
આ લેખ લખવાની શરૂઆત લગભગ પોણા બે વર્ષ પહેલાં કરી હતી. પરંતુ ત્યારે લેખ અધૂરો છોડ્યો. કારણ એ હતું કે લેખનો જે વિષય છે તે ત્યારે ફક્ત એક કાચો વિચાર હતો. લેખ ત્યારે જ લખાયો હોય તો ઘણા મુદ્દા અસ્પષ્ટ રહ્યા હોત અને ઘણા છેડા અધૂરા છોડવા પડ્યા હોત. હવે બે જ વર્ષમાં સ્થિતિ બદલાઈ છે.
શહેરોમાં રહેનારા આપણે સૌ કદાચ એમ માનીએ કે હવે મોટા ભાગના લોકો ઓનલાઇન ખરીદી કરવા લાગ્યા છે, પરંતુ હકીકત એ છે કે ભારતના કુલ રીટેઇલ વેપારમાં ઇ-કોમર્સનો ફાળો હજી માંડ ૮ ટકા છે!
આપણા દેશમાં ઓનલાઇન શોપિંગ ઘણું વધ્યું હોય તેવું લાગે, પણ હકીકતે તે હજી શહેરો પૂરતું જ સીમિત છે.
એ આવતાં બે જ વર્ષમાં ૨૫ ટકાના આંકે પહોંચે તેવી નિષ્ણાતોની અપેક્ષા છે. આ અશક્ય નથી લાગતું કેમ કે હજી બે વર્ષ પહેલાં જે વિચાર રમતો મૂકાયો, એક વર્ષ પહેલાં ફક્ત ૧૦ કરોડના ભંડોળ સાથે જેની વિધિવત શરૂઆત થઈ તે ‘ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી)’આ મહિને દેશનાં ઘણાં શહેરોમાં લાઇવ થઈ જવાનું છે.
જેટલું ઓનલાઇન શોપિંગ થાય છે તેમાં ફક્ત બે કંપનીઓએ લગભગ પોતાના ઇજારા જેવી સ્થિતિ ઊભી કરી છે. હવે એક નવી પહેલને કારણે ઇ-કોમર્સના ક્ષેત્રમાં ઇજારાશાહીને સ્થાને લોકશાહી આવે તેવી શક્યતા જાગી છે.
જેમ યુપીઆઇથી આપણી રૂપિયાની લેવડદેવડ ઘણે અંશે બદલાઈ છે એમ ઓએનડીસીથી વેપાર અને ખરીદીની રીતમાં ધરમૂળથી પરિવર્તન આવવાની શક્યતા છે.

ભારતની ઘણી ક્રાંતિકારી ડિજિટલ પહેલના પાયામાં રહેલા અને ઓએનડીસીમાં પણ શરૂઆતથી સંકળાયેલા નંદન નિલેકની માને છે કે ‘‘આખી દુનિયાની રીતે, આ એક મોસ્ટ એક્સાઇટિંગ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન છે!’’
એવું તે શું છે આ ઓએનડીસી? આપણે બધાં પાસાં તપાસીએ.
‘ભારતમાં ઇ-કોમર્સના ક્ષેત્રે અત્યારે અમુક કંપનીઓની મોનોપોલી ઊભી થઈ ગઈ છે અને પરિણામે વેપારીઓ અને ગ્રાહકોને ઇ-કોમર્સના પૂરતા લાભ મળતા નથી’ એવું લાગતાં ભારતની મિનિસ્ટ્રી ઓફ કોમર્સે આ ક્ષેત્રે ‘લોકશાહી’ લાવવા એક ઓપન નેટવર્ક ઊભું કરવાનો વિચાર રમતો મૂક્યો. તેને નામ અપાયું ‘ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી)’.
જુલાઈ ૨૦૨૧થી તેના પર કામ શરૂ થયું, એપ્રિલ ૨૦૨૨માં તેનો પાઇલોટ ફેઝ લોન્ચ થયો અને હવે ટૂંક સમયમાં તે વધુ શહેરોમાં લાઇવ થશે.
