અહીં જે ગેમ્સની વાત કરી છે, તે બધીનાં મૂળ ‘વર્ડલ’ નામની એક ગેમમાં છે. આ ગેમ વિશે આપણે ફેબ્રુઆરી ૨૦૨૨ અંકમાં વિગતવાર વાત કરી છે. અહીં આપેલી ગેમ્સ તપાસતાં પહેલાં મૂળ વર્ડલ (nytimes.com/games/wordle) રમી જોવાની ખાસ ભલામણ.

તમારે કોઈ ‘ઇન્ટેલિજન્ટ’ ગેમ રમવી છે?’’ કોઈ તમને આવું પૂછે એટલે કદાચ તરત તમે જવાબ આપો, ‘‘વર્ડલને? રમું જ છું!’’ આટલી વાતચીતમાં બંને પક્ષને પોરસાવાની તક મળે! ગયા વર્ષના અંત ભાગમાં અચાનક જબરી પોપ્યુલર થયેલી વર્ડલ (nytimes.com/games/wordle) ગેમ એટલી ચાલી કે ગૂગલે સર્ચ પેજ પર વર્ડલને ખાસ સ્થાન આપ્યું અને ન્યૂયોર્ક ટાઇમ્સ અખબારે આ ગેમ ખરીદી લીધી. ઇન્ટરનેટ પર કોઈ વાતનો ક્રેઝ લાંબું ટકતો નથી, પણ વર્ડલ ગેમ એમાં અપવાદ પૂરવાર થઈ છે.
મારધાડવાળી કે મગજ બંધ રાખીને મોબાઇલના સ્ક્રીન પર સતત આંગળી ફેરવ્યા કરવી પડે એવી ગેમ્સથી બધા નહીં, પણ અમુક લોકો હવે કંટાળવા લાગ્યા છે. એમને વર્ડલ એકદમ રીફ્રેશિંગ લાગી. વધુ મજા એ કે આ ગેમ દિવસમાં એક જ વાર રમી શકાય.

એક સાચો શબ્દ શોધી કાઢો એટલે પોતે કેટલી ટ્રાયલમાં જીત મેળવી એ ફેમિલી, ફ્રેન્ડ્સને શેર કરવાનું અને પછી રાતના ૧૨ વાગ્યે બીજા વર્ડની ચેલેન્જ આવે ત્યાં સુધી રાહ જોવાની!
વર્ડલની પોપ્યુલારિટી જોઈને બીજા કેટલાય ડેવલપર્સને પણ ચાનક ચઢી અને તેમણે ઘણે અંશે વર્ડલ જેવી પણ એમાં કંઈક આડીઅવળી કરામત મૂકીને નવી ગેમ્સ બનાવી. કેટલાકે વર્ડલની જેમ છ ટ્રાયમાં સાચા જવાબ સુધી પહોંચવાનું ફોર્મેટ જાળવ્યું, પણ અક્ષરો અને શબ્દોને બદલે કંઈક જુદી જ બાબતોને ચેલેન્જ તરીકે આપી.
વર્ડલ ગેમ ઇન્ટરનેટ પર પોપ્યુલર અન્ય ગેમ્સ કરતાં બહુ જુદી છે – ખાસ તો એ રમવાની દૃષ્ટિએ સીધીસાદી છે. એ જ કારણે લોકોને તેનું ઘેલું લાગ્યું અને લોકો રોજેરોજ, ફક્ત એક શબ્દ માટે રમી શકાતી આ ગેમ રમવા લાગ્યા. વર્ડલની કોપી જેવી, છતાં ઇન્ટરેસ્ટિંગ બીજી કેટલીય ગેમ્સ બની છે. કોડિંગની દૃષ્ટિએ આ બધી ગેમ એક કેસ સ્ટડી જેવી છે!
તમને પણ કંઈક ‘હટ કે’ ગેમ્સનો ચસકો લાગ્યો હોય તો આગળ આવી કેટલીક ગેમ્સ આપી છે. વર્ડલ પ્રકારની આવી તો પાર વગરની ગેમ્સ હવે મળશે, પણ એમાંથી અહીં બતાવેલી ગેમ્સ, ઓરિજિનલની કોપી હોવા છતાં ઘણી રીતે અનોખી છે.
અને હવે મૂળ મુદ્દાની વાત. જો તમને આઇટીમાં, કોડિંગમાં કે પ્રોગ્રામિંગમાં રસ હોય તો આ ગેમ્સ સ્ક્રીન પર જેવી દેખાય છે એવી કઈ રીતે દેખાય છે, તેમાં કોડિંગની કઈ કરામત કામ કરે છે એ બાબતે પણ થોડા ઊંડા ઊતરી જુઓ. વર્ડલ જેવી ગેમનો આખો કોડ પણ તમને શોધી શકો છો.
ગેમ કરતાં પણ, એનું આ પાસું તમને વધુ રસપ્રદ લાગશે, એ નક્કી!
સૌથી પહેલાં એક સ્પષ્ટ ચેતવણીઃ ગણિત-મેથ્સ તમારો ફેવરિટ સબ્જેક્ટ હોય તો જ આ ગેમ તરફ નજર નાખજો! ગેમ બિલકુલ વર્ડલ પ્રકારની છે, ફેર ફક્ત એટલો કે આમાં આપણે શબ્દો નહીં, આંકડા અને સરવાળા, બાદબાકી, ગુણકાર, ભાગકારની મદદથી, પહેલેથી નિશ્ચિત એક સમીકરણ છ ટ્રાયમાં શોધવાનું છે.

