
અખબારોમાં આપણે કોઈ વ્યક્તિએ ૩ડી પ્રિન્ટ કરીને ગન બનાવી કે આખી કાર બનાવી કે પછી આખેઆખું બિલ્ડિંગ બનાવ્યું એવા સમાચાર વારંવાર વાંચીએ છીએ. આ સમાચારોમાં ૩ડી પ્રિન્ટિંગ શું છે એ વિશે ખાસ સ્પષ્ટતા હોતી નથી.
‘સાયબરસફર’માં જુલાઈ ૨૦૧૭ના અંકમાં આપણે ૩ડી ડિઝાઇનિંગની પ્રક્રિયા વિશે વાત કરી ગયા છીએ. થોડું પુનરાવર્તન કરીને, પછી આ ટેક્નોલોજી કેવી આગળ વધી રહી છે તેની વાત કરીએ.
સાદા શબ્દોમાં કહીએ તો ડિજિટલ ડિઝાઇનમાંથી ત્રિપરિમાણીય એટલે કે થ્રીડાયમેન્શનલ નક્કર અને વાસ્તવિક વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા ૩ડી પ્રિન્ટિંગ તરીકે ઓળખાય છે. તેમાં વિવિધ પ્રક્રિયા પછી પોલીમર, પ્લાસ્ટિક, લિક્વિડ કે પાવડર ગ્રેઇન્સને, કમ્પ્યૂટર કંટ્રોલ્ડ પદ્ધતિથી લેયર-બાય લેયર એકમેક પર ઉમેરવામાં આવે છે અને તેમાંથી ૩ડી, નક્કર વસ્તુ બનાવવામાં આવે છે.
વાતને અત્યંત સાદી રીતે સમજીએ તો કહી શકાય કે જેમ કમ્પ્યૂટરમાંથી કોઈ ડોક્યુમેન્ટની પ્રિન્ટરની મદદથી કાગળ પર પ્રિન્ટ લઈએ, કંઈક એવી જ રીતે આપણે ધારીએ તો કમ્પ્યૂટરમાં એફિલ ટાવર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી કે અક્ષરધામ મંદિરનું ૩ડી મોડેલ બનાવીને તેનું આબેહૂબ ૩ડી મોડેલ પ્રિન્ટ કરી શકીએ છીએ!
આપણે કાગળ પર ડોક્યુમેન્ટની જે પ્રિન્ટ કાઢીએ છીએ તે ટુડી હોય છે. એટલે કે એક જ સપાટી પર તેમાં છાપકામ થાય છે. જ્યારે એફિલ ટાવર કે અક્ષરધામ જેવી કોઈ ઇમારતના ૩ડી પ્રિન્ટેડ મોડેલમાં કોઈ આર્કિટેક્ટે બનાવેલા બિલ્ડિંગના મોડેલ જેવું મોડેલ ‘પ્રિન્ટ’ કરી શકાય છે. આ રીતે થતા પ્રિન્ટિંગમાં પણ એક રીતે તો અક્ષરધામ મંદિરના પ્લાનની તેના એલિવેશન મુજબ સંખ્યાબંધ ટુડી લેયરની પ્રિન્ટ નીકળે છે, જે એકબીજા પર ગોઠવાઈને આખું ૩ડી મોડેલ તૈયાર થાય છે!
૩ડી પ્રિન્ટિંગનો કન્સેપ્ટ નવો નથી. મૂળ તો છેક ૧૯૪૦ના દાયકામાં છે, પણ ’૯૦ના દાયકામાં ચક હલ નામના સંશોધકે ‘સ્ટિરિયોલિથોગ્રાફી’ નામે ઓળખાતી એક ટેક્નોલોજીના પેટન્ટ મેળવ્યા જે ‘સોલિડ ઇમેજિંગ’ તરીકે પણ ઓળખાય છે. તેમણે ૩ડી સિસ્ટમ્સ કોર્પોરેશન નામની એક કંપની સ્થાપી. તેમના પ્રયાસોથી ઇન્ડસ્ટ્રીને ૩ડી પ્રિન્ટિંગ માટે જરૂરી .stl ફાઇલ ફોર્મેટ મળ્યું અને ત્યારથી આ ક્ષેત્રે અનેકવિધ નવાં સંશોધનોને વેગ મળ્યો. હવે ૩ડી પ્રિન્ટિંગના અનેક ઉપયોગ વિકસી રહ્યા છે, આગળના પાને જાતે જ જોઈ લો!
પ્રિન્ટ કરો માનવ અવયવ!