ઓએનડીસી સમજવા એક સાદું ઉદાહરણ લઇએ.

જેમ આખા દેશમાં એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે રસ્તાઓ, રેલવે લાઇન્સ અને પૂલોનું વ્યાપક નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે ને જુદા જુદા પ્રકારનાં વાહનો તેનો જુદા જુદા હેતુ માટે ઉપયોગ કરે છે, કંઈક એ જ રીતે ઓએનડીસીની મદદથી સમગ્ર દેશમાં વેપાર માટેનું એક ડિજિટલ નેટવર્ક ગોઠવવામાં આવી રહ્યું છે.
તેનો વિવિધ પ્રકારના પ્લેટફોર્મ, વેપારીઓ, ગ્રાહકો, માલસામાન એક સ્થળેથી બીજે સ્થળે લઇ જતી એજન્સીઓ તથા પેમેન્ટની લેવડદેવડ માટેની સર્વિસિસ ઉપયોગ કરશે. તેમાં વેપારીઓ જોડાઈ શકે તેવાં પ્લેટફોર્મ્સ અને લોકો જેના પર જઈને ખરીદી કરી શકે તેવી એપ્સ પણ સામેલ હશે.
આ આખું નેટવર્ક તેના નામ પ્રમાણે ઓપન રહેશે. એટલે કે કોઈ એક કંપની તેની માલિક નહીં હોય, જે કોઈ ઇચ્છે તે જુદા જુદા હેતુ માટે આ નેટવર્કમાં જોડાઈ શકશે અને તેનો લાભ લઈ શકશે.
આપણે લોકો આખા વર્ષ દરમિયાન જે કંઈ ખરીદી કરીએ છીએ તેમાંથી ઓનલાઇન ખરીદીનો ફાળો હાલમાં માત્ર ૮ ટકા છે. ઇ-કોમર્સનો વ્યાપ નાનાં-મોટાં શહેરો સુધી જ સીમિત છે. ભારતમાં ઓનલાઇન ખરીદી ગ્રામીણ વિસ્તારો સુધી હજી લગભગ પહોંચી જ નથી એમ પણ કહી શકાય. એટલે જ આ ક્ષેત્રે વિકાસની જબરજસ્ત તક છે.

બીજી તરફ, અત્યારે આપણે કોઈ પણ ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી કરવાનો વિચાર કરીએ ત્યારે મોટા ભાગે ફક્ત બે શોપિંગ સાઇટ્સ તરફ નજર દોડે – એમેઝોન અને ફ્લિપકાર્ટ. ફ્લિપકાર્ટની શરૂઆત ભારતમાં થઈ પરંતુ હવે આ બંને કંપની વિદેશી માલિકીની છે. ભારતના ઇ-કોમર્સ માર્કેટમાંથી ૬૩ ટકા પર આ બંને કંપનીનો કબજો છે. બાકીના ભાગમાં બીજી બધી ઇ-કોમર્સ કંપની આવી ગઈ.
આગામી વર્ષોમાં ભારતમાં ઓનલાઇન ખરીદીનો વ્યાપ વધે છે ત્યારે ફરી પેલી જૂની ઇસ્ટ ઇન્ડિયા કંપની જેવી સ્થિતિ ના સર્જાય એ જોવું જરૂરી છે. આ વિચારમાંથી ભારતમાં ઓનલાઇન કોમર્સના ક્ષેત્રે લોકશાહી હોવી જોઈએ એવો વિચાર જન્મ્યો. તેની સાથોસાથ, ‘ડિજિટલ ઇન્ડિયા’ના મિશનને આગળ ધપાવતાં, નાના-મોટા વેપારીઓ તથા દેશના ખૂણે ખૂણા સુધી ઇ-કોમર્સ પહોંચાડી શકાય તો દેશના અર્થતંત્રને ચોક્કસ નવો વેગ મળી શકે તેમ છે.
