(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઝડપથી બદલાઈ રહી છે સર્ચ ટેક્નોલોજી

આપણને દરેક વાતમાં ગૂગલ કરવાની ટેવ છે, તેમાં આપણને જે બતાવવામાં આવે છે તેની પદ્ધતિ બદલાઈ રહી છે.

તમે નોંધ્યું છે? જાણીતી ટેક કંપનીઓ હવે યુટર્ન લઈ રહી છે?! અત્યાર સુધી ગૂગલ અને સર્ચ એન્જિન તથા ફેસબુક અને બીજી સોશિયલ સાઇટ્સ પર આપણે કંઈ પણ સર્ચ કરીએ કે સર્ફ કરીએ ત્યારે આપણી અગાઉની હિસ્ટ્રી અને એક્ટિવિટીને ધ્યાનમાં લઈ એ જ બધું બતાવવામાં આવતું હતું.

જો તમે સ્માર્ટફોન (કે ઇન્ટરનેટ!)નો  ખરેખર સ્માર્ટ ઉપયોગ કરતા હો, તો ટેક કંપનીઓના આ એપ્રોચથી કંટાળવા લાગ્યા હશો. હવે, સદનસીબે, આ કંપનીઓને પણ સમજાયું છે કે લોકોની પસંદ બદલાઈ રહી છે. આથી આ કંપનીઓ તેમનો એપ્રોચ  પણ બદલી રહી છે.

ગૂગલના આગમન પહેલાંનાં સર્ચ એન્જિન ઇન્ટરનેટની ડિરેક્ટરી જેવાં હતાં. ગૂગલે પેજ રેન્કિંગનો નવો કન્સેપ્ટ આપ્યો. ગૂગલના અલ્ગોરિધમને કારણે આપણા મનમાં જે સવાલો હોય તેના ઇન્ટરનેટ પર સચોટ જવાબ મળવા લાગ્યા. પરંતુ હવે ગૂગલ આપણે જે જાણવું હોય તે બતાવવા ઉપરાંત, આપણને જેમાં રસ પડી શકે એવું ઘણું વધુ બતાવવાની કોશિશ કરશે.

હવે આ કંપનીઓ આપણને એવું બતાવવાની કોશિશ કરી રહી છે, જે આપણને ગમી શકે, પણ સ્પષ્ટપણે આપણે એવું કંઈ સર્ચ કરી રહ્યા ન હોઈએ. સર્ચના ક્ષેત્રે અત્યાર સુધી સર્વેસર્વા રહેલી કંપની ગૂગલનો ગરાસ હવે ટિકટોક જેવી સાવ જુદા જ પ્રકારની કંપનીઓ  લૂંટવા લાગી છે એટલે પણ ગૂગલે તેનો એપ્રોચ બદલવાની શરૂઆત કરી છે.

અત્યારે ગૂગલ ‘મલ્ટિ સર્ચ’ તરીકે તેની સર્ચ સર્વિસને વિસ્તારી રહી છે.

ગૂગલ સર્ચમાં હવે આપણી સર્ચને સંબંધિત વિવિધ બાબતો બતાવવામાં આવશે, તેની મદદથી સર્ચને વિસ્તારી શકાશે.

આપણે એવરેજ વ્યક્તિ તરીકે આ બધામાં બહુ ઊંડા ઊતરીએ નહીં તો ચાલે, પણ સ્ટુડન્ટ તરીકે તમને તમારી ક્ષિતિજો વિસ્તારવામાં રસ હોય કે ઇન્ટરનેટનો પોતાના લાભ માટે કસ કાઢવા માગતા હો તો સર્ચમાં શું અને કેવી રીતે બદલાઈ રહ્યું છે એ જાણવું જ રહ્યું!

ઇન્ટરનેટ પર ઇન્ફર્મેશનનો તો કોઈ પાર નથી, પણ એમાંથી ખરેખર સારા, ઉપયોગી, આપણને જેમાં ઊંડો રસ હોય તેવા કન્ટેન્ટ સુધી પહોંચવું દિવસે દિવસે મુશ્કેલ બની રહ્યું છે – તમે આ સ્ટેટમેન્ટ સાથે સંમત છો?

જો તમે સ્માર્ટફોન કે કમ્પ્યૂટર કે ઇન જનરલ, ઇન્ટરનેટ પર ગળાડૂબ હશો (આજકાલ કોણ નથી હોતું?!) તો તમે આ વાત સાથે સંમત હશો જ.