સમીકરણમાં તમે ૦ થી ૯ અને ચારેય ગણતરીની નિશાની તથા બરાબરની નિશાનીનો ઉપયોગ કરી શકો. સમીકરણમાં બરાબરની નિશાની અચૂક હોવી જોઈએ.
વર્ડલની જેમ મનમાં આવે તે સમીકરણ અહીં લખીને શરૂઆત કરવાની, આપણે મૂકેલ અંકો કે નિશાની તેની સાચી કે ખોટી જગ્યાએ હોય કે મૂળ સમીકરણમાં હોય જ નહીં તો એ મુજબ તેના રંગ બદલાય. એ ક્લૂના આધારે આપણે નવું સમીકરણ વિચારવાનું. ગણિતનો ગણતરીનો સ્ટાન્ડર્ડ ક્રમ યાદ રાખવાનો રહેશે. ગણિતના શિક્ષકો અને આજીવન વિદ્યાર્થીઓ સૌને ગમે એવી ગેમ છે!
ગણિત-મેથ્સ તમારો ફેવરિટ સબ્જેક્ટ હોય તો જ આ ગેમ તરફ નજર નાખજો! ગેમ બિલકુલ વર્ડલ પ્રકારની છે.
બની શકે કે વર્ડલ ગેમ તમને થોડી મુશ્કેલ લાગે કેમ કે એમાં નક્કી શબ્દ સુધી પહોંચવા આપણે બધા જ લેટર્સ આપણી કલ્પનાથી જ વિચારવાના છે. વેફલ એ દૃષ્ટિએ વાત થોડી સહેલી કરી દે છે. એ એક પ્રકારે વર્ડલ જેવી અને બીજી નજરે ક્રોસવર્ડ જેવી ગેમ છે. તેમાં ક્રોસવર્ડની જેમ આડા-ઊભા કેટલાક લેટર્સ આપેલા છે. જવાબમાંનો અનેે સાચી જગ્યાએ રહેલ લેટર ગ્રીન હશે, જવાબમાંનો, પણ ખોટી જગ્યાએ મૂકાયેલો લેટર ઓરેન્જ રહેશે…

આવા વર્ડલ પ્રકારના નિયમો ધ્યાનમાં રાખીને આપણે સાચા, પણ ખોટી જગ્યાએ રહેલા શબ્દોને ડ્રેગ કરી, નવી જગ્યાએ મૂકવાના અને એક આખો, સાચો શબ્દ બનાવવાનો. દરેક વેફલ સોલ્વ કરવા આવી ૧૫ મૂવ મળે અને દરેક વેફલ ફક્ત ૧૦ મૂવમાં સોલ્વ કરી શકાય છે. ગેમ આસાન છે, છતાં મુશ્કેલ લાગે તો તેના રોજેરોજના જવાબ આપતી સાઇટ્સ પણ છે! એક બે દિવસ વેફલની પઝલ અને તેનો જવાબ જોશો તો જાતે રમતાં આવડી જશે!
વેફલ એક પ્રકારે વર્ડલ જેવી અને બીજી નજરે ક્રોસવર્ડ જેવી ગેમ છે. તેમાં ક્રોસવર્ડની જેમ આડા-ઊભા કેટલાક લેટર્સ આપેલા છે.
આ ગેમનું નામ છે ‘વર્લ્ડલ’. સ્પેલિંગ તરફ ધ્યાન આપજો! આ ગેમ વર્ડલ પ્રકારની જ છે પરંતુ તેમાં ‘વર્ડ’ ને બદલે ‘વર્લ્ડ’ પર ફોક્સ છે. આ ગેમ દુનિયાના વિવિધ સ્થળોના નકશાને આધારે એ દેશ ઓળખવા વિશેની છે.