આ વર્ષે એટલે કે ૨૦૨૨માં એપ્રિલ મહિનામાં ઓએનડીસી નેટવર્કનો પ્રયોગાત્મક ધોરણે અમલ શરૂ થઈ ગયો.
બેંગલુરુની એક કંપનીએ પેટીએમ પર જથ્થાબંધ ધાણા ખરીદવા માટે સર્ચ કર્યું. સર્ચ દરમિયાન પેટીએમ ઉપરાંત અન્ય પ્લેટફોર્મ પર સેલર તરીકે લિસ્ટેડ કંપનીઓ તથા ઓએનડીસી નેટવર્કમાં જોડાયેલા કેટલાક સેલર્સની માહિતી જોવા મળી.
બેંગલુરુની કંપનીએ તેમાંથી એક સેલિંગ કંપની પસંદ કરી અને તેને ઓર્ડર આપ્યો. થોડા સમયમાં ઓર્ડર મુજબ ડિલિવરી થઈ, પેમેન્ટ ચૂકવાયું. એ ઓએનડીસી પરના પહેલા ટ્રાન્ઝેકશન તરીકે નોંધાયું!

એ ધ્યાનમાં લેશો કે પેલી ખરીદી કરનાર પાર્ટીને પેટીએમ પર સર્ચ દરમિયાન પેટીએમ પર લિસ્ટેડ ન હોય તેવી સેલિંગ કંપની પણ જોવા મળી હતી – એ જ ઓએનડીસીની લાક્ષણિકતા છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતમાં ૨૧ શહેરોમાં ઓએનડીસીનું પાઇલોટ ટેસ્ટિંગ ચાલે છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં ઘણાં શહેરોમાં તે રિઅલ કસ્ટમર્સ માટે લાઇવ થઈ જશે.
એવી અપેક્ષા છે કે ૨૦૨૪ સુધીમાં નાના વેપારીઓ અને નાના મોટા કરિયાણા સ્ટોર્સ સહિત ૩ કરોડ જેટલા સેલર્સ ઓએનડીસીમાં જોડાઈ જશે અને ૩૦ કરોડ જેટલા લોકો પોતાની રોજબરોજની જરૂરિયાતો માટે ઓએનડીસીનો ઉપયોગ કરવા લાગશે. એમ થશે ત્યારે આખું ભારત એક વિરાટ ડિજિટલ બજારમાં ફેરવાઈ જશે અને રોજબરોજના વેપારમાં ઓનલાઇન વેપારનો ફાળો આજના ૮ ટકામાંથી લગભગ ૨૫ ટકા સુધી પહોંચી જશે.
મોબાઇલ વોલેટનો જમાનો યાદ છે? એકમાંથી બીજામાં પેમેન્ટ થઈ ન શકે, પણ યુપીઆઇ આવતાં ગેમ બદલાઈ ગઈ! એવું ઓએનડીસી હેઠળ થશે.
હાલની વિવિધ ઇ-કોમર્સ સાઇટ્સ, બેન્કિંગ એપ્સ, પેમેન્ટ ગેટવે, લોજિસ્ટિક્સ સર્વિસ વગેરે આ નેટવર્કમાં જોડાઈ રહ્યાં છે. આ બધું જ ઓપન અને ‘ઇન્ટરઓપરેબલ’ હશે એટલે કે ઓએનડીસીમાં સામેલ તમામ પ્રકારની સર્વિસ, તમામ પ્રકારના હેતુ તથા લોકો માટે ઉપલબ્ધ રહેશે. અહીં કોઈ પ્રકારની વાડાબંધી રહેશે નહીં.
શહેરો ઉપરાંત ગામડાંમાં તેનો પ્રસાર વધારવા ૩ લાખ ગ્રામીણ ઇ-સ્ટોર્સ ઊભા કરી તેને પણ ઓએનડીસીમાં જોડવામાં આવશે.