નીચે આપેલી સ્થિતિ તમે પણ સતત અનુભવતા હશો…

  • સર્ચ એન્જિનમાં કંઈક સર્ચ કરીએ તો એ આપણી આગલી બધી હિસ્ટ્રી ને એક્ટિવિટીને આધારે નક્કી કરી લે કે આપણને શું જાણવામાં રસ હશે અને પછી એ જ રિઝલ્ટ્સ બતાવે.
  • ફેસબુકમાં આપણે કંઈક પોસ્ટ કરીએ, મિત્રો તેના પર રીસ્પોન્સ આપે અથવા આપણે કોઈની પોસ્ટને લાઇક કરીએ… ફેસબુક માટે આટલી હિંટ્સ પૂરતી થાય. એ નક્કી કરી લે કે આપણને કોની સાથે ઇન્ટરએક્ટ કરવામાં રસ છે અને પછી એના જ એ જ લોકો, એના એ જ પ્રકારનું કન્ટેન્ટ આપણને બતાવવામાં આવે. ફેસબુકની માલિકી અને તેના જેવી બધી સોશિયલ સાઇટ્સ પર લગભગ આવી જ સ્થિતિ.
  • યુટ્યૂબ, ન્યૂઝ બધે આવું થાય.

આના કારણે કેવો પ્રોબ્લેમ ઊભો થાય છે એ સમજવા જેવું છે. ઇન્ટરનેટ અસીમ છે પણ ટેક કંપનીઓએ આપણું હદ બહારનું ટ્રેકિંગ કરી, જાતે જ નક્કી કરી લીધું કે આપણને કઈ બાબતો જોવા-જાણવામાં રસ છે.

પરિણામે ઇન્ટરનેટ મહાસાગર હોવા છતાં અને એને આખેઆખો ખૂંદવાની આપણી ઇચ્છા હોય તો પણ, આપણને કૂવામાંના દેડકા બનાવી દેવામાં આવ્યા!

કન્ટેન્ટ ડિસ્કવરીનો ટ્રેન્ડ

સદનસીબે, આ ટ્રેન્ડની સમાંતર ઇન્ટરનેટ પર ‘કન્ટેન્ટ ડિસ્કવરી’નો એક રસપ્રદ ટ્રેન્ડ પણ ચાલ્યો છે.

અલ્ગોરિધમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આધારે ચાલતી વિવિધ સર્વિસની સમાંતર, ઇન્ટરનેટ પર અત્યાર સુધી હ્યુમન ટચવાળી કન્ટેન્ટ ડિસ્કવરીનો પણ દબદબો રહ્યો છે. એવી જુદી સાઇટ્સ કે સોશિયલ પ્લેટફોર્મ એ રીતે જ ડિઝાઇન થયેલાં છે, જેમાં લોકો કોઈ વ્યક્તિને નહીં, પણ પોતાના રસના વિષયોને ફોલો કરી શકે.

સોશિયલ મીડિયા પર હેશટેગ્સ અને એ પ્રકારની બીજી પદ્ધતિઓ કંઈક અંશે આવી સગવડ આપે છે, પણ આ બધી કંપનીનું ફોકસ નવું ને ઉપયોગી  કન્ટેન્ટ બતાવવા પર નહીં, આપણી જાસૂસી કરી પોતાની કમાણી વધારવા પર રહ્યું છે.

જ્યારે ટિકટોક, પિન્ટરેસ્ટ વગેરે અલગ રીતે ચાલે છે. એમાં કોણ શેર કરે છે, કોણ કોને ફોલો કરે છે કે કોની સાથે ઇન્ટરએક્ટ કરે છે વગેરે બાબતો કરતાં, આપણે કેવા ટોપિક્સની પોસ્ટ્સ જોઈએ છીએ તેના પર વધુ ધ્યાન અપાય છે.

આમાં વાત આખરે તો આપણી જાસૂસીની જ છે, પણ આવા પ્લેટફોર્મ હવે સર્ચ એન્જિન તરીકે પણ પોપ્યુલર થવા લાગતાં, ગૂગલે તેની સર્ચ સિસ્ટમને વધુ વિસ્તારવાની શરૂઆત કરી છે.

