(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નવા વર્ષમાં કારકિર્દીલક્ષી નવાં લક્ષ્યો

નવા વર્ષમાં નવી સફળતા મેળવવી છે? ફક્ત નક્કી કરવાથી નહીં ચાલે, કંઈક નવું શીખવું ને કરવું પડશે.

નવું વર્ષ હંમેશાં કંઈક નવું કરવાનો અદમ્ય ઉત્સાહ લાવતું હોય છે. હવેથી રોજ વહેલા સૂઇ જઇશું, રોજ વહેલા ઉઠીશું, ચા ઓછી કરી નાખવી છે, રોજ ચાલવા જવું છે, યોગા સેશન્સ તો નક્કી કરવાં જ છે, જિમમાં જવું છે, વેઇટલોસ કરવો છે, ઓઇલી ડાયેટ કંટ્રોલ કરવો છે… ટાર્ગેટ્સ તો કંઈ કેટલાંય હોય, એ બધાં સેટ કરવાં સહેલાં, પણ પાર પાડવાં મુશ્કેલ.

સમય સતત બદલાતો રહે છે, પણ થોડા સમયથી તેણે વેગ પકડ્યો છે! આપણી કલ્પના બહારનાં પરિવર્તનો આવી રહ્યાં છે. સ્કૂલ, પછી કોલેજ, પછી નોકરી… આ ઘટમાળ હવે બદલાઈ રહી છે. હવે આ ત્રણેય તબક્કે, સાથોસાથ કંઈક નવું શીખવું પડે છે. અહીં એવી કેટલીક સ્કિલ્સની વાત કરી છે, જેમાં તમે કરિયર બનાવી શકો કે જોબમાં આગળ વધી શકો – ડિગ્રી વિના.

મોટા ભાગના લોકોનો આવો ઉત્સાહ ચાર-પાંચ દિવસ કે ચાર-પાંચ અઠવાડિયાં ટકે. પરંતુ એવું કહેવાય છે કે કોઈ એક ધ્યેય માટે તમે જિંદગીના ફક્ત છ મહિના મચી પડો, તો એ છ મહિનામાં તમારી જિંદગી બદલાઈ જાય.

અત્યારે તમે પણ કદાચ આવી જ કોઈ બાબતે, કંઈક નવું કરવાના ઉત્સાહમાં હશો. આ ઉત્સાહ ફક્ત છ મહિના માટે, સિરિયસલી, ટકાવી શકો? તો ગેરન્ટીથી તમારી જિંદગી બદલાઈ જશે.

આ ગેરન્ટી, ઉત્સાહ ન ટકવાની નિષ્ફળતા અને ઉત્સાહ ટકવાની સફળતા, બંનેના જાતઅનુભવને આધારે આપું છું!

નવી ડિજિટલ સ્કિલ્સ અને સોશિયલ મીડિયામાં નવું ફોકસ – ફક્ત આ બે બાબત નવા વર્ષમાં તમને ઘણું અપાવી શકે છે.

આગળનાં પાનાંઓમાં યંગ જનરેશન માટે ફક્ત સૂચન તરીકે કેટલાંક ટાર્ગેટ્સ આપ્યાં છે. શરૂઆતમાં જે ડિજિટલ સ્કિલ્સની વાત આલેખી છે તે સ્કૂલ-કોલેજમાં શીખવવામાં આવતી નથી, લગભગ જાતે જ શીખવાની હોય છે. તમે તમારા સ્ટડી કે જોબની સાથેસાથે તેના પર ફોકસ કરી શકો. આ બધી સ્કિલ્સ, તમારો જે પણ જોબ રોલ હોય, તેમાં કોઈ ને કોઈ રીતે ઉપયોગી થશે અથવા ફક્ત એમાં જ તમારી કરિયર બનાવી શકાય એટલી એની ડિમાન્ડ છે.

તેના પછી, સોશિયલ મીડિયાના ઉપયોગની વાત છે એ કોઈ નવાં ટાર્ગેટ નથી. તમે એનો ભરપૂર ઉપયોગ કરતા જ હશો, ફક્ત ફોકસ બદલવાનું છે. ટ્રાય કરી જુઓ, ઓલ ધ બેસ્ટ! છ મહિના પછી તમારા મેઇલની રાહ રહેશે!

અહીં જણાવેલી લગભગ કોઈ સ્કિલ સ્કૂલ-કોલેજમાં શીખી શકાતી નથી, છતાં ધારો તો એમાં જાતે જ ઘણું શીખી – કરી શકો.

