વોટ્સએપમાં એન્ડ્રોઇડ અને આઇફોનના યૂઝર માટે ‘કોલ લિંક ફંકશન’ નામે એક નવું ફીચર આવ્યું છે. આ ફીચર લાવવામાં વોટ્સએપે ઘણું મોડું કર્યું, પરંતુ હજી પણ ભારતમાં વોટ્સએપનો વ્યાપ જોતાં તેનું આ ફીચર ઝૂમ, માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ગૂગલ ડ્યૂઓ કે મીટ જેવી વીડિયો કોલિંગ એપ્સને ભારે પડી શકે છે!

આપણો અનુભવ છે કે કોરોના દરમિયાન અચાનક વીડિયો કોલિંગ એપ્સનો જુવાળ આવ્યો અને વર્ક-ફ્રોમ-હોમ દરમિયાન ઓફિસના જુદા જુદા લોકો પોતપોતાના ઘરેથી વીડિયો મીટિંગ કરવા લાગ્યા. એ સમયે ઝૂમ એપના ઉપયોગમાં જબરજસ્ત ઉછાળો આવ્યો. ત્યાં સુધી આપણે કોઈએ ઝૂમનું નામ પણ સાંભળ્યું નહોતું!
પરંતુ કોરોના વીડિયો કોલિંગ એપ્સને ફળ્યો અને ઓફિસની મીટિંગ, સ્કૂલના ઓનલાઇન ક્લાસથી માંડીને યોગ, સંગીત, કૂકિંગ વગેરેના ક્લાસ પણ ઝૂમ કે ગૂગલ મીટ પર યોજાવા લાગ્યા. વીડિયો કોલિંગ એપ્સનો ઉપયોગ કોરોના પછી પણ ઘણે અંશે ચાલુ રહ્યો છે.
હવે, વોટ્સએપનું નવું ફીચર કેમ મહત્ત્વનું છે એ જુઓ – કોઈ ઓફિસના સભ્યો જ્યારે ઝૂમ પર મીટિંગ કરે ત્યારે શું થાય છે? કોઈ એક વ્યક્તિ ઝૂમ એપમાં મીટિંગ શિડ્યૂલ કરે છે અને તેની લિંક અન્ય લોકોને મોકલે છે. અન્ય લોકો આ લિંક પર ક્લિક કરીને મીટિંગમાં જોડાઈ શકે છે.

હવે મજા જુઓ. મીટિંગની લિંક કેવી રીતે મોકલવામાં આવે? જવાબ છે વોટ્સએપથી! કારણ કે મોટા ભાગના લોકો ડેઇલી અને ક્વિક કમ્યુનિકેશન માટે વોટ્સએપનો જ ઉપયોગ કરે છે!
વોટ્સએપમાં ગ્રૂપ વીડિયો કોલિંગની સુવિધા તો છે જ, પરંતુ તેમાં અત્યાર સુધી મીટિંગ શિડ્યૂલ કરી શકાતી નહોતી. હવે નવા ફીચરથી આ ખામી દૂર થઈ ગઈ છે.
આ ફીચર આપણા ફોનમાં વોટ્સએપ એપમાં આવી જાય એ પછી વોટ્સએપ એપ ઓપન કરી તેમાં કોલ્સ ટેબમાં નવો વીડિયો કોલ શિડ્યૂલ કરી શકાશે અને તેની લિંક જનરેટ કરી શકાશે. આ લિંક વોટ્સએપથી જ અન્ય લોકોને શેર કરી શકાશે. એ લોકો લિંક પર ક્લિક કરીને ફટાફટ મીટિંગમાં જોડાઈ શકશે.
વોટ્સએપમાં અત્યાર સુધી ગ્રૂપ વીડિયો કોલિંગમાં ફક્ત આઠ લોકો જોડાઈ શકે છે. પરંતુ હવે આ સંખ્યા વધારીને ટૂંક સમયમાં ૩૨ની કરી દેવામાં આવશે. વોટ્સએપનો વ્યાપ જોતાં ઝૂમ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, ગૂગલ ડ્યૂઓ/મીટ વગેરે એપ્સમાં થતા વીડિયો કોલિંગને ભારે ફટકો લાગશે એ નક્કી છે.