ઘણા નિષ્ણાતો માને છે કે ઓએનડીસી ભારતમાં કોમર્સ માટે ‘યુપીઆઇ મોમેન્ટ’ સાબિત થશે. એટલે કે જે રીતે યુપીઆઇથી રૂપિયાની લેવડદેવડમાં બહુ મોટી ક્રાંતિ આવી ગઈ છે, કંઈક એવું જ ઓનલાઇન વેપારની બાબતે પણ થશે.
અત્યારે ભારતના કોઈ પણ વેપારીને આખા દેશમાં પથરાયેલા ગ્રાહકો સુધી પહોંચવું હોય તો તેની પાસે બે જ રસ્તા છે – ભારતના ઓનલાઇન માર્કેટ પર કબજો જમાવીને બેઠેલી પેલી બે કંપનીમાં સેલર તરીકે જોડાય, તેની બધી જ શરતો માની લે અથવા પોતાની રીતે ઓનલાઇન સ્ટોર ઊભો કરીને ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે. આ બંને રસ્તા અત્યારે વેપારીઓ માટે મુશ્કેલ છે.
અત્યારે જે સ્થિતિ છે તેમાં ઓનલાઇન પ્લેટફોર્મ પર સેલર તરીકે જોડાવાથી માંડીને કસ્ટમર્સ મેળવવા, ઓર્ડર મુજબ ડિલિવરી કરવી, ગ્રાહકોની કોઈ ફરિયાદ હોય તો તેનું નિરાકરણ કરવું, પેમેન્ટ મેળવવું, વેચેલી વસ્તુ રીટર્ન થાય તો તેનું રીફંડ કરવું વગેરે બધી બાબતો પર જે તે શોપિંગ સાઇટનો પૂરેપૂરો કંટ્રોલ છે.
એક રીતે જોઇએ તો, વેપારીઓએ આ બધી બાબતોની ઝંઝટમાં પડવું પડતું નથી. પરંતુ બીજી રીતે જોઇએ તો આ બધા માટે શોપિંગ સાઇટ જે કહે તે શરતો તેમણે માનવી પડે છે.

ઉપરાંત માત્ર બે પ્લેટફોર્મ પર સેલર્સ બહુ મોટી સંખ્યામાં એકઠા થવાને કારણે જુદા જુદા વેપારીઓને તેમની પ્રોડક્ટ માટે પૂરતી વિઝિબિલિટી મળતી નથી.
ઓએનડીસીથી સ્થિતિ બદલાય તેવી આશા છે. તેમાં નાનાં મોટાં અનેક પ્લેટફોર્મ હોઈ શકે છે. જેમાં કોઈ પણ વેપારી સેલર તરીકે જોડાઈ શકે છે (અત્યારે સ્થિતિ અસ્પષ્ટ છે પરંતુ છેવટે એમેઝોન અને ફ્લિપકાર્ટ પણ ઓએનડીસી નેટવર્ક પર આવી જાય તેવી પૂરી શક્યતા છે). પરિણામે વેપારી તેને યોગ્ય લાગે અને તેને વ્યાજબી લાગે તેવી શરતો ઓફર કરતા પ્લેટફોર્મ સાથે જોડાઈ શકે છે.
તેની પ્રોડક્ટ ઓએનડીસી નેટવર્કમાં સામેલ તમામ પ્લેટફોર્મ્સ પર જોવા મળશે. એટલે એક વેપારીએ પોતાનો કારોબાર ફેલાવવા માટે જુદા જુદા બધા પ્લેટફોર્મમાં જોડાવાની કોઈ જરૂર નહીં રહે.
પેમેન્ટ અને લોજિસ્ટિક્સ માટે પણ ઓએનડીસી પર જુદી જુદી અનેક સર્વિસ ઉપલબ્ધ હશે એટલે વેપારી તેમાંથી ચાહે તેની પસંદગી કરી શકશે. સ્પર્ધા રહેશે, પણ સૌ માટે શરતો અને નિયમો સરખા હશે!
ઓએનડીસીની ઔપચારિક શરૂઆત થઈ ત્યારથી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ભારતની ટોચની ઘણી બેન્ક તેમાં સામેલ થઈ ગઈ છે.
