આગળ શું વાંચશો?
- ઇન્સ્ટાગ્રામ હવે બીરિઅલની કોપી કરે છે!
- વોટ્સએપ ઇન્સ્ટાગ્રામની કોપી કરશે!
- ફેસબુકની ન્યૂઝ ફીડમાં ફરી મોટો ફેરફાર
- વોટ્સએપમાં ગ્રૂપ એડમિનને વધુ પાવર
- સિગ્નલ એપ પણ સલામત નથી
- માઇક્રોસોફ્ટે ફેસબુકની કોપી કરી!
- મેસેન્જર એપમાં બાય ડિફોલ્ટ એન્ક્રિપ્શન
- યૂઝરનો ડેટા પોલીસને આપવા જતાં ફેસબુક ફસાઈ!
હજી હમણાં જ આપણે ‘સાયબરસફર’માં ‘બીરિઅલ’ નામની એક ‘એન્ટિ-સોશિયલ’ સોશિયલ એપની વાત કરી હતી. એન્ટિ-સોશિયલ એ રીતે, કે અત્યારે બધા જ સોશિયલ પ્લેટફોર્મ પર લોકો પોતાની વાસ્તવિક જિંદગીને વધુ ગ્લેમરસ બનાવીને રજૂ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે બીરિઅલ લોકોને તેમની વાસ્તવિક જિંદગી, કોઈ જ પ્રકારના ફિલ્ટર વિના શેર કરવાનું પ્રોત્સાહન આપે છે.

બેઝિકલી, બીરિઅલ એપમાં યૂઝર્સને દિવસમાં એક વાર, ફક્ત બે મિનિટમાં કોઈ પણ કેન્ડિડ (પ્લાનિંગ વિના) ફોટો લઈ, કોઈ ફિલ્ટર વિના શેર કરવા કહેવામાં આવે છે. આ ફોટો ફ્રન્ટ અને બેક બંને કેમેરાથી કેપ્ચર થાય છે એટલે ફ્રેન્ડ્સને તમારી રિઅલ સાઇડ જોવાની તક મળે છે.
આ નવો કન્સેપ્ટ યંગ જનરેશનને બહુ ગમી ગયો છે અને બીરિઅલ ઝડપથી પોપ્યુલર થવા લાગી છે. લોકો તેને ‘ઇન્સ્ટાગ્રામ કિલર’ એપ ગણવા લાગ્યા છે કેમ કે ઇન્સ્ટાગ્રામમાં ઇમેજને ફિલ્ટર્સથી ગ્લોરીફાય કરવાનો જ ટ્રેન્ડ છે. હવે જનરેશન નેક્સ્ટ તેનાથી કંટાળવા લાગી છે.
આથી ઇન્સ્ટાગ્રામ, બીરિઅલ એપની હરીફાઇનો સામનો કરવા તેના જેવું જ એક ફીચર ‘આઇજી કેન્ડિડ’ નામે ઉમેરવાની તૈયારીમાં છે. અત્યારે આ ફીચરનું ઇન્સ્ટાગ્રામમાં ઇન્ટર્નલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, જો સફળ થશે તો એ સૌ માટે લોન્ચ થઈ જશે. મતલબ કે એ ફીચરથી લોકોને ફ્રન્ટ અને બેક બંને કેમેરાથી એક સાથે ફોટો લઈ, લગભગ કોઈ ફિલ્ટર વાપર્યા વિના ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની તક મળશે.
એક તરફ ઇન્સ્ટાગ્રામ બીરિઅલ એપની કોપી કરવાની તૈયારીમાં છે, તો બીજી તરફ વોટ્સએપમાં ઇન્સ્ટાગ્રામ જેવું એક ફીચર આવી રહ્યું છે!

અત્યારે વોટ્સએપ પર આપણને વિવિધ યૂઝર્સ સાથેની ચેટ એક ટેબમાં જોવા મળે છે અને બીજી ટેબ ‘સ્ટેટસ’માં જઈએ તો તેમણે મૂકેલાં સ્ટેટસ જોઈ શકીએ છીએ. હવે ઇન્સ્ટાગ્રામની જેમ, ચેટ વિન્ડોમાં જ વિવિધ યૂઝર્સનાં સ્ટેટસ જોવા મળે તેવી સંભાવના છે.