આજના સમયમાં ઘણાં કરિયર ફીલ્ડ એવાં છે, જેના વિશે આઠ-દસ વર્ષ પહેલાં આપણે ખાસ કશું સાંભળ્યું પણ નહોતું. એટલે આ બધી બાબતોને આપણી સ્કૂલ-કોલેજના અભ્યાસક્રમમાં લગભગ કોઈ સ્થાન મળતું નથી. સારી વાત એ છે કે આપણે ઇચ્છીએ તો આ બધી બાબતોમાં – એકલવ્યની જેમ – જાતે જ ઘણું શીખી શકીએ છીએ. સ્કૂલ-કોલેજની સાથોસાથ આમાંથી એકાદી ડિજિટલ સ્કિલ પર ફોકસ કરશો તો ચોક્કસ લાંબા ગાળાના લાભ થશે.

(1) વીડિયો ક્રિએશન

હેડિંગ પર ધ્યાન આપજો – વાત માત્ર વીડિયો એડિટિંગની નથી, વીડિયો ક્રિએશનની છે. એડિટિંગ એક સીમિત સ્કિલ છે, ક્રિએશન તેનાથી બહોળી વાત છે. તમે જે પણ ઇન્ડસ્ટ્રીમાં હો, તેની સર્વિસ કે પ્રોડક્ટ્સ માટેનું કમ્યુનિકેશન વીડિયોના સ્વરૂપે વિઝ્યુઅલાઈઝ કરી શકો? જોનારને જકડી રાખે એ રીતે સર્વિસ/પ્રોડક્ટસનું સ્ટોરી ટેલિંગ કરી શકો છો? જો આટલું તમે કરી શકો તો તમારી ઓફિસમાં તમે ડિમાન્ડમાં રહેશો. તમારા આઇડિયાને વીડિયોમાં ફેરવવાનું કામ બીજા પાસે પણ કરાવી શકાશે. જો વીડિયો બનાવતાં પણ તમે શીખી જાઓ તો વીડિયો ક્રિએટર તરીકે ફ્રીલાન્સ કામ પણ કરી શકો.

(2) કન્ટેન્ટ રાઇટિંગ

આજના સમયની ખાસ્સી ડિમાન્ડમાં રહેતી બીજી સ્કિલ. ફેસબુક પર કંઈક લખવું અને તમારી ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટ કે સર્વિસ માટે કંઈક અલગ લખવું એ સાવ અલગ વાત છે.  એ માટે તમારે તમારા ટાર્ગેટ ઓડિયન્સની જરૂરિયાતો બરાબર સમજવી જોઈશે, આ જરૂરિયાતો તમે કે તમારી કંપની કઈ રીતે પૂરી કરી શકો તે ટૂંકાં, ક્રિસ્પ વાક્યોમાં લખતાં શીખવું પડે. વાત કહેવાની શૈલી, શબ્દોની પસંદગી, ભાષાશુદ્ધિ એ બધા પર પકડ મેળવી શકો તો માર્કેટિંગ સિવાય જનરલ કમ્યુનિકેશનમાં પણ ફાયદો થાય. અહીં પણ, આ બધી બાબતોમાં માસ્ટરી કેળવી શકો તો ફ્રીલાન્સિંગની અપાર તકો છે. બધી ભાષામાં.

(3) વોટ્સએપ માર્કેટિંગ

વોટ્સએપ પર મેસેજિસની ધડાધડ આપલે અલગ વાત છે, માર્કેટિંગ માટે તેનો ઉપયોગ બિલકુલ અલગ વાત છે. અત્યારે વોટ્સએપની બિઝનેસ એપીઆઇની સર્વિસ આપતી ઘણી કંપની શરૂ થઈ રહી છે, તમે તેનાં વિવિધ પાસાં સમજી લો તો તમારી કંપની માટે તમે ઇન્ડિસ્પેન્સિબલ બની જશો!

તમારું પોતાનું નાનું-મોટું સ્ટાર્ટઅપ હોય તો પણ આ બાબત સમજવી અનિવાર્ય છે. શરૂઆત ફક્ત વોટ્સએપ બિઝનેસ એપથી કરી શકાય, એનાં બધાં ફીચર્સ બરાબર સમજ્યા અને ઉપયોગમાં લીધા પછી આગળના સ્ટેપમાં જઈ શકાય. ધારો તો માત્ર વોટ્સએપ માર્કેટિંગનો બિઝનેસ પણ શરૂ કરી શકો.

