ સર્વિસ એક રીતે ઓનલાઇન ડિક્શનરી જેવી લાગે, પરંતુ તે એનાથી ઘણું આગળ વધે છે.
  • તે મૂળ, આખા લખાણને સરળ બનાવે છે એટલે આપણે દરેક શબ્દની ગૂંચવણ વખતે ડિક્શનરી ફંફોસવી પડતી નથી.
  • સર્વિસ માત્ર મુશ્કેલ શબ્દોને સરળ સમાનાર્થી શબ્દોથી બદલતી નથી. તે એક ખરેખર સારી, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ સિસ્ટમ છે.
  • સર્વિસ મૂળ લખાણના સંદર્ભ સમજીને તેને સરળ બનાવે છે. આ મુદ્દો બરાબર સમજવા માટે https://rewordify.com/helprewordifyingengine.php પર જઈ, તેમાં છેક નીચે આપેલા એક પેરેગ્રાફને ‘રીવર્ડિફાય’ કરી જુઓ. એકબીજાને બહુ મળતા આવતા શબ્દોના સંદર્ભ પકડીને સર્વિસ લખાણને કેવું સરળ બનાવે છે તે જાતે જ જોઈ શકાશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!