પેટીએમ અત્યારે બાયર્સ નેટવર્ક તરીકે સામેલ છે, એટલે કે તેના યૂઝર્સ ઓએનડીસી પર ખરીદી કરી શકે છે. સ્નેપડીલ સેલર્સ નેટવર્ક તરીકે સામેલ છે, એટલે કે તેના વેપારીઓની પ્રોડક્ટ્સ ઓએનડીસીના આખા નેટવર્ક પર ડિસ્પ્લે થશે, પણ સ્નેપડીલના યૂઝર્સ હજી ઓએનડીસી પર ખરીદી કરી શકશે નહીં.
હમણાં જ માઇક્રોસોફ્ટે પણ ઓએનડીસીમાં જોડાઈને તેના પર સોશિયલ કોમર્સ મોલ ઊભો કરવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત પેટીએમ, સ્નેપડીલ, ફોનપે, લોજિસ્ટિક્સ માટે રિલાયન્સની ડુન્ઝો, ગો ફ્રુગલ, લોડશેર, ફ્લિપકાર્ટની ઇકાર્ટ વગેરે મોટી મોટી કંપની ઓએનડીસીમાં જોડાઈ ચૂકી છે.
એમેઝોન અને ફ્લિપકાર્ટ અત્યારે ઓએનડીસીને હરીફ તરીકે જુએ છે એટલે તેમાં જોડાતાં ખચકાય છે, પણ તેના સેલર્સ અને બાયર્સ બધા આ નેટવર્ક તરફ જશે, તો છેવટે એ બંને કંપની પણ તેમાં સામેલ થઈ જશે.
અત્યારે આપણે ફોન ખરીદવો હોય તો ઘણી વાર એવું બને કે અમુક પસંદગીનાં મોડેલ રોજિંદા સ્ટોરમાં ઉપલબ્ધ ન હોય. ફરજિયાત ઓનલાઇન સ્ટોરમાં જવું પડે. એમાં આપણને જોઈતું મોડેલ કાં તો એમેઝોન પર હોય કાં ફ્લિપકાર્ટ પર હોય. બંનેમાં ઉપલબ્ધ હોય તો બંનેમાં તેની કિમતો અને ઓફર્સ સરખાવવા જવું પડે. જો જુદી જુદી વસ્તુ માટે જુદા જુદા પ્લેટફોર્મ પરથી ખરીદી લાભદાયી થતી હોય તો એ દરેક પ્લેટફોર્મ પર ખાતાં ખોલાવવાં પડે. પેમેન્ટની વાત આવે ત્યારે આ બધા પ્લેટફોર્મ તેની પોતાની પેમેન્ટ સિસ્ટમને પુશ કરવાનો પ્રયાસ કરે.

ઓએનડીસીથી આ ચિત્ર બદલાઈ જશે. ઓએનડીસી નેટવર્કમાં સામેલ હોય તેવી કોઈ પણ એક એપમાં ખાતું ખોલાવવું આપણે માટે પૂરતું રહેશે. પછી એ એક જ એપમાં, નેટવર્કમાં જોડાયેલ તમામ પ્લેટફોર્મ્સ અને સેલર્સની પ્રોડક્ટ્સ આપણને જોવા મળશે (અલબત્ત આપણું લોકેશન અને બીજી કેટલીક બાબતો આમાં ભાગ ભજવશે). એટલે કે આપણને એક જ જગ્યાએ જુદા જુદા તમામ પ્લેટફોર્મ પર વેચાતી એકસરખી પ્રોડક્ટની કિમતો અને ઓફર્સ સરખાવવાની તક મળશે. આપણી બેન્કની એપમાં જ આવી સગવડ મળવાની પણ પૂરી શક્યતા.