(4) ડિજિટલ એડવર્ટાઇઝિંગ

ડિજિટલ માર્કેટિંગ કે એ઼ડવર્ટાઇઝિંગ બહુ બહોળો વિષય છે અને તેમાં ઘણાં બધાં પાસાં છે, પણ તમને તેની બેઝિક જાણકારી હોવી જોઈએ. પે-પર-ક્લિક એડવર્ટાઇટિંગ શું છે? એડ્સનો ક્વોલિટી સ્કોર કેવી રીતે નક્કી થાય? બજેટિંગ કેવી રીતે થાય? કીવર્ડ્સ કેવી રીતે નક્કી કરાય? ઓડિયન્સનું ટાર્ગેટિંગ કેવી રીતે કરાય?

આ બધાં પાસાં ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ પર માર્કેટિંગ માટે થોડાં થોડાં અલગ છે, પણ બેઝિક્સ લગભગ સમાન છે. અહીં પણ, આ બધું તમારી કંપની માટે કામે લગાડી શકો અથવા તમારી પોતાની એજન્સી શરૂ કરી, ક્લાયન્ટ્સ માટે કેમ્પેઇન્સ ચલાવી શકો.

(5) વીએફએક્સ

આ પણ એવું ફીલ્ડ જેમાં જોબ અથવા ફ્રીલાન્સિંગની સારી એવી તકો છો. આ લેખમાં જણાવેલાં લગભગ બધાં ફીલ્ડની જેમ આ વિષય સ્કૂલ-કોલેજમાં સામેલ નથી, તમે મૂળ ડિગ્રી અભ્યાસ સાથે તેને શીખી શકો. જો તમારામાં ખરેખર ક્રિએટિવિટી હોય તો તમે કોમર્સનું બેકગ્રાઉન્ડ હોય તો પણ આ હાઇલી ક્રિએટિવ ફીલ્ડમાં પોતાનું સ્થાન જમાવી શકો. મૂવીઝ, ટીવી, ઓટીટી, એડવર્ટાઇઝિંગ વગેરેમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સના જાણકારની ડિમાન્ડ સતત વધી રહી છે. પરદેશમાંથી આઉટસોર્સિંગ દ્વારા કામ મેળવતી મોટી કંપનીઓ ભારતમાં વિકસી રહી છે, ધગશ હોય તો ફીલ્ડ બહુ મોટું છે.

(6) ગ્રાફિક ડિઝાઇનિંગ

એક સમયે ક્લાયન્ટ માટે ડિઝાઇનિંગ મોંઘું હતું કેમ કે તેમાં ડિઝાઇન ઉપરાંત પ્રિન્ટિંગ અને ડિસ્પેચ કોસ્ટ બહુ આકરી હતી. હવે કમ્યુનિકેશન માટે માત્ર ડિઝાઇનિંગ જરૂરી છે, બાકીનું બધું ડિજિટલ થઈ ગયું છે! એટલે જ આ ફીલ્ડમાં કામ ખૂબ વધ્યું છે અને સારા ડિઝાઇનરની ડિમાન્ડ પણ એકદમ વધી છે. તમારા મૂળ કામમાં કોઈ પણ રીતે કમ્યુનિકેશન જરૂરી હોય, તો તમારે ગ્રાફિક ડિઝાઇનિંગની કમ સે કમ બેઝિક બાબતો જાણવી જોઈએ. હવે એવાં સંખ્યાબંધ ઓનલાઇન ટૂલ્સ પણ છે, જેનાથી ડિઝાઇનિંગ સહેલું બન્યું છે. ઇચ્છો તો તમારા પોતાના માટે ડિઝાઇન કરો અથવા એજન્સી બનાવી ક્લાયન્ટ માટે કામ કરો!

(7) વેબ ડિઝાઇનિંગ

આ ફીલ્ડમાં ભીડ બહુ વધી ગઈ છે, તદ્દન નજીવી ફીમાં વેબસાઇટ ડેવલપ કરી અાપનારા વધી રહ્યા છે, પણ ક્વોલિટી ક્યારેય આઉટડેટેડ થતી નથી, આ ફીલ્ડમાં પણ નહીં. આખી દુનિયા હવે ડિજિટલ કમ્યુનિકેશન તરફ વળી ગઈ છે ત્યારે વેબસાઇટ તમામ કમ્યુનિકેશનના એક સેન્ટર, હબ તરીકે કામ આપે છે. નાના-મોટા દરેક બિઝનેસ, સંસ્થાઓને હવે સારી વેબસાઇટ વિના ચાલે તેમ નથી. તમે તેનાં વિવિધ પાસાં સમજતા હશો તો તમારી ઓફિસ માટે બીજા પાસેથી સારું કામ લઈ શકશો, અથવા ફરી, પોતાની વેબ ડિઝાઇન એજન્સી પણ ઊભી કરી શકો છો, કેટલીય જાતનાં ઇઝી ટૂલ્સ તમારી મદદ કરશે.

