
ઇલેક્ટ્રિક કાર્સ, હાઇપરલૂપ્સ જેવા તદ્દન નવતર પ્રકારના ટ્રાન્સપોર્ટેશન મોડ, સેટેલાઇટ લોન્ચ કરવા માટે રીયૂઝેબલ રોકેટ્સ વગેરે જુદી જુદી ઘણી રીતે ટેકનોલોજીના ક્ષેત્રે ધાક જમાવી દેનારા અમેરિકન અબજોપતિ ટેક્નોક્રેટ એલન મસ્કે ૨૦૧૪ની આસપાસ પૃથ્વી પરનું ઇન્ટરનેટ કનેકશનનું ચિત્ર બદલી નાખવાનું વિચાર્યું હતું. ત્યારે એ તુક્કો ગણાયો હતો, જે હવે સાકાર થઈ ગયો છે અને ભારતમાં પણ તેને લોન્ચ કરવા, કંપની ટૂંક સમયમાં સરકાર પાસે મંજૂરી માગે તેવી શક્યતા છે.
મૂળ વિચાર
એલન મસ્કે સમગ્ર પૃથ્વીની આસપાસ હજારો સેટેલાઇટ્સ તરતા મૂકીને પૃથ્વી ફરતે અવકાશમાં સેટેલાઇટ્સનું એક વિરાટ જાળું ઊભું કરી, તેની મારફત પૃથ્વીમાં બધે જ ઇન્ટરનેટ કનેકશન પહોંચાડવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો.
નામ આપ્યું ‘સ્ટારલિંક’.
આ પદ્ધતિમાં ડેટા સેન્ટર્સ સાથે ફાઇબરથી કનેક્ટેડ ગ્રાઉન્ડ સ્ટેશન્સ અને આપણા કમ્પ્યૂટર વચ્ચે ડેટાની આપલે કરવા માટે સેટેલાઇટ ‘અરીસા’નું કામ કરે છે.
૨૦૧૪માં વિચારાયેલો પ્રોજેક્ટ શરૂઆતમાં ધીમી ગતિએ આગળ વધ્યો. ૨૦૧૭માં સેટેલાઇટના ડેવલપમેન્ટ પર કામ શરૂ થયું અને ફેબ્રુઆરી ૨૦૧૮માં પહેલી વાર પ્રાયોગિક ધોરણે બે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા.
પ્રોજેક્ટે વેગ પકડ્યો
૨૦૧૯થી પ્રોજેક્ટે ગતિ પકડી. ત્યારથી એક સાથે ૬૦-૬૦ સેટેલાઇટ લોન્ચ કરવાનું શરૂ થયું. લોન્ચિંગ સમયે એક સાથે હરોળબંધ સેટેલાઇટની આખી ટ્રેન જાણે અવકાશમાં ગતિ કરી રહી હોય એવાં દૃશ્યો સર્જાતાં હતાં અને સ્ટારલિંક પ્રોજેક્ટથી અજાણ લોકો એ જોઈને ડરી પણ જતા હતા!

હવે કંપનીએ એક સાથે ૨૫૦ સેટેલાઇટ લોન્ચ કરી શકાય એવાં રોકેટ તૈયાર કરી લીધાં છે. એથી આગળ વધીને, એક સાથે ૪૦૦ સેટેલાઇટ લોન્ચ કરી શકે તેવા ‘સ્ટારશીપ સ્પેસક્રાફ્ટ’ પર પણ કામ ચાલી રહ્યું છે (સ્ટારલિંકની મૂળ કંપની સ્પેસએક્સનું લક્ષ્ય તો મંગળ ગ્રહ પર વસાહતો ઊભી કરીને પૃથ્વી ને મંગળ વચ્ચે ‘શટલિયાં’ શરૂ કરવાનું છે).
સ્ટારલિંક માટે એલન મસ્કનું પ્લાનિંગ આવતાં પાંચેક વર્ષમાં ૧૨,૦૦૦ સેટેલાઇટનું જાળું ઊભું કરી દેવાનું છે. એ પછી જો કમર્શિયલ ધોરણે આખો પ્રોજેક્ટ સફળ થાય તો સેટેલાઇટ્સની સંખ્યા ૪૨,૦૦૦ સુધી પહોંચાડવાનું પણ પ્લાનિંગ છે. સરખામણી પૂરતું, માનવ ઇતિહાસમાં અત્યાર સુધીમાં કુલ ૯,૦૦૦ જેટલા સેટેલાઇટ્સ લોન્ચ થયા છે, જેમાંથી ૩,૦૦૦ જેટલા અત્યારે કાર્યરત છે (સ્ટારલિંક પ્રોજેક્ટને કારણે અવકાશમાં ટ્રાફિક જામ સર્જાઇ રહ્યો હોવાની ફરિયાદો પણ ઊઠી છે)!
સ્ટારલિંક કઈ રીતે અલગ?