વોટ્સએપમાં સામાન્ય રીતે નવાં ફીચર્સ પહેલાં આઇફોન માટેની એપમાં રજૂ થાય, પછી એન્ડ્રોઇડમાં બીટા વર્ઝનના યૂઝર્સને તેનો ઉપયોગ કરવાની તક મળે અને પછી તમામ યૂઝર્સ સુધી તે પહોંચતું હોય છે. એ જ રીતે આ નવું ફીચર હાલમાં એપલ પર ટેસ્ટ થઈ રહ્યું છે.
ફેસબુક પર તમારું કદાચ ધ્યાન ગયું જ હશે, હવે તેમાં મિત્રોની પોસ્ટ ઉપરાંત, આપણે જેમને બિલકુલ ઓળખતા ન હોઈએ એવા લોકોની પોસ્ટ, સ્ટોરી વગેરે વધુ પ્રમાણમાં દેખાવા લાગ્યું છે.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ અત્યાર સુધી ખરા અર્થમાં સોશિયલ હતી. તેના અલ્ગોરિધમ એ રીતે ડિઝાઇન થયેલાં હતાં કે આપણે આ પ્લેટફોર્મ પર મિત્રોના વધુ ને વધુ સંપર્કમાં રહી શકીએ. ફેસબુક જેવી સાઇટ પર તો આપણે જેમની સાથે ફેસબુકના જન્મ પહેલાં સંપર્કમાં હોઇએ અને પછી સંપર્કમાં છૂટી ગયો હોય એવા લોકોને પણ ફ્રેન્ડ બનાવવાનાં સૂચન આપવામાં આવતાં હતાં. ફેસબુક પર આપણે જેમને મિત્રો બનાવીએ અને જેમની સાથે કોઈને કોઈ રીતે ઇન્ટરેકશન કરીએ એમની પોસ્ટ આપણને વધુમાં વધુ પ્રમાણમાં બતાવવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ બધું લગભગ કંઈક આવું જ છે.

પરંતુ હવે સ્ટેટસ બદલાઈ રહ્યું છે!
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિક મેટા કંપની ચાઇનીઝ એપ ટિકટોક તરફથી તીવ્ર હરીફાઈનો સામનો કરી રહી છે. ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ છે પરંતુ સમગ્ર વિશ્વમાં ટિકટોકનો પ્રસાર સતત વધી રહ્યો છે. ટિકટોકનું અલ્ગોરિધમ એ પ્રકારનું છે કે તેમાં આપણે કોઈ કન્ટેન્ટ જોઇએ તે પછી એ પ્રકારનું કન્ટેન્ટ વધુ પ્રમાણમાં બતાવવામાં આવે છે.
આમ કરતી વખતે એ જોવામાં આવતું નથી કે એ કન્ટેન્ટના ક્રિએટરને આપણે ફોલો કરી રહ્યા છીએ કે નહીં. આપણને શું વધુ બતાવવું તે આપણી એક્ટિવિટી, હિસ્ટ્રી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી નક્કી કરવામાં આવે છે.
હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં ટિકટોક જેવું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. એટલે હવે તમે કદાચ નોંધ્યું હશે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે જેમને ફોલો ન કરી રહ્યા હોઇએ એવા લોકોની પોસ્ટ અને અન્ય કન્ટેન્ટ પણ બતાવવાનું શરૂ થયું છે. પરંતુ તેનું પ્રમાણ હજી સુધી ઘણું મર્યાદિત રહ્યું છે. પરંતુ આ બંને પ્લેટફોર્મની આપણી ન્યૂઝ ફીડમાં આપણે જેમને ફોલો ન કરી રહ્યા હોઇએ એવા લોકોનું કન્ટેન્ટ વધુ ને વધુ જોવા મળશે. આનો અર્થ એ પણ થયો કે ફેસબુક પર અત્યાર સુધી આપણને જે પ્રમાણમાં મિત્રોની પોસ્ટ જોવા મળતી હતી તેમાં સતત ઘટાડો થતો જશે!
ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ કહે છે કે ટિકટોકમાં માત્ર શોર્ટ ફોર્મ વીડિયો પર ફોકસ કરવામાં આવે છે જ્યારે ફેસબુકમાં તો વીડિયો ઉપરાંત ટેકસ્ટ, ઇમેજ અને અન્ય પ્રકારના કન્ટેન્ટને પણ વધુ પ્રમાણમાં બતાવવામાં આવશે અને એ દૃષ્ટિએ ફેસબુકની સર્વિસ ‘યુનિક’ બની રહેશે. ફેસબુકના યૂઝર ઘટી રહ્યા છે ત્યારે તેને નવું સ્વરૂપ આપવાનો આ દાવ યૂઝર્સને ગમશે કે નહીં તે જોવાનું રહ્યું.
વોટ્સએપમાં અત્યાર સુધી કોઈ ગ્રૂપમાં આપણે કોઈ મેસેજ મોકલીએ એ નિશ્ચિત સમય મર્યાદામાં પોતાના માટે અથવા સૌ માટે ડિલીટ કરી શકાય છે. પરંતુ આપણે બીજાના મેસેજ ડિલીટ કરી શકતા નથી. આવા પાવર વોટ્સએપના ગ્રૂપ એડમિનને પણ નથી.

વોટ્સએપના નવા વર્ઝનમાં ગ્રૂપ એડમિનને આ પાવર મળી જાય તેવી શક્યતા છે. વોટ્સએપના બીટા વર્ઝનના યૂઝરને આ સુવિધા મળવાનું શરૂ થઈ ગયું છે. તમારા વર્ઝનમાં આ સુવિધા આવી જાય તે પછી, જો તમે ગ્રૂપ એડમિન હો તો અન્ય કોઈ ગ્રૂપ મેમ્બરે મૂકેલો મેસેજ તમે સૌ માટે ડિલીટ કરી શકશો.
હાલની વ્યક્તિગત ડિલીટ સુવિધાની જેમ જ્યારે ગ્રૂપ એડમિન કોઈ મેસેજ ડિલીટ કરશે ત્યારે અન્ય વ્યક્તિઓ જોઈ શકશે કે ગ્રૂપ એડમિને કોઈ મેસેજ ડિલીટ કર્યો છે. ભારતમાં નવા આઇટી રૂલ્સ અનુસાર કાયદાનો ભંગ થતો હોય એવા કિસ્સાઓમાં વોટ્સએપે ફક્ત મે મહિનામાં ૧૯ લાખ અને જૂન મહિનામાં ૨૨ લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ગ્રૂપ એડમિનને વધુ સત્તા મળવાથી વોટ્સએપ અને તેમાં ગ્રૂપ્સના ઉપયોગમાં કાયદાપાલન વધુ સહેલું બને તેવી આશા રાખીએ.
થોડા સમય પહેલાં, માત્ર ભારતના યૂઝર્સ માટે ફેસબુક કંપનીએ તેની માલિકીની વોટ્સએપ સર્વિસની શરતો અને નિયમોમાં ફેરફાર કર્યો ત્યારે બહુ હોબાળો થયો હતો, યાદ છે?
એ સમયે અનેક લોકોએ આવેશમાં આવીને પોતાના ફોનમાંથી વોટ્સએપ એપ ડિલીટ કરી અને ‘તેના કરતાં વધુ સિક્યોર’ સિગ્નલ એપ ઇન્સ્ટોલ કરી હતી. પછી ધાર્યા મુજબ, ત્યાં પોતાના ફ્રેન્ડ્સ કે ફેમિલીમાંથી લગભગ કોઈ દેખાયું નહીં એટલે ફરી સૌ વોટ્સએપ તરફ વળ્યા!

હમણાં એ સમયે વોટ્સએપ કરતાં વધુ સિક્યોર ગણાયેલી સિગ્નલના યૂઝર્સનો ડેટા પણ ચોરાયો. અલબત્ત, તેના કુલ યૂઝર્સમાંથી માત્ર ૧૯૦૦ યૂઝરનો ડેટા લીક થયો હોવાનું બહાર આવ્યું, આંકડો બહુ જ નાનો છે પણ સિગ્નલને દાગ લાગ્યો. સિગ્નલ એપ હવે આ યૂઝર્સને જાણ કરી રહી છે. વાસ્તવમાં સિગ્નલ કંપનીના યૂઝર્સ માટે ફોન નંબર વેરિફિકેશનની સર્વિસ આપતી કંપની એક એટેકનો ભોગ બની હતી અને તેમાં સિગ્નલના યૂઝર્સ પણ સપાટામાં આવી ગયા.