(8) ડેટા એનાલિટિક્સ

અહીં સુધી જે વાત કરી એ કોઈ ને કોઈ રીતે કોર સ્કિલ – ચોક્કસ આવડત માગી લેતાં ફીલ્ડ છે – ડેટા એનાલિટિક્સમાં તમારે માત્ર તમારી બુદ્ધિ દોડાવવાની છે. દરેક પ્રકારનું કામ – સર્વિસ, મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ, સેલ્સ, માર્કેટિંગ… બધું જ આખરે તો ડેટા ડ્રીવન છે. તેમાં આંધળૂકિયાં ન થાય. ચોક્કસ ડેટા મેળવી, તેનું વિશ્ર્લેષણ કરી, આગળના નિર્ણયો લેવાના થાય. વેબસાઇટ કે ડિજિટલ માર્કેટિંગનું સાદું ઉદાહરણ લઈએ તો તેમાં ટ્રાફિક અને એડ્સ માટે થતા ખર્ચનું પ્રોપર એનાલિસિસ બહુ જરૂરી છે. તમારો રોલ કોઈ પણ હોય, ડેટા એનાલિટિક્સ અને તેનાં ટૂલ્સ તમારે સમજવાં જોઈએ.

દરેક સોશિયલ સાઇટના આગવા લાભ છે. તમે કોઈ પણ ફીલ્ડમાં હો, જે તે સાઇટ પરથી શું જોઈએ છે તે નક્કી કરી લો, તો નવા વર્ષમાં લાભયોગ છે!

લિંક્ડઇન : ફોક્સ તમારી ઇન્ડસ્ટ્રીમાં નેટવર્કિંગ પર

પ્રોફેશનલ્સ માટેની આ સોશિયલ સાઇટ બહુ પાવરફુલ હોવા છતાં, એવરેજ યૂઝર્સ તેનો ધાર્યો ફાયદો ઉઠાવતા નથી. તમે કોલેજ સ્ટુડન્ટ હો, કોલેજ પાર કરીને જોબમાં આગળ વધી ગયા હો કે પછી પોતાનું નાનું-મોટું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હોય, લિંક્ડઇન તમને તમારી ઇન્ડસ્ટ્રીમાં, તમારી જ હરોળના કે તમારી ઉપર-નીચેના લેવલના લોકોના ટચમાં રહેવામાં બહુ મદદરૂપ થઈ શકે છે.

બિઝનેસમાં નવા ક્લાયન્ટ્સ કે નવી જોબ માટે હવે નેટવર્કિંગ અનિવાર્ય છે, એ કામ માટે લિંક્ડઇન જબરજસ્ત રીતે ફીચરરીચ છે. એટલે તો, બીજી બધી સોશિયલ સાઇટ્સ લગભગ ફ્રી છે ત્યારે લિંક્ડઇન તેનાં પેઇડ વર્ઝન્સ પણ ઓફર કરી શકે છે.

લિંક્ડઇન પર તમારું એકાઉન્ટ હોય તો તેના પ્રોફાઇલ, નેટવર્કિંગ, જોબ સર્ચ વગેરે પાસાં બરાબર સમજી લો અને નેટવર્કિંગના ફોકસ સાથે, લિંક્ડઇન અને ફેસબુક અલગ છે એવી સમજ સાથે તેના પર એક્ટિવ રહેશો, તો ચોક્કસ ઉપયોગી થશે.

ટવીટર : ફોક્સ તમારી ઇન્ડસ્ટ્રીના અપડેટ્સ પર

ટ્વીટર સામાન્ય રીતે એક ભાગમાં રાજકારણીઓ, પત્રકારો, અન્ય સેલિબ્રિટિઝ અને બીજા ભાગમાં ટ્રોલર્સ માટેનું પ્લેટફોર્મ ગણાય છે.

એ સાચું પણ છે. સાદી રીતે તમે ટ્વીટર પર એકાઉન્ટ ખોલાવો અને તેમાં અન્ય લોકોની ટ્વીટ્સ સ્ક્રોલ કરતા રહો તો ભાગ્યે જ કશુંક ઉપયોગી મળે.