અત્યારે આખી દુનિયાને જે રીતે ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળે છે તેમાં મહાસાગરોના તળિયે પથરાયેલા સબમરીન કેબલ્સનો સિંહફાળો છે (‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૧૫ના અંકમાં એ વિશે કવરસ્ટોરી છે). એ સિવાય, અત્યાર સુધી પૃથ્વી પર જે રીતે સેટેલાઇટથી ઇન્ટરનેટ કનેકશન મળ્યું છે તેમાં અને સ્ટારલિંક પ્રોજેક્ટમાં પણ અમુક પાયાના તફાવત છે.
હાલમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે પૃથ્વીની સપાટીથી ઓછામાં ઓછા ૩૫ હજાર કિલોમીટર દૂર રહેલા સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સ્ટારલિંક પ્રોજેક્ટ હેઠળ સેટેલાઇટ્સનું જે જાળું આકાર લઈ રહ્યું છે તે લો ઓર્બિટમાં છે એટલે કે પૃથ્વીથી માંડ ૫૫૦ કિલોમીટર દૂર છે. પરિણામે સ્ટારલિંક પ્રોજેક્ટથી કેબલ કે ફાઇબર ઇન્ટરનેટ કનેકશનની નજીક હોય એવી ઝડપે ઇન્ટરનેટ કનેકશન મળવાની આશા જાગી છે.
સ્ટારલિંક પ્રોજેક્ટે ૨૦૨૧ના વર્ષમાં બરાબર ગતિ પકડી અને આ પ્રોજેક્ટ હેઠળ જૂન ૨૦૨૧ સુધીમાં ૧૮૦૦ સેટેલાઇટ લોન્ચ થઈ ગયા. આ સેટેલાઇટ દ્વારા પ્રાયોગિક ધોરણે ઇન્ટરનેટ કનેકશન આપવાનું શરૂ પણ થઈ ગયું છે. કંપનીના દાવા મુજબ અત્યારે ૧૦,૦૦૦ જેટલા લોકોને સ્ટારલિંક પ્રોજેક્ટ હેઠળ ઇન્ટરનેટ કનેકશન મળવા લાગ્યું છે. કંપનીએ ૧૪ દેશોમાં એક લાખથી વધુ લોકોને સેટેલાઇટ ઇન્ટરનેટ ટર્મિનલ્સ પહોંચાડી દીધાં છે. આ વર્ષ દરમિયાન પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સિવાય લગભગ તમામ ખૂણાઓમાં સ્ટારલિંક પ્રોજેક્ટથી ઇન્ટરનેટ કનેકશન મેળવવું શક્ય બનશે તેવો કંપનીનો દાવો છે, પરંતુ નિષ્ણાતોને તેમાં બહુ વિશ્વાસ નથી. તેમના મતે, લગભગ પૂરી પૃથ્વીને આવરી લેવા માટે કંપનીએ ઓછામાં ઓછા ૧૦,૦૦૦ સેટેલાઇટ્સ તરતા કરવા પડશે. ઉપરાંત, કંપનીએ જુદા જુદા દેશોના નિયમો પર આધારિત રહેવું પડશે.

જેમ કે, સ્ટારલિંક કંપનીએ ભારતમાં પણ સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ કનેકશન ઓફર કરવાનું શરૂ કરી દીધું હતું. આ માટે કંપનીએ ભારતીય ગ્રાહકો પાસેથી પ્રી-ઓર્ડર મેળવીને રકમ ઉઘરાવવાનું શરૂ પણ કરી દીધું હતું. પરંતુ પછી ભારત સરકારે તેના પર રોક લગાવી.
કંપનીએ તેના ભારતમાંના ગ્રાહકોએ ચૂકવેલી રકમ રીફંડ કરી પડી. સ્ટારલિંક પ્રોજેક્ટને જ્યાં સુધી ભારતમાં ઇન્ટરનેટ કનેકશન આપવા માટેનું ઓફિશિયલ લાયસન્સ ન મળે ત્યાં સુધી કંપની ભારતમાં પ્રી-બુકિંગ કરી શકશે નહીં. આ ફિયાસ્કાને કારણે કંપનીમાં જોડાયેલા ‘સ્ટારલિંક ઇન્ડિયા’ના હેડ સંજય ભાર્ગવે રાજીનામું આપવું પડ્યું હતું.
હવે નવેસરથી સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીની વાત શરૂ થઈ છે. સ્ટારલિંકને એપ્રિલ ૨૦૨૨ સુધીમાં તેની સર્વિસ શરૂ કરી દેવાની મંજૂરી મળી જાય તો ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ભારતમાં બે લાખ સ્થળોએ સેટેલાઇટથી ઇન્ટરનેટ કનેક્શન શરૂ કરી દેવાની કંપનીની યોજના હતી. અઆ સ્ટારલિંક પ્રોજેક્ટને ભારતમાં મોટો અવરોધ નડ્યો છે, પણ આવતાં પાંચેક વર્ષ સુધી આ પ્રોજેક્ટનું ફોકસ જ્યાં ઇન્ટરનેટ નથી મળતું એવા વિસ્તારો પર રહેશે, પણ પછી આપણી અગાશીએ પણ ઇન્ટરનેટની વધુ એક ડિશ આવી શકે છે!
સેટેલાઇટથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં અત્યારે ‘લેટન્સી’ સૌથી મોટો અવરોધ છે. હાલના સેટેલાઇટ્સ ૩૫-૩૬ હજાર કિલોમીટર દૂર છે એટલે ડેટાની આપલે રીયલ ટાઇમમાં થતી નથી.
આપણે પોતાના કમ્પ્યૂટરમાં કોઈ વેબસાઇટમાં કોઈ એક્શન લઈએ, તેની રીકવેસ્ટ સેટેલાઇટ મારફત ડેટા સેન્ટરનાં સર્વરમાં પહોંચે, ત્યાંથી જોઈતો ડેટા પરત આપણા કમ્પ્યૂટરમાં પહોંચે, આ બધું પલકવારમાં થતું નથી. વીડિયો કોલિંગ કે ગેમિંગમાં આવી લેટન્સી મોટો અવરોધ બને.
સ્ટારલિંકનું શરૂઆતનું લક્ષ્ય અત્યારે જ્યાં નેટ કનેક્શન મળતું જ નથી કે બહુ ખર્ચાળ છે ત્યાં કનેક્ટિવિટી આપવાનું છે. તેના સેટેલાઇટ્સ પૃથ્વીની ખાસ્સા નજીક છે એટલે તેમાં લેટન્સી ઓછી છે, પણ સાવ ફાઇબર જેટલી નહિંવત નથી. પરંતુ સેટેલાઇટ્સની સંખ્યા વધતી જશે એ પછી સ્ટારલિંકમાં દુનિયાના કોઈ પણ ખૂણે હાલના હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ જેટલી ઝડપ મળવાની શક્યતા છે.
અત્યારે સ્ટારલિંકના સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટનું કનેકશન ખાસ્સું મોંઘું પડે તેમ છે. તમે ઘરની છત પર સેટેલાઇટ ડિશ મૂકવા માગતા હો અને એ માટે જરૂરી રાઉટર ખરીદવા માગો તો શરૂઆતમાં ૪૯૯ ડોલર (આશરે ૪૦ હજાર રૂપિયા!) ચૂકવવા પડે. પછી દર મહિને ૯૯ ડોલર (આશરે ૮,૦૦૦ રૂપિયા) ચૂકવવા પડે. આટલો ખર્ચ કર્યા પછી યુએસમાં પણ સેટેલાઇટથી ઇન્ટરનેટ કનેકશન મળે ત્યાં સુધી, ઓછામાં ઓછા છ મહિના જેટલો સમય વીતી શકે છે કેમ કે તેની સર્વિસ હજી બધે ઉપલબ્ધ નથી.
કેબલ કે ફાઇબર ઇન્ટરનેટ જેવી ઝડપ નહીં, છતાં ખર્ચ આટલો તોતિંગ. એ ગણિત આપણા મગજમાં ન બેસે પરંતુ એલન મસ્કની ગણતરી એવી છે કે જ્યાં ભરોસાપાત્ર ઇન્ટરનેટ કનેકશન મળતું જ નથી ત્યાં લોકો આટલો ખર્ચ કરવા તૈયાર થઈ જશે. સેટેલાઇટ ડિશ માટેનો પ્રારંભિક ખર્ચ ભવિષ્યમાં ડિમાન્ડ અને પ્રોડકશન વધતાં ઘણો નીચો જશે એવી પણ ગણતરી છે.
સ્ટારલિંક પ્રોજેક્ટ ઉપરાંત, એમેઝોન કંપની ‘પ્રોજેકટ કીપર’ નામે આ જ દિશામાં આગળ વધી રહી છે. તે પાંચ તબક્કામાં ૩,૨૩૬ સેટેસાઇટ્સનું ઝૂમખું બનાવવા માગે છે. ૫૭૮ સેટેલાઇટ કાર્યરત થતાં કંપની બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરી દેશે.
આ જ રીતે બોઇંગ કંપની ૩,૦૧૬ સેટેલાઇટ લોન્ચ કરવા માગે છે. વનવેબ નામની એક કંપની યુકે ગવર્નમેન્ટના ટેકા સાથે ૬૪૮ સેટેલાઇટ્સ લોન્ચ કરશે. આ કંપનીએ બે વર્ષ પહેલાં નાદારી નોંધાવી હતી, પણ હવે તે ફરી બેઠી થઈ રહી છે. ટેલિસેટ નામની એક કંપની પણ કંઈક આવું જ આયોજન ધરાવે છે, પણ થોડા નાના પાયે.
૨૦૧૯ના આંકડા પ્રમાણે દુનિયાના ૫૬.૭ ટકા લોકો જ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે, બાકીના નહીં.
સ્ટારલિંક સહિત, બધી કંપનીઓ અત્યારે આવા ચારેક કરોડ લોકો સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માગે છે, પછી તેણે આપણે જેવા લોકો માટે ફાઇબર કનેક્શનની હરીફાઈમાં ઊતરવું પડશે!

