અમેરિકામાં રહેતા એક વૃદ્ધ દંપત્તિને તેમના દીકરા તરફથી ફોનકોલ આવ્યો. દીકરાના ગભરાયેલા અવાજ પરથી લાગતું હતું કે દીકરો કંઈક મોટી મુશ્કેલીમાં છે. વાતચીત પરથી ખ્યાલ આવ્યો કે તેનાથી કાર અકસ્માત થઈ ગયો હતો, હવે તે ગંભીર કાયદાકીય તકલીફમાં ફસાઈ ગયો હતો અને તેને તાબડતોબ નાણાની જરૂર હતી. મા-બાપે ગમે તેમ વ્યવસ્થા કરીને પંદર હજાર ડોલર જેટલી રકમ દીકરાને મોકલી આપી…

આટલે સુધી વાંચીને તમને થયું હશે કે ઇન્ટરનેટ પર થતા ફ્રોડનું આ એક વધુ ઉદાહરણ હશે. પરંતુ આ કિસ્સામાં એક વાત બિલકુલ નવી હતી. અત્યાર સુધી આ પ્રકારના ફ્રોડમાં કોઈ વ્યક્તિના નામે બનાવટ કરવામાં આવે ત્યારે તેમના નામે, અસલી લાગે તે રીતે ઈ-મેઇલ , ટેકસ્ટ કે વોટ્સએપ મેસેજ મોકલવામાં આવે. મેસેજ જેને મળ્યો હોય એ સહેલાઈથી પારખી ન શકે કે એ મેસેજ અસલી વ્યક્તિએ મોકલ્યો છે કે નહીં, એવી ગરબડ ઊભી કરવામાં આવે, પરંતુ આખરે બધું ટેક્સ્ટ આધારિત હોય.
આપણે જે કિસ્સાની વાત કરી રહ્યા છીએ તેમાં કંઈક જુદું જ બન્યું હતું. મા-બાપે પોતાના દીકરા સાથે ફોન પર વાત કરી હતી. આખી વાતમાં ક્યાંય ટેકસ્ટની આપલેની વાત જ નહોતી. કોઈ મા-બાપ પોતાના દીકરા સાથે ફોન પર વાત કરે અને તેનો અવાજ પારખવામાં સાવ થાપ ખાય તેવું બની શકે? સામાન્ય રીતે ન બને. પરંતુ જો એ બનાવટી અવાજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી ક્રિએટ કરવામાં આવેલો ફેક વોઇસ હોય તો મા-બાપ પણ થાપ ખાઈ જાય!
ફેક ઇમેજ/વીડિયોની જેમ તદ્દન નકલી વોઇસ પણ ક્રિએટ થઈ શકે. એટલે ઠગના અવાજને આપણે સ્વજનનો અવાજ માની બેસીએ…
ફેક વીડિયો વિશે આપણે બરાબર જાણીએ છીએ. થોડા સમય પહેલાં ‘પડોસન’ ફિલ્મના પેલા લોકપ્રિય ગીતનો એક ફેક વીડિયો વાઇરલ થયો હતો. તેમાં મૂળ જૂના સમયના કલાકારોને બદલે હાલના ક્રિકેટર્સના ચહેરા ફિટ કરવામાં આવ્યા હતા, પણ કરામત પરફેક્શનની નજીક હતી. એ પ્રકારના ફેક વીડિયોની જેમ, હવે એઆઇની મદદથી ફેક વોઇસ પણ ક્રિએટ કરી શકાય છે!
અમેરિકામાં ફ્રોડનો ભોગ બનેલા પેલા વૃદ્ધ મા-બાપના કિસ્સામાં એવું જ બન્યું હતું. વોશિંગ્ટન પોસ્ટનો એક અહેવાલ કહે છે કે અમેરિકામાં હજારો લોકો તેમના કુટુંબની કોઈ નજીકની વ્યક્તિના નામે આવેલા વોઇસ કોલથી આ રીતે છેતરાઈ રહ્યા છે. માત્ર વર્ષ ૨૦૨૨માં ખોટા વોઇસ કોલને કારણે પાંચેક હજાર જેટલા લોકો ફ્રોડનો ભોગ બન્યા હતા!

