તમે જાણતા હશો કે હમણાં એપલ કંપનીએ તેના આઇફોન અને એપલ વોચનાં નવાં વર્ઝન લોન્ચ કર્યાં. તેમાં જુદાં જુદાં ઘણાં ફીચરમાંથી એક ફીચર સેફ્ટીને સંબંધિત છે. ફેર એટલો કે વાત સાયબર સેફટીની નહીં, વ્યક્તિની પોતાની ફિઝિકલ સેફ્ટીની છે!
આ ફીચર ‘ક્રેશ ડિટેકશન’ સંબંધિત છે એટલે કે જ્યારે કોઈ વ્યક્તિના હાથમાં આઇફોન કે સ્માર્ટવોચ હોય અને તેની કારને ગંભીર અકસ્માત થાય ત્યારે આઇફોન પોતાની રીતે એક્ટિવ થઈને ઇમરજન્સી સ્થિતિમાં એ વ્યક્તિને મદદ મળી શકે એવા પ્રયાસ કરે છે.
ફીચર ખરેખર સારું છે અને આકસ્મિત સ્થિતિમાં મદદરૂપ થઈ શકે તેવું છે. પરંતુ એપલ કંપનીએ સ્વપ્ને પણ ધાર્યું નહીં હોય કે તેનું આ ફીચર ઘણા લોકો માટે સાવ જુદી જ સ્થિતિમાં નડતરરૂપ પણ બની શકશે!

હમણાં અમેરિકાના એક ડેન્ટિસ્ટે તેમનો અનુભવ શેર કરતાં કહ્યું કે તેઓ એક એમ્યુઝમેન્ટ પાર્કમાં ૧૦૯ ફૂટ ઊંચા રોલર કોસ્ટરની રાઇડની મજા માણતા હતા, ત્યારે તેમની જાણ બહાર, આઇફોનનું આ ફીચર એક્ટિવેટ થઈ ગયું હતું!
એ રોલર કોસ્ટર કલાકના ૮૫ કિલોમીટરની ઝડપ પકડી શકે છે. રાઇડ સમયે ડેન્ટિસ્ટનો નવો આઇફોન ૧૪ પ્રો તેમની સાથે હતો. રોલર કોસ્ટરમાં બેઠેલા ડેન્ટિસ્ટ ખાસ્સી ઊંચાઇએથી સડેડાટ નીચે આવ્યા એટલે આઇફોનના પેલા ફીચરે ધારી લીધું કે કોઈ અકસ્માત થયો છે!
તરત આઇફોનમાંથી ભારતની ૧૦૮ જેવી અમેરિકાની ૯૧૧ સર્વિસ પર એક ઓટોમેટિક કોલ ગયો. તેમાં ઓટોમેટેડ વોઇસમાં કહેવામાં આવ્યું કે ‘આ આઇફોનના માલિક ગંભીર કાર ક્રેશનો ભોગ બન્યા છે અને પોતાના ફોન પર કોઈ જવાબ આપી રહ્યા નથી’.
ઓટોમેટેડ મેસેજની સાથોસાથ આઇફોને પોતાનું એક્ઝેટ લોકેશન પણ ૯૧૧ સર્વિસ પર મોકલ્યું હતું. વોઇસ મેસેજના બેકગ્રાઉન્ડમાં લોકોની ચીસાચીસ સંભળાતી હતી (જે રોલર કોસ્ટરમાં બેઠેલા લોકોની ખુશાલીની ચિચિયારીઓ હતી!).
ઇમરજન્સી સર્વિસને લોકેશન પરથી ખ્યાલ આવ્યો કે કોઈ પાર્કમાંથી આ કોલ આવ્યો છે. આથી તાત્કાલિક પાર્કનો સંપર્ક કરવામાં આવ્યો, પાર્ક તરફથી જવાબ મળ્યો કે અહીં કોઈ અકસ્માત થયો જ નથી.
આ કોઈ એકલદોકલ બનાવ નથી.અમેરિકાના વિવિધ એમ્યુઝમેન્ટ પાર્કમાંથી આઇફોન કે સ્માર્ટવોચમાંથી ઇમરજન્સી સર્વિસને આવા ખોટા મેસેજ પહોંચ્યા હોવાનું નોંધાયું છે!
હવે અમુક પાર્કમાં રાઇડમાં બેસતી વખતે પોતાના આઇફોન કે સ્માર્ટવોચને બંધ રાખવા કે એરપ્લેન મોડ પર મૂકી દેવાની સૂચના આપવામાં આવી રહી છે. એપલ કહે છે કે તેનું આ ફીચર એકદમ સચોટ રીતે આકસ્મિક સ્થિતિ પારખી શકે છે એટલે આવું બની રહ્યું છે. પરંતુ આ ફીચર પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હોવાથી સમય સાથે તે વધુ સ્માર્ટ બનતું જશે!