તમારો પણ એવો અનુભવ હોય તો ટ્વીટર પરનું તમારું ફોકસ બદલો. તમારી ઇન્ડસ્ટ્રીની લીડિંગ કંપનીઓ અને લીડિંગ પર્સનાલિટીઝને ફોલો કરવાનું શરૂ કરો. માત્ર ફોલો કરવાને બદલે, ટ્વીટરના ‘લિસ્ટ’ ફીચરનો લાભ લઈને નિશ્ચિત ટોપિક્સ કે સબ્જેક્ટ્સ માટે અલગ અલગ લિસ્ટ બનાવી લો અને પછી તેમાં કાળજીપૂર્વક પસંદ કરેલાં ટ્વીટર હેન્ડલ્સ ઉમેરી દો.

તમારી ઇન્ડસ્ટ્રીમાં જે કંઈ ચાલી રહ્યું હશે તેના લેટેસ્ટ અપડેટ્સ તમે સહેલાઈથી મેળવી શકશો અને જેમાં રસ પડે તેની લિંક પર ક્લિક કરી, તેમાં વધુ ઊંડા પણ ઊતરી શકશો. ટ્વીટર પર પસાર કરેલો સમય બહુ લાભ અપાવશે.

મેટા : ફોક્સ તમારી ઇન્ડ્રસ્ટ્રીના ઓડિયન્સ પર

ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર કઈ રીતે એક્ટિવ રહેવું એ નવી જનરેશનને બિલકુલ શીખવવાની જરૂર નથી, પણ શા માટે એક્ટિવ રહેવું એ શીખવું પડશે – બંનેમાં ફેર છે!

ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં તમે અન્ય યૂઝર્સની જેમ મનમાં જે આવે તે પોસ્ટ કરતા રહેશો કે સેલ્ફી, રીલ્સ, સ્ટોરીઝ અપલોડ કરતા રહેશો તો તમે તેમાં એક્ટિવ તો રહેશો, કદાચ ફોલોઅર્સ પણ વધારી શકશો, પણ આ પાવરફુલ પ્લેટફોર્મ્સનો પૂરો લાભ લઈ શકશો નહીં.

હવે આ બંને સાઇટ્સને અલગ રીતે જોઈ જુઓ. દુનિયાભરના ઇન્ટરનેટ પર એક્ટિવ લગભગ તમામ લોકો આ બંને પ્લેટફોર્મ પર એક્ટિવ છે અને તેમાં તમારી ઇન્ડસ્ટ્રી, તમારા કામકાજના યૂઝર્સ અને પોટેન્શિયલ બાયર્સ પણ સૌથી વધુ પ્રમાણમાં છે. એ લોકો કોણ છે, શું જુએ છે, શું કરે છે, તેમને શું પસંદ છે, શું નાપસંદ છે… એ બધાનો અભ્યાસ કરતા રહેશો તો તમારી કંપની કે પોતાના સ્ટાર્ટઅપ માટે તમે બહુ વેલ્યુએબલ બનશો.

યુટ્યૂબ : ફોક્સ તમારી ઇન્ડસ્ટ્રીના લર્નિંગ પર

યુટ્યૂબ પર એક્ટિવ રહેવું એટલે તમારો કિંમતી સમય બગાડવો અથવા તમારા મહામૂલા સમયનો પૂરેપૂરો લાભ મેળવવો – આ બંને વાત એકદમ સાચી છે. તમને શું લાગુ પડે છે?

યુટ્યૂબ પર તદ્દન અર્થહીન, બિનઉપયોગી વીડિયોની ભરમાર છે, તેમ અહીં જગતના તમામ વિષયોમાં, તમે જે લેવલ પર હો ત્યાંથી ઉપલા લેવલ પર સહેલાઈથી પહોંચી શકો એવા  ટકોરાબંધ વીડિયોની પણ કોઈ કમી નથી. તમારે શું કરવું છે એ તમારે બરાબર નક્કી કરી લેવું પડે.

યુટ્યૂબના રોજિંદા, સાદા ઉપયોગમાં તમારે ચોક્કસપણે ટાઇમ લિમિટ્સ સેટ કરવી પડે. એ રીતે, લર્નિંગના ફોકસ સાથે યુટ્યૂબના ઉપયોગ વખતે તમારે નિશ્ચિત ચેનલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારા વિષય મુજબ અમુક ચેનલ્સ એવી મળશે જ, જેના વીડિયો તમને સૌથી વધુ અપીલિંગ લાગશે. તેને નિયમિત રીતે ફોલો કરવાની ટેવ પાડી જુઓ. નવા સમયમાં કોઈ પણ વિષયમાં માસ્ટરી મુશ્કેલ નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!