બીજી તરફ દેશભરના વેપારીઓ માટે ઇ-કોમર્સનો લાભ લેવાનું સરળ બનશે અને જુદી જુદી પ્રોડક્ટ્સની દેશવ્યાપી ડિલિવરી પણ સરળ બનશે. એથી અત્યારે ઓનલાઇન કોમર્સ મહાનગરો અને બીજાં નાનાં મોટાં શહેરો પૂરતું સીમિત છે તે ગ્રામીણ વિસ્તારો સુધી પણ ફેલાશે. ગામડાના લોકો પાસે પણ મોબાઇલ તો છે જ, એમને પણ પોતાના મોબાઇલ પર ખરીદી કરવાનો ચસકો લાગી શકે છે!
આ લાખ રૂપિયાનો સવાલ છે, પણ વિશાળ ડિજિટલ ઇનિશિયેટિવ્સ પર સફળ રીતે કામ કરવાનો ભારતનો ટ્રેક રેકોર્ડ સારો છે! પહેલાં લગભગ સવા અબજ લોકોની ડિજિટલ ઓળખ સમાન આધાર પહેલ સફળ થઈ. એ પછી લગભગ એટલા જ પ્રમાણમાં કોરોના વેક્સિનેશનનાં સર્ટિફિકેટ્સ ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યાં. યુપીઆઇ વ્યવસ્થા હવે બીજા દેશો પણ અપનાવવા લાગ્યા છે.
પરંતુ યુપીઆઇમાં પ્રોડક્ટ માત્ર એક છે જ – રૂપિયા. એ પ્રોડક્ટ પણ એવી કે તેને ડિસ્પેચ કે ડિલિવર કરવાની ઝંઝટ નથી. ઓએનડીસીમાં તો લાખો પ્રોડક્ટ્સ છે, જેમાં કસ્ટમર્સ સુધી પહોંચવું, ઓર્ડર્સ લેવા, પેમેન્ટ લેવું, ડિલિવરી, એક્સચેન્જ, રીટર્ન, રીફંડ વગેરે કંઈ કેટલીય જફાઓ છે.
ઉપરાંત જેમ ભારતમાં બાર ગાઉએ બોલી બદલાય છે એમ ઓએનડીસીમાં સામેલ દરેક કંપની, સર્વિસનું પ્રોગ્રામિંગ જુદી જુદી લેંગ્વેજમાં થયું હોઈ શકે છે. ‘ગુજરાતી’ ને ‘તમિલ’ લોકો એકબીજા સાથે વાત કરે ને એકબીજાની વાત સમજી શકે એના જેવી આ વાત થઈ.
અત્યારે ભારતમાં ઇ-કોમર્સ ક્ષેત્રે ૬૦૦૦ જેટલા નાનામોટા પ્લેયર્સ છે, એ બધાનું એક ચોક્કસ ફોર્મેટ, સ્ટાન્ડર્ડ અનુસારનું કેટેલોગિંગ, ઇન્વેન્ટરી, ઓર્ડર મેનેજમેન્ટ, ઓર્ડર ફૂલફિલમેન્ટ, પ્રાઇસિંગ, લોકેશન અને બીજા ક્રાઇટેરિયા અનુસાર પ્રોડક્ટ ડિસ્પ્લે… આ બધાનું એક યુનિફોર્મ નેટવર્ક સહેલી વાત નથી. ટેકનિકલ પડકારો મોટા છે. ઉપરાંત યુપીઆઇ જેવી ‘કોન્ટેક્ટલેસ’ વ્યવસ્થા માટે કોરોના મહામારી આશીર્વાદરૂપ સાબિત થઈ. ઓએનડીસીને એવો ‘ધક્કો’ મળવાની હાલ પૂરતી શક્યતા નથી. જુદાં જુદાં પ્લેટફોર્મ, વેપારીઓ, સર્વિસિસ ને ગ્રાહકો વગેરે ઓએનડીસી પર કેટલો ભરોસો મૂકે છે એ પણ એક બહુ મોટો સવાલ છે.
ફક્ત વિચારમાંથી બે વર્ષમાં રિઅલ કસ્ટમર્સ માટેનું લાઇવ નેટવર્ક, આ તેજ ગતિ આગળ પણ જળવાય છે કે કેમ તે જોવું રસપ્રદ બનશે!
