આગળ શું વાંચશો?
- હવે અવકાશમાં જાહેરાત બતાવવાની કસરત
- આવી ગયું જિઓનું લેપટોપ
- સરકારી વેબસાઇટ્સ અને એપ્સમાં સુધારાની આશા
- ભારતમાં એપલના એસેમ્બલિંગનું પ્રમાણ વધ્યું
થોડા સમયથી ડ્રોન શો ખાસ્સી ચર્ચામાં છે. હમણાં અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ પર ડ્રોન શો યોજાયો, ત્યાર પછી ગાંધી જયંતિ નિમિત્તે સાયન્સ સિટીમાં અને ડીફેન્સ એક્સ્પોના ભાગરૂપે પણ ડ્રોન શો યોજાયો. મોડી સાંજે અંધારું થયા પછી આકાશમાં ઊડતાં ડ્રોન એકબીજા સાથે એકદમ તાલબદ્ધ રીતે, સિંક્રોનાઇઝ્ડ થઈને જુદા જુદા આકાર કે અક્ષરો ઉપસાવે એ જોવું એ પણ એક લ્હાવો છે.

હવે આ પ્રકારની ટેકનોલોજી આકાશમાંથી અવકાશમાં પહોંચાડવાની મથામણ પણ ચાલી રહી છે. જેમ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં વિકાસના પ્રતીક તરીકે ડ્રોન શોનો ઉપયોગ થઈ રહ્યો છે તેમ વિદેશોમાં એડવર્ટાઇઝિંગ માટે સેટેલાઇટ્સની મદદથી અવકાશમાં વિરાટ બિલબોર્ડ્સ ઊભાં કરવાની કોશિશ શરૂ થઈ છે.
રશિયાના સ્કોલકોવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા મોસ્કો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ એન્ડ ટેકનોલોજીના સંશોધકો અવકાશમાં તરતા સેટેલાઇટ્સથી સ્પેસ એડવર્ટાઇઝિંગ સાકાર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
આ પદ્ધતિમાં સોલર રિફ્લેક્ટર ધરાવતા સંખ્યાબંધ નેનો સેટેલાઇટ્સ અવકાશમાં તરતા મૂકીને તેમને ચોક્કસ રીતે સિંક્રોનાઇઝ્ડ કરી, જુદી જુદી કંપનીના લોગો કે અક્ષરો સર્જવાની કોશિશ કરવામાં આવી રહી છે, જે પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાશે. થિયરીની દૃષ્ટિએ સેટેલાઇટના આવાં ઝૂમખાં ઊભાં કરવાનું તદ્દન શક્ય છે. એ જ રીતે આવા સેટેલાઇટ્સ તદ્દન ટચૂકડા હોવાને કારણે ખર્ચની રીતે પણ મોટાં કોર્પોરેશન્સ માટે આવું સ્પેસ એડવર્ટાઇઝિંગ વાયેબલ બને તેવી શક્યતા છે.
જોકે સ્પેસ એડવર્ટાઇઝિંગના આ નવે કન્સેપ્ટને કારણે અવકાશમાં ઓલરેડી સેટેલાઇટ્સનો ભરાવો થઈ રહ્યો છે, તેમાં વધારો થવાની તથા શહેરોના લાઇટ પોલ્યુશનમાં પણ વધારો થવાની ચિંતા દર્શાવવામાં આવી રહી છે.
લાંબા સમયથી જેની ચર્ચા હતી, તે જિઓ લેપટોપ આખરે લોન્ચ થઈ ગયું છે, અલબત્ત જરા જુદી રીતે. શરૂઆતમાં તે માત્ર સરકારી ઇમાર્કેટપ્લેસમાં ઉપલબ્ધ થયું અને હવે તો ત્યાંથી પણ ગાયબ થયું લાગે છે, સરેરાશ યૂઝર્સ તેની સીધી ખરીદી કરી શકતા નથી.