ઇઝરાયેલમાં સંશોધકોએ માનવ કોષોમાંથી ટચૂકડું હૃદય ૩ડી પ્રિન્ટ કર્યું છે, તેનો વાસ્તવિક ઉપયોગ હજી શક્ય નથી પણ શિકાગોની યુનિવર્સિટીમાં એક ઉંદરમાં ૩ડી પ્રિન્ટેડ ગર્ભાશય મૂકવામાં આવ્યું અને તેણે સ્વસ્થ બચ્ચાંને જન્મ આપ્યો! ઘૂંટણની ઢાંકણી હવે ૩ડી પ્રિન્ટથી બનવા લાગી છે.
આખેઆખું ઘર પ્રિન્ટથી!

રશિયાનું એક સ્ટાર્ટઅપ એક આખું ઘર ૩ડી પ્રિન્ટ કરી આપે છે – ૨૪ કલાકમાં, ખર્ચમાં ૪૦ ટકા બચત સાથે. તેમાં મોબાઇલ પ્રિન્ટરનો ઉપયોગ થાય છે એટલે સીધા જ સાઇટ પર, કોંક્રિટનાં લેયર્સ પાથરી દીવાલો ચણવામાં આવે છે અને પછી તેમાં બારી-બારણાં, છત વગેરે ફીટ કરવામાં આવે છે!
તમારું પોતાનું સ્ટેચ્યૂ!

‘૩ડી પ્રિન્ટેડ મિનિ’ ગૂગલ કરી જુઓ. તમે આપેલા સાદા, ડિજિટલ ફોટોગ્રાફમાંથી તમારું ૩ડી મિનિએચર સ્ટેચ્યૂ બનાવી આપતી સર્વિસ મળી આવશે. તેમાં ટુડી ફોટોગ્રાફમાંથી સોફ્ટવેરની મદદથી ૩ડી મોડેલ કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે અને તેમાંથી પછી સ્ટેચ્યૂ પ્રિન્ટ કરવામાં આવે છે!
તરી શકતી હોડી!

જિમ સ્મીથ નામના એક એન્જિનીયરે પોતાના ઘરમાં, ૪૨ દિવસ મથીને હોમ પ્રિન્ટર પર એક ફુલ સાઇઝ કયાક (એક પ્રકારની હોડી) પ્રિન્ટ કરી. આ વોટરટાઇટ કયાકમાં એ રાઇડિંગની મજા પણ માણી શકે છે. ૫૦૦ ડોલર જેવો ખર્ચ થયો, પણ ૩ડી પ્રિન્ટર શું કરી શકે એ સાબિત થયું!
ઓટો સેક્ટરમાં તેજી!

ઓટો ઇન્ડસ્ટ્રીમાં ૩ડી પ્રિન્ટરનો ભરપૂર ઉપયોગ થવા લાગ્યો છે. કારના પાર્ટ્સના પ્રોટોટાઇપ્સથી માંડીને આખેઆખી કન્સેપ્ટ કાર પણ હવે ૩ડી પ્રિન્ટ કરી શકાય છે. ઘણી કાર કંપની ટેસ્ટિંગ કાર માટેના પાર્ટ્સ ૩ડી પ્રિન્ટ કરીને મહિને લાખો ડોલરનો ખર્ચ બચાવવા લાગી છે!
મેઇડ ઇન સ્પેસ!

નાસાએ ૨૦૧૪માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એક ૩ડી પ્રિન્ટર મોકલી આપ્યું હતું, જેથી પૃથ્વીથી ૨૫૦ માઇલ ઊંચે અવકાશમાં ફરતા સ્ટેશનમાં કોઈ પાર્ટની જરૂર પડે, તો આખો પાર્ટ મોકલવાને બદલે તેની ફાઇલ સ્ટેશનમાં મોકલીને તેને ત્યાં જ પ્રિન્ટ કરી શકાય – અલબત વધુ સંશોધનો ચાલુ છે!