ગેમના પેજ પર તમે પહોંચશો એટલે એક દેશનો બ્લેક નકશો જોવા મળશે. વર્ડલની જેમ જ આપણે છ ટ્રાયલમાં એ નકશો ક્યા દેશનો છે તે શોધી કાઢવાનું! પહેલી ટ્રાયલમાં આપણે અમથું જ ગપ્પું મારીને શરૂઆત કરીએ એટલે દરેક ખોટી ટ્રાયલ વખતે આપણે સાચા દેશથી કેટલા કિલોમીટર દૂર છીએ અને આપણી ધારણા કરતાં સાચો દેશ કઈ દિશામાં છે એની ક્લૂ મળે. એના આધારે આપણે સાચા દેશ સુધી પહોંચવાનું. વર્ડલની જેમ આ ગેમમાં પણ રોજની ફક્ત એક ગેમ રમવા મળે છે.
દુનિયાના નક્શાનો તમને પૂરતો અંદાજ ન હોય તો આ ગેમ માથા ઉપરથી જ જશે, પણ ભૂગોળ શીખવા-શીખવવાની આ પણ એક મજેદાર રીત બની શકે છે.
‘વર્લ્ડલ’ ગેમ દુનિયાના વિવિધ સ્થળોના નકશાને આધારે એ દેશ ઓળખવા વિશેની છે.
જો તમને મૂળ વર્ડલ ગેમનો ચસકો લાગી ગયો હશે તો તમને રોજેરોજ વધુ વર્ડ સાથે આ ગેમ રમવાની ઇચ્છા થતી હશે, પણ એ ગેમ રોજનો ફક્ત એક વર્ડ રમવા દે છે! વધુ વર્ડની તમારી ઇચ્છા પૂરી થઈ શકે આ ગેમમાં – ક્વોર્ડલમાં. નામ મુજબ, આ ગેમ એક સાથે ચાર શબ્દ શોધવાની તક આપે છે, પણ વાત એટલી સહેલી નથી.

આ ગેમના પેજ પર પહોંચશો એટલે તમને વર્ડલની જેમ, એક સાથે ચાર બોક્સમાં, છ ટ્રાયલમાં, પાંચ લેટર્સના વર્ડ શોધી આપવાની ચેલેન્જ આપવામાં આવશે. ટ્રિક એ છે કે તમારે એક સાથે ચારેય બોક્સના વર્ડ શોધવાના છે, હા એક સાથે! વર્ડલની જેમ તમે કોઈ એક વર્ડનો અંદાજ મૂકીને તેને સબમિટ કરશો એટલે તે એક સાથે ચારે બોક્સમાં દેખાશે!
વાત અહીંથી એકદમ ટ્રિકી બની જાય છે. આપણે એક સાથે ચારેય બોક્સ પર નજર રાખતા રહીને વર્ડ એ રીતે શોધવાના છે, જેથી છેવટે ચારેય સાચા શબ્દ સુધી પહોંચી શકીએ. ચાર વર્ડ શોધવા આપણને કુલ ૯ ટ્રાય મળે છે.
વર્ડલ ગેમનો ચસકો લાગ્યો હોય, તો પણ તેમાં રોજનો ફક્ત એક વર્ડ રમવા દે છે! વધુ વર્ડની ઇચ્છા પૂરી થઈ શકે આ ગેમમાં.
વર્ડલથી બિલકુલ ઊંધા પ્રકારની ગેમ! વર્ડલમાં આપણ સાવ કોરી પાટી મળે અને આપણે મનમાં સૂઝે તેવા વર્ડ્સથી ટ્રાય કરીને સાચા શબ્દ સુધી પહોંચવું પડે. જ્યારે અહીં જવાબ પહેલેથી આપેલો હોય, છેક છેલ્લી હરોળમાં.