આ લેપટોપ સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થયું હોય તેવું લાગે છે. તે વિન્ડોઝ નહીં, પણ તેના પર આધારિત જિઓ-ઓએસ પર ચાલે છે અને તેના પર કેટલાક પોપ્યુલર વિન્ડોઝ પ્રોગ્રામ ચાલે તેવી શક્યતા છે. સ્પેસિફિકેશનની રીતે, આ લેપટોપ એકદમ એન્ટ્રી લેવલનું લેપટોપ છે, પરંતુ કિંમત પણ એવી જ છે – ફક્ત રૂ. ૧૯,૫૦૦. તેનું ફક્ત એક જ વર્ઝન ઉપલબ્ધ થયું છે. આ પ્રાઇસટેગ સાથે તે ક્રોમબુકની પણ હરીફાઇ કરી શકશે. આ લેપટોપની સરેરાશ યૂઝર્સ માટે ખરીદી ક્યારે શક્ય બનશે તે વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી.
જો તમારે અવારનવાર સરકારી વેબસાઇટ્સ સાથે પનારો પડતો હશે તો તમે જાણતા હશો કે પાછલાં થોડાં વર્ષોથી સરકારની વિવિધ વેબસાઇટમાં દેખીતા નોંધપાત્ર ફેરફાર થયા છે. વેબસાઇટ અને એપ્સનાં ‘લૂક એન્ડ ફીલ’ બદલાયાં છે. તેમ જ તેમનાં વિવિધ ફંકશન્સ પણ બદલાયાં છે. કમ સે કમ અમુક સરકારી સાઇટ્સ હવે જોવી ગમે તેવી બની છે. એવું લાગે છે કે આ સ્થિતિ હજી વધુ બદલાશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોને વેબસાઇટ ડેવલપમેન્ટ તથા અન્ય વિવિધ પ્રકારનાં ટેકનોલોજી આધારિત સોલ્યુશન્સ પૂરાં પાડવા માટે ૧૯૭૬માં મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી હેઠળ નેશનલ ઇન્ફર્મેટિક સેન્ટર (એનઆઇસી)ની રચના કરવામાં આવી હતી, એ સમયથી તેમાં મોટા ફેરફાર થયા નથી.
આ સંસ્થામાં લગભગ ૪૦૦૦ લોકો કામ કરે છે, જેમાંથી ૩૫૦૦ જેટલા લોકોની ભૂમિકા સીધેસીધી ટેકનોલોજી સંબંધિત છે.
સરકાર હવે એનઆઇસીને ધરમૂળથી મોર્ડન બનાવવા માગે છે. એનઆઇસીના ઓર્ગેનાઇઝેશનલ રિસ્ટ્રકચરિંગ માટે કન્સલટન્ટની નિમણૂક માટે તાજેતરમાં જ સરકારે એક ‘રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ’ જારી કરી છે.
દેશના અર્થતંત્રને વેગ આપવા માટે અને જાહેર વહીવટમાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે ત્યારે એનઆઇસીનું તંત્ર પણ હવે ખરેખર વેગ પકડશે તેવી આશા રાખીએ.
આઇફોન તેની ટેક્નોલોજીની દૃષ્ટિે આખી દુનિયા પર રાજ કરે છે, પણ આખરે તો એ ‘મેઇડ ઇન ચાઇના’ હોય છે! આ વાત લાંબા સમયથી ખોટી ઠરી રહી છે. એપલ કંપનીએ તેનાં ડિવાઇસિસના મેન્યુફેક્ચરિંગ માટે ચીન ઉપરાંત જુદા જુદા દેશો તરફ નજર દોડાવવાનું શરૂ કર્યું છે અને તેમાં ઘણા સમયથી ભારત પણ સામેલ છે. આ વર્ષે ભારતમાં એસેમ્બલ થયેલા આઇફોનની નિકાસ એપ્રિલ પછીના પાંચ મહિનામાં એક અબજ ડોલરના મૂલ્યને ઓળંગી ગઈ છે.
આ દરે નિકાસ ચાલુ રહેશે તો વર્ષ ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં એપલની ભારતમાંથી નિકાસ અઢી અબજ ડોલરને આંબી શકે છે. એમ થશે તો ગયા વર્ષની સરખામણીમાં નિકાસ બમણી થઈ જશે!
એપલે તેના લેટેસ્ટ આઇફોન ૧૪ પણ ભારતમાં મેન્યુફેક્ચર કરવાનું શરૂ કર્યું છે. એપલ માટે ચીન લાંબા સમયથી તેનું મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ રહ્યું છે, હવે ભારતે પણ તેમાં ભાગ પડાવવાનું શરૂ કર્યું છે તેથી ચીનના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે.