હવે આપણે ગૂગલને જેટલું પૂછીએ એટલું જ કહેવાને બદલે, સર્ચ એન્જિન આપણને બીજી કઈ બાબતોમાં રસ પડી શકે – જેની આપણને પોતાને ખબર ન હોય – એવી બાબતો બતાવવાનો પણ પ્રયાસ કરે છે અને આગળ જતાં એ જ એપ્રોચ વધુ વિસ્તરશે. આમાં આપણો દેખીતો ફાયદો છે!

છેક શરૂઆતથી વાત કરીએ તો, ૯૦ના દાયકામાં ગૂગલના સર્ચ એન્જિનની શરૂઆત થઈ એ પહેલાં બીજાં કેટલાંય સર્ચ એન્જિન પોપ્યુલર થઈ ચૂક્યાં હતાં. એમાં ટોચનું નામ હતું યાહૂ. યાહૂની શરૂઆત ઇન્ટરનેટની ડિરેક્ટરી તરીકે થઈ.

જુદાં જુદાં કેટલાંય સેક્ટર, બિઝનેસ કેટેગરી વગેરેનું રીતસરનું લિસ્ટ બનાવવામાં આવ્યું અને લોકો તેમાંથી તેમને જોઈતી સાઇટ સર્ચ કરી શકે એવી સગવડ આપવામાં આવી. પછી ગૂગલે બાજી સાવ પલટી.

ગૂગલના સ્થાપકોએ વિચાર્યું કે ઇન્ટરનેટ પર પાર વગરની વેબસાઇટ્સ બની રહી છે, અનેક પ્રકારનું કન્ટેન્ટ ઠલવાઈ રહ્યું છે, તે બધાનું સતત ‘ઇન્ડેક્સિંગ’ કરી, તેમને સતત તપાસી, તેમના એકમેક સાથેના સંબંધ તપાસીને કઈ સાઇટ, કયા પ્રકારનાં પરિણામ વધુ સારી રીતે આપી શકશે તે નક્કી કરવું જોઈએ – તો જ યૂઝર જે શોધતા હોય તે, તે તેને વધુમાં વધુ સંતોષ આપે એ રીતે બતાવી શકાય.

આથી ગૂગલે ઇન્ટરનેટ પરની તમામ સાઇટ્સ, વેબપેજીસનું કન્ટેન્ટ ‘સૂંઘવાનું’ શરૂ કર્યું. તેને સમાંતર દરેક યૂઝર ઇન્ટરનેટ પર શું જુએ છે, ક્યાંથી ક્યાં જાય છે એ બધાનો રેકોર્ડ જાળવવાનું પણ શરૂ કર્યું. એ પછી ગૂગલે ઇતિહાસ સર્જ્યો અને બીજાં સર્ચ એન્જિન ઇતિહાસ બની ગયાં.

આપણે પણ માની લીધું કે ઇન્ટરનેટ પર કંઈ પણ શોધવું હોય તો એક જ રસ્તો છે – ગૂગલ કરી લેવું.

ગૂગલે તેની સર્ચ ટેક્નોલોજીને સતત અપડેટ કરી અને આપણને તેના રીતસર વ્યસની બનાવી દીધા. જોકે એમાં કંઈ ખોટું નહોતું, ગૂગલ પર આપણે કંઈ પણ સર્ચ કરીએ, યોગ્ય રીતે સર્ચ કરીએ તો નવાઈજનક હદે સચોટ પરિણામ મળવા લાગ્યાં.

એ પછી, એકવીસમી સદીના બીજા દાયકાથી ગૂગલે તેની સર્ચ ટેક્નોલોજીને હજી વધુ સ્માર્ટ બનાવી. અગાઉ આપણે ગૂગલમાં ‘ન્યૂ યોર્ક’ સર્ચ કરીએ તો ગૂગલને એ ખબર નહોતી પડતી કે ન્યૂ યોર્ક એક શહેર છે. એ માત્ર આ શબ્દો – કોરા શબ્દો  – ને  જુદાં જુદાં વેબપેજીસમાં ફંફોસે અને પછી તેના અલ્ગોરિધમ પ્રમાણે ઊંચું રેન્કિંગ ધરાવતાં પેજ આપણને બતાવે.