આપણે ઉપર દરેક હરોળમાં ખોટા, પણ ડિક્શનરીમાં હોય તેવા શબ્દો લખીને વર્ડલ મુજબ ખોટી ઠરે એવી રીતે વર્ડલની આખી ગ્રિડ પૂરી કરવાની! ચેલેન્જ એ કે અહીં પણ વર્ડલની જેમ કલર મુજબ સાચો કે ખોટી જગ્યાએ મૂકાયો હોય તેવો લેટર શોધવાની મગજમારી કરવાની.
વર્ડલ રમીને કંટાળો તો એનાથી બિલકુલ ઊંધી આ ગેમ રમી જુઓ. ખાસ્સી હાર્ડ પડશે, પણ સારી વાત એ છે કે તેમાં ઇઝી, મીડિયમ અને હાર્ડ એવાં લેવલ્સ સેટ કરી શકાય છે. ઉપરાંત, અહીં રોજની એક પઝલ ઉપરાંત, એક સાથે મન ફાવે એટલી પઝલ્સ રમવાની પણ સગવડ છે.
મરજી પડે તો અહીં તમે તમારી રીતે ક્રોસવર્ડ પણ ક્રિએટ કરી શકો છો.
વર્ડલ રમીને કંટાળો તો એનાથી બિલકુલ ઊંધી આ ગેમ રમી જુઓ. તેમાં ઇઝી, મીડિયમ અને હાર્ડ એવાં લેવલ્સ સેટ કરી શકાય છે.
વર્ડલ રમતી વખતે, આપણે કયો લેટર સાચી જગ્યાએ મૂક્યો, કયો લેટર સાચો છે, પણ ખોટી જગ્યાએ મૂક્યો અને કયા લેટર્સ સાવ ખોટા છે… આ બધું વર્ડલ આપણને સાવ સાચેસાચું કહે છે.

પણ ધારો કે, એ અંચઈ કરે તો?! જાણી જોઈને એ આપણને ખોટા રસ્તે ચડાવે તો? તો બીજું કંઈ નહીં, ગેમ વધુ ઇન્ટરેસ્ટિંગ બને! ફીબલ આવી જ ગેમ છે. એ વર્ડલની જેમ જ રમવાની છે, પણ દરેક રોમાં, ફક્ત એક લેટર બાબતે એ આપણને ખોટી માહિતી આપે છે! આપણને જે લેટર માટે ગેમ જૂઠું બોલે છે એવું લાગે તેને માટે ફ્લેગ લગાવી શકીએ છીએ, જેથી તેને ટ્રેક કરી શકાય. પછી આપણી રીતે ટ્રાય કરીને સચ ક્યા ઔર જૂઠ ક્યા એ શોધવાનું. બસ વર્ડલ કરતાં આ ગેમમાં આટલો જ ટ્વીસ્ટ છે, પણ એનાથી ગેમ થોડી વધુ રોમાંચક બની જાય છે.
આ ગેમ પણ તમે રોજના એક વર્ડના હિસાબે રમી શકો છો અથવા ચાહો તેટલા વર્ડના મોડમાં પણ જઈ શકો છો.
આ ગેમ પણ તમે રોજના એક વર્ડના હિસાબે રમી શકો છો અથવા ચાહો તેટલા વર્ડના મોડમાં પણ જઈ શકો છો.
તમે ઇન્ટરનેટ પર શોધવા બેસશો તો વર્ડલથી ‘ઇન્સ્પાયર’ થયેલી, તેના જેવી બીજી કેટલીય ગેમ્સ મળી આવશે, જેના પરથી સમજાય કે લોકો કેટલું દિમાગ દોડાવી શકે છે! જેમ કે…
હીયર્ડલ (heardle.app)

તમે સાચું સાંભળ્યું, આ ગેમ તેના નામ મુજબ સાંભળવાને લગતી છે! સૌથી પહેલાં ફક્ત એક સેકન્ડની સાઉન્ડ ક્લિપ સાંભળવા મળે, જો ગીત ઓળખી ન શકીએ તો જરા વધુ લાંબી, એ રીતે આપણને છ ક્લૂ મળે, જેના આધારે આપણે ગીત ઓળખી બતાવવવાનું!
ફ્રેમ્ડ (framed.wtf)

વર્ડલની નામમાં પણ કોપી ન કરી હોય એવી પહેલી ગેમ! સોંગ્સની જેમ આ મૂવી ક્લિપ્સ આધારિત ગેમ છે. નાની નાની ફ્રેમ પરથી, આપણે મૂવી ઓળખવાની. હા, હોલીવૂડના રસિયા હો તો જ આ અને બાજુમાંની હીયર્ડલ ગેમ તમારે કામની છે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે કામની!
ફૂડલ (food-le.io)
યસ, બિલકુલ વર્ડલ જેવી, પણ માત્ર ખાણી-પીણીને સંબંધિત શબ્દોની બનેલી ગેમ.

ઉપરના સ્ક્રીનશોટમાં દેખાય છે તેમ આપણે માત્ર ફૂડને સંબંધિત શબ્દો શોધવા પર ધ્યાન આપવાનું છે! વાત સહેલી લાગશે, પણ રમશો તો ખ્યાલ આવશે કે એટલી સહેલી નથી.

