વોટ્સએપનો બિઝનેસ માટે ઉપયોગ કરતા લોકો માટે કંઈક અંશે સારા સમાચાર છે. વોટ્સએપ કંપની તેની એપનું પ્રીમિયમ વર્ઝન લોન્ચ કરી રહી છે. આને વિવિધ બિઝનેસ માટે બધી રીતે સારા સમાચાર કહી શકાય તેમ નથી કેમ કે આ સર્વિસ પેઇડ રહેશે અને ફીચરની દૃષ્ટિએ તેમાં ફ્રી સર્વિસ કરતાં બહુ મોટી સગવડો મળી રહી નથી.

વોટ્સએપ પ્રીમિયમનું પેઇડ સબસ્ક્રિપ્શન ભર્યા પછી જે તે બિઝનેસ પોતાના વોટ્સએપ એકાઉન્ટ માટે એક કસ્ટમ બિઝનેસ લિન્ક જનરેટ કરી શકશે. આ લિન્ક https://wa.me/businessname પ્રકારની રહેશે.
હાલમાં ફ્રી સર્વિસમાં આ પ્રકારની લિન્ક જનરેટ કરી શકાય છે પરંતુ તેમાં માત્ર વોટ્સએપનો મોબાઇલ નંબર આપી શકાય છે. આવી લિન્ક પોતાના બ્લોગ કે વેબસાઇટ પર મૂકી હોય કે અન્ય રીતે શેર કરવામાં આવે તો લોકો તેના પર ક્લિક કરી જે તે વોટ્સએપ નંબર પર સહેલાઈથી મેસેજ મોકલી શકે છે. પ્રીમિયમ વર્ઝનમાં બિઝનેસના નામથી આવી લિન્ક જનરેટ કરી શકાતી હોવાથી કસ્ટમર્સ માટે જે તે બિઝનેસનો વોટ્સએપ પર કોન્ટેકટ કરવાનું કામ વધુ સહેલું બનશે.
ઉપરાંત, વોટ્સએપનો બિઝનેસ માટે ઉપયોગ થતો હોય ત્યારે એવું બની શકે કે એક જ ટીમના એકથી વધુ લોકો પોતપોતાના ડિવાઇસ કે કમ્પ્યૂટર પર એક જ વોટ્સએપ એકાઉન્ટ હેન્ડલ કરતા હોય. હાલના ફ્રી એકાઉન્ટમાં આ રીતે એક સાથે ચાર ડિવાઇસમાં વોટ્સએપ એકાઉન્ટ કનેક્ટ કરીને હેન્ડલ કરી શકાય છે. પેઇડ પ્રીમિયમ વર્ઝનમાં ૧૦ ડિવાઇસને એક જ વોટ્સએપ એકાઉન્ટ સાથે કનેક્ટ કરી શકાય છે.
એટલું યાદ રાખશો કે આ સબસ્ક્રિપ્શન સાથેનું વોટ્સએપનું પ્રીમિયમ એકાઉન્ટ માત્ર વોટ્સએપની બિઝનેસની એપનો ઉપયોગ કરતા લોકોને મળે છે. વોટ્સએપ કંપની જુદા જુદા દેશમાં બિઝનેસ માટેનું આ વર્ઝન લોન્ચ કરી રહી છે અને દરેક દેશ મુજબ તેનો સબસ્ક્રિપ્શન ચાર્જ અલગ અલગ હોઈ શકે છે.

