તમને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરવાનો શોખ છે પરંતુ ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ ફિલ્ટર્સ તમને પૂરતા લાગતા નથી? તો તમે આ એપ ટ્રાય કરી શકો.

આમ જુઓ તો એન્ડ્રોઇડ પ્લેસ્ટોરમાં ફોટો એડિટિંગ એપ્સની કોઈ કમી નથી. પરંતુ આ એપ એ બધામાં ખાસ્સી અલગ તરી આવે છે.
એન્ડ્રોઇડ ના પ્લે સ્ટોરમાં આ એપ ૫૦ કરોડના ડાઉનલોડ આંકને પાર કરી ગઈ છે. આ એપ એડિટર્સ ચોઇસ પણ રહી ચૂકી છે.
આ એપ આપણા ફોટો અને વીડિયોના એડિટર તરીકે કામ આપે છે. એટલે દેખીતું છે કે આપણે પોતાના ફોટોગ્રાફ્સ આ એપમાં અપલોડ કરવા પડે છે. એથી ફોટોની પ્રાઇવસી બાબતે તમને ચિંતા હોય તો આ એપનો ઉપયોગ ન કરશો. કદાચ એટલા ખાતર જ આ એપને ૧૨ વર્ષથી વધુ ઉંમરના યૂઝર્સ માટે યોગ્ય ગણવામાં આવી છે.

એપમાં ફોટોગ્રાફ અપલોડ કર્યા પછી આપણે તેના પર આપણી કલ્પના મુજબ જાતભાતની રમત કરી શકીએ છીએ. બહુ ઝડપથી આપણે ફોટોગ્રાફમાંથી મેઇન સબ્જેક્ટ સિવાયનું બેકગ્રાઉન્ડ દૂર કરી શકીએ છીએ અને તેના સ્થાને નવું બેકગ્રાઉન્ડ ઉમેરી શકીએ છીએ. સેલ્ફી પર પણ જાતભાતના ફિલ્ટર એપ્લાય કરીને તદ્દન અલગ પ્રકારના ફોટોગ્રાફ ક્રિએટ કરી શકાય છે. એકથી વધુ ફોટોગ્રાફ ઉમેરીને તેમાંથી કોલાજ બનાવી શકાય છે. એ જ રીતે ફોટોગ્રાફમાંથી વણજોઇતા ભાગ પણ સહેલાઈથી દૂર કરી શકાય છે.
આવી એપ્સ મોટા ભાગે હોંગકોંગ કે ચાઇનાની કંપનીની હોય છે. પરંતુ આ એપનું હેડક્વાર્ટર અમેરિકાના સાનફ્રાન્સિસ્કો સ્થિત છે!
ફોટો ક્રિએટિવિટી, PicsArt Photo Editor