પછી ગૂગલે ‘નોલેજ ગ્રાફ’ નામે ઓળખાતી સર્ચ ટેક્નોલોજી વિક્સાવી અને ‘વિરાટ કોહલી’ સર્ચ કરતાં, તેને એ પણ સમજાવા લાગ્યું કે એ નામની વ્યક્તિ છે, જે ક્રિકેટર છે, જેના માતા-પિતા, પત્ની, ક્રિકેટના વિશ્વ વિક્રમો છે… એટલે ગૂગલે આ બધું, આપણે પૂછ્યું ન હોય તો પણ જુદાં જુદાં પેજમાંથી તારવીને, સામે ચાલીને આપણને બતાવવાનું શરૂ કર્યું (નોલેજ ગ્રાફ વિશે વધુ જાણો ફેબ્રુઆરી ૨૦૧૩ અંકમાં).

ગૂગલની ઘણી ખરી કમાણી સર્ચ એન્જિનમાંથી છે અને ગૂગલે એવી કોશિશ શરૂ કરી કે તેના સર્ચ પેજ પર પહોંચેલી વ્યક્તિને ત્યાંથી જ જોઇતા બધા જવાબ મળી જાય! ‘ઝીરો ક્લિક’ની આ સ્થિતિનો તમે પણ ઘણી વાર અનુભવ કર્યો હશે – આ ગૂગલની નવી ‘સિદ્ધિ’ છે એવા ખ્યાલ વિના!

ગૂગલની એક નવી ટ્રિક તમને ખબર છે? માની લો કે તમારી પાસે કોઈ ઓરેન્જ કલરનો ડ્રેસ છે અને તમારે એ જ પેટર્નનો, પણ ગ્રીન કલરનો ડ્રેસ ખરીદવો છે.  તો ગૂગલ લેન્સથી ઓરેન્જ ડ્રેસનો ફોટો લો અને પછી આવું કંઈક ટાઇપ કરો, ‘ગ્રીન’ કે ‘ઇન ગ્રીન’.

ગૂગલ એ જ પેટર્નનો, પણ ગ્રીન કલરનો ડ્રેસ ક્યાં ક્યાં વેચાય છે તે શોધી લાવશે! ગૂગલ ફોટોઝમાં તમારા ફોટો સર્ચ કરતી વખતે તમે વ્યક્તિનું નામ અને ‘બ્લુ કેપ’ સર્ચ કરો તો એ જ વ્યક્તિના, બ્લુ કેપ સાથેના ફોટો જોવા મળે છે! હવે સમજાયું કે પેલી ટીવી જાહેરાતોમાં ગૂગલ કેમ કહે છે કે ‘‘પૂછને સે સબ હોગા!’’?

આ કમાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યૂટર વિઝન, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ વગેરે જેવી વિવિધ નવી, રસપ્રદ ટેક્નોલોજીના ઉપયોગથી શક્ય બને છે, જે સર્ચને વધુ ને વધુ પાવરફુલ અને વધુ વ્યાપક બનાવે છે.  ગૂગલ આને ‘મલ્ટિ સર્ચ’ કહે છે, વોઇસ, ઇમેજ અને ટાઇપિંગ જેવી અલગ અલગ પદ્ધતિથી એક સાથે થતું સર્ચ.

અત્યાર સુધી સર્ચ એન્જિન એક પાયાના નિયમ પર ચાલતું હતું – તમે કોઈ સવાલનો જવાબ શોધો છો, જે ઇન્ટરનેટ પર ક્યાંક, કોઈક વેબપેજમાં ધરબાયેલો પડ્યો છે. ગૂગલનું કામ એ જવાબ શોધી લાવવાનું. હવે ગૂગલને લાગે છે કે લોકો માત્ર સવાલના જવાબ મેળવવા સર્ચ કરતા નથી. એમને તો એવું પણ જાણવું હોય છે, જે શું છે અને ક્યાં હશે એની એમને કોઈ કલ્પના જ નથી!

ટૂંક સમયમાં ગૂગલ સર્ચમાં ‘ચિપ્સ’ આવી રહી છે. શું હશે આ ચિપ્સ? અત્યારે તમે જાણો જ છો કે સર્ચ બોક્સમાં કંઈક લખવાનું શરૂ કરીએ એટલે ગૂગલ તેનું ‘ભેજું’ દોડાવીને, આપણે શું સર્ચ કરવા માગીએ છીએ તે ધારી લે અને આપણે જેટલું ટાઇપ કર્યું હોય, તેના આગલા શબ્દો ગૂગલ પોતે સૂચવે. આ કામ પ્રીડિક્ટિવ ટેક્સ્ટની મદદથી થાય.

