કમ્પ્યૂટરને કદી હાથ લગાડવા પણ ન મળે એવી ગરીબીમાં ઉછરીને દુનિયાની અગ્રણી ટેક કંપનીમાં ડિઝાઇન લીડર તરીકે નોકરી મળે એ સ્થિતિએ પહોંચવું… ખરેખર સપનું જ લાગે. પણ મુંબઈનાં શાહીના અત્તરવાલાએ તેને હકીકત કરી બતાવ્યું.

માઇક્રોસોફ્ટમાં ડિઝાઇન લીડર તરીકેની જોબ હાંસલ કર્યા પછી શાહીનાએ ટ્વિટર પર શેર કરેલો અનુભવ સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે. નેટફ્લિક્સ પર “બેડ બોય્ઝ બિલિયોનેર્સઃ ઈન્ડિયા” સિરિઝમાં મુંબઈની એ ઝૂંપડપટ્ટીનો બર્ડ-આઇ વ્યૂ બતાવાયો છે જેમાં શાહીના અત્તરવાલાએ બાળપણના કપરા દિવસો વિતાવ્યા હતા. એ સિરિઝનો સંદર્ભ લઈને શાહીનાએ ટ્વીટ કરી ‘‘૨૦૧૫માં હું મારા સપનાની જિંદગી જીવવા જે ઝૂંપડપટ્ટીમાંથી બહાર નીકળી આવી તે આ સિરિઝમાં મને જોવા મળી. સિરિઝના એક ફોટોમાં મારું ઘર પણ દેખાય છે.’’
બાંદરા રેલવે સ્ટેશનને અડીને આવેલી દરગા ગલી ઝૂંપડપટ્ટીમાંથી મુંબઈમાં હવાઉજાસવાળા સ્વચ્છ મકાનમાં શિફ્ટ થવાના સંઘર્ષમય દિવસોની વાત કરતાં શાહીના કહે છે, “મારા પિતા તેલ-અત્તર વેચનારા ફેરિયા હતા. ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યા હતા. ઝૂંપડપટ્ટીમાં જીવન બહુ આકરું હતું, જીવવા માટે અત્યંત ગંભીર પરિસ્થિતિ હતી, જેન્ડર બાયસ, જાતીય સતામણી બધું જ નજીકથી જોયું પણ એનાથી મારા વધુ શીખવાના કુતૂહલને, જીવનને અલગ રીતે કંડારવાની ઇચ્છાને બળ મળ્યું.”

શાહીના વધુમાં કહે છે, “૧૫ વર્ષની થઈ ત્યાં સુધીમાં મેં જોયું કે મારી આસપાસની સ્ત્રીઓ લાચાર, પરાવલંબી હતી, તેમની સ્થિતિ અપમાનજનક હતી અને તેમને પોતાની પસંદગી કરવાની કે પોતે જે બનવું હતું તે બનવાની કોઈ જ આઝાદી નહોતી. હું મારા માટે પણ એવું જ ભાગ્ય સ્વીકારી લેવા બિલકુલ નહોતી માગતી.”
શાહીનાએ જીવનમાં પહેલી વખત સ્કૂલમાં કમ્પ્યૂટર જોયું અને તેમનું મન એના વિશે વધુ જાણવા-શીખવા આતુર થઈ ગયું. તેઓ દૃઢપણે માને છે કે કમ્પ્યૂટર એવી ચીજ છે જેની સામે બધા જ એકસમાન છે. કમ્પ્યૂટરની સામે ભલે કોઈ પણ હોય, બધાને અઢળક તક મળે છે.
જોકે શાહીના માટે એ એટલું સહેલું નહોતું. ઓછા માર્ક આવવાને કારણે તેમને કમ્પ્યૂટર ક્લાસના બદલે નીડલવર્કના ક્લાસમાં બેસવાનું આવ્યું. પણ એનાથી જરાય નિરાશ થયા વગર તેમણે ટેક્નોલોજીમાં કરિયર બનાવવાનું સપનું સંકોરવાનું ચાલુ રાખ્યું. શાહીનાએ તેમના પિતાને ઊછીના રૂપિયા લેવા આગ્રહ કર્યો, જેથી પોતે લોકલ કમ્પ્યૂટર ક્લાસમાં નામ નોંધાવી શકે અને શાળામાં જે શીખવા નહોતું મળતું તે ધગશભેર શીખી શકે. પોતાનું કમ્પ્યૂટર ખરીદવા જે રીતે બની શકે એ રીતે એક એક રૂપિયો બચાવ્યો, કેટલીય વાર બપોરનું જમવાનું છોડ્યું, સ્કૂલમાંથી ઘરે ચાલતા જવાનું શરૂ કરી દીધું.
મક્કમ અને મહેનતુ શાહીના માટે હવે પાછળ વળીને જોવાનું નહોતું!
તેઓ કહે છે, “મેં પ્રોગ્રામિંગ છોડીને ડિઝાઇનમાં કરિયર બનાવવાનું પસંદ કર્યું કારણ કે ડિઝાઇનથી મને ખાતરી થઈ ગઈ કે શક્યતાઓ પારાવાર છે, બધું બદલાઈ શકે છે અને ટેક્નોલોજી એ બદલાવ લાવી શકે છે.”