આટલે સુધી વાંચીને જ કદાચ તમે ગૂંચવાઈ જશો – જો આ બધી ગેમ્સના પ્રેરણાસ્રોત જેવી વર્ડલ ગેમ નહીં રમ્યા હો તો તો ખાસ. પરંતુ પહેલાં વર્ડલ અને પછી આ બધી ગેમ્સ એક વાર ટ્રાય જરૂર કરશો.
કોઈ એક ગેમ ગમી જશે ને એને રોજેરોજ રમવાની કોશિશ કરશો તો ગેમ રમવાના આનંદ ઉપરાંત બીજું પણ ઘણું મેળવશો!
મગજને પાવરફુલ બનાવવાનો આ પણ એક રસ્તો છે.
ઓકે, આ બધી તો અત્યારે ખાસ્સી વાઇરલ થયેલી, ડેવલપરને મોટી કમાણી કરાવી ગયેલી ગેમની અને તેની કોપી હોવા છતાં વાઇરલ થયેલી ગેમ્સની વાત થઈ. તમે આ ગેમ્સ રમતા હો અને ક્યાંય અટકો તો કયા વર્ડથી શરૂઆત કરવાથી તમે વધુ સહેલાઈથી સાચા જવાબ સુધી પહોંચી શકો તેની હિંટ્સ અને રોજેરોજની ચેલેન્જના સાચા જવાબ કેટલીય સાઇટ્સ પર હવે નિયમિત રીતે મૂકાવા લાગ્યા છે.
પરંતુ આ બધું તો સ્ક્રીન પર આપણને અને અન્ય સૌને જે દેખાય છે તેની વાત થઈ.

જો તમને આઇટી કે કોડિંગ કે પ્રોગ્રામિંગમાં રસ હોય તો સ્ક્રીન પરની ગેમ પાછળની ગેમ એટલે કે તેના કોડિંગમાં રસ પડવો જોઈએ.
વર્ડલની વાત કરીએ તો તેના ડેવલપરે સૌથી પહેલાં તો પાંચ લેટર્સથી બનતા ઇંગ્લિશ ડિક્શનરીમાંના વર્ડ્સનો એક ડેટાબેઝ તૈયાર કર્યો. ત્યાર પછી, જ્યારે કોઈ પ્લેયર પહેલી વાર પાંચ લેટરનો કોઈ વર્ડ લખે ત્યારે તે ડેટાબેઝમાંના કોઈ વર્ડ સાથે મેચ થાય છે કે નહીં તે તપાસતો કોડ લખ્યો. જો વર્ડ સાચો હોય, પણ એ દિવસના નક્કી થયેલા શબ્દ સાથે મેચ થતો ન હોય તો કયા લેટર્સ સાચા છે, કયા ખોટા સ્થાને છે, તેને કલર્સથી દર્શાવવા… આ બધી ભેજામારી કરીને તેને લગતા કમાન્ડ લખ્યા.
હવે મજા જુઓ. આ ગેમ બ્રાઉઝરમાં રમી શકાતી વેબબેઝ્ડ ગેમ છે અને તે જાવાસ્ક્રિપ્ટમાં તૈયાર થયેલી છે. તમે ઇચ્છો તો તેનું વેબપેજ ડાઉનલોડ કરીને તેના કોડ અને ડેટાબેઝ સુધી પણ પહોંચી શકો એવી સ્થિતિ!
પરિણામે યુટ્યૂબ પર થોડી ખણખોદ કરો તો આ વર્ડલનો ક્લોન કેવી રીતે તૈયાર કરી શકાય, જાવાસ્ક્રિપ્ટને બદલે તેને પાયથોનમાં બનાવી શકાય કે નહીં, તથા આખા કોડને ડેવલપરની નજરે સમજાવતા વીડિયો પણ મળી આવશે. એટલું નહીં, વર્ડલ જેવી જ ગેમના ક્લોનનું લાઇવ કોડિંગ બતાવવા પાંચ-પાંચ કલાકના વીડિયો પણ મળશે!
વર્ડલ જેવી ગેમ ‘અન્ડર ધ હૂડ’ કેવી રીતે કામ કરે છે એ, ભલે બીજા એક્સપર્ટ પાસેથી, પણ તમે જાતે સમજો તો ધીમે ધીમે વિવિધ પ્રકારના પ્રોગ્રામ તૈયાર કરવાના કન્સેપ્ટ ક્લીયર થતા જશે!