અત્યાર સુધી, આ બધું મુખ્યત્વે આપણી સર્ચ હિસ્ટ્રીને આધારે થતું હતું. હવે ગૂગલ આપણા પર ફોકસ જાળવી રાખીને, શું સર્ચ કરી રહ્યા છીએ અને તેને સંબંધિત બીજી કઈ બાબતો આપણને જાણવી ગમશે એના પર પણ ફોકસ લાવશે. આવું મેપ્સમાં કંઈક અંશે થઈ રહ્યું છે, જે હવે વિસ્તરશે.

એટલે ટૂંક સમયમાં, તમે ગૂગલ પર ફક્ત ‘બેસ્ટ’ ટાઇપ કરશો તો નીચે ‘બાય’, ‘મૂવીઝ’, ‘રેસ્ટોરાં’ વગેરે ચિપ્સ બતાવવામાં આવશે. એમાંથી કંઈક સિલેક્ટ કરીએ તો આ જ રીતે,મૂળ પ્રશ્નની આજુબાજુની બાબતો પણ સૂચવવાનું આગળ વધતું રહેશે (ડ્રાઇવ, જીમેઇલ વગેરેમાં આવી ચિપ્સ આવી ગઈ છે). મતલબ કે અત્યાર સુધી સર્ચ એન્જિન માત્ર શબ્દોનો તંતુ પકડતું હતું (રસ હોય તો સર્ચ કરો Syntactic search}, હવે તે આગળ વધીને આપણા શબ્દો પાછળનો અર્થ, તેનો સંદર્ભ પારખીને, આપણું મન કળી લઈને (semantic approach), જે જોઈતું હોય તે બતાવવા ઉપરાંત, વધુ રસ પડે એવું પણ કંઈક બતાવવાનો પ્રયાસ કરશે!

થોડા સમય પહેલાં, વર્ષ ૨૦૨૦માં જીમેઇલમાં સર્ચ ચિપ્સ નામે એક નવી સુવિધા આપણને મળી હતી. તેની મદદથી આપણે પોતાના મેઇલ્સ વધુ સારી રીતે અને સહેલાઈથી સર્ચ કરી શકીએ છીએ. હવે આવી જ સુવિધા ગૂગલ ડ્રાઇવમાં પણ મળી છે (જે હવે મૂળ સર્ચમાં ઉમેરાઈ રહી છે).

તમે ડ્રાઇવનો નિયમિત ઉપયોગ કરતા હો તો જાણતા હશો કે તેમાં પીસીમાં ઉપરના ભાગે તથા મોબાઇલ એપમાં હોમ ટેબમાં આપણે જેના પર કામ કરવાની સૌથી વધુ શક્યતા હોય તેવી ફાઇલ્સ આપોઆપ હાથવગી રહે છે – તમે નજીકના સમયમાં કોઈ નવી ફાઇલ ઓપન કરી હોય કે જૂની ફાઇલ પર કામ કર્યું હોય, કોઈએ તમારી સાથે ફાઇલ શેર કરી હોય કે તમે શેર કરેલી હોય તેવી ફાઇલ પર અન્ય લોકોએ કામ કર્યું હોય… આ બધી ફાઇલ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આપણને પીસીમાં ઉપરના ભાગે અને મોબાઇલમાં હોમ ટેબમાં બતાવવામાં આવે છે.

પરંતુ એ સિવાય તમે ડ્રાઇવમાંની ફાઇલ્સ વધુ ચોકસાઈપૂર્વક સર્ચ કરવા માગતા હો તો એ માટે ડ્રાઇવમાં છેક ઉપરના ભાગે સર્ચ ચિપ્સ – નાનાં નાનાં બટન્સ ઉમેરાયાં છે.

આવાં બટન વિવિધ પ્રકારનાં છે. લોકેશન, ફાઇલ ટાઇપ, ડેટ મોડિફાઇડ, પીપલ, શેરિંગ વગેરે ચિપની મદદથી આપણે જુદા જુદા પ્રકારે ફાઇલ્સ સર્ચ કરી શકીશું. આ રીતે ગૂગલ ડ્રાઇવમાં કામ કરવું ચોક્કસપણે વધુ સહેલું બને છે. ગૂગલે બધા પ્રકારના એકાઉન્ટ ધરાવતા લોકોને આ સુવિધા આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!