વર્ષોની કઠોર મહેનત પછી ગયા વર્ષે શાહીના અને તેમનો પરિવાર એવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયાં જ્યાં આજુબાજુ સૂર્યપ્રકાશ અને હરિયાળી હતાં, હવાની આહ્લાદક અવરજવર હતી. ગંદી-ગોબરી ઝૂંપડપટ્ટીમાં રહેવાનું, કેટલીય વખત જમવાનું છોડવું પડ્યું હોય, સાવ પાયાની સુવિધાઓ પણ મળતી ન હોય એવું પીડાદાયી બાળપણ વિતાવ્યા પછી સુંદર વાતાવરણવાળા ફ્લેટમાં રહેવાનું મળવું એ તેમના માટે નાનીસૂની વાત નહોતી જ અને શાહીનાએ એ પામવા કેટલો આકરો પરિશ્રમ કર્યો હતો તેનું એ પ્રમાણ હતું.
ટ્વીટર પર તેમણે લખ્યું છે, “મારા પિતા ફેરિયા હતા અને રસ્તા પર સૂતા… એમાંથી, અમે જેનું સપનું પણ ભાગ્યે જ જોઈ શકીએ એવું આ જીવન! પણ નસીબ, સખત મહેનત અને સતત સંઘર્ષ જ મહત્ત્વનાં છે.”
શાહીના અત્તરવાલાની ટ્વીટ્સને હજારો લાઇક્સ અને કમેન્ટ્સ મળી ચૂકી છે. અઘરું હોઈ શકે પણ અશક્ય નહીં – એ સાબિત કરી ચૂકેલાં શાહીના તેમના પિતા – જેમણે પોતાના પરિવારને બહેતર જીવન આપવા માટે દાયકાઓ સુધી સતત ભોગ આપ્યો – તેમના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં લખે છે, “તેમની (પિતા) પાસે કોઈ ઔપચારિક શિક્ષણ નહોતું, પણ તેમની અત્તર વિશેની સૂઝે બધું જ બદલી નાખ્યું. દસકાઓ સુધી ઝૂંપડપટ્ટીમાં રહ્યા પછી, તેમની ધીરજ અને તેમના ત્યાગના કારણે આજે અમને બહેતર જિંદગી મળી છે. અમારું બધું ધ્યાન બચત કરવા પર હતું, અમે ઓછામાં ઓછાં સાધનોથી ચલાવ્યું અને જરૂરી હતું ત્યાં બધે જ ભોગ આપ્યો.”
શાહીના જેવી પરિસ્થિતિમાં મોટી થઈ રહેલી છોકરીઓ માટે શાહીનાની એક સલાહ બહુ કામની છેઃ “શિક્ષણ માટે, સ્કીલ્સ માટે, કરિયર માટે જે કરવું પડે તે કરો. છોકરીઓ માટે આ જ બાબતો મોટી ગેમ-ચેન્જર બની રહેશે.”
માહિતીઃ એનડીટીવી.કોમ,
રજૂઆત : દામિની દેસાઈ