મુદ્દો એ છે કે ઇન્ટરનેટ પર લગભગ કશું જ સંપૂર્ણ ‘સિક્યોર’ હોતું નથી, વોટ્સએપ પણ નહીં અને સિગ્નલ પણ નહીં!
ઇન્ટરનેટ પર વિવિધ ટેક કંપની એકમેકની સ્પેસમાં ઘૂસવા માટે સખત મહેનત કરતી હોય છે. સોશિયલ મીડિયામાં ફેસબુકની ધાક જોઈને માઇક્રોસોફ્ટે પ્રોફેશનલ્સ માટેના પ્લેટફોર્મ તરીકે લિંક્ડઇન કંપની જ ખરીદી લીધી. હવે સમાચાર છે કે માઇક્રોસોફ્ટ તેની ‘ટીમ્સ’ સર્વિસને પણ પ્રોફેશનલ્સ માટેની ફેસબુક જેવી સર્વિસમાં ફેરવવાની કોશિશ કરી રહી છે.
કંપનીએ ટીમ્સ સર્વિસમાં, ‘વિવા એંગેજ’ નામે એક એપ લોન્ચ કરી છે, જેની મદદથી લોકો વર્કપ્લેસમાં ફેસબુકની જેમ એકમેક સાથે કનેક્ટ થઈ શકે છે. વિવા એંગેજમાં ફેસબુક જેવી જ ન્યૂઝ ફીડ છે તથા પોસ્ટ્સ, વીડિયો, ઇમેિજસ વગેરે શેર કરવાની સુવિધા છે. પહેલી નજરે જ વિવા એંગેજ ફેસબુકની તદ્દન કોપી લાગે છે!
લાંબો સમય રાહ જોવડાવ્યા પછી આખરે મેટા કંપની તેની મેસેન્જર એપમાં તમામ ચેટ માટે, વોટ્સએપની જેમ, બાય ડિફોલ્ટ એન્ડ-યુ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા આપે તેવી શક્યતા છે.
અર્થ એ થયો કે મેસેન્જર એપમાં વ્યક્તિગત કે પછી ગ્રૂપ ચેટિંગમાં મોકલાતા મેસેજ બે છેડાના ફોન પર ડિસ્પ્લે થાય એ સિવાય વચ્ચેથી કોઈ પણ તેને જોઈ શકશે નહીં. મેસેન્જર કંપનીના લોકો નહીં અને પોલીસ કે અન્ય તપાસ સંસ્થા પણ નહીં. અત્યાર સુધી મેસેન્જરમાં આવી સુવિધા હતી, પણ યૂઝરે પોતે જે તે મેસેજ પોસ્ટ કરતી વખતે નક્કી કરવું પડતું હતું તેને એન્ક્રિપ્ટ કરવો કે નહીં. મેસેન્જરમાં બાય ડિફોલ્ટ બધા મેસેજ એન્ક્રિપ્ટ કરવાની સુવિધા છેક આવતા વર્ષે ચાલુ થવાની શક્યતા છે.
એક તરફ મેટા કંપની વોટ્સએપ પછી મેસેન્જર એપમાં પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન આપી રહી છે ત્યારે બીજી બાજુ તેની જ ફેસબુક સર્વિસ આવા એન્ક્રિપ્શનના અભાવે અને યૂઝરના ડેટાની પ્રાઇવસી બાબતે એક વિવાદમાં ફસાઇ ગઈ છે.
થયું એવું કે અમેરિકામાં એક મા-દીકરીએ ફેસબુક પર એબોર્શન માટે કઈ પિલ લેવી તેની ચર્ચા કરી હતી. એ અમેરિકન સ્ટેટમાં ૨૦ અઠવાડિયાંની ગર્ભાવસ્થા પછી ગર્ભપાત પર પ્રતિબંધ છે. એ છોકરી પર પોલીસ કેસ થયો અને પોલીસના દબાણમાં, ફેસબુકે બંને મા-દીકરી ફેસબુક પરની વાતચીતનો ડેટા પોલીસને આપવો પડ્યો! હવ ફેસબુક પર તવાઈ આવી છે – યૂઝર્સનો ‘પ્રાઇવેટ’ ડેટા કેમ પોલીસને આપ્યો